નિફ્ટી બૅન્ક 0.55 ટકા, 266 પૉઇન્ટ ઘટી 47782 બંધ રહ્યો એના 12માંથી 8 શૅરો ઘટ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
બુધવારે બૅન્ક નિફ્ટીના વિક્લી ઑપ્શન્સની એક્સપાયરીના દિવસે નિફ્ટી બૅન્ક, નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ તથા બીએસઈના બૅન્કેક્સમાં ઘટાડો આગળ વધ્યો હતો. એનાથી ઑપોઝિટ ટ્રેન્ડ નિફ્ટી, નિફ્ટી નેક્સ્ટ 50 તથા નિફ્ટી મિડકૅપ સિલેક્ટ અને સેન્સેક્સમાં જોવા મળ્યો હતો. સર્વસામાન્ય રીતે નિફ્ટી ચાલે તો બૅન્ક નિફ્ટી ન ચાલે એવું જોવા મળે છે એથી બુધવારે બૅન્ક નિફ્ટી નથી ચાલી એથી ગુરુવારે નિફ્ટી એની વિક્લી ઑપ્શન્સની એક્સપાયરીના દિવસે ચાલી જાય અને આ ઇન્ડેક્સ ગુરુવારે વધીને બંધ આવે એવું માની શકાય. નિફ્ટી બૅન્ક 0.55 ટકા, 266 પૉઇન્ટ ઘટી 47782 બંધ રહ્યો એના 12માંથી 8 શૅરો ઘટ્યા હતા. બીએસઈનો બૅન્કેક્સ 0.52 ટકા, 284 પૉઇન્ટ ઘટી 54658 અને નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ 0.52 ટકા, 111 પૉઇન્ટ ઘટી 21327 બંધ રહ્યા હતા. બૅન્કેક્સના 10માંથી 7 તો નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસના 20માંથી 11 શૅરો ઘટ્યા હતા. નિફ્ટી બૅન્ક 48113ના સ્તરે ખૂલી માત્ર 1 પૉઇન્ટ વધીને 48114 થયા પછી બપોરે ૩ સુધીમાં 47435નું દૈનિક લો બનાવી છેલ્લા અડધા કલાકમાં પુનઃ વધી 47781 બંધ રહ્યો હતો. નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસમાં ઓપનિંગ ભાવ જ હાઈ રહ્યો અને 21198નું લો બનાવી 21326નું બંધ આવ્યું હતુ. નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસમાં સૌથી વધુ આરઈસી 2.03 ટકા ઘટી 535 તો નિફ્ટી બૅન્ક અને બીએસઈનાં બૅન્કેક્સમાં સૌથી વધુ એયુ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક પોણાબે ટકા ઘટી 604 બંધ રહ્યો હતો. આ ત્રણેય ઇન્ડેક્સના શૅરોમાં સૌથી વધુ એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ 0.82 ટકા વધી 657 રૂપિયા બંધ રહ્યો હતો. બીજી મેએ આ શૅરે 683 રૂપિયાનો 52 સપ્તાહનો હાઈ બનાવ્યો હતો. વધઘટે ભાવ 800 રૂપિયા ઉપર નીકળશે એવું ઍનલિસ્ટોનું માનવું છે.
સેન્સેક્સ 0.36 ટકા, 268 પૉઇન્ટ વધી 74221 રહ્યો હતો. 30માંથી 21 શૅરો વધ્યા તેમનું ટર્નઓવર ઘટનારા શૅરો કરતાં બમણું હતું. સેન્સેક્સને વધારવામાં 149 પૉઇન્ટનો ફાળો 49 પૉઇન્ટ વધી 2920ના સ્તરે બંધ રહી રિલાયન્સે આપ્યો હતો. બાવન સપ્તાહનો લો 2221 અને હાઈ 3024 છે, એના પરથી જ ટ્રેન્ડ કઈ બાજુનો છે એનો અંદાજ આવી જાય છે. સપોર્ટ લાઇન 2840ના સ્તરે છે એને સ્ટૉપલોસ સમજીને લેવાનું અને 3024 ક્રૉસ કરે તો ઝડપી 3300-3400 થઈ જવાનું ટેક્નિકલ ઍનલિસ્ટોનું માનવું છે. 20 વધી 1454 રૂપિયાનું બંધ આપી ઇન્ફોસિસે સેન્સેક્સના 64 પૉઇન્ટ વધાર્યા છે. 200 દિવસીય મૂવિંગ ઍવરેજ 1488ના સ્તરે છે એથી 1500 ક્રૉસ કરે તો લૉન્ગ ટર્મ ટ્રેન્ડ બદલાઈ શકે છે. ત્યાં સુધી વેઇટ ઍન્ડ વૉચ હિતાવહ ગણાય.
ADVERTISEMENT
એફએમસીજી અને રિયલ્ટી શૅરોમાં સળવળાટ
બુધવારે એફએમસીજી શૅરોમાં સળવળાટ જોવાતાં 54969વાળો એફએમસીજી ઇન્ડેક્સ વધીને 55754 થઈ ગયો હતો. 15માંથી 12 શૅર વધ્યા હતા. આ ઇન્ડેક્સ અને સેન્સેક્સનો પ્રતિનિધિ હિન્દુસ્તાન યુનિલીવર 56 રૂપિયા વધવાથી સેન્સેક્સના 44 પૉઇન્ટ વધ્યા હતા. બંધ 2366 રહ્યો એની 200 દિવસની ઍવરેજ 2435ના સ્તરે છે. આવો જ બીજો શૅર આઇટીસી 4 રૂપિયા વધી 440 થયો તેના કારણે સેન્સેક્સ 40 પૉઇન્ટ વધ્યો હતો. ઉપરાંત એફએમસીજી આંકના ડાબર, પ્રોક્ટર ઍન્ડ ગેમ્બલ, હાઇજીન ઍન્ડ હેલ્થ પ્રોડક્ટ્સ, તાતા કન્ઝ્યુમર્સ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને મેરિકોમાં બેથી ત્રણ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
0.13 ટકાના સુધારા સાથે નિફ્ટી નેક્સ્ટ 50 68328ના સ્તરે બંધ રહ્યો હતો. ભારત ઇલેક્ટ્રૉનિક્સ 4 ટકા તો હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ 3 ટકા વધ્યા હતા.
એનએસઈના 77 ઇન્ડેક્સોમાંથી 3માં 1થી 1.43 ટકાના પ્રમાણમાં સુધારો જોવાયો હતો. શ્રેષ્ઠ સુધારો 1.43 ટકાનો એફએમસીજી ઇન્ડેક્સમાં જોવા મળ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ પણ 1.41 ટકા વધ્યો એમાં લોઢા 6 ટકા વધી 1313 રૂપિયા, ઑબેરૉય રિયલ્ટી 3.14 ટકા વધી 1779 અને ફિનિક્સ 2.34 ટકા સુધરી 3218 બંધ રહ્યા હતા.
નિફ્ટી 0.31 ટકા, 69 પૉઇન્ટ સુધરી 22597 અને નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 0.14 ટકા, 16 પૉઇન્ટ વધી 11355 બંધ રહ્યા હતા.
એફઍન્ડઓ સ્કૅનર
એનએસઈમાં આજે ગુરુવારે નિફ્ટીના વિક્લી ઑપ્શન્સની એક્સપાયરી હશે. ગઈ કાલે બૅન્ક નિફ્ટીની એક્સપાયરી નબળા ટોને થઈ હતી. નિફ્ટીએ ૮ દિવસ જૂની સપોર્ટ લાઇન તોડી નથી, આજે એ 22400ના સ્તરે છે એથી ગુરુવારનું બંધ 22600થી ઉપર આવવાની ગણતરી એફઍન્ડઓ ઍનલિસ્ટો મૂકે છે. કૉલ્સમાં 22600ના કૉલનું ઓપન ઇન્ટરેસ્ટ 2,03,942 છે. આ સ્ટ્રાઇકથી ઉપર ગુરુવારનું બંધ આવવાની ધારણા મુકાય છે.
માર્કેટ બ્રેડ્થ સંતુલિત
એનએસઈ ખાતે 2734 ટ્રેડેડ શૅરોમાંથી 1299 ઘટ્યા, 1323 વધ્યા અને 112 યથાવત રહ્યા હતા. 145 શૅરો બાવન સપ્તાહની ટોચે તો 17 શૅરો આવી બૉટમે ગયા હતા. અપર સર્કિટે પહોંચેલા શૅરોની સંખ્યા 130ની અને લોઅર સર્કિટે ગયેલા શૅરોની સંખ્યા 71 રહી હતી.
વિદેશી સંસ્થાઓની
નેટ વેચવાલી બુધવારે સ્થાનિક સંસ્થાઓની 962 કરોડ રૂપિયાની નેટ લેવાલી સામે એફઆઇઆઇએ 686 કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરી હતી.


