આખો દિવસ રેડ ઝોનમાં રહેલો સેન્સેક્સ છેલ્લી ઘડીએ ૨૦ મિનિટમાં ૬૦૦ પૉઇન્ટ વધી ગયો, કોઈ પણ કારણ વગર: બીટકૉઇન બગડીને ૫૪,૦૦૦ની અંદર ચાર મહિનાના તળિયે, ઇથર સાડાનવ ટકા તૂટ્યોઃ થાપણ અને ધિરાણદરના વસવસામાં HDFC બૅન્ક બગડીને બજારને ૫૧૭ પૉઇન્ટ નડી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
HDFC બૅન્કના ધબડકા પાછળ શૅરબજારમાં ઑલટાઇમ હાઈનો સિલસિલો તૂટ્યો છે. શુક્રવારે સેન્સેક્સ નીચામાં ૭૯૪૭૯ થઈ ૫૩ પૉઇન્ટની પીછેહઠમાં ૭૯૯૯૭ તથા નિફ્ટી ૨૨ પૉઇન્ટના સુધારામાં ૨૪૩૨૪ બંધ થયો છે. આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહેલી માર્કેટમાં પણ સ્મોલકૅપ અને મિડકૅપ બેન્ચમાર્ક નવી ઑલટાઇમ હાઈ બતાવી પોણો ટકો વધ્યા છે. બ્રૉડર માર્કેટ નવા શિખર બાદ સાધારણ પ્લસ હતું. હેલ્થકૅર ઇન્ડેક્સ બેસ્ટ લેવલે બનાવી એક ટકો, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૭૫૨૩૬ની વિક્રમી સપાટી દેખાડી દોઢ ટકો, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ પોણાબે ટકા, પાવર ઇન્ડેક્સ સવા ટકો, FMCG બેન્ચમાર્ક એક ટકો, નિફ્ટી ફાર્મા સવા ટકો પ્લસ હતા. બૅન્ક નિફ્ટી નીચામાં ૫૨૨૯૦ થઈ ૪૪૩ પૉઇન્ટ કે પોણો ટકો બગડ્યો છે, પણ પીએસયુ બૅન્ક
નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સથવારે સવા ટકો વધ્યો છે. પીએસયુ ઇન્ડેક્સ ૧.૮ ટકા મજબૂત હતો. એની ૫૯માંથી ૪૮ જાતો વધીને બંધ રહી છે. બજારની નરમાઈ છતાં માર્કેટકૅપ ૨.૫૯ લાખ કરોડના ઉમેરામાં ૪૪૯.૮૯ લાખ કરોડની ટોચે ગયું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ સવા ટકો કે ૯૬૪ પૉઇન્ટ અને નિફ્ટી ૩૧૩ પૉઇન્ટ કે ૧.૩ ટકા વધી નવા શિખરે બંધ આવ્યો છે.
એશિયન બજારો ગઈ કાલે મિશ્ર હતાં. સાઉથ કોરિયા સવા ટકો પ્લસ તો હૉન્ગકૉન્ગ એટલા જ ઘટાડે વધ-ઘટમાં મોખરે હતું. થાઇલૅન્ડ પોણો ટકો અપ તો સિંગાપોર પોણો ટકો ડાઉન થયું છે. પાકિસ્તાની બજાર ૮૦૬૨૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૮૦ પૉઇન્ટ ઘટી ૮૦૨૨૧ રહ્યું છે. યુરોપ રનિંગમાં સામાન્યથી લઈ પોણો ટકો વધેલું હતું. બ્રિટનમાં સત્તાપલટા પછી લંડન ફુત્સી સાધારણ સુધારો દાખવતો હતો. બ્રિટન ખાતે ૧૪ વર્ષ બાદ લેબર પાર્ટી ઐતિહાસિક બહુમતી સાથે વિજયી થઈ છે. રિશી સુનકના નેજા હેઠળ સતાધારી પક્ષ સૌથી ખરાબ રીતે ધોવાઈ ગયો છે. સપ્ટેમ્બર ૧૯૬૨મા જન્મેલા ૬૧ વર્ષના કૅર સ્ટાર્મર બ્રિટનના નવા વડા પ્રધાન બનશે. ભારત સાથે સંબંધ સારા રહેશે એવી વાતો થવા માંડી છે, પરંતુ તે વ્યવસાયે હ્યુમન રાઇટ્સ બૅરિસ્ટર છે, જે મોદી સરકારને ગમે એવી વાત નથી.



