Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > જિયોના મધર ઑફ ઑલ મેગા ઇશ્યુના ટાંકણે પગભર થવાના પ્રયાસમાં બજાર ૧૫૩૪ પૉઇન્ટ અપ

જિયોના મધર ઑફ ઑલ મેગા ઇશ્યુના ટાંકણે પગભર થવાના પ્રયાસમાં બજાર ૧૫૩૪ પૉઇન્ટ અપ

Published : 16 October, 2026 11:39 AM | IST | Mumbai
Anil Patel

રિલાયન્સની ૬૬.૪ ટકા માલિકીની જિયો પ્લૅટફૉર્મના મધર ઑફ ઑલ મેગા ઇશ્યુને લગતી વિગતની વિધિવત જાહેરાત આવી ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


જિયો પ્લૅટફૉર્મના IPOની વિધિવત્ જાહેરાત પાછળ રિલાયન્સે સુધારાની હૅટ-ટ્રિક મારી ઃ ધારણાથી નીચા ભાવે ડાઇવેસ્ટમેન્ટનો વસવસો IDBI બૅન્કને નડ્યો ઃ પ્રોત્સાહક પરિણામ વચ્ચે HDB ફાઇનૅન્શિયલ ઑલટાઇમ નવા તળિયે ગઈ ઃ ધારણા કરતાં બહેતર પરિણામ છતાં નેસ્લે પોણાઆઠ ટકા તૂટીને નિફ્ટીમાં ટૉપ લુઝર બની ઃ ટેક મહિન્દ્ર પરિણામ પૂર્વે તગડા વૉલ્યુમે બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર ઃ ૮૪૧૫ કરોડના AT-1 બૉન્ડ્સધારકોની તરફેણમાં હાઈ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો, યસ બૅન્ક ૧૦ગણા વૉલ્યુમે સાડાચૌદ ટકા તૂટી ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર બની

ક્રૂડના મોરચે ખાસ રાહત નથી. ૧૦૭ ડૉલરે ગયેલું બ્રેન્ટ ક્રૂડ પોણાબે ટકા ઘટી અત્યારે ૧૦૪ ડૉલર ઉપર છે અમેરિકા ખાતે ફુગાવો ધારણાથી મોટો આવ્યો છે. ઊંચા વૅલ્યુએશન અને સ્પેન્ડિંગ-કટની ફિકરમાં AI રીલેટેક, સેમિકન્ડક્ટર્સ શૅરોમાં વેચવાલી ઊપડી છે. નૅસ્ડૅક બે ટકા જેવો ઘટીને બંધ રહ્યો છે. એની પાછળ એશિયા ખાતે પણ ચિપ્સ મૅકર્સ શૅરમાં મોટી ખરાબી જોવાઈ છે. સાઉથ કોરિયા સાડાસાત ટકા, જૅપનીઝ નિક્કી પાંચ ટકા કે ૩૪૦૪ પૉઇન્ટ, તાઇવાન સાડાત્રણ ટકા, ચાઇના દોઢ ટકા, ઇન્ડોનેશિયા ૧.૪ ટકા, હૉન્ગકૉન્ગ ૧.૨ ટકા ડૂલ થયું છે. જર્મન ડેક્સને બાદ કરતાં યુરોપ રનિંગમાં સાધારણથી અડધો ટકો ઉપર હતું. ડૉલર સામે બાઉન્સબૅક જાળવી રાખતાં રૂપિયો ૧૧ પૈસા વધી ૯૫.૦૫ રહ્યો છે. ઘરઆંગણે સરકાર વધતા જન-આક્રોશ અને આંદોલનોથી ભીંસમાં છે. લોકોનું ધ્યાન કેમ ડાયવર્ટ કરવું એની મલ્લીનાથી ચાલે છે. રિલાયન્સની જિયો પ્લૅટફૉર્મનો ૩૦,૦૦૦ કરોડ પ્લસનો ઐતિહાસિક IPO નક્કી થઈ ચૂક્યો છે. આ માહોલમાં સેકન્ડરી માર્કેટ મુડદાલ અવસ્થામાં રહે એ પરવડી શકે નહીં. બગડતા બજારને કોઈ પણ ભોગે થાળે પાડવામાં જ હાલ તો સરકાર અને મુકેશ અંબાણીનું હિત સમાયું છે. AI ડ્રીવન શૅરોમાં શરૂ થયેલી વેચવાલી એમાં મદદગાર બનીને આવી છે. ઘરઆંગણે નવા નીચા ભાવ ભણી ગતિમાન IT શૅરોને બાઉન્સબૅક થવાની તક હાલ મળી ગઈ છે. 



સેન્સેક્સ આગલા બંધથી ૧૭૮ પૉઇન્ટ પ્લસ, ૭૨,૯૬૬ ખૂલી ૧૫૩૪ પૉઇન્ટના ઉછાળે ૭૪,૩૧૫ ઉપર તથા નિફ્ટી ૩૭૫ પૉઇન્ટની તેજીમાં ૨૨,૯૯૭ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ સેન્સેક્સ નીચામાં ૭૨,૮૯૬ અને ઉપરમાં ૭૪,૩૩૦ થયો હતો. કસીનો સેશનના આરંભ પૂર્વે સેન્સેક્સ ૭૩,૯૭૦ની અંદર તથા નિફ્ટી ૨૨,૯૪૦ નીચે હતો. મેઇન બેન્ચમાર્કમાં પ્રમાણમાં મોટા જમ્પ વચ્ચે માર્કેટ બ્રેડ્થ ખાસ્સી નબળી હતી. NSEમાં વધેલા ૧૩૪૨ શૅર સામે ૨૨૧૮ શૅર માઇનસ હતા. માર્કેટકૅપ માત્ર ૫૬,૦૦૦ કરોડ વધીને ૪૭૧.૦૭ લાખ કરોડ નોંધાયું છે. 


પરિણામ પૂર્વે ટેક મહિન્દ્ર ૪.૬ ટકા ઊછળી ૧૬૪૯ના બંધમાં સેન્સેક્સમાં ટૉપ ગેઇનર હતી. HCL ટેકનો અઢી ટકા, TCS સવાબે ટકા, ઇન્ફી બે ટકા વધી છે. આ ચાર શૅરબજારને ૧૮૦ પૉઇન્ટ ફળ્યા છે. આઇટી ઇન્ડેક્સ દોઢ ટકો આગળ વધ્યો છે. વિપ્રો રીઝલ્ટ પૂર્વે દોઢ ટકો પ્લસ હતો. ICICI બૅન્કના પરિણામ ૧૭મીએ છે, શૅર સવાચાર ટકા જેવી તેજીમાં ૧૩૯૫ બંધ આપી બજારને ૩૩૭ પૉઇન્ટ ફળ્યો છે. HDFC બૅન્ક અઢી ટકા વધતાં તેમાં ૨૨૯ પૉઇન્ટનો ઉમેરો થયો હતો, એનું પરિણામ પણ શનિવારે છે. કોટક બૅન્ક સવાબે ટકા, ઍક્સિસ બૅન્ક પોણાબે ટકા અને સ્ટેટ બૅન્ક પોણો ટકો વધી હતી. આ પાંચ બેંકીંગ શૅર બજારને કુલ ૭૦૮ પૉઇન્ટ લાભદાયી બન્યા છે. 

નેસ્લે તરફથી ધારણાથી બહેતર દેખાવ કરતાં ૨૦.૫ ટકા વધારામાં ૬૭૮૨ કરોડની આવક ઉપર ૩૬.૩ ટકા વૃદ્ધિદરથી ૧૦૨૭ કરોડ નેટ નફો દર્શાવાયો છે પણ શૅર પોણાઆઠ ટકા તૂટી ૧૨૭૬ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લુઝર બન્યો છે. સેન્સેક્સ ખાતે વધેલા ૨૭ શૅરમાં ટેક મહિન્દ્ર ઉપરાંત ICICI બૅન્ક ૪.૨ ટકા, રિલાયન્સ ૪ ટકા, ભારતી ઍરટેલ ત્રણ ટકા નજીક, એટર્નલ ૨.૮ ટકા વધી મોખરે હતી. નિફ્ટીમાં ટેક મહિન્દ્રા ૪.૮ ટકા, ICICI બૅન્ક ૩.૮ ટકા, રિલાયન્સ ૩.૪ ટકા, ભારતી ૩.૩ ટકા, BSE લિમિટેડ પોણાત્રણ ટકા વધીને મોખરે હતી. 


યસ બૅન્ક તરફથી ૨૦૨૦માં ૮૪૧૫ કરોડના AT-1 બૉન્ડ્સને રાઇટ ઑફ્ફ કરી બૉન્ડધારકોને ડિંગો બતાવવાના મામલે હાથ ધરાયેલી કાનૂની કારવાઈમાં મુંબઈ હાઈ કોર્ટ તરફથી આ પગલું ખોટું અને અનૈતિક હોવાના અભિપ્રાય સાથે બૉન્ડધારકોની તરફેણમાં ચુકાદો અપાયો હતો. યસ બૅન્ક, રિઝર્વ બૅન્ક અને કેન્દ્ર સરકારે આ ચુકાદા સામે સુપ્રીમમાં અપીલ કરી હતી જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અહેવાલની અશરમાં યસ બૅન્કનો શૅર ગઈ કાલે ૧૦ગણાથી વધુના કામકાજમાં ૧૭ની અંદર જઈ સાડાચૌદ ટકા લથડી ૧૮ પ્લસ બંધ થયો છે. 

૮ મહિનામાં ૪૪૬૩ ટકા વધી ગયેલી નોબલ પૉલિમર્સ આજે રિવર્સ-સ્પ્લિટ થશે

મુંબઈના ઘાટકોપર-વેસ્ટની વનક્લીક લૉજિસ્ટિક્સ બે શૅરદીઠ એકના બોનસમાં બોનસ બાદ થતાં ગઈ કાલે ૩૬૫ની ઑલટાઇમ હાઈ બનાવી અઢી ટકા વધી ૩૧૦ રહી છે. અમદાવાદી સમોર રિયલ્ટી ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ૨૭ નજીકનું નવું શિખર દેખાડી પાંચ ટકાની આગેકૂચમાં ત્યાં જ હતી. અમદાવાદની નોબલ પૉલિમર્સ પાંચના શૅરના ૧૦ રૂપિયામાં રિવર્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ બે ટકાની ઉપલી સર્કિટમાં ૨૧ની નીવ ટૉપ બનાવી ત્યાં જ બંધ થઈ છે. ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ભાવ ૪૬ પૈસાના વર્સ્ટ લેવલે હતો. સાદી ભાષામાં કહીએ તો માત્ર આઠેક માસમાં ૪૪૬૩ ટકાની તેજી આ શૅરમાં થઈ ચૂકી છે. નવી દિલ્હીની બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ પાંચના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ-સ્પ્લિટ થવાની છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૩૨૨ થઈ પોણો ટકો સુધરીને ૩૧૬ હતો. 

નફામાં ૧૨૦ ટકાના વધારા સાથે ધારણા કરતાં બહેતર પરિણામ આપનારી ભેલ બુધવારે નવી સર્વોચ્ચ સપાટી સાથે પોણાપાંચ ટકા ઊંચકાઈ ૪૬૩ બંધ રહી હતી. બ્રોકરેજ ફર્મ CLSA તરફથી ૩૫૧ની ટાર્ગેટ પ્રાઇસથી સેલનું રેટિંગ જારી થતાં એ ગઈ કાલે નીચામાં ૪૩૩ થઈ સવાછ ટકા ગગડીને ૪૩૪ રહી છે. IDBI બૅન્કમાં ૬૦.૭ ટકા હિસ્સો શૅરદીઠ ૮૧ના ભાવે ફેરફેક્સને વેચી ૫૨,૮૭૮ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજનાને સરકારે લીલી ઝંડી આપતાં ૧૩ ગણા વૉલ્યુમે ૯ ટકા ઊછળી ૯૦ ઉપર આગલા દિવસે બંધ થયા પછી વળતા દિવસે ભાવ ૪ ગણા કામકાજે નીચામાં ૮૨ થઈ પોણાઆઠ ટકા ગગડી ૮૩ ઉપર બંધ આવ્યો છે. શૅરમાં નરમાઈ માટે બજારની એકંદર ધારણા કરતાં નીચા ભાવે ડાઇવેસ્ટમેન્ટને અપાયેલી મંજૂરી ગણાવાય છે. જાણકારો કહે છે, શૅરદીઠ ૧૦૦થી ૧૧૦ના ભાવે ડિસઇન્વેસ્ટમેન્ટ સરકાર કરશે એવી અપેક્ષા હતી એની સામે ઘણા સસ્તા ૮૧ના ભાવે ડિસઇન્વેસ્ટમેન્ટ સરકાર કરી રહી છે. પરિણામ પાછળ ૧૫ ટકાની તેજીમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બનેલી ટ્રાન્સફૉર્મર્સ ઍન્ડ રેક્ટિફાયર્સ વળતા દિવસે નીચામાં ૩૩૦ થઈ ૪.૪ ટકા ઘટી ૩૩૪ રહી છે. 

જિયો પ્લૅટફૉર્મનો ૩૦,૨૧૩ કરોડનો મહાકાય ઇશ્યુ આવતા બુધવારે 
રિલાયન્સની ૬૬.૪ ટકા માલિકીની જિયો પ્લૅટફૉર્મના મધર ઑફ ઑલ મેગા ઇશ્યુને લગતી વિગતની વિધિવત જાહેરાત આવી ગઈ છે. અમદાવાદ ખાતે રજિસ્ટર્ડ ઑફિસ ધરાવતી આ કંપનીનો ૧૦ના શૅરદીઠ કુલ ૨૭ કરોડ શૅરનો ૩૦,૨૧૩ કરોડનો ઇશ્યુ ૨૧મીએ ખૂલી ૨૩મીએ બંધ થશે. પ્રાઇસ બૅન્ડ શૅરદીઠ ૧૦૬૫થી ૧૧૧૯ રૂપિયા નક્કી થઈ છે. આખો ઇશ્યુ ફ્રેશ IPO છે એટલે ૩૦,૨૧૩ કરોડનું સમગ્ર ભંડોળ કંપનીમાં જવાનું છે. એમાંથી ૨૭,૫૦૦ કરોડ દેવાની પરત ચુકવણીમાં વપરાશે. જૂન ૨૦૨૬ના અંતે કંપનીનું દેવું ૬૧,૩૭૨ કરોડ હતું, ઇશ્યુ પ્રાઇસમાં કંપનીના કર્મચારીઓ માટે શૅરદીઠ ૫૪નું ડિસ્કાઉન્ટ છે. ઇશ્યુમાં QIB ક્વોટા ૫૦ ટકા અને રીટેલ ક્વોટા ૩૫ ટકા છે. લિસ્ટિંગ ૨૮મીએ થવાની ગણતરી છે. 
૨૦૧૯માં સ્થપાયેલી આ કંપનીની ટેલિકૉમ સર્વિસિસ પ્રોવાઇડર જિયો ઇન્ફ્રોકૉમ ૫૩૩૩ લાખ કસ્ટમર્સનો બેઝ ધરાવે છે. જિયો પ્લૅટફૉર્મની આવક ગત વર્ષે ૧૬ ટકા વધીને દોઢ લાખ કરોડ નજીક પહોંચી છે. નેટ પ્રૉફિટ ૧૫ ટકા વધીને ૩૦,૦૫૨ કરોડ નોંધાયો છે. ચાલુ વર્ષના પ્રથમ ૩ માસમાં આવક ૪૦,૧૯૮ કરોડ તથા નફો ૭૭૬૪ કરોડ રહ્યો છે. રિઝર્વ અને સરપ્લસ ૩.૩૩ લાખ કરોડ જેવી છે. પોસ્ટ ઇક્વિટી ધોરણે ઇશ્યુ પ્રાઇસ અપરબૅન્ડ પ્રમાણે ૩૩.૨નો પીઇ સૂચવે છે. આરતી ઍરટેલ હાલ ૩૯.૩ના પીઇ ઉપર ચાલે છે. ઇશ્યુ બાદ કંપનીના પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૬.૪થી ઘટીને ૬૪.૫ ટકા થશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમની શરૂઆત ૧૪૮થી થઈ હતી. રેટ ક્રમશઃ વધતો રહી હાલમાં ૨૧૮ બોલાય છે. રિલાયન્સનો શૅર ગઈ કાલે બમણા કામકાજે ઉપરમાં ૧૨૨૩ થઈ ૪ ટકા વધીને ત્યાં જ બંધ રહ્યો છે. બજારને એના પગલે ગઈ કાલે ૨૬૪ પૉઇન્ટનો લાભ થયો છે. તાજેતરમાં ૧૩મી ઑક્ટોબરે આ શૅર ૧૧૫૨ની લગભગ ૩ વર્ષની નીચી સપાટીએ ગયો હતો. પાંચમી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ શૅર ૧૬૧૧ના સર્વોચ્ચ શિખરે ગયો હતો. NSEમાં ભાવ ૩.૪ ટકા વધીને ૧૨૧૫ બંધ રહ્યો છે. 

ડિફેન્સની ઘેલછામાં ટોન્બોનો IPO પ્રથમ દિવસે ચારેક ગણો છલકાયો 
ગઈ કાલે પાંચ ભરણાં નવાં ખૂલ્યાં છે, બે ઇશ્યુ પૂરાં થયાં છે અને બે IPO ચાલુ રહ્યા છે. મુંબઈના મુલુંડ-વેસ્ટની એચડી ફાયર પ્રોટેક્ટનો પાંચના શૅરદીઠ ૨૭૧ના ભાવનો ૭૧૨ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ રીટેલમાં ૩૦ ગણા સહિત કુલ ૧૩૨ ગણા તથા SMEમાં વૈભવ વ્યાપારનો પાંચના શૅરદીઠ ૫૪ના ભાવનો ૪૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં અઢી ગણા સહિત કુલ ૩.૩ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. હાલ એચડી ફાયરમાં ૭૮ તથા વૈભવમાં ઝીરો પ્રીમિયમ છે. ફ્યુઝન સીએક્સનો એકના શૅરદીઠ ૨૮૯ના ભાવનો ૭૦૨ કરોડનો ઇશ્યુ કુલ ૧.૨ ગણો તથા થાણેના બેલાપુરની રાવિતા એન્જિનિયરિંગનો ૫ના શૅરદીઠ ૧૧૨ના ભાવનો NSE SME ઇશ્યુ કુલ ૧.૭ ગણો બીજા દિવસના અંતે ભરાયો છે, અત્યારે ફ્યુઝનમાં ૧૮નું તથા રાવિતામાં ૨નું પ્રીમિયમ બોલાય છે. 
ગઈ કાલે પ્રથમ દિવસે સહજાનંદ મેડિકલ ટેક્નૉલૉઝિસનો એકના શૅરદીઠ ૩૪૪ના ભાવનો ૪૭૫ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ રીટેલમાં ૩૫ ટકા સહિત કુલ ૩૨ ટકા, બોનફીગલિયોલી ટ્રાન્સમિશન્સનો ૧૦ના શૅરદીઠ ૫૮૬ના ભાવનો ૨૫૩૪ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ IPO રીટેલમાં ૫૫ ટકા સહિત કુલ ૪૫ ટકા, ઝેટવર્ક મૅન્યુફેક્ચરિંગ બિઝનેસનો એકના શૅરદીઠ ૧૫૧ના ભાવનો ૫૦૧૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨૨ ટકા સહિત કુલ ૨૩ ટકા તથા ટોન્બો ઇમેજિંગ ઇન્ડિયાનો બેના શૅરદીઠ ૭૦૦ના ભાવનો પ્યૉર OFS ઇશ્યુ રીટેલમાં ત્રણ ગણા સહિત કુલ ચારેક ગણો ભરાયો છે. હાલ ટોન્બોમાં ૫૦૧નું, ઝેટવર્કમાં ૧૩નું, બોનફિગ લિયોલીમાં ૧૬૫નું અને સહજાનંદમાં ૪૫નું પ્રીમિયમ ગ્રેમાર્કેટ ખાતે બોલાય છે. SME કંપની શેલ્ઝ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૭૯ની અપરબેન્ડમાં ૬૦ કરોડનો BSE SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૫૬ ટકા સહિત કુલ ૫૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ નથી.

નફામાં ૧૯૫ ટકાના વધારા છતાં MRPLમાં ૬ ટકા ગાબડું
તાતા કમ્યુનિકેશન્સે સાડાનવ ટકાના વધારામાં ૬૬૮૮ કરોડની આવક ઉપર ૮૬ ટકા વૃદ્ધિદરથી ૩૪૧ કરોડ નેટ નફો કરતાં શૅર ૨૨ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૮૬૫ બતાવી સાડાછ ટકા કે ૧૦૮ રૂપિયા ઊછળી ૧૭૬૭ થયો છે. ટિપ્સ મ્યુઝિકની આવક ૩૫ ટકા વધી ૧૨૦ કરોડ થઈ છે. નફો ૨૪ ટકા વધી ૬૬ કરોડ નોંધાયો છે. શૅર ૭૨૫ની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડી ૬૬૮ થઈ ૪.૨ ટકા ઘટી ૬૮૯ થયો છે. પૉલિકૅબ ઇન્ડિયાની આવક ૫૨.૮ ટકા વધી ૯૮૯૯ કરોડ તથા નફો ૪૨.૬ ટકા વધી ૯૭૭ કરોડ થયો છે. શૅર સવા ટકો ઘટીને ૮૨૧૬ હતો. રિલાયન્સ ગ્રુપ જેમાં સહપ્રમોટર્સ તરીકે ૬૧ ટકા હિસ્સો ધરાવે છે એ હૅથવે કેબલની આવક પોણાછ ટકા વધી ૫૬૭ કરોડ થઈ છે પણ નફો ૪૪ ટકા ગગડી ૧૦ કરોડ રહ્યો છે. શૅર ૭ ટકા ખરડાઈ ૧૦ હતો. 
બજાજ કન્ઝ્યુમર કૅરની ત્રિમાસિક આવક ૨૫ ટકા વધી ૩૩૩ કરોડ તથા નફો ૬૬ ટકા વધી ૭૦ કરોડ વટાવી ગયો છે. શૅર ૧૮ગણા કામકાજે ઉપરમાં ૫૪૦ થયા બાદ તૂટી ૪૬૬ થઈ ૯.૪ ટકાની ખરાબીમાં ૪૬૮ બંધ થયો છે. HDB ફાઇનૅન્શિયલ સર્વિસિસની આવક ૧૦ ટકા વધી ૫૦૦૫ કરોડ તેમ જ નેટ નફો ૩૪ ટકા વધી ૭૮૦ કરોડ નોંધાયો છે. શૅર પરંતુ નીચામાં ૫૩૭ની નીચે ઑલટાઇમ તળિયે જઈ પોણાઆઠ ટકા ખરડાઈ ૫૩૮ બંધ આવ્યો છે. વૉલ્યુમ ૩૬ ગણું હતું. કંપની જૂન-૨૦૨૫માં શૅરદીઠ ૭૪૦ના ભાવથી ૧૨,૫૦૦ કરોડનો ઇશ્યુ લાવી હતી. એમાંથી OFS પેટે ૧૦,૦૦૦ કરોડ HDFC બૅન્ક લઈ ગઈ હતી. MRPL દ્વારા ૩૭ ટકાના વધારામાં ૩૫,૫૯૦ કરોડની આવક ઉપર ૧૯૫ ટકા વધારામાં ૧૮૮૧ કરોડનો નફો સ્ટૅન્ડ અલોન ધોરણે બતાવાયો છે છતાં શૅર નીચામાં ૧૭૧ થઈ ૫.૬ ટકા લપસી ૧૭૫ થયો છે. ચેન્નઈ પેટ્રોના પરિણામ ૨૨મીએ છે. શૅર ૬.૬ ટકા ગગડી ૧૪૪૪ હતો. કૅનેરા બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૨૦ ટકા વધી ૧૧,૦૦૫ કરોડ થઈ છે, નફો ૮ ટકા વધી ૫૧૭૫ કરોડ રહ્યો છે એમાં શૅર સાડાત્રણ ગણા કામકાજે નીચામાં ૧૧૭ અંદર જઈ ૬ ટકા ગગડી ૧૧૭ થયો છે. શૉપર્સ સ્ટૉપ પરિણામની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૪૩૧ બતાવી અઢી ટકા વધી ૩૮૪ થઈ છે. લીલા પૅલેસ હોટેલ્સની ત્રિમાસિક આવક ૩૩ ટકા વધી ૪૧૨ કરોડ અને નફો ૨૭ ટકા વધી ૯૫ કરોડ નજીક જોવાયો છે. શૅર ૬૫૦ના બેસ્ટ લેવલે જઈ ૫૯૦ના લેવલે ફ્લેટ હતો. તાતા ટેક્નૉલૉઝિસની ત્રિમાસિક આવક ૨૮ ટકા વધી ૧૬૯૯ કરોડ થઈ છે, નફો ચાર ગણા કામકાજે ઉપરમાં ૮૦૮ નજીક ગયા પછી ત્યાંથી ગગડી ૭૦૯ નીચે જઈ છેવટે ૦.૭ ઘટી ૭૪૦ રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2026 11:39 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK