Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સની ૫૨૩ પૉઇન્ટની ઑલરાઉન્ડ ખરાબીમાં રોકાણકારોને સાડાસાત લાખ કરોડ રૂપિયાનો ફટકો

સેન્સેક્સની ૫૨૩ પૉઇન્ટની ઑલરાઉન્ડ ખરાબીમાં રોકાણકારોને સાડાસાત લાખ કરોડ રૂપિયાનો ફટકો

13 February, 2024 06:52 AM IST | Mumbai
Anil Patel

સેન્સેક્સ આગલા બંધથી ૧૨૭ પૉઇન્ટ જેવો પ્લસમાં ૭૧,૭૨૨ ખૂલી છેવટે ૫૨૩ પૉઇન્ટની ખરાબીમાં ૭૧,૦૭૨ તથા નિફ્ટી ૧૬૬ પૉઇન્ટ બગડી ૨૧,૬૧૬ બંધ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


રોકડામાં મોટા પાયે વ્યાપક ખુવારી, બૅન્કિંગના તમામ ૩૯ શૅર રેડ ઝોનમાં : માઝગાવ ડૉકને બાદ કરતાં તમામ ૫૫ પીએસયુ શૅર બગડ્યા : માર્કેટ બ્રેડ્થમાં ભારે બૂરાઈ, એનએસઈ ખાતે એક શૅર વધ્યો તો છ શૅર ગગડ્યાનો ઘાટ : ખરાબ બજારમાં એમઆરએફ ૫ ટકા કે ૬૮૫૮ રૂપિયાની તેજીમાં બંધ, બાયબૅકના કરન્ટમાં ઝાયડ્સ લાઇફ સવાછ ટકા ઊછળી નવી ટોચે : એમસીએક્સ ૩૯ કરોડના નફામાંથી ૫.૪ કરોડની ખોટમાં આવતાં ૩૪૧ રૂપિયા કે નવ ટકા લથડ્યો


સોમવારે મોટા ભાગનાં અગ્રણી એશિયન શૅરબજારો રજામાં હતાં. ઇન્ડોનેશિયા પોણો ટકો અને થાઇલૅન્ડ નહીંવત્ પ્લસ તો ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ અડધો-પોણો ટકો નરમ હતાં. પાકિસ્તાની શૅરબજાર ૬૨,૯૪૪ના આગલા બંધ સામે ૬૨,૪૪૫ ખૂલી નીચામાં ૬૦,૬૪૮ થઈ ૧૬૬૪ પૉઇન્ટ કે અઢી ટકાના ધબડકામાં ૬૧,૨૭૯ બંધ રહ્યું છે. ત્યાં સંસદીય ચુનાવમાં ઇમરાન ખાનની પાર્ટી સૌથી વધુ બેઠક જીતી છે, પરંતુ કોઈ પક્ષ એકલે હાથે સરકાર રચી શકે એમ નથી. નવાઝ શરીફ અને ઝરદારીની પાર્ટી ઇમરાન ખાનને સત્તાથી દૂર રાખવા હાથ મિલાવી સરકાર બનાવવા સક્રિય બની છે, ત્યાં બજારને આ ગમ્યું નથી. શુક્રવારે અમેરિકા ખાતે સ્ટાન્ડર્ડ પુઅર્સ ૫૦૦ ઇન્ડેક્સ ૫૦૨૬ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહેતાં યુરોપનાં બજારો ગઈ કાલે રનિંગમાં અડધા ટકા આસપાસનો સુધારો દર્શાવતાં હતાં. લંડન ફુત્સી નજીવો નરમ હતો. વિશ્વના ૪૭ દેશોને આવરી લેતા એમએસસીઆઇ ઇન્ટરનૅશનલ ઇન્ડેક્સની રીતે વિશ્વબજારો બે વર્ષની નવી ટોચે આવી ગયાં છે. આ વર્લ્ડ ઇન્ડેક્સ ગઈ કાલે ૭૪૮ની જાન્યુઆરી ૨૦૨૨ પછીની ટૉપ બતાવી રનિંગમાં ૭૪૭ આસપાસ રહ્યો છે. 



