અમેરિકા સાથે ટ્રેડ ડીલ નજીકમાં હોવાના અહેવાલથી બજાર મજબૂત ખૂલીને ૮૫,૨૯૦ વટાવી ગયું અને ત્યાંથી ૮૪૫ પૉઇન્ટ કપાયું
પ્રતીકાત્મક તસવીર
બૅન્ક નિફ્ટી, PSU બૅન્ક નિફ્ટી તથા ફાઇનૅન્સ બેન્ચમાર્ક નવા ઊંચા શિખર બનાવી નજીવા સુધારે બંધ : માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ, બજારનું માર્કેટકૅપ ઘટ્યું : ૪ IT શૅર બજારને ૨૭૦ પૉઇન્ટ ફળ્યા, ICICI બૅન્ક સેન્સેક્સને ૧૧૩ પૉઇન્ટ નડી : બ્રેન્ટ ક્રૂડમાં તગડા ઉછાળાનl પગલે ઑઇલ માર્કેટિંગ કંપનીઓના શૅર પ્રેશરમાં : હૈદરાબાદી મિડવેસ્ટનું આજે લિસ્ટિંગ, પ્રીમિયમ ૧૦૭નું
વિક્રમ સંવત ૨૦૮૨ના ફુલ ફ્લેજડ કામકાજનો પ્રથમ દિવસ શૅરબજાર માટે પ્રોત્સાહક નીવડ્યો છે. માર્કેટ સતત ચોથા દિવસે વર્ષનું નવું શિખર બનાવી સળંગ છઠ્ઠા દિવસે વધ્યું છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૮૫,૦૦૦ની તો નિફ્ટી ૨૬,૦૦૦ની પાર ગયો છે. મોજૂદા માહોલ જોતાં લાગે છે કે નવા સર્વોચ્ચ શિખરની હારમાળા બહુ ટૂંકમાં શરૂ થશે. શરત એટલી જ છે કે ટ્રમ્પની કુકરી ગાંડી ન થવી જોઈએ, અમેરિકા સાથે ટ્રેડ-ડીલ વિનાવિઘ્ને પાર થવી જોઈએ. સેન્સેક્સ આગલા બંધથી ૭૨૮ પૉઇન્ટના જમ્પમાં ૮૫,૧૫૪ ખૂલી છેવટે ૧૩૦ પૉઇન્ટની આગેકૂચમાં ૮૪,૫૫૬ તથા નિફ્ટી ૨૩ પૉઇન્ટ વધીને ૨૫,૮૯૧ ગુરુવારે બંધ થયો છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહેલા બજારમાં શૅરઆંક ઉપરમાં ૮૫,૨૯૦ તથા નીચામાં ૮૪,૪૪૫ થયો હતો. નિફ્ટીએ ઇન્ટ્રા-ડેમાં ૨૬,૧૦૪ની નવી ઐતિહાસિક ટૉપ દેખાડી હતી. પ્રથમ સત્રમાં બજાર સારુંએવું મજબૂત રહ્યું હતું. બીજા સત્રના મધ્ય ભાગથી પકડ ઢીલી થવા માંડી હતી. માર્કેટ બ્રેડ્થમાં કમજોરી વરતાઈ છે. NSEમાં વધેલા ૧૩૦૮ શૅર સામે ૧૮૦૨ કાઉન્ટર માઇનસ થયાં છે. સેન્સેક્સ-નિફ્ટીના નજીવા સુધારા સામે IT ઇન્ડેક્સ સવાબે ટકા, ટેક્નૉલૉજી ઇન્ડેક્સ સવા ટકા, બૅન્કેક્સ ૦.૪ ટકા વધ્યો છે. બહુમતી ઇન્ડાઇસિસ માઇનસ હતા. એનર્જી, હેલ્થકૅર, ઑઇલ-ગૅસ, ટેલિકૉમ નિફ્ટી ફાર્મા જેવા સેક્ટોરલ અડધો-પોણો ટકો કમાયા છે. બજારનું માર્કેટકૅપ ૫૮,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ૪૭૦.૩૧ લાખ કરોડની વર્ષની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. ટ્રમ્પની દાદાગીરીના પગલે રશિયન ઑઇલની ઇમ્પોર્ટ બંધ કરવાની દિશામાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન તરફથી ‘મોગેમ્બો ખુશ હુઆ’ની સ્ટાઇલમાં એકાદ મહિનામાં ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ-ડીલનો મામલો હલ થઈ જવાની આશા દર્શાવાઈ છે. એને લઈ શૅરબજારે ગઈ કાલે ભારે ઉત્સાહ સાથે શરૂઆત કરી હતી. ITમાં ઘણા દિવસે રોનક વરતાઈ હતી.
ADVERTISEMENT
દરમ્યાન પાંચના શૅરદીઠ ૧૦૬૫ના ભાવથી ૪૫૧ કરોડનો ઇશ્યુ કરનારી હૈદરાબાદી મિડવેસ્ટ આજે શુક્રવારે લિસ્ટેડ થવાની છે. ગ્રેમાર્કેટમાં ૧૪૫થી શરૂ થયા બાદ ઉપરમાં એક તબક્કે ૧૭૭ વટાવી હાલમાં ૧૦૭નું પ્રીમિયમ બોલાય છે. ગુરુવારે હાઇ-ટેક પાંચ ગણા કામકાજે ઉપરમાં ૩૫૮૨ વટાવી ૯.૭ ટકા કે ૩૦૭ની તેજીમાં ૩૪૬૮ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. બિરલાસૉફ્ટ ૭.૭ ટકા, MTAR ટેક્નૉલૉજીઝ ૭ ટકા કે ૧૫૦ રૂપિયા તથા શિપિંગ કૉર્પોરેશન આઠ ટકા મજબૂત બની છે. સામે એવલોન ટેક્નૉલૉજીઝ સાત ટકા, આઇનૉક્સ ગ્રીન ૬.૭ ટકા, ગૉડફ્રે ફિલિપ્સ ૬.૯ ટકા કે ૨૩૩ રૂપિયા બગડી છે. ફોર્સ મોટર્સ ૮૯૨ રૂપિયા કે પાંચ ટકાની બરાબરીમાં ૧૬૬૪૦ હતી. તાતા ઇન્વેસ્ટમેન્ટ ૫.૫ ટકા ગગડી ૮૨૭ હતી. વિશ્વભરમાં ક્રૂડમાં કરન્ટ આવતાં ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઇન્ડિયન ઑઇલ, MRPL અને ચેન્નઈ પેટ્રોલિયમ સવાબેથી સવા ચાર ટકા ડૂલ થઈ છે. ONGC ૧.૭ ટકા તો ઑઇલ ઇન્ડિયા સવાબે ટકા પ્લસ હતી.
એશિયા ખાતે જપાન ૧.૩ ટકા, સાઉથ કોરિયા એક ટકો, તાઇવાન સાધારણ નરમ હતું. સામે ઇન્ડોનેશિયા દોઢ ટકો, હૉન્ગકૉન્ગ-સિંગાપોર અડધો ટકો, ચાઇના નહીંવત્ પ્લસ હતું. યુરોપ રનિંગમાં અડધા ટકાની વધ-ઘટે મિશ્ર જોવા મળ્યું છે. બિટકૉઇન રનિંગમાં પોણાબે ટકા વધી ૧,૦૯,૫૩૦ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ સવાપાંચ ટકાના ઉછાળે ૬૬ ડૉલર નજીક આવી ગયું છે.
