આતંકવાદી હુમલાની અસરમાં જેકે બૅન્ક નવ ટકા ગગડી એ ગ્રુપમાં ટૉપ લૂઝર બની : બેરિશ વ્યુ વચ્ચે સ્વિગીમાં સુધારો, આવાસ ફાઇનૅન્સ નવી ટૉપ બનાવીને ગગડી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
BSE લિમિટેડ નવી ટૉપ સાથે ૧૯૭ રૂપિયાની તેજીમાં બંધ : મેઇન બોર્ડમાં અઢી મહિના બાદ સારા સમાચાર, એથર એનર્જીનો ઇશ્યુ ૨૮મીએ : હેવીવેઇટ્સની આગેવાની હેઠળ બ્રૉડબેઝ્ડ રૅલીમાં આઇટી ઇન્ડેક્સ ચાર ટકા ઊછળ્યોઃ ઍપ્ટેકમાં ૨૦ ટકા તથા નીટમાં ૧૨ ટકાની તેજી : આતંકવાદી હુમલાની અસરમાં જેકે બૅન્ક નવ ટકા ગગડી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બની : બેરિશ વ્યુ વચ્ચે સ્વિગીમાં સુધારો, આવાસ ફાઇનૅન્સ નવી ટૉપ બનાવીને ગગડી
ટ્રમ્પને હવે ચાઇના સાથે ઇલુ ઇલુના અભરખા જાગ્યા લાગે છે. ચાઇના સાથે ટ્રેડ-ડીલ શક્ય હોવાના અણસાર આપ્યા છે. જોકે ટ્રમ્પની ચાલ, ચરિત્ર અને ચહેરા ઉપર જરાય ભરોંસો કરવા જેવો નથી. આ માણસ ક્યારે શું કરે એ વિશે કશું કહી શકાય નહીં, પરંતુ હાલ તો વિશ્વબજારોને મોટી રાહત મળી ગઈ છે. વૈશ્વિક શૅરબજારોના મજબૂત વલણની હૂંફમાં ઘરઆંગણે પણ બજાર સતત ૭મા દિવસે પ્લસ થયું છે. સેન્સેક્સ બુધવારે આગલા બંધથી ૫૪૭ પૉઇન્ટના ગૅપઅપ ઓપનિંગમાં ૮૦,૧૪૨ ખૂલી છેવટે ૫૨૧ પૉઇન્ટ વધી ૮૦,૧૧૬ તથા નિફ્ટી ૧૬૨ પૉઇન્ટ વધી ૨૪,૩૨૯ બંધ થયો છે. શૅર આંક સ્ટ્રોન્ગ ઓપનિંગ બાદ ઉપરમાં ૮૦,૨૫૪ થયા પછી લથડીને દોઢેક કલાકમાં નીચામાં ૭૯,૫૦૭ દેખાયો હતો. બજાર ત્યાંથી ક્રમશઃ સુધર્યું હતું. આ સાથે સળંગ ૭ દિવસની રૅલીમાં માર્કેટ ૬૨૬૯ પૉઇન્ટ વધી ગયું છે જેમાં માર્કેટકૅપની રીતે રોકાણકારોને ૩૬.૬૬ લાખ કરોડનો ફાયદો થઈ ગયો છે. સેન્સેક્સ નિફ્ટીના ૦.૬ ટકા જેવા સુધારા સામે ગઈ કાલે મિડકૅપ એક ટકો, બ્રૉડર માર્કેટ પોણો ટકો તથા સ્મૉલકૅપ સાધારણ પ્લસ હતું. આઇટી ઇન્ડેક્સ ચાર ટકા કે ૧૩૩૯ પૉઇન્ટ ઊછળ્યો છે. એના ૫૯માંથી ૪૩ શૅર વધ્યા હતા. આઇટીની પાછળ ટેક્નૉલૉજીઝ ઇન્ડેક્સ ત્રણ ટકા મજબૂત હતો. અન્યમાં ઑટો ઇન્ડેક્સ સવાબે ટકા કે ૧૧૪૯ પૉઇન્ટ, રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૪ ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ એક ટકો, હેલ્થકૅર એક ટકા નજીક તો મેટલ ઇન્ડેક્સ પોણો ટકો વધ્યો છે. બૅન્ક નિફ્ટી અડધો ટકો, ફાઇનૅન્સ ૦.૪ ટકા તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એકાદ ટકા નરમ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો કટ થયો છે. રસાકસી વચ્ચે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ બાયસમાં હતી. NSEમાં વધેