ગ્રોફેમ બિલિયન બ્રેઇન્સ નવા શિખર સાથે મજબૂત, લેન્સકાર્ટ નવી ટૉપ બતાવીને ગગડી : પાઇન લૅબ્સનું આજે લિસ્ટિંગ, ઝીરો થયેલું પ્રીમિયમ સુધરીને હાલમાં ૬ રૂપિયે : બૅન્ક નિફ્ટી ઑલટાઇમ હાઈ બનાવી મામૂલી સુધારામાં બંધ : ફિઝિક્સવાલાનો ઇશ્યુ પૂરો થયો, પ્રીમિયમ ગાયબ
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- ડેટા પૅટર્ન્સ સૉલિડ રેવન્યુ ગ્રોથમાં ૨૦૭ રૂપિયાની તેજીમાં
- સ્કાય ગોલ્ડ સારાં પરિણામો બાદ ઝંખવાઈ
- સ્પાઇસ જેટ નબળા રિઝલ્ટને અવગણીને સુધારામાં રહી
બિહારનાં ચૂંટણી-પરિણામની પૂર્વસંધ્યાએ શૅરબજારમાં સુધારાની હૅટ-ટ્રિક અકબંધ રહી છે. સેન્સેક્સ આગલા બંધથી ૫૯ પૉઇન્ટ વધી ૮૪,૪૭૯ તથા નિફ્ટી ત્રણ પૉઇન્ટ સુધરી ૨૫,૮૭૯ ગુરુવારે બંધ થયો છે. દિવસ દરમ્યાન બજાર પ્રમાણમાં વધુ વૉલેટાઇલ હતું. સેન્સેક્સ પૉઝિટિવ ઓપનિંગ બાદ તરત ૨૭૨ પૉઇન્ટ ગગડી ૮૪,૨૫૩ થયો હતો. ત્યાંથી ઝડપથી બાઉન્સ થઈ ક્રમશઃ વધતાં રહી ઉપરમાં ૮૪,૯૧૯ વટાવી ગયો હતો અને ત્યાંથી પાછો પડી ૮૪,૪૧૯ સુધી નીચે આવ્યો હતો. નિફ્ટી નીચામાં ૨૫,૮૦૮ અને ઉપરમાં ૨૬,૦૧૧ થયો હતો. ટેલિકૉમ બેન્ચમાર્ક પોણો ટકો આગળ વધ્યો છે. વિંધ્ય ટેલીલિન્ક ૧૪૩ ટકાના વધારામાં ૫૯ કરોડ પ્લસના નેટ નફા પાછળ ૧૮૧ ગણા જંગી વૉલ્યુમે ૧૬૦૦ થઈને ૧૫.૪ ટકાની તેજીમાં ૧૫૭૫ બંધ રહ્યો છે. વોડાફોન ૧૦.૭૮ની નવી ઐતિહાસિક ટોચે જઈને એક ટકો વધી ૧૦.૪૮ રહી છે. એશિયન પૉઇન્ટ્સના જોરમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ ૦.૯ ટકા કે વધુ ૫૨૯ પૉઇન્ટ ઊંચકાયો છે. પીજી ઇલેક્ટ્રો પ્લાસ્ટ પરિણામ પહેલાં ઉપરમાં ૫૬૮ બતાવી ૬ ટકાની મજબૂતીમાં ૫૬૦ થયો છે. બૅન્ક નિફ્ટી ૫૮,૬૧૬ની ઑલટાઇમ હાઈ બતાવીને ૧૦૭ પૉઇન્ટ કે ૦.૨ ટકા સુધરી ૫૮,૩૮૨ રહ્યો છે. એમાં ICICI બૅન્કનો સિંહફાળો હતો. તાજેતરની રૅલી બાદ IT ઇન્ડેક્સ ૨૦૨ પૉઇન્ટની પીછેહઠ સાથે નરમ હતો. કૅપિટલ ગુડ્સ તથા પીએસયુ બૅન્ક નિફ્ટી પોણા ટકા નજીક નરમ હતા. મેટલ ઇન્ડેક્સ ૦.૪ ટકા સુધર્યો છે. સાધારણ નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૩૬૭ શૅરની સામે ૧૭૩૨ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૫૪,૦૦૦ કરોડના ઘટાડે ૪૭૩.૨૦ લાખ કરોડ થયું છે.
સારાં રિઝલ્ટ આપનાર ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ ૧૧ ગણા કામકાજે ૩૯૯ વટાવી ૯ ટકાના ઉછાળે ૩૯૪ બંધ આપી એ-ગ્રુપમાં ઝળક્યો છે. ડીબી રિયલ્ટી અર્થાત્ હાલની વેલોર એસ્ટેટ ૫.૭ ટકા, ઇન્ફિબીમ આઠ ટકા અને ઇન્ફિબીમનો પાર્ટપેઇડ ૧૧.૮ ટકા ઊંચકાયો છે. સનોફી કન્ઝ્યુમર પરિણામ પાછળ ઉપરમાં ૫૦૭૨ વટાવી ૭.૩ ટકા કે ૩૪૨ રૂપિયાના જમ્પમાં ૪૯૯૯ રહી છે. અગાઉ સુવેન ફાર્મા તરીકે ઓળખાતી કોહેન્સ લાઇફ સાયન્સિસે બાવન ટકાના ગાબડામાં ૬૬ કરોડ નફો કરતાં શૅર ૬૨૧ના તળિયે જઈને સવાનવ ટકા તૂટી ૬૨૬ બંધમાં એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝરમાં જોવાયો છે. એન્ડ્યુરન્સ ટેક્નૉએ આવકમાં ૨૨.૬ ટકા વધારા સામે ૧૨ ટકા વૃદ્ધિદરથી ૨૨૭ કરોડ નફો કરીને પ્રોત્સાહક કામગીરી બજાવી છે. શૅર ઉપરમાં ૨૯૨૭ વટાવ્યા બાદ પ્રૉફિટ બુકિંગનો ભોગ બનતાં નીચામાં ૨૬૬૦ થઈ ૭.૫ ટકા કે ૨૧૭ રૂપિયા ગગડી ૨૬૯૯ રહ્યો છે.
ADVERTISEMENT
કૅનેડિયન કંપની મૅન્યુલાઇફના સહયોગમાં કુલ ૩૬૦૦ કરોડના રોકાણથી મહિન્દ્રએ ૫૦ ટકા ભાગીદારીમાં જીવનવીમા ક્ષેત્રે ઝંપલાવવાની જાહેરાત કરી છે. શૅર ૩૭૫૫ થયા બાદ દોઢ ટકો ઘટી ૩૬૯૯ રહ્યો છે. પારસ ડિફેન્સનો ત્રિમાસિક નફો ૪૯ ટકા વધી ૨૦૬૦ લાખ થયો છે. ભાવ ઉપરમાં ૭૩૨ થઈ ૨.૨ ટકા વધી ૭૧૯ હતો ઇપ્કા લૅબોરેટરીઝે ૨૩ ટકા વધારામાં ૨૮૩ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ૧૩૬૪ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૨૯૫ થઈ ત્રણ ટકા બગડી ૧૩૦૩ રહ્યો છે. સ્કાય ગોલ્ડની આવક ૯૩ ટકા વધી છે, નફો ૮૨ ટકા વધીને ૬૭ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૩૭૧ વટાવ્યા બાદ ગગડી ૩૩૪ થઈ બે ટકા ઝંખવાઈ ૩૪૫ બંધ થયો છે.
મામાઅર્થવાળી હોનાસા કન્ઝ્યુમરમાં જેફરીઝનો ૪૫૦નો ટાર્ગેટ ફળ્યો
મામાઅર્થવાળી હોનાસા કન્ઝ્યુમરની આવક સાડાસોળ ટકા વધીને ૫૩૮ કરોડ થઈ છે. કંપની ૧૮ કરોડની લૉસમાંથી ૩૯ કરોડના નેટ નફામાં આવી છે. શૅર ગઈ કાલે ૨.૮ ટકા વધી ૨૯૦ થયો છે. મલ્ટિનૅશનલ ફાર્મા કંપની ફાઇઝરની આવક નવ ટકા વધીને ૬૪૨ કરોડ તથા નફો ૧૯.૪ ટકા વધીને ૧૮૯ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૫૩૨૯ થઈ અડધો ટકો સુધરી ૫૦૪૭ રહ્યા છે. સ્પાઇસ જેટની આવક સાડાતેર ટકા ઘટીને ૭૯૨ કરોડ થતાં ચોખ્ખી ખોટ ૩૫.૬ ટકા વધી ૬૨૧ કરોડે પહોંચી છે. શૅર પાંચ ગણા કામકાજે ૩૭.૪૯ થઈને સવાબે ટકા વધી ૩૬.૨૫ બંધ હતો. ઑટો કમ્પોનન્ટ્સ કંપની ફિએમ ઇન્ડસ્ટ્રીઝે ૧૬.૮ ટકા વધારામાં ૭૧૫ કરોડ આવક ઉપર ૨૬.૮ ટકા વૃદ્ધિદરથી ૬૩૭૦ લાખ નફો દર્શાવ્યો છે. શૅર ૨૨૯૪ની ટોચે સવા ટકો વધીને ૨૧૬૬ હતો.
સુપ્રિયા લાઇફ સાયન્સે ૨૦.૩ ટકા વધારામાં ૨૦૦ કરોડ આવક ઉપર સવાનવ ટકા વધારામાં ૫૦.૪ કરોડ નેટ નફો કર્યો છે. માર્જિન અઢી ટકા ઘટ્યું છે. શૅર ઉપરમાં ૮૨૩ બતાવી ૩.૨ ટકા વધી ૭૮૫ રહ્યો છે. મન ઇન્ફ્રાકન્સ્ટ્રક્શન દ્વારા ૩૫ ટકા ઘટાડામાં ૧૪૯ કરોડની આવક ઉપર ૨૭ ટકા વૃદ્ધિદરથી ૬૦ કરોડ નેટ નફો દર્શાવાયો છે. માર્જિન ૧૨ ટકાથી વધી ૨૪.૬ ટકા થયું છે. શૅર ઉપરમાં ૧૩૯ દેખાડી દોઢ ટકો ઘટી ૧૩૩ થયો છે. ૩૦ ડિસેમ્બરના રોજ શૅર ૨૬૨ની ટોચે હતો. BJP નેતા પરાગ શાહ આ કંપનીમાં પ્રમોટર્સ તરીકે સપરિવાર ૬૨.૩ ટકા હોલ્ડિંગ ધરાવે છે.
શાપુરજી પાલનજી ગ્રુપની એફકૉન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ૨૯૮૮ કરોડની ફ્લૅટ રેવન્યુ સાથે બાવીસ ટકા ઘટાડામાં ૧૦૫ કરોડ ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર દોઢ ટકો ઘટી ૪૧૫ રહ્યા છે. કંપની ગયા નવેમ્બરમાં શૅરદીઠ ૪૬૩ના ભાવે ૫૪૩૦ કરોડનો ઇશ્યુ લાવી હતી.
કૅપિલરી ટેક્નૉલૉજી ૫૭૭ના ભાવથી આજે મૂડીબજારમાં આવશે
આજે મેઇનબોર્ડમાં બેન્ગલુરુની કૅપિલરી ટેક્નૉલૉજી બેના શૅરદીઠ ૫૭૭ની અપરબૅન્ડમાં ૫૩૨ની અપરબૅન્ડમાં ૫૩૨ કરોડની ઑફર ફોર સેલ સહિત કુલ ૮૭૭ કરોડ પ્લસનો ઇશ્યુ કરવાની છે. ૨૦૦૮માં સ્થપાયેલી આ કંપની દેશની અગ્રણી સૉફ્ટવેર બેઝ સર્વિસ કંપની હોવાનો દાવો કરે છે. છેલ્લાં ત્રણમાંથી બે વર્ષ ખોટનાં હોઈ QIB પોર્શન ૭૫ ટકા રાખવો પડ્યો છે. ગયા વર્ષે કંપનીએ ૧૪ ટકાના વધારામાં ૬૧૨ કરોડની આવક ઉપર અગાઉના વર્ષની ૬૮૩૫ લાખ નેટ લૉસ સામે ૧૪૧૫ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષના પ્રથમ છ માસમાં આવક ૩૬૨ કરોડ તથા નેટ પ્રૉફિટ ૧૦૩ લાખ થયો છે. દેવું હાલ ૮૯ કરોડનું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
દરમ્યાન મેઇનબોર્ડ ખાતે સતત ખોટ કરતી ફિઝિક્સવાલાનો એકના શૅરદીઠ ૧૦૯ના ભાવનો ૩૪૮૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧.૨ ગણા સહિત કુલ બે ગણા પ્રતિસાદમાં તથા એમ્વી ફોટો વૉલ્ટિકનો બેના શૅરદીઠ ૨૧૭ના ભાવનો ૨૯૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં એક ગણા સહિત કુલ ૧.૨ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. ગ્રેમાર્કેટ ખાતે ફિઝિક્સવાલામાં ઝીરો અને એમ્વી ફોટો વૉલ્ટિકમાં ૩ રૂપિયા પ્રીમિયમ ચાલે છે. જ્યારે તામિલનાડુના કાંચી પુરમની ટેનેકો ક્લીન ઍર ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૩૯૭ના ભાવનો ૩૬૦૦ કરોડનો પ્યૉર OFS IPO એના બીજા દિવસના અંતે રીટેલમાં દોઢ ગણા સહિત કુલ ૩ ગણો ભરાઈ ચૂક્યો છે. પ્રીમિયમ ૬૧થી વધી હાલ ૮૭ ચાલે છે. નવી દિલ્હી ખાતેની રૂફટૉપ સોલર પ્રોડક્ટસ કંપની ફ્યુજિયામા પાવર સિસ્ટમ્સનો એકના શૅરદીઠ ૨૨૮ની અપરબૅન્ડ સાથે કુલ ૮૨૮ કરોડ રૂપિયાનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૧૫ ટકા સહિત કુલ નવ ટકા ભરાયો છે. પ્રીમિયમ શરૂ થયું નથી.
ગઈ કાલે SME કંપની ફિનબડ ફાઇનૅન્શિયલ સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૧૪૨ની ઇશ્યુ પ્રાઇસ અને સાતના પ્રીમિયમ સામે ૧૫૭ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૬૫ નજીક બંધ થતાં એમાં ૧૬ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સતત ખોટ કરનારી પાઇનલૅબ્સનું લિસ્ટિંગ આજે થવાનું છે. પ્રીમિયમ સુધરી ૬ ચાલે છે. SME કંપની ક્યુરિસ લાઇફ સાયન્સ તથા શાઇનિંગ ટૂલ્સ પણ આજે લિસ્ટિંગમાં જશે. ક્યુરિસમાં નવ તથા શાઇનિંગ ટૂલ્સમાં ઝીરો પ્રીમિયમ છે. આગલા દિવસે ૩૧ ટકા લિસ્ટિંગ ગેઇન આપનારી ગ્રોફેમ બિલિયન બ્રેઇન્સ ગઈ કાલે ૧૫૩ ઉપર નવી ટૉપ બનાવી ૫.૫ ટકાની મજબૂતીમાં ૧૩૮ થઈ છે. લેન્સકાર્ટ ૪૨૯ની નવી ટૉપ બનાવી નીચામાં ૩૯૭ થઈ પાંચ ટકા ગગડી ૪૦૦ નીચે હતી.
બ્રોકરેજ હાઉસિંગના ભિન્ન મત વચ્ચે એશિયન પેઇન્ટ્સની આગેકૂચ
એશિયન પેઇન્ટ્સ બહેતર પરિણામ અને વૉલ્યુમ ગ્રોથનો કરન્ટ આગળ ધપાવતાં ચાર ગણા કામકાજ સાથે ૨૮૯૮ની વર્ષની નવી ટૉપ બનાવી ૩.૬ ટકાની મજબૂતીમાં ૨૮૭૯ બંધ આપી બૅક-ટુ-બૅક ટૉપ ગેઇનર બન્યો છે. અહીં HSBC તરફથી ૩૦૫૦ અને જેફરીઝ દ્વારા ૩૩૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી થયો છે. ગોલ્ડમૅન સાક્સે ૨૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાનો કૉલ આપ્યો છે. તાતા સ્ટીલે નવેક ટકા વધારામાં ૫૮૬૮૯ કરોડની આવક ઉપર ૩૧૯ ટકા વૃદ્ધિદરથી ૩૧૮૩ કરોડ નજીકનો નેટ નફો કર્યો છે. મૉર્ગન સ્ટૅન્લી તેમ જ જેફરીઝ ૨૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ છે. CLSA તરફથી ૧૭૦નું ટાર્ગેટ જાળવી રખાયું છે. શૅર ૪ ગણા કામકાજે ૧૮૪ વટાવી ૧.૨ ટકા ઘટી ૧૭૬ રહ્યો છે. તાતા મોટર્સ પૅસેન્જર વ્હીકલ્સ પરિણામ પહેલાં ઉપરમાં ૪૦૪ અને નીચામાં ૩૯૭ બતાવી એક ટકો ઘટીને ૩૯૮ હતી. તાતા મોટર કમર્શિયલ વ્હીકલ્સ ૨.૩ ટકા ગગડી છે.
ICICI બૅન્ક દ્વારા બ્રોકરેજ હાઉસિસ તથા ઍનલિસ્ટ સાથે મીટિંગ નક્કી થઈ છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૩૯૦ થઈ બે ટકા વધી ૧૩૮૬ બંધમાં બજારને ૧૬૩ પૉઇન્ટ ફળ્યો છે. ઇન્ફોસિસ શૅરદીઠ મહત્તમ ૧૮૦૦ના ભાવે બાયબૅકની રેકૉર્ડ ડેટની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૧૫૫૯ થઈ અડધો ટકો ઘટી ૧૫૪૨ રહ્યો છે. ઇન્ડિગો સુધારાની આગેકૂચમાં ૧.૯ ટકા વધીને ૫૯૦૫ થઈ છે. ભારતી ઍરટેલ પોણો ટકા, જિયો ફાઇનૅન્સ ૦.૪ ટકા, હિન્દાલ્કો ૨.૩ ટકા, બજાજ ફિનસર્વ એકાદ ટકો, પાવર ગ્રીડ સવા ટકો પ્લસ હતી. રિલાયન્સ નજીવા ઘટાડે ૧૫૧૦ બંધ આવ્યો છે. ઍટર્નલ ૩.૬ ટકાની નરમાઈમાં ૨૯૮ થઈને બન્ને બજારમાં ખરડાઈ, ONGC ૧.૨ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ એક ટકા, ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૧.૧ ટકા નરમ હતી. લાર્સન ૧.૨ ટકો વધી ૩૯૯૯ થઈ છે. ટ્રેન્ટ સવા ટકો તો TCS પોણો ટકો ડાઉન હતી.
ખોટને અવગણીને નઝારા ટેક્નૉલૉજીઝ વૉલ્યુમ સાથે તેજીમાં
આર.ઝેડ ગ્રુપની નઝારા ટેક્નૉલૉજીઝે ૬૫ ટકા વધારામાં ૫૨૬ કરોડની આવક મેળવી છે, પરંતુ રિયલ મની ગેમિંગ ઉપર સરકારી બાનના પગલે મૂનશાઇન ટેક્નૉલૉજીમાં કરેલા રોકાણને માંડવાળ કરી દેવાયું છે એની અસરને લીધે કંપની ૨૪ કરોડના નફામાંથી ૨૯ કરોડની નેટ લૉસમાં આવી છે. શૅર ૧૪ ગણા કામકાજે ઉપરમાં ૨૮૧ વટાવી ૬.૪ ટકાના જમ્પમાં ૨૭૩ બંધ થયો છે. કોચિન શિપયાર્ડ દ્વારા ૧૧૧૮ કરોડની ફ્લૅટ આવક ઉપર ૪૩ ટકા ઘટાડામાં ૧૦૭ કરોડ નેટ નફો દર્શાવાયો છે. સતત બીજા ક્વૉર્ટરમાં કંપનીનો પ્રૉફિટ ગ્રોથ નેગેટિવ જોવાયો છે. શૅર નીચામાં ૧૬૪૫ થઈ ૪.૭ ટકા ઘટી ૧૭૦૭ હતો. અશોક લેલૅન્ડ સાધારણ રિઝલ્ટમાં આગલા દિવસની નરમાઈ પછી ગઈ કાલે બાઉન્સ બૅકમાં ૧૫૧ના બેસ્ટ લેવલે જઈને ૫.૭ ટકાની મજબૂતીમાં ૧૫૦ થયો છે.
ઇકૉન એન્ટરપ્રાઇઝની આવક ૧૯ ટકા ઘટતાં નફો ૩૩.૭ ટકા ઘટી ૧૩૬ કરોડ રહ્યો છે. શૅર નીચામાં ૧૬૦ થઈ ત્રણ ટકા ખરડાઈ ૧૬૧ હતો. ડેટા પેટર્ન્સની આવક ૨૩૮ ટકા વધીને ૩૦૭ કરોડ વટાવી જતાં નફો ૬૨ વધી ૪૯ કરોડ થયો છે. શૅર ૩૦૪૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૭.૪ ટકાની તેજીમાં ૩૦૦૩ બંધ થયો છે. પ્રેસ્ટિજ એસ્ટેટની આવક સાડાપાંચ ટકા વધી છે. નફો ૧૨૪ ટકા ઊછળીને ૪૩૦ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૧૭૭૫ બતાવી ૩.૪ ટકા વધી ૧૭૫૯ હતો.
બજાર બંધ થયા બાદ આઇશર મોટર્સે આવકમાં ૪૫ ટકા વધારા સાથે પચીસ ટકા વૃદ્ધિદરથી ૧૩૬૯ કરોડ નેટ નફો કર્યો છે. શૅર રિઝલ્ટ પહેલાં પોણો ટકો ઘટીને ૬૮૩૧ બંધ રહ્યો હતો. મુથૂટ ફાઇનૅન્સે બંધ બજારે ૯૦ ટકા વધારામાં ૨૪૨૧ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ૩૪૦૬ના શિખરે જઈને બે ટકા વધીને ૩૩૯૪ થયો છે. વોલ્ટાસનો નફો ૭૪ ટકા ગગડીને ૩૪ કરોડ આવ્યો છે. શૅર પરિણામ પહેલાં અડધો ટકો ઘટીને ૧૩૨૬ દેખાયો છે.


