મેટલ ઇન્ડેક્સ તમામ શૅરની ખરાબીમાં ૪૨૨ પૉઇન્ટ પીગળ્યો, બજાજ ટ્વિન્સ સેન્સેક્સ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યા : બન્ને બજારનાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં, એફએમસીજી ઇન્ડેક્સ અપવાદ : હિન્દુ. યુનિલીવર અઢી ટકા ઊંચકાઈ બન્ને બજારમાં ટૉપ ગેઇનર
માર્કેટ મૂડ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બ્રેન્ટ ક્રૂડ ગગડી ૭૧ ડૉલર થતાં ઑઇલ માર્કેટિંગ શૅરોમાં સુધારો, શુગર શૅરોમાં નબળાઈ : મુંબઈના બાંગુરનગર (ગોરેગામ) ખાતેની ઍમકૉન રસાયણમાં ૨૬ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો : આરતી સર્ફક્ટન્સનો પાર્ટ પેઇડ ૨૦ ટકાની તેજીમાં તો કોસ્ટલ કૉર્પનો પાર્ટ પેઇડ ૧૪ ટકા જેવો તૂટ્યો : મેટલ ઇન્ડેક્સ તમામ શૅરની ખરાબીમાં ૪૨૨ પૉઇન્ટ પીગળ્યો, બજાજ ટ્વિન્સ સેન્સેક્સ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યા : બન્ને બજારનાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં, એફએમસીજી ઇન્ડેક્સ અપવાદ : હિન્દુ. યુનિલીવર અઢી ટકા ઊંચકાઈ બન્ને બજારમાં ટૉપ ગેઇનર
ક્રેડિટ સુઈસ બૅન્કને ટેકઓવર કરવા એનું કટ્ટર હરીફ યુબીએસ ગ્રુપ સહમત થયું છે. આ ડીલ ૩૨૫ કરોડ ડૉલરમાં થશે. ૨૦૦૮ની સબ-પ્રાઇમ ક્રાઇસિસ પછી ક્રેડિટ સુઈસ લગભગ કાચી પડનારી પ્રથમ સૌથી મોટી બૅન્ક છે. ક્રેડિટ સુઈસને હસ્તગત કરવાથી થનારી લોસને સરભર કરવા સ્વિસ ગવર્નમેન્ટ યુબીએસ ગ્રુપને ૯ અબજ ડૉલર આપશે. આ ઉપરાંત ત્યાંની મધ્યસ્થ બૅન્ક ૧૦૦ અબજ ડૉલરનો લિક્વિડિટી સપોર્ટ પુરો પાડશે. ક્રેડિટ સુઈસની સ્થાપના ૧૮૫૬માં થઈ હતી. યુબીએસ પછી એ સ્વિટ્ઝરલૅન્ડની બીજા નંબરની સૌથી મોટી બૅન્ક હતી. આ ટેકઓવર ડીલથી સુઈસ બૅન્ક ઊગરી જશે અને એના કારણે બૅન્કિંગ ક્રાઇસિસનો ફફડાટ જતો રહેશે એવી ધારણા હાલ વધુ પડતી છે. શૅરબજારોની સોમવારની ચાલ, ખાસ કરીને બૅન્કિંગ ફાઇનૅન્સના શૅરો ઉપરનું પ્રેશર આ વાત પુરવાર કરે છે. સોમવારે અગ્રણી તમામ એશિયન બજારો ઘટ્યાં છે. હૉન્ગકૉન્ગ ૨.૭ ટકા, જૅપનીઝ નિક્કી દોઢ ટકા, સિંગાપોર ૧.૪ ટકા, ઇન્ડોનેશિયા એક ટકા, ચાઇના અને સાઉથ કોરિયા અડધો ટકો હતા. થાઇલૅન્ડ અડધો ટકો નરમ હતું. યુરોપ એક-દોઢ ટકાની આગલા દિવસની નબળાઈ બાદ ગઈ કાલે રનિંગમાં અડધા ટકા સુધી ઢીલું હતું. દરમ્યાન અમેરિકન ફેડની મીટિંગ ૨૧-૨૨ના રોજ છે. ત્યાં ફેબ્રુઆરી માસનો ફુગાવો ઘટીને ૬ ટકા આવ્યો છે. વળી સિલિકૉન વૅલી બૅન્ક અને સિગ્નેચર બૅન્કના ઉઠમણા પછી ક્રાઇસિસની હાલત છે. આથી ફેડ વ્યાજદરમાં વધારો કરવાનું બંધ કરશે એવી ધારણા રખાય છે. કેટલાકને તો ફેડ રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો દેખાઈ રહ્યો છે. ક્રેડિટ સુઈસ બૅન્કને ટેકઓવર કરવાની સાથે યુબીએસ ગ્રુપ દ્વારા ૧૭.