ઘરઆંગણે સપ્તાહની શરૂઆત નબળાઈથી થઈ છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૨૭ પૉઇન્ટ જેવો પ્લસમાં ૭૧,૭૨૨ ખૂલી છેવટે ૫૨૩ પૉઇન્ટની ખરાબીમાં ૭૧,૦૭૨ તથા નિફ્ટી ૧૬૬ પૉઇન્ટ બગડી ૨૧,૬૧૬ બંધ રહ્યો છે. શૅર આંક ઉપરમાં ૭૧,૭૫૬ થયા બાદ નીચામાં ૭૦,૯૨૨ દેખાયો હતો. હેલ્થકૅર, આઇટી અને નિફ્ટી ફાર્માના સામાન્ય સુધારાને બાદ કરતાં ગઈ કાલે બન્ને બજારના તમામ ઇન્ડાઇસિસ ખરડાયા હતા. નિફ્ટી મીડિયા સાડાચાર ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૪.૪ ટકા, રિયલ્ટી ત્રણ ટકા, ટેલિકૉમ ૩.૪ ટકા, પાવર ઇન્ડેક્સ ત્રણેક ટકા, યુટિલિટીઝ ૩.૬ ટકા, એનર્જી પોણાત્રણ ટકા, ઑઇલ-ગૅસ અઢી ટકા, મેટલ પોણાત્રણ ટકા, કૅપિટલ ગુડ્સ સવાબે ટકા કે ૧૨૫૮ પૉઇન્ટ, બૅન્ક નિફ્ટી ૧.૭ ટકા કે ૭૫૨ પૉઇન્ટ કપાયાં છે. પીએસયુ ઇન્ડેક્સ સાડાચારથી પાંચ ટકા લથડ્યો હતો. અત્રે માઝગાવ ડોક ત્રણ ટકા વધી ૨૧૮૦ બંધ રહ્યો છે. બાકીના ૫૫-૫૬ શૅર ગગડ્યા છે. ૩૯માંથી એક પણ બૅન્ક શૅર વધી શક્યો નથી. બ્રૉડર માર્કેટનો આંક ૫૦૧માંથી ૪૧૨ શૅરની ખરાબીમાં દોઢેક ટકા ડાઉન હતો. જ્યારે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૯૪૬માંથી ૮૨૩ શૅરની બૂરાઈમાં સવાત્રણ ટકા નજીક કે ૧૪૪૩ પૉઇન્ટ અને મિડ ખૅપ આંક ૧૨૪માંથી ૧૦૪ શૅરના બગાડમાં અઢી ટકાથી વધુ કે ૧૦૩૮ પૉઇન્ટ ધોવાયો છે. બજારની આ વ્યાપક અને મોટા પાયાની નરમાઈના પગલે તદ્દન ખરાબ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૩૪૩ શૅરની સામે લગભગ છ ગણા, ૧૮૫૬ શૅર ઘટ્યા છે. સેન્સેક્સ માંડ પોણો ટકો ઘટ્યો છે, પરંતુ પ્રોવિઝનલ ફીગર પ્રમાણે માર્કેટ કૅપ ૭.૫૧ લાખ કરોડ ધોવાઈને ૩૭૮.૮૫ લાખ કરોડની અંદર આવી ગઈ છે. ખરાબ બજારમાં એમઆરએફ લિમિટેડ ઉપરમાં ૧,૪૬,૮૭૮ થઈ પાંચ ટકા કે ૬૮૫૮ રૂપિયાની તેજીમાં ૧,૪૩,૯૦૫ બંધ થયો છે. જ્યુબિલન્ટ ઇન્ડ. ૨૦ ટકાની છલાંગમાં ૭૨૧ વટાવી ગયો હતો. સામે સતલજ જલ વિદ્યુત ૨૦ ટકા, એનએચપીસી ૧૫.૮ ટકા, ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ ૧૫ ટકા તૂટ્યા હતા. 


ડૉ. રેડ્ડીઝ, અપોલો હૉસ્પિટલ્સ અને બજાજ ઑટો નવા શિખરે 
સોમવારે સેન્સેક્સના ૩૦માંથી ૮ અને નિફ્ટીના ૫૦માંથી ૧૬ શૅર વધ્યા હતા. સેન્સેક્સ ખાતે વિપ્રો ત્રણ ગણા વૉલ્યુમે ૫૧૧ નજીક જઈ અંતે ૨.૩ ટકાની મજબૂતીમાં ૫૦૧ તથા નિફ્ટી ખાતે ડૉ. રેડ્ડીઝ લૅબ ૬૩૮૮ના શિખરે જઈ ૨.૯ ટકા કે ૧૭૯ રૂપિયાની તેજીમાં ૬૩૩૩ બંધ આપી મોખરે હતો. અપોલો હૉસ્પિટલ્સ ૬૬૭૮ની ઑલટાઇમ હાઈ બાદ ૨.૮ ટકા કે ૧૭૭ રૂપિયાની આગેકૂચમાં ૬૬૧૪, બજાજ ઑટો ૭૮૭૪ની વિક્રમી સપાટી બનાવી અડધો ટકો વધી ૭૮૩૦, એચસીએલ ટેક્નૉ ૧૬૮૫ના બેસ્ટ લેવલે જઈ ૨.૧ ટકા વધી ૧૬૬૬ બંધ હતા. અન્યમાં મહિન્દ્ર પોણો ટકો, ટેક મહિન્દ્ર અડધો ટકા, ઇન્ફી ૦.૬ ટકા, ડિવીઝ લૅબ ૨.૪ ટકા, આઇશર પોણો ટકો, લાટિમ ૧.૨ ટકા, નેસ્લે ૦.૪ ટકા જેવો અપ હતો. રિલાયન્સ ૦.૭ ટકા ઘટીને ૨૯૦૩ રહ્યો છે. 
આઇસીઆઇસીઆઇ બૅન્ક દોઢ ટકા અને એચડીએફસી બૅન્ક ૦.૯ ટકા ઘટી બજારને કુલ ૧૭૭ પૉઇન્ટ નડી છે. સેન્સેક્સ ખાતે ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૨.૨ ટકા, તાતા સ્ટીલ ૨.૮ ટકા, એનટીપીસી ૨.૭ ટકા, કોટક બૅન્ક ૧.૮ ટકા, સ્ટેટ બૅન્ક ૨.૩ ટકા, આઇટીસી ૨.૧ ટકા, હિન્દુ. યુનિલીવર ૧.૬ ટકા, બજાજ ફાઇ. સવા ટકો, પાવરગ્રીડ ૧.૧ ટકા, લાર્સન પોણો ટકો ડાઉન હતા. હીરો મોટોકૉર્પમાં બહેતર પરિણામ વચ્ચે વિવિધ બ્રોકરેજ હાઉસિસ તરફથી વૅલ્યુએશનને લઈ બેરિશ વ્યુ દર્શાવાયો છે. શૅર ૪૯૪૯ની નવી ટોચે જઈ પ્રૉફિટ બુકિંગમાં ૪૬૨૭ થઈ ૪.૫ ટકા કે ૨૨૧ રૂપિયાની ખરાબીમાં ૪૬૮૭ બંધ થયો છે. કોલ ઇન્ડિયા ૫.૧ ટકા, ભારત પેટ્રોલિયમ ૩.૯ ટકા, ઓએનજીસી ૩.૬ ટકા, એચડીએફસી લાઇફ ૧.૨ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૭ ટકા, અદાણી એન્ટર ૧.૪ ટકા, હિન્દાલ્કો દોઢ ટકા ઘટ્યા હતા. અદાણીની એસીસી ૨૬૯૧નું શિખર બનાવી ૦.૩ ટકા વધી ૨૬૩૬ તો અંબુજા સિમેન્ટ્સ ૫૮૭ની ટોચે જઈ ૨.૨ ટકા ઘટી ૫૬૪ થઈ છે. સાંધી ઇન્ડ. ૩.૯ ટકા, અદાણી વિલ્મર બે ટકા, અદાણી ગ્રીન ૧.૮ ટકા, અદાણી પાવર એક ટકા, એનડીટીવી સાત ટકા બગડ્યા હતા. 

બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં સાગમટે ધબડકો, હેલ્થકૅર ઇન્ડેક્સ મજબૂત 
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની બૂરાઈમાં ૧.૭ ટકા કે ૭૫૨ પૉઇન્ટ તથા પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના બગાડમાં ૪.૪ ટકા કપાયો છે. ગઈ કાલે બૅન્કિંગ ક્ષેત્રના ૩૯ શૅરમાંથી ૩૯ જાતો ડૂલ થઈ હતી. યુનિયન બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, યુકો બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, આઇઓબી, પંજાબ-સિંઘ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, આરબીએલ બૅન્ક, બંધન બૅન્ક, આઇડીબીઆઇ, યસ બૅન્ક, ઉત્કર્ષ બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક જેવાં કાઉન્ટર્સ પાંચથી ૧૨ ટકા તૂટ્યાં છે. બૅન્કિંગના પગલે ફાઇનૅન્સ ઇન્ડેક્સ પણ ખરાબીમાં ૧૪૧માંથી ૧૩૩ શૅર માઇનસમાં આપી બે ટકા સાફ થયો છે. અત્રે ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ ૧૫ ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ ૧૪.૪ ટકા, આઇઆરએફસી ૧૩.૫ ટકા, હુડકો ૧૦ ટકા, આઇઆઇએફએલ સિક્યૉ. ૯.૭ ટકા, સેન્ટ્રલ કૅપિટલ ૯.૭ ટકા, દૌલત અલ્ગો ૯.૨ ટકા, એમસીએક્સ ૮.૯ ટકા, કલ્યાણી ઇન્વે. ૮.૭ ટકા, સુમિત સિક્યૉરિટીઝ ૭.૮ ટકા, ટૂરિઝમ ફાઇ. ૯.૨ ટકા, જીઆઇસી હાઉ. ૯.૨ ટકા ખરડાયા હતા. એલઆઇસી વૉલ્યુમ સાથે ૫.૪ ટકા ગગડી ૧૦૨૨ હતો. પેટીએમ ૦.૭ ટકા સુધરી ૪૨૨ રહ્યો છે. જેએસડબ્લ્યુ હોલ્ડિંગ્સ ૬૮૯૪ની ટોચે જઈ ૧૨.૪ ટકા કે ૭૨૬ રૂપિયાની તેજીમાં ૬૫૯૧ હતો.  
આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૪૦ શૅર ઘટવા છતાં એચસીએલ ટેક્નૉ, વિપ્રો ઇન્ફી, લાટિમ, કોફોર્જ જેવા ફ્રન્ટલાઇનની ડૂંફ મળી જતાં ૯૫ પૉઇન્ટ જેવો સુધર્યો છે. ટીસીએસ સાધારણ ઘટાડે ૪૧૧૯ હતો. રેટગેઇન, વકરાંગી, ટીવીએસ ઇલે, સુબેક્સ, જેનેસિસ, ડેટામેટિકસ, ઇન્ટલેક્ટ ડિઝાઇન, ન્યુ જેન સૉફ્ટવેર પાંચથી સાડાઆઠ ટકા ડાઉન હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૪માંથી ૬૬ શૅરના ઘટાડા વચ્ચે ઑલટાઇમ હાઈ થઈ ૧૧૧ પૉઇન્ટ વધીને ૩૫,૦૪૨ બંધ હતો. ઝાયડ્સ લાઇફ ૧૦૦૫ના બાયબૅક પાછળ ૮૬૩ની ટોચે જઈ ૬.૩ ટકા ઊછળી ૮૫૬ થયો છે.  


સુરતી ફારુક ગુલામના કેપી ગ્રુપની એનર્જી કંપનીઓના શૅર તેજીમાં
સુરતની કેપી એનર્જી એક શૅરદીઠ બે બોનસમાં એક્સ-બોનસ થતાં સોમવારે ૫ ટકાની ઉપલી સર્કિટે ૩૯૫ જેવી બંધ રહી છે. આ કંપની ૨૦૧૬ના મિડ ફેબ્રુઆરીમાં ૧૦ના શૅરદીઠ ૭૦ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૬૪૪ લાખ રૂપિયાનો એસએમઈ ઇશ્યુ લાવી હતી. કંપની માર્ચ ૨૦૧૭માં એક શૅરદીઠ બે તથા એપ્રિલ ૨૦૧૮માં ૧૦ શૅરદીઠ ત્રણનું બોનસ આપી ચૂકી છે. ગયા વર્ષે માર્ચમાં ૧૦ના શૅરનું પાંચમા વિભાજન કર્યું હતું. ચાલુ મહિને ૭ ફેબ્રુઆરીએ શૅર ૧૨૦૦ની વિક્રમી સપાટીએ ગયો હતો. પરિણામ મંગળવારે આવવાના છે. આજ કંપનીની ગ્રુપ કંપની કેપીઆઇ ગ્રીન જે અગાઉ કેપીઆઇ ગ્લોબલ ઇન્ફ્રા તરીકે ઓળખાતી હતી. એનો શૅર ગઈ કાલે પાંચ ટકા તૂટી ૨૦૧૭ રહ્યો છે. ફેસવૅલ્યુ ૧૦ની છે. એનો એસએમઈ ઇશ્યુ ૧૦ના શૅરદીઠ ૮૦ના ભાવે જાન્યુઆરી ૨૦૧૯માં આવ્યો હતો. ભરણું લગભગ ૪૦ કરોડ રૂપિયાનું હતું. આ કંપની પણ જાન્યુઆરી ૨૦૨૩માં શૅરદીઠ એક લેખે  બોનસ આપી ચૂકી છે અને તેણે ડિસેમ્બરની આખરમાં બે શૅરદીઠ એકનું નવું બોનસ જાહેર કરેલું છે. પરિણામ બુધવારે છે. બોનસની રેકૉર્ડ ડેટ ૧૫ ફેબ્રુઆરી છે. 

મુંબઈની ઇન્ટેલિવેટ કૅપિટલ વેન્ચર્સ એક શૅરદીઠ બેના બોનસમાં ગઈ કાલે એક્સ બોનસ થતાં ૫૭ના શિખરે જઈ દોઢ ટકો વધી ૫૫ બંધ રહી છે. ફેસવૅલ્યુ એકની છે. પુણેની અફોર્ડેબલ રોબોટિક ૧૦ના શૅરદીઠ ૪૫૦ના ભાવે ૪૩૯ શૅરદીઠ ૪૬ શૅરના રાઇટમાં એક્સ રાઇટ થતાં સોમવારે અઢી ટકા ઘટી ૫૧૨ રહી છે. અમદાવાદી ડિપ્ના ફાર્માકેમ ૧૦ના શૅરદીઠ ભાવોભાવ ૧૨ શૅરદીઠ ૧૩ના પ્રમાણમાં રાઇટમાં ગઈ કાલે એક્સ રાઇટ થતાં ૬ ટકા વધી ૧૩ હતો.

એપી જયનું પ્રોત્સાહક લિસ્ટિંગ, એન્ટોરો હેલ્થકૅરના પ્રીમિયમમાં કડાકો 
મેઇનબોર્ડમાં કલકત્તાની એપી જય સુરેન્દ્રપાર્ક હોટેલ્સ એક રૂપિયાના શૅરદીઠ ૧૫૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૩૮ રૂપિયાના પ્રીમિયમની સામે ૧૮૭ ખૂલી ૨૦૩ બંધ થતાં ૩૧ ટકા કે શૅરદીઠ ૪૮ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. એસએમઈ સેગમેન્ટમાં ઇન્દોરની ઇટાલિયન એડીબલ્સ ૧૦ના શૅરદીઠ ૬૮ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૧૨ના પ્રીમિયમ સામે ૫૫ ખૂલી ૫૮ નજીક બંધ થતાં એમાં ૧૫ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. મેઇન લાઇનમાં મુંબઈના અંધેરીની રાશિ પેરિફેરલ્સ, બૅન્ગલોરની જન સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક તથા જલંધરની કૅપિટલ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કનું લિસ્ટિંગ ૧૪મીએ અપેક્ષિત છે. રાશિ પેરિફેરલ્સમાં હાલ ગ્રે માર્કેટમાં ૭૦નું તથા જન સ્મૉલ બૅન્કમાં ૩૨નું પ્રીમિયમ બોલાય છે. કૅપિટલ સ્મૉલ બૅન્કમાં કામકાજ નથી. ફરિદાબાદની એન્ટોરો હેલ્થકૅરનો ૧૦ના શૅરદીઠ ૧૨૫૮ની લાકડાતોડ ઇશ્યુ પ્રાઇસવાળો ૧૬૦૦ કરોડનો ઇશ્યુ મંગળવારે બંધ થવાનો છે. ભરણું અત્યાર સુધીમાં કુલ માત્ર ૧૮ ટકા ભરાયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમના સોદા જે ૧૨૫ રૂપિયેથી શરૂ થયા હતા, પણ કંપની સાવ ડબ્બો હોવાનો ખ્યાલ આવતાં રેટ તૂટી હાલ ૧૦ રૂપિયા થઈ ગયો છે. એસએમઈ સેગમેન્ટની વાઇઝ ટ્રાવેલ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૪૦-૧૪૭ની પ્રાઇસ બેન્ડમાં ૯૪૬૮ લાખ રૂપિયાનો ઇશ્યુ મંગળવારે લાવશે. ગ્રે માર્કેટમાં ૧૩૫વાળું પ્રીમિયમ ઘટી હાલમાં ૧૦૦ જેવું છે.  પીએસયુ શૅરોનો ઇન્ડેક્સ સતત ત્રીજા દિવસે ઘટ્યો છે. નબળાઈની આ હૅટ-ટ્રિકમાં પીએસયુ શૅરોનું માર્કેટ કૅપ લગભગ સાડાછ લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયું છે. 

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2024 06:52 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK