સેન્સેક્સ લગભગ 1,280 પોઈન્ટ ઊછળીને 75,499.91ની નવી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી લગભગ 1.5 ટકાના ઉછાળા સાથે પ્રથમ વખત 22,900ને પાર કરીને 22,993.60ની નવી ટોચે પહોંચ્યો હતો. આ રેકૉર્ડ વધવા પાછળ ઘણા કારણો હતા
પ્રતીકાત્મક તસવીર
ભારતીય શેરબજારમાં ગુરુવારે 23 મેના રોજ નવો રેકૉર્ડ (Sensex-Nifty New Record) બન્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને તેમના ઑલ-ટાઇમ રેકૉર્ડ હાઈએ પહોંચ્યા હતા. સેન્સેક્સ લગભગ 1,280 પોઈન્ટ ઊછળીને 75,499.91ની નવી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી લગભગ 1.5 ટકાના ઉછાળા સાથે પ્રથમ વખત 22,900ને પાર કરીને 22,993.60ની નવી ટોચે પહોંચ્યો હતો. આ રેકૉર્ડ વધવા પાછળ ઘણા કારણો હતા. આમાં કંપનીઓના માર્ચ ક્વાર્ટરના ઉત્કૃષ્ટ પરિણામો RBI દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ ડિવિડન્ડ (Sensex-Nifty New Record)ની ચુકવણી અને ચૂંટણી પરિણામોની બજારને અનુરૂપ રહેવાની અપેક્ષા વગેરેનો સમાવેશ થાય છે. લાર્જકેપ આઈટી અને બેન્કિંગ શેરોમાં ખરીદીથી પણ ઈન્ડેક્સને ટેકો મળ્યો હતો.
ચાલો જાણીએ કે સેન્સેક્સ અને નિફ્ટી (Sensex-Nifty New Record) નવા શિખરો પર પહોંચવા પાછળના 5 સૌથી મહત્ત્વપૂર્ણ કારણો શું હતા?
ADVERTISEMENT
આરબીઆઈની રેકૉર્ડ ડિવિડન્ડ ચુકવણી
ભારતીય રિઝર્વ બૅન્ક (RBI)એ સરકારને 2.11 લાખ કરોડ રૂપિયાનું રેકૉર્ડ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. નિષ્ણાતો કહે છે કે આ ડિવિડન્ડ સરકારને રાજકોષીય ખાધને નિયંત્રિત કરવામાં મદદ કરશે. એક્સિસ સિક્યોરિટીઝના ટેક્નિકલ અને ડેરિવેટિવ્ઝ રિસર્ચના વડા રાજેશ પાલવિયાએ જણાવ્યું હતું કે, “આરબીઆઈએ સરકારના અંદાજ કરતાં રૂા. 1 લાખ કરોડ વધુ ડિવિડન્ડ આપ્યું છે. બજાર માટે આ પણ એક આશ્ચર્ય હતું કારણ કે ડિવિડન્ડની રકમ રૂા. 1 લાખ કરોડ રૂપિયા હોવાની ધારણા હતી.
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીનાએ મની કંટ્રોલને જણાવ્યું હતું કે, આનાથી રાજકોષીય ખાધ તેમ જ બોન્ડ યીલ્ડ પર અસર થશે અને આ બજાર માટે સકારાત્મક સમાચાર છે.
ચૂંટણી પરિણામો અંગેની ચિંતા ઓછી થઈ
રોકાણકારોમાં લોકસભાની ચૂંટણીને લઈને ગભરાટ થોડો ઓછો થયો છે અને તેઓ ભાજપ સરકારની સ્પષ્ટ જીત માટે આશાવાદી છે. પાલવિયાએ જણાવ્યું હતું કે, “ચૂંટણીના પરિણામોને લઈને ગભરાટ હતો, પરંતુ છેલ્લા પાંચ તબક્કામાં થયેલા મતદાનને જોતા, પરિણામો હવે 2019ની ચૂંટણીને અનુરૂપ હોવાની અપેક્ષા છે. મતદાનની ટકાવારીમાં ઘટાડો જે શરૂઆતમાં ચિંતાનો વિષય હતો, તે તે પણ તાજેતરના આંકડાઓથી દૂર થઈ ગયું છે આનાથી વર્તમાન સરકારની સત્તામાં વાપસી અંગે લોકોમાં વિશ્વાસ વધે છે.”
વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, “કેન્દ્રીય સ્તરે નીતિનું સાતત્ય બજારને રાહત આપશે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, “નિફ્ટીએ નવો રેકૉર્ડ બનાવ્યો છે તે દર્શાવે છે કે બજાર ચૂંટણી પછી રાજકીય સ્થિરતા ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે. વર્તમાન તેજી પણ સારી છે કારણ કે તેની આગેવાની વાજબી મૂલ્યાંકનવાળા લાર્જકેપ શેરો ધરાવે છે.”
ચોથા ક્વાર્ટરના પરિણામો
આ દિવસોમાં, શેરબજારમાં સૂચિબદ્ધ કંપનીઓ તેમના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરી રહી છે. મોટાભાગની કંપનીઓના પરિણામો બજારની અપેક્ષાઓ સાથે સુસંગત રહ્યા છે અને અત્યાર સુધી કોઈ આશ્ચર્યજનક નથી. આનાથી બજારને ટેકો મળ્યો છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરોની ભાગીદારી
મિડકેપ અને સ્મોલકેપ પણ સતત નવા શિખરોને સ્પર્શી રહ્યા છે. 5paisaના લીડ રિસર્ચ એનાલિસ્ટ રુચિત જૈને જણાવ્યું હતું કે, "આ દર્શાવે છે કે વ્યાપક બજાર પણ વર્તમાન રેલીમાં મજબૂત રીતે ભાગ લઈ રહ્યું છે." જોકે, તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન કેટલાક શેરનું મૂલ્યાંકન વધ્યું છે.
FIIના વળતરની અપેક્ષા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ તાજેતરમાં ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી કરી હતી. જોકે, સંતોષ મીનાના અંદાજ મુજબ FII હવે ખરીદી તરફ વળશે, જે બજારને વધારાનો ટેકો આપશે.
રુચિત જૈને જણાવ્યું હતું કે, “FIIએ મે સિરીઝમાં સારી શોર્ટ પોઝિશન બનાવી છે અને માર્કેટમાં આટલી તેજી હોવા છતાં તે શોર્ટ પોઝિશન હજુ પણ અકબંધ છે. તેમની લગભગ 69 ટકા પોઝિશન હજુ પણ શોર્ટ સાઈડ પર છે. જો બજાર મજબૂત થવાનું ચાલુ રાખશે, તો તેઓ શોર્ટ્સને કવર કરવા માટે આવી શકે છે અને તે બજારને ઊંચુ લઈ જશે.”
જૈને કહ્યું કે, બજારનો એકંદર ટ્રેન્ડ ઘણો મજબૂત છે. જૈને જણાવ્યું હતું કે, "અમારી પાસે SIP મોડ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી સ્થિર પ્રવાહ છે, જે છેલ્લા કેટલાક મહિનામાં થયેલા તમામ FII વેચાણને સરભર કરે છે.”

