ઇન્ફીના ભારમાં IT બેન્ચમાર્ક ૧.૨ ટકા ડાઉન, પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકો તથા નિફ્ટી ડિફેન્સ ૧.૪ ટકા મજબૂત હતા : વનટાઇમ નોશનલ ગેઇનના સહારે તાતા મોટર્સ પૅસેન્જર વ્હીકલ્સે ૨૧૧૦ ટકાના વધારામાં ૭૬,૧૭૦ કરોડનો આભાસી નફો બતાવી દીધો
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- ઇપ્કા લૅબોરેટરીઝ ૧૯૨ રૂપિયાના ઉછાળે એ-ગ્રુપમાં ઝળક્યો
- મઝેદાર રિઝલ્ટથી KRBLમાં સાડાતેર ટકાની તેજી
- નબળા રિઝલ્ટમાં LG ઇલેક્ટ્રૉનિક્સમાં લિસ્ટિંગ પછીની મોટી ખરાબી
બિહારમાં NDAનો વિજ્ય થયો છે. આ કેવળ વિજય નથી. એક અકલ્પનીય ઘટનાક્રમ છે, ગજબનો ચમત્કાર કહી શકાય એવી આ જીત છે. આવી ઘટનાઓ જોતાં લાગે છે કે આપણે ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ સમયમાં જીવી રહ્યા છીએ. NDAના વિજયની હકીકત બજારને પણ જરાક મોડી સમજાઈ હોય એમ લાગે છે. આથી જ આખો દિવસ માઇનસ ઝોનમાં રહેલું માર્કેટ છેલ્લા અડધા કલાકમાં એકાએક ઝનૂની સુધારામાં આવી ૮૪ પૉઇન્ટની આગેકૂચમાં ૮૪,૫૬૩ તથા નિફ્ટી ૩૧ પૉઇન્ટ વધીને ૨૫,૯૧૦ બંધ થયો છે. શુક્રવારે સેન્સેક્સ આગલા બંધથી ૪૧૮ પૉઇન્ટ નરમ, ૮૪,૦૬૦ ખૂલી નીચામાં ૮૪,૦૨૯ થયો હતો. ત્યાર પછી બપોરે ત્રણેક વાગ્યા સુધી બજાર રેડઝોનમાં જ હતું અને ત્યાંથી ગણતરીની મિનિટમાં જ લગભગ ૬૦૦ પૉઇન્ટનો જમ્પ મારી ૮૪,૬૯૮ થઈ ગયું હતું. નિફ્ટીમાં ૨૫,૯૪૦ની ઇન્ટ્રા-ડે હાઈ બની હતી. માર્કેટ બ્રેડ્થ સાધારણ નબળી રહી છે. NSEમાં વધેલા ૧૪૮૩ શૅરની સામે ૧૬૨૩ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૮૪૦૦ કરોડ વધીને ૪૭૩.૯૯ લાખ કરોડ રૂપિયા થયું છે. બન્ને બજારનાં સેક્ટોરલ મિશ્ર હતાં. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧.૪ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકા નજીક, ટેલિકૉમ બેન્ચમાર્ક અડધા ટકાથી વધુ તો FMCG અડધો ટકો પ્લસ હતો સામે IT ઇન્ડેક્સ ૧.૨ ટકા, મેટલ એક ટકા નજીક, ટેક્નૉલૉજીઝ પોણો ટકો, ઑટો તેમ જ ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૩૪૬ પૉઇન્ટ કે ૧.૬ ટકા અને નિફ્ટી ૪૧૮ પૉઇન્ટ કે ૧.૬ ટકા વધ્યા છે. સપ્તાહમાં IT બેન્ચમાર્ક ૩.૪ ટકા ઝળક્યો છે.
નફામાં ૨૩ ટકા વધારા વચ્ચે આગલા દિવસે ત્રણ ટકા બગડેલી ઇપ્કા લૅબોરેટરીઝ ગઈ કાલે બાવીસ ગણા કામકાજે ઉપરમાં ૧૫૫૦ નજીક જઈને પોણાપંદર ટકા કે ૧૯૨ રૂપિયાની તેજીમાં ૧૪૯૪ બંધ આપી એ-ગ્રુપમાં મોખરે રહી છે.
ADVERTISEMENT
પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ નબળા રિઝલ્ટમાં સવાછ ટકા ગગડી ૧૪૭ની અંદર ઊતરી ગઈ છે. BSE લિમિટેડ અઢી ટકા વધીને ૨૮૨૭ હતી. નઝારા ટેક્નૉલૉજીઝ આગલા દિવસના ઉછાળા બાદ ગઈ કાલે ૨૭૩ના લેવલે ફ્લૅટ હતી.
બજાર બંધ થયા પછી જૂની તાતા મોટર્સ એટલે કે તાતા મોટર્સ પૅસેન્જર વ્હીકલ્સે રમૂજ ઊપજે એવાં પરિણામ જાહેર કર્યાં છે. કંપનીએ ત્રિમાસિક ગાળામાં સાડાતેર ટકા ઘટાડામાં ૭૨,૩૪૯ કરોડની આવક મેળવી છે ત્યારે નેટ નફો અગાઉના ૩૪૪૬થી ૨૧૧૦ ટકા ઊછળી ૭૬,૧૭૦ કરોડ રૂપિયા થયો છે. આવક કરતાંય નફો વધી ગયો છે. આ માટે ૮૨,૬૧૬ કરોડની વન ટાઇમ નોશનલ ઇન્કમ કે નોશનલ ગેઇન કારણભૂત છે. જો એને મજરે લેવામાં આવે તો ખરેખર કંપનીએ ૬૩૬૮ કરોડની ચોખ્ખી ખોટ કરી છે એ નક્કર હકીકત છે.
મુથૂટ ફાઇનૅન્સ તગડા પરિણામ પાછળ નવા બેસ્ટ લેવલે
મુથૂટ ફાઇનૅન્સે આવકમાં ૪૮ ટકા વધારા સામે ૯૦ ટકાના વૃદ્ધિદરથી ૨૪૨૧ કરોડ નેટ નફો કર્યો છે. કંપનીએ તબક્કાવાર ધોરણે રિડીમેબલ NCD મારફત ૩૫૦૦૦ કરોડ સુધીનું ભંડોળ પ્રાઇવેટ પ્લેસમેન્ટથી ઊભું કરવાનું નક્કી કર્યું છે. શૅર ગઈ કાલે ૩૭૫૩ના શિખરે જઈને દસેક ટકા ઊછળી ૩૭૨૭ બંધ થયો છે. ડિફેન્સ કંપની ભારત ડાયનૅમિક્સે બમણાથી વધુની ૧૧૪૭ કરોડની આવક ઉપર ૭૬ ટકા વધારામાં ૨૧૬ કરોડ સ્ટૅન્ડ અલોન ધોરણે નફો બતાવ્યો છે. શૅર ઉપરમાં ૧૬૩૩ થઈ સવાછ ટકા ઊંચકાઈ ૧૬૧૩ રહ્યો છે. ડોમિનો ફેમ જ્યુબિલન્ટ ફૂડવર્કસની આવક ૧૬ ટકા વધી છે. નફો ૨૩ ટકા વધીને ૬૪ કરોડ નોંધાયો છે. શૅર ઇન્ટ્રા-ડેમાં ૬૨૨ થઈને સવાસાત ટકાની તેજીમાં ૬૧૫ હતો. વિશાલ મેગામાર્ટની આવક બાવીસ ટકા અને નેટ પ્રૉફિટ ૪૬.૫ ટકા વધ્યા છે. શૅર ઉપરમાં ૧૪૨ બતાવી પોણો ટકો ઘટી ૧૩૭ બંધ આવ્યો છે.