ઇન્ફોસિસ બન્ને બજારમાં ઝળક્યો, બજારને ૧૭૨ પૉઇન્ટ લાભ
સેન્સેક્સ-નિફ્ટીની મામૂલી આગેકૂચ સામે ગઈ કાલે IT ઇન્ડેક્સ ઉપરમાં ૩૫૬૯૭ થઈ સવાબે ટકા કે ૭૮૩ પૉઇન્ટના જમ્પમાં ૩૫૩૪૭ બંધ થયો છે. એના ૭૭માંથી ૩૮ શૅર પ્લસ હતા. ફ્રન્ટલાઇનમાં ઇન્ફોસિસ ૪ ગણા કામકાજે ૧૫૪૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩.૯ ટકા ઊંચકાઈ ૧૫૨૯ બંધ થયું. બજારને સર્વાધિક ૧૭૨ પૉઇન્ટ લાભદાયી નીવડ્યા છે. TCS ૨.૨ ટકા વધી ૩૦૭૫ બંધ થતાં એમાં બીજા ૫૮ પૉઇન્ટ તથા HCL ટેક્નો ૨.૪ ટકાની મજબૂતીમાં ૧૫૨૪ બંધ રહેતાં ૩૨ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. ટેક મહિન્દ્રનો એક ટકાનો વધારો આઠ પૉઇન્ટ ફળ્યો હતો. આમ ચાર IT શૅરે બજારને ગઈ કાલે કુલ ૨૭૦ પૉઇન્ટ પ્રદાન કર્યા છે. વિપ્રો સવા ટકો તથા લાટિમ ૦.૯ ટકા અપ હતી.
સાઇડ શૅરમાં બિરલાસૉફ્ટ ૭૦ ગણા કામકાજે ઉપરમાં ૩૮૮ બતાવી ૭.૭ ટકાની તેજીમાં ૩૭૮ થયો છે. હૅપીએસ્ટ માઇન્ડ અઢી ટકા, સોનાટા સૉફ્ટવેર સવાબે ટકા, ઝેનસાર ટેક્નો ૨.૮ ટકા, ઓરિયેન્ટ ટેક્નો ૧.૭ ટકા, TVS ઇલેક્ટ્રિક ૫.૬ ટકા, એમ્ફાસિસ ૨.૪ ટકા, ડેટામેટિક્સ ૩.૯ ટકા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પોણો ટકો વધી છે. ૬૨ મૂન્સનાં પરિણામ ૨૯મીએ છે. શૅર અડધો ટકો નરમ હતો. મેગ્લેનિક ક્લાઉડ ૪.૪ ટકાની નબળાઈમાં ૫૭ હતી. માઇન્ડ ટેક, સુબેક્સ, જેનેસિસ, રેટગેઇન, મૅપ માય ઇન્ડિયા, નેટવર્ક પીપલ, કેલ્ટોન, ક્વિક હિલ બેથી પાંચ ટકા ઘટ્યા છે. ITના જોરમાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ પણ ૧.૨ ટકા વધ્યો હતો. અહીં ૨૨માંથી ૧૩ શૅર વધ્યા હતા. એમાં ITની બોલબાલા હતી. એ ઉપરાંત ઝી એન્ટરપ્રાઇઝિસ ૧.૩ ટકા, સનટીવી ૦.૩ ટકા, પીવીઆર આઇનૉક્સ ૦.૨ ટકા સુધરી છે. તાતા ટેલિ, તાતા કમ્યુનિકેશન્સ, તેજસ નેટ, ITI, ભારતી હેક્સા પોણાબેથી સવાત્રણ ટકા નરમ હતા. ભારતી ઍરટેલ દોઢ ટકો ડાઉન થઈ છે.
HDFC, સ્ટેટ બૅન્ક, ઍક્સિસ બૅન્કમાં નવી ઑલટાઇમ હાઈ
બૅન્કિંગમાં ફૅન્સી ચાલી રહી છે. બૅન્ક નિફ્ટી ગઈ કાલે ૫૮૫૫૫ની ઑલટાઇમ હાઈ બતાવી નહીંવત્ કે ૭૧ પૉઇન્ટ સુધરી ૫૮૦૭૮ હતો. એના ૧૨માંથી ૭ શૅર પ્લસ હતા. તો PSU બૅન્ક નિફ્ટી ૭૯૬૩ ઉપર નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી ૧૨માંથી ૯૭ શૅરના સથવારે ૦.૩ ટકા વધીને ૭૮૭૫ રહ્યા છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૨૨ શૅર વધેલા હતા. ફ્રન્ટલાઇનમાં ઍક્સિસ બૅન્ક ૧૨૭૫ની વિક્રમી સપાટી હાંસલ કરી ૧.૯ ટકાની આગેકૂચમાં ૧૨૫૯ રહી છે. કોટક બૅન્ક પરિણામ વચ્ચે ઉપરમાં ૨૨૪૪ થઈ સવા ટકો વધી ૨૨૨૩ થઈ છે. HDFC બૅન્ક ૧૧૨૦ની ઉપર ઑલટાઈમ હાઈ બનાવી નજીવા સુધારે ૧૦૦૯ હતી. સ્ટેટ બૅન્ક ૯૧૮નું નવું બેસ્ટ લેવલ બનાવી સાધારણ સુધારામાં ૯૧૧ બંધ આવી હતી. બે દિવસની નરમાઈ બાદ ICICI બૅન્ક વધુ ૧.૪ ટકા ઘટી ૧૩૬૩ રહી હતી. ઍક્સિસ બૅન્ક ઉપરાંત ગઈ કાલે AU બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, સિટી યુનિયન બૅન્ક, ફેડરલ બૅન્ક, કરુર વૈશ્ય બૅન્ક, PNB, સ્ટેટ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, ઇન્ડિયન બૅન્ક નવી જાતોમાં નવા ઊંચા ભાવ જોવા મળ્યા હતા. IDFC ફર્સ્ટ બૅન્ક પણ પાંચ ગણા કામકાજે ૮૦ ઉપર નવી ટૉપ નોંધાવી ત્રણેક ટકાની મજબૂતીમાં ૭૯ થઈ છે. બૅન્ક ઑફ ઇન્ડિયા ચાર ટકા, ઇન્ડિયન બૅન્ક ૧.૩ ટકા, બંધન બૅન્ક ત્રણ ટકા, સિટી યુનિયન બૅન્ક ૨.૨ ટકા, કરુર વૈશ્ય બૅન્ક પોણો ટકો, ઉજ્જીવન બૅન્ક ત્રણ ટકા, જના સ્મૉલ બૅન્ક દોઢ ટકો, કર્ણાટકા બૅન્ક ૦.૬ ટકા મજબૂત બની છે. સામે ડીસીબી બૅન્ક, RBL બૅન્ક, CSB બૅન્ક, સૂર્યોદય બૅન્ક, ફિનો બૅન્ક બેથી ત્રણ ટકા નરમ હતી.
ફાઇનૅન્સ બેન્ચમાર્ક ઑલટાઇમ હાઈની હૅટ ટ્રિક બનાવતાં ૧૩૧૭૫ના નવા શિખરે જઈ નજીવો વધીને ૧૩૦૮૩ બંધ થયો છે. એના ૧૮૧માંથી ૭૩ શૅર સુધર્યા છે. બજાજ ફાઇનૅન્સ ૧૧૦૨ની નવી વિક્રમી સપાટી નોંધાવી નહીંવત્ વધી ૧૦૯૪ તથા બજાજ ફિનસર્વ ૨૧૮૬ની સર્વોચ્ચ સપાટી બતાવી સાધારણ સુધારે ૨૧૭૬ બંધ રહી છે. હોલ્ડિંગ કંપની કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ આઠ ટકા કે ૪૭૩ રૂપિયા, વર્ધમાન હોલ્ડિંગ્સ ૪.૭ ટકા કે ૧૮૮ રૂપિયા વધી હતી. શૅર ઇન્ડિયામાં ૩.૮ ટકા તૂટી ૧૯૭ રહી છે. પૂનાવાલા ફિનકૉર્પ પાંચ ટકા ગગડી છે.
સિપ્લા, ભારતી ઍરટેલ, તાતા કન્ઝ્યુમર નવી ટૉપ બનાવી ઘટ્યા
ઇન્ફોસિસ બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર અને HCL ટેક્નૉલૉજીઝ સેકન્ડ બેસ્ટ ગેઇનર બની છે. લાર્સન ૩૯૬૩ની ઑલટાઇમ હાઈ ભેદવાના મૂડમાં ખાલી ઉપરમાં ૩૯૬૬ થઈ પોણો ટકો વધી ૩૯૧૮ રહ્યો છે. રિઝલ્ટ ૨૯મીએ છે. શ્રીરામ ફાઇનૅન્સમાં ૭૧૭ પ્લસના બેસ્ટ લેવલ સામે ભાવ ગઈ કાલે ઉપરમાં ૭૧૮ થઈ બે ટકા વધીને ૭૦૯ બંધ આવ્યો છે ITC પોણો ટકો વધી ૪૧૫ થઈ છે. પરિણામ ૩૦મીએ છે. તાતા કન્ઝ્યુમર ૧૧૯૧ની વિક્રમી સપાટી નોંધાવી સવા ટકો ઘટી ૧૧૫૯ હતી. હિન્દુસ્તાન યુનિલીવરે દોઢ ટકાના વધારામાં ૧૬૩૮૮ કરોડની આવક તથા પોણાચાર ટકાના વધારામાં ૨૬૯૪ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવી ધારણા કરતાં સારાં રિઝલ્ટ આપ્યાં છે. વિશ્લેષકોની ધારણા ૧૬૨૦૪ કરોડની આવક તેમ જ ૨૫૬૮ કરોડના નેટ નફાની હતી. જોકે નફામાંથી ૧૮૪ કરોડનો વન-ટાઇમ ગેઇન બાદ કરીએ તો નેટ પ્રૉફિટ વધવાને બદલે ઘટેલો આવે છે. શૅર પરિણામ બાદ ૩ ગણા કામકાજે ઉપરમાં ૨૬૬૭ વટાવી ૦.૩ ટકા વધીને ૨૬૦૧ બંધ થયો છે.
ટાઇટનમાં UBS ગ્લોબલ તરફથી ૪૭૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ જાળવી રખાયો છે. શૅર ૩૭૯૭ના શિખરે જઈ ૧.૨ ટકા વધી ૩૭૭૨ રહ્યો છે. તાતા સ્ટીલ પોણો ટકો વધી ૧૭૪ હતો. નોમુરા દ્વારા ૨૧૫ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુ જારી થયો છે. મારુતિ સુઝુકીમાં મૉર્ગન સ્ટૅનલી ૧૮૩૬૦ના ટાર્ગેટ સાથે બુલિશ બની છે. પરિણામ ૩૧મીએ છે. શૅર ગઈ કાલે ૧૬૬૭૪ નજીક ઑલટાઇમ હાઈ થઈ પરચૂરણ સુધારામાં ૧૬૪૧૧ હતો. એટર્નલ ઘટાડાની ચાલ જાળવી રાખતાં ૨.૯ ટકાની નરમાઈમાં ૩૨૮ હતી. ભારતી ઍરટેલ ૨૦૬૯ ઉપર સર્વોચ્ચ સપાટી નોંધાવી દોઢ ટકાની નરમાઈમાં ૨૦૧૦ રહી છે. અદાણી પોર્ટ ૧.૪ ટકા, JSW સ્ટીલ દોઢ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ સવા ટકો,આઇશર ૧.૯ ટકા ઢીલી થઈ છે. સિપ્લા ૧૬૭૨ની વર્ષની નવી ટોચે જઈ ૧.૧ ટકા ઘટી ૧૬૪૫ રહી છે. રિલાયન્સ સવા ટકો ઘટીને ૧૪૪૮ના ભાવે બંધ થઈ છે. ICICI બૅન્ક ૧૦૪ ટકા ખરડાઈ ૧૩૬૩ બંધમાં બજારને ૧૧૩ પૉઇન્ટ નડી છે.
રિઝલ્ટની પાછળ જૈન રિસોર્સ તથા ઇપેક પ્રીફૅબમાં નવી ટોચ
તાજેતરમાં બેના શૅરદીઠ ૨૩૨ના ભાવે ૧૨૫૦ કરોડનો ઇશ્યુ લાવનારી ચેન્નઈની જૈન રિસોર્સ રીસાઇક્લિંગે બાવન ટકા જેવા વધારામાં ૨૧૧૪ કરોડની આવક પર ૭૭.૭ ટકા વૃદ્ધિદરથી ૯૯ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર અઢી ગણા વૉલ્યુમે ૩૮૮ના બેસ્ટ લેવલે જઈ ૩.૮ ટકા વધી ૩૬૯ બંધ થયો છે. તો ગ્રેટર નોએડાની ઇપેક પ્રીફૅબ ટેક્નૉલૉજીઝ બેના શૅરદીઠ ૨૦૪ના ભાવે ૫૦૪ કરોડનો ઇશ્યુ ચાલુ મહિને લાવી હતી. એણે ૬૨ ટકા વધારામાં ૪૩૪ કરોડની આવક પર ૧૦૪ ટકા વૃદ્ધિદરથી ૨૯૫૦ લાખનો ત્રિમાસિક ચોખ્ખો નફો કર્યો છે જેમાં ભાવ ૧૯ ગણા કામકાજે ૨૪૪ના શિખરે જઈ ૧૪.૨ ટકાના જમ્પમાં ૨૩૨ થયો છે.
NMDC તરફથી ૨૨ ઑક્ટોબરથી અમલી બને એ રીતે આયર્ન ઑરના ભાવ ૯ ટકા તથા ઑર ફાઇનના ભાવ ૧૦ ટકા ઘટાડવામાં આવ્યા છે. શૅર ગઈ કાલે નીચામાં ૭૩ની અંદર જઈ બે ટકા ઘટી ૭૪ રહ્યો છે. ગુલશન પૉલિઓલ્સને ૨૦૨૫-’૨૬ના વર્ષ માટે ઑઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી પોણાબે લાખ કિલોલીટર કે આશરે ૧૧૮૭ કરોડ રૂપિયાની વૅલ્યુનો ઇથનૉલ સપ્લાય કરવા માટેનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. આને પગલે શૅર ૨૭ ગણા જંગી કામકાજે ઉપરમાં ૧૬૪ વટાવી છેવટે ૯ ટકાની મજબૂતીમાં ૧૫૪ બંધ આવ્યો છે. ફેસવૅલ્યુ ૧ની છે.
ડીજીકોર સ્ટુડિયોઝ શૅરદીઠ એક બોનસમાં આજે શુક્રવારે એક્સ-બોનસ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૬૬ બતાવી ચાર ટકા વધી ૧૫૯ બંધ હતો. પૂણેની આ કંપની ૧૦ના શૅરદીઠ ૧૭૧ના ભાવે ઑક્ટોબર ૨૩માં ૩૦૪૮ લાખનો NSE SME IPO લાવી હતી. લિસ્ટિંગ તગડા ગેઇન સાથે ૨૮૩ના ભાવે થયું હતું. ત્યાર બાદ શૅર ૨૯ એપ્રિલ ૨૦૨૪માં ૬૬૬ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. બાદમાં ભાવ ગગડતો રહી ૧૮ ઑગસ્ટ ૨૦૨૫માં ૧૩૯ના ઑલટાઇમ તળિયે ગયો હતો!.