૩ અબજ ડૉલરના એડિશનલ ટીઅર-વન બૉન્ડ જે ક્રેડિટ સુઈસ તરફથી ઇશ્યુ કરાયા હતા, એને સંપૂર્ણપણે રાઇટ ડાઉન કે માંડવાળ કરવાની જાહેરાત કરાઈ છે. આની અસર વત્તે-ઓછે અંશે એટી-વનની સમગ્ર બૉન્ડ બજાર પર પડશે. એકલા યુરોપ ખાતે આ પ્રકારના બૉન્ડનું માર્કેટ ૨૭૫ અબજ ડૉલરનું છે. દરમ્યાન વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ વધુ ઘટીને ૭૧.૫૦ ડૉલરની અંદર તો નાયમેક્સ ક્રૂડ ૬૫ ડૉલરે આવી ગયું છે.
ADVERTISEMENT
એફએમસીજી સિવાય તમામ સેક્ટોરલ માઇનસ, માર્કેટ બ્રેડ્થ ખરાબ
સોમવારે ઘરઆંગણે બજાર ૨૧૭ પૉઇન્ટ જેનું નરમ ખુલ્યા બાદ અંતે ૩૬૧ પૉઇન્ટ ઘટી ૫૭,૬૨૯ બંધ થયું છે. સેન્સેક્સ ઉપરમાં ૫૭,૮૨૯ થયા પછી નીચામાં ૫૭,૦૮૫ દેખાયો હતો. નિફ્ટી ૧૧૨ પૉઇન્ટ ઘટી ૧૬,૯૮૮ થયો છે. બન્ને બજારોનાં લગભગ તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં ગયાં છે. સેન્સેક્સ નિફ્ટીની ૦.૬ ટકાની નરમાઈ સામે આઇટી ઇન્ડેક્સ સવા ટકો, મેટલ બેન્ચમાર્ક સવા બે ટકા, રિયલ્ટી સવા ટકો, કૅપિટલ ગુડ્સ એક ટકો, નિફ્ટી મેટલ ૨.૪ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણાબે ટકા બગડ્યા છે. માર્કેટ બ્રેડ્થ ખાસ્સી નબળી હતી. એનએસઈમાં ૫૨૭ શૅર પ્લસ તો ૧૫૬૦ જાતો માઇનસ થઈ છે. એફએમસીજી આંક અડધો ટકો વધ્યો છે. મુંબઈના ગોરેગામ ખાતેના બાંગુરનગરની ઍમકૉન રસાયણનો એસએમઈ આઇપીઓ ૧૦ના શૅરદીઠ ૪૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૨૬ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૫૦ ઉપર બંધ થયો છે. અમદાવાદી પ્રોસ્પેક્ટ કૉમોડિટીઝ શૅરદીઠ ૬૧ની ઇશ્યુ પ્રાઇસ સામે ૬૧ બંધ થયો છે એટલે કે અહીં કોઈ લિસ્ટિંગ ગેઇન મળ્યો નથી. આરતી સર્ફક્ટન્સનો પાર્ટ પેઇડ શૅર ૨૦ ટકા ઊછળી ૨૦૬ વટાવી ત્યાં જ બંધ થયો છે. આરતી ડ્રગ્સ તાજેતરની ખરાબી બાદ ૨૦ ટકા વધી ૩૮૦ હતો. કૉસ્ટલ કૉર્પોરેશનનો પાર્ટ પેઇડ શૅર ૧૪ ટકા તૂટીને ૧૨૦ રહ્યો છે. શ્રી ગણેશ રેમેડિઝનો પાર્ટ પેઇડ ૧૧૪ના તળિયે જઈ ૩.૫ ટકા ગગડીને ૧૩૪ હતો. ઉજ્જીવન ફાઇ. પ ગણા કામકાજે નીચામાં ૨૩૬ બનાવી ૫.૪ ટકા તૂટી ૨૪૭ રહ્યો છે. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે ૨.૧૦ લાખ કરોડ રૂપિયા ઘટ્યું છે.
રિલાયન્સ લગભગ ૧૯ મહિનાના તળિયે, અદાણીના ૧૦માંથી ૯ શૅર માઇનસ
સોમવારે સેન્સેક્સના ૩૦માંથી ૨૩ અને નિફ્ટીના ૫૦માંથી ૪૦ શૅર ખરડાયા છે. બજાજ ફીનસર્વ ૪.૩ ટકા ગગડી ૧૨૪૬ તથા બજાજ ફાઇનૅન્સ ૩.૨ ટકા કે ૧૮૨ રૂપિયાની ખરાબીમાં ૫૫૫૧ બંધ થતાં આ બન્ને શૅર બજારને ૭૩ પૉઇન્ટ નડ્યા છે. તાતા મોટર્સ બે ટકા, તાતા સ્ટીલ ૨.૪ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૯ ટકા, વિપ્રો અઢી ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૮ ટકા, ટેક મહિન્દ્ર ૧.૬ ટકા, અલ્ટ્રા ટેક પોણો ટકો, ટીસીએસ ૧.૨ ટકા ડૂલ થયા હતા. અદાણી એન્ટર ૩.૮ ટકા ગગડ્યો છે. હિન્દાલ્કો ૨.૬ ટકા અને અદાણી પોર્ટ્સ બે ટકા નિફ્ટી ખાતે માઇનસ હતા.
રિલાયન્સ નવા ઐતિહાસિક તળિયાની શોધમાં ઘટતો જાય છે. ભાવ ૨૧૮૦ની ઑગસ્ટ ૨૦૨૧ પછીની બૉટમ બનાવી એક ટકાની ખરાબીમાં ૨૨૦૨ બંધ રહેતાં સેન્સેક્સને ૬૫ પૉઇન્ટનો માર પડ્યો છે. હિન્દુસ્તાન યુનિલીવર અઢી ટકા વધી ૨૫૦૮ હતો. નિફ્ટી ખાતે ભારત પેટ્રો ૨.૩ ટકાના સુધારામાં ૩૬૦ હતો. દીવીસ લૅબ અડધો ટકો વધ્યો છે. અદાણી ગ્રુપના ૧૦માંથી ૯ શૅર ડાઉન હતા. અદાણી એન્ટર ૩.૮ ટકા ગગડી ૧૮૦૫, અદાણી પોર્ટ્સ બે ટકા ઘટી ૬૬૭, અદાણી પાવર ૪.૮ ટકા તૂટી ૧૯૦, અદાણી ટ્રાન્સ દોઢ ટકા ઘટીને ૧૦૦૯, અદાણી ગ્રીન ૩.૯ ટકા ઊંચકાઈ ૮૪૯, અદાણી ટોટલ પાંચ ટકા તૂટી ૮૫૩, અદાણી વિલ્મર ૩.૨ ટકા બગડી ૪૧૪ બંધ થયા છે. એસીસી ૨.૧ ટકા ઘટી ૧૬૯૨ તો અંબુજા સિમેન્ટ ૩.૪ ટકા તૂટી ૩૬૫ રહ્યો છે. એનડીટીવી ૩.૫ ટકાની નબળાઈમાં ૧૯૯ હતો. મોનાર્ક નેટવર્થ ૩.૯ ટકાના ઘટાડામાં ૨૦૩ બંધ આવ્યો છે. પતંજલિ ફૂડ્સ અઢી ગણા કામકાજમાં નરમાઈ આગળ ધપાવતાં નીચામાં ૮૫૨ બતાવી ૧.૩ ટકા ઘટી ૮૮૫ હતો.
આ પણ વાંચો: ગ્લોબલ અનિશ્ચિતતા તેજીને ટકવા દેશે નહીં, સ્થાનિક પરિબળો તૂટવા દેશે નહીં
વિપ્રો ૨૩ મહિનાના તળિયે ગયો, ઇન્ફોસિસ વર્ષની બૉટમ ભણી
આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૪૨ શૅરના બગાડમાં ૧.૩ ટકા કે ૩૬૫ પૉઇન્ટ માઇનસ થયો છે. ઇન્ફી વર્ષની નીચી સપાટીએ જવાની તૈયારીમાં લાગે છે. ભાવ ૧૩૮૬ એપ્રિલ-૨૦૨૧ પછીની નીચી સપાટી નોંધાવી અઢી ટકા ખરડાઈ ૩૬૭ હતો. ટીસીએસ ૧.૨ ટકા બગડી ૩૧૪૧, ટેક મહિન્દ્ર દોઢ ટકા ગગડી ૧૧૦૯ તો એચસીએલ ટેક્નૉ દોઢ ટકા ઘટી ૧૦૯૧ બંધ હતા. લાટિમ સહેજ વધીને ૪૬૮૮ હતો. એમ્ફાસિસ ૧૮૧૨ની નવી નીચી સપાટીએ જઈ ૩.૪ ટકા તૂટી ૧૮૨૫ થયો છે. તાતા ઍલેક્સી નીચામાં ૫૯૯૧ બતાવી ૧.૮ ટકાના ઘટાડે ૬૦૪૪ હતો. ટેલિકૉમમાં રાઉટ મોબાઇલ ૩.૮ ટકા વધી ૧૩૩૧ થયો છે. તેજસ નેટ, એમટીએનએલ, એચએફસીએલ, સ્ટરલાઇટ ટેક્નૉ, ઑન મોબાઇલ, તાતા ટેલિ, ઓપ્ટિમસ એકથી છ ટકા ડૂલ થયા છે. ભારતી ઍરટેલ ૦.૩ ટકો તો વોડાફોન એક ટકા નરમ હતા. આઇટી અને ટેલિકૉમના પ્રેશર સામે નેટવર્ક-૧૮ ૧૨.૮ ટકા, ટીવી-૧૮ અઢી ટકા, જસ્ટ ડાયલ ૪.૫ ટકા, સારેગામા સવા ટકો પ્લસ આપીને ટેક્નૉલૉજીઝ ઇન્ડેક્સ ૨૭માંથી ૧૯ શૅરના ઘટાડે ૧.૧ ટકા કટ થયો છે.
આઇશર, મારુતિ સુઝુકી, હીરો મોટોકૉર્પ અશોક લેલૅન્ડ, તાતા મોટર્સ, સંવર્ધન મધરસન જેવી જાતોના પોણાથી સાડાત્રણ ટકાના ઘટાડા સાથે ઑટો ઇન્ડેક્સ ૦.૯ ટકા કે ૨૪૬ પૉઇન્ટ ડૂલ થયો છે. મહિન્દ્ર ૦.૨ ટકા, ટીવીએસ મોટર્સ અને બજાજ ઑટો અડધો ટકો નરમ હતા. મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૧૦ શૅરની ખરાબીમાં ૨.૨ ટકા કે ૪૨૨ પૉઇન્ટ પીગળ્યો છે. અત્રે તાતા સ્ટીલ, કોલ ઇન્ડિયા, વેદાન્ત, સેઇલ, જિંદલ સ્ટીલ, હિન્દાલ્કો દોઢથી પોણાત્રણ ટકા તો નાલ્કો ૪.૪ ટકા તૂટ્યો છે. નિફ્ટી મેટલ ૧૫માંથી ૧૫ શૅરના ઘટાડે ૨.૪ ટકા ખવાયો છે.
બૅન્કિંગમાં બૂરાઈ, ઉદ્યોગના ૩૭માંથી ૩૨ શૅર ડાઉન, તેલ કંપનીઓ સુધરી
બૅન્ક નિફ્ટી નીચામાં ૩૮,૯૪૨ થઈ ૦.૬ ટકા કે ૨૩૬ પૉઇન્ટની નબળાઈમાં ૩૯,૩૬૨ બંધ થયો છે. અત્રે ૧૨માંથી નવ જાતો ઘટી છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની બૂરાઈમાં પોણાબે ટકા બગડ્યો છે. બૅન્કિંગ ઉદ્યોગની ૩૭માંથી ૩૨ માઇનસ થઈ છે. યુકો બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, પીએનબી, પંજાબ સિંધ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, આઇડીબીઆઇ બૅન્ક, આરબીએલ બૅન્ક, બંધન બૅન્ક, કર્ણાટકા બૅન્ક, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક, સૂર્યોદય બૅન્ક, ઇન્ડિયન બૅન્ક બે ટકાથી ચાર ટકા કટ થઈ હતી. એચડીએફસી બૅન્ક ૦.૬ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૯ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ફ્લૅટ અને ઍક્સિસ બૅન્ક નજીવો ઘટ્યા હતા. કોટક બૅન્ક અડધો ટકો વધી હતી. યસ બૅન્ક ૨.૩ ટકા, જેકે બૅન્ક ૪.૪ ટકા વધીને બંધ હતા.
ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૨૮ શૅર પ્લસમાં આપીને પોણો ટકો કપાયો છે. અરમાન ફાઇ. ૭.૩ ટકા, માસ ફાઇ. ચાર ટકા, મેક્સ વેન્ચર્સ ૫.૮ ટકા, સ્ટાર હેલ્થ દોઢ ટકા, મુથુટ ફાઇ. બે ટકા પ્લસ હતા. સામે ફાઇવસ્ટાર બિઝનેસ ૫.૪ ટકા, પાવર ફાઇનૅન્સ ૩.૪ ટકા, પિરામલ એન્ટર ૪.૮ ટકા, સેન્ટ્રમ કૅપિટલ અડધો ટકો, મેક્સ ફાઇનૅન્સ ૪.૪ ટકા, મહિન્દ્ર ફાઇ. ૪.૨ ટકા, ઉજ્જીવન ફાઇ. ૫.૪ ટકા, એડ્લવીસ ૪ ટકા ખરડાયા હતા. એલઆઇસી ૦.૯ ટકાના ઘટાડે ૫૭૪ રહી છે. પેટીએમ સવાત્રણ ટકા તો પૉલિસી બાઝાર ૧.૪ ટકા ડાઉન હતા.
કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૨૪માંથી ૧૯ શૅરના ઘટાડામાં એક ટકો માઇનસ હતો. લાર્સન પોણા ટકાની નબળાઈમાં ૨૧૭૮ હતો. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ નીચામાં ૨૬૧૮ બતાવી ૫.૬ ટકા કે ૧૫૬ રૂપિયા તૂટી ૨૬૪૩ હતો. ભેલ અઢી ટકા ઘટ્યો છે. ક્રૂડની નબળાઈથી ઑઇલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રો ૨.૩ ટકા, હિન્દુ. પેટ્રો ૧.૭ ટકા, ઇન્ડિયન ઑઇલ ૧.૫ ટકા વધ્યા છે.
ઓએનજીસી ૦.૭ ટકા તો ઑઇલ ઇન્ડિયા ૨.૪ ટકા ડાઉન હતા. એશિયન એનર્જી સર્વિસિસ ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૯૦ થઈ છે. રિયલ્ટી ઇન્ડેક્સ સવા ટકો તરડાયો છે. લોઢાની મેક્રોટેક ડેવલપર્સ ૩.૪ ટકા તૂટી ૮૬૩ હતો. ક્રૂડની નબળાઈના પગલે ઇથેનૉલમાં તેજીનો અવકાશ ઘટી જતાં શુગર ઉદ્યોગના ૩૮માંથી ૩૦ શૅર કડવા બન્યા છે. બલરામપુર ચીની સાડાછ ટકા, દ્વારકેશ ચાર ટકા, ધરણી શુગર પાંચ ટકાની ખરાબી સાથે મોખરે હતા.