વોલ્ટાસની આવક ૧૦ ટકા ઘટી છે, પરંતુ નેટ પ્રૉફિટ ૭૪ ટકા ગગડી ૩૪ કરોડ રહ્યો છે. શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજે નીચામાં ૧૨૯૮ થઈ એકાદ ટકો સુધરી ૧૩૫૧ થયો છે. પીજી ઇલેક્ટ્રો પ્લાસ્ટની આવક અઢી ટકા ઘટી છે, પણ નેટ પ્રૉફિટ ૮૬ ટકા જેવો ધોવાઈને ૨૮૦ લાખ થયો છે. શૅર નીચામાં ૫૨૮ થઈ ૩.૩ ટકા વધીને ૫૭૮ રહ્યો છે. ફાર્મા કંપની હાઇકલની આવક ૨૯.૭ ટકાના ઘટાડામાં ૩૧૯ કરોડ થતાં કંપની ૧૮ કરોડના નફામાંથી ૩૫ કરોડ જેવી નેટ લૉસમાં આવી ગઈ છે. શૅર ૨૨૫ની નીચી સપાટી બતાવી ૩.૯ ટકા ગગડી ૨૩૧ થયો છે. પ્રીમિયર એક્સ્પ્લોસિવ્સની આવક ૨૦ ટકા ઘટી ૭૫૬૦ લાખ થઈ છે, માર્જિન ૧૫ ટકાથી ગગડી સાડાઆઠ ટકા નોંધાયું છે, પણ નફો ૧૧૨ ટકા વધીને ૧૭૮૦ લાખ થયો છે. શૅર અડધો ટકો સુધરી ૫૯૮ બંધ થયો છે.
પાઇન લૅબ્સનું પ્રોત્સાહક, શાઇનિંગ ટૂલ્સનું નિરાશાજનક લિસ્ટિંગ
ગઈ કાલે મેઇન બોર્ડમાં પાઇન લૅબ્સ એકના શૅરદીઠ ૨૨૧ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૬૦થી શરૂ થઈ ઝીરો થઈ ગયા બાદ છેલ્લે બોલાતા ૬ રૂપિયાના પ્રીમિયમ સામે ૨૪૨ ખૂલીને ૨૫૧ બંધ થતાં ૧૩.૭ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME સેગમેન્ટમાં ગુજરાતના સાણંદ ખાતેની ક્યુરિસ લાઇફ સાયન્સ શૅરદીઠ ૧૨૮ની ઇશ્યુ પ્રાઇસ અને ૯ના પ્રીમિયમ સામે ૧૪૬ ખૂલીને ૧૪૧ બંધ થતાં સવાદસ ટકા લિસ્ટિંગ ગેઇન તથા ગોંડલની શાઇનિંગ ટૂલ્સ શૅરદીઠ ૧૧૪ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૦૪ ખૂલી ૯૯ બંધ થતાં ૧૩.૩ ટકા લિસ્ટિંગ લૉસ મળેલ છે.
દરમ્યાન બૅન્ગલુરુની કૅપિલરી ટેક્નૉલૉજીઝનો બેના શૅરદીઠ ૫૭૭ની અપરબૅન્ડ સાથે ૮૭૭ કરોડ પ્લસનો મેઇન બોર્ડનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૨૭ ટકા સહિત કુલ ૨૮ ટકા ભરાયો છે. પ્રીમિયમનાં કામકાજ નથી. નવી દિલ્હીની ફ્યુજિયામા પાવર સિસ્ટમ્સનો એકના શૅરદીઠ ૨૨૮ની અપર બૅન્ડ સાથે ૮૨૮ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે રીટેલમાં ૩૦ ટકા અને કુલ ૪૧ ટકા પ્રતિસાદ મેળવવામાં સફળ થયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. જ્યારે કાંચીપુરમ ખાતેની ટેનેકો ક્લીન ઍર ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૩૯૭ના ભાવનો ૩૬૦૦ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ એના આખરી દિવસે રીટેલમાં ૫.૪ ગણા સહિત કુલ ૬૨ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. ગ્રેમાર્કેટ ખાતે ૭૬ વાળું પ્રીમિયમ વધીને હાલમાં ૯૬ ચાલે છે.
એક્સ-બાયબૅક થતાં ઇન્ફી ગગડીને બજારને ૧૨૦ પૉઇન્ટ નડી
બિહારમાં NDAની બહાર ખીલવાની અસરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ નિફ્ટી ખાતે ૨૫૫૪ નજીક જઈ સવા ટકો વધીને ૨૫૧૭ બંધ રહી છે. અદાણી પોર્ટ્સ ૧૫૨૩ની ૧૪ મહિનાની ટોચે જઈ એકાદ ટકો વધીને ૧૫૧૨ હતી. અદાણી એનર્જી ૧૦૫૦ની ૧૫ મહિનાની ઊંચી સપાટી નોંધાવી સાધારણ સુધરી ૧૦૨૪ હતી. અદાણી પાવર ૧.૩ ટકા, અદાણી ટોટલ એક ટકો, NDTV એક ટકો, અંબુજા સિમેન્ટ્સ એક ટકો, સેમિ ઇન્ડિયા નહીંવત્ વધી છે તો પીએસપી પ્રોજેક્ટ્સ ૧૦૩૧ના બેસ્ટ લેવલે જઈને પોણો ટકો વધીને ૯૯૮ રહી છે. ઓરિએન્ટ સિમેન્ટ ૧૮૫ના નવા તળિયે જઈને દોઢ ટકાના ઘટાડે ૧૮૬ હતી.
સેન્સેક્સ ખાતે એટર્નલ બે ટકા તથા ઍક્સિસ બૅન્ક દોઢ ટકા પ્લસ હતી. સ્ટેટ બૅન્ક સવા ટકો સુધરીને ૯૬૭ થઈ છે. બજાજ ફાઇનૅન્સ, ટ્રેન્ટ તથા ભારત ઇલેક્ટ્રૉનિક્સ સવાથી પોણાબે ટકા આસપાસ અપ હતા. એશિયન પેઇન્ટ્સ ૨૯૦૯ની વર્ષની નવી ટૉપ નોંધાવી એક ટકાની આગેકૂચમાં ૨૯૦૬ રહી છે. શૅરદીઠ ૧૮૦૦ના ભાવે બાયબૅકમાં એક્સ બાયબૅક થતાં ઇન્ફોસિસ નીચામાં ૧૪૮૯ થઈ અઢી ટકા ગગડી ૧૫૦૨ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર બની સેન્સેક્સને ૧૨૦ પૉઇન્ટ ભારે પડી છે. તાતા મોટર્સ પૅસેન્જર વ્હીકલ્સ પરિણામ પહેલાં દોઢા કામકાજે નીચામાં ૩૮૭ બતાવી દોઢ ટકા ગગડી ૩૯૧ રહી છે. તાતા મોટર્સના ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલી તાતા મોટર્સ કમર્શિયલ વ્હીકલ્સે ૬ ટકા વધારા સાથે ૧૮,૫૮૫ કરોડની આવક ઉપર ૪૯૮ કરોડના નફા સામે આ વેળા ૮૬૭ કરોડની નેટ લૉસ કરી છે. શૅર ૩૦૬ની સૌથી નીચી સપાટી નોંધાવી ૦.૪ ટકા સુધરી ૩૨૨ હતો. તાતા સ્ટીલ ૧.૪ ટકા, ICICI બૅન્ક એક ટકા, આઇશર બે ટકા, JSW સ્ટીલ ૧.૪ ટકા નરમ હતી. રિલાયન્સ ૦.૬ ટકા સુધરી ૧૫૧૯ તો જિયો ફાઇનૅન્સ સવા ટકા વધી ૩૧૫ હતી. હીરો મોટોકૉર્પ રિઝલ્ટ પાછળ ઉપરમાં ૪૬૨૮ અને નીચામાં ૫૪૬૧ દેખાડી અડધો ટકો સુધરી ૫૫૩૦ બંધ આવ્યો છે.
જીએમડીસી મજબૂત પરિણામ છતાં પોણાચાર ટકા ગગડ્યો
ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ બનાવતી ટેગા ઇન્ડસ્ટ્રીઝે ૧૪.૭ ટકા વધારામાં ૪૦૫ કરોડની આવક ઉપર ૫૨૩ ટકાના વૃદ્ધિદરથી ૪૫ કરોડ જેવો નેટ નફો કર્યો છે. શૅર ચાર ગણા કામકાજે ઉપરમાં ૧૯૯૫ બતાવી ૧.૭ ટકા ઘટી ૧૯૩૫ રહ્યો છે. તાજેતરમાં IPO લાવનારી LG ઇલેક્ટ્રૉનિક્સની આવક એક ટકો વધીને ૬૧૭૪ કરોડ થઈ છે, પણ નેટ નફો ૨૭.૩ ટક ગગડી ૩૮૯ કરોડ જોવાયો છે. શૅર નીચામાં ૧૫૮૫ થઈ ૩.૩ ટકા ગગડી ૧૬૧૯ થયો છે. જીએમડીસી દ્વારા ૧૧ ટકા ઘટાડામાં ૫૨૮ કરોડ આવક ઉપર અગાઉના ૧૨૮ કરોડની સામે ૪૬૬ કરોડનો નેટ નફો હાંસલ થયો છે, પરંતુ શૅર રિઝલ્ટ બાદ નીચામાં ૫૫૬ બતાવી ૩.૮ ટકા તૂટી ૫૬૭ રહ્યા છે.
મારિકો લિમિટેડની આવક ૩૦.૭ ટકા વધીને ૩૪૮૨ કરોડ પહોંચી છે, પણ નફો પોણો ટકો ઘટીને ૪૨૦ કરોડ રહ્યો છે. શૅર ૭૧૩થી વધીને ૭૪૨ વટાવી અઢી ટકા સુધરીને ૭૩૯ હતો. પૉલીપ્લેક્સ કૉર્પોરેશનની આવક સવાત્રણ ટકા વધીને ૧૭૯૪ કરોડ થઈ છે, નેટ પ્રૉફિટ ૭૨ ટકા ગગડી ૨૪૭૦ લાખ થયો છે. શૅર નીચામાં ૮૯૩ થઈ ૩.૪ ટકા ઘટી ૮૯૭ થયો છે. ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ કંપનીનો નફો ૭૩ ટકાના ધોવાણમાં ૨૦ કરોડ રહ્યા છે. શૅર અઢી ટકાના ઘટાડે ૧૮૦ હતો. યુફ્લેક્સ લિમિટેડ ૩૮૩૨ કરોડની ફ્લૅટ આવક મેળવી ૬૪ કરોડની નેટ લૉસમાંથી ૨૭ કરોડના નેટ નફામાં આવી છે છતાં ભાવ અઢી ટકા ઘટી ૫૧૯ રહ્યો છે.
રાઇસ કંપની KRBLનો નેટ પ્રૉફિટ ૧૦૩ કરોડથી ૬૭ ટકા વધીને ૧૭૨ કરોડ આવતાં શૅર ૨૮ ગણા વૉલ્યુમે ૪૩૮ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૧૩.૪ ટકાના ઉછાળે ૪૨૯ બંધ થયો છે. મિશ્રધાતુ નિગમની આવક ૨૦ ટકા ઘટતાં નફો ૪૫.૮ ટકા ઘટીને ૧૨૯૦ લાખ થયો છે. શૅર નીચામાં ૩૬૧ થઈ સાડાચાર ટકા ખરડાઈને ૩૬૫ રહ્યો છે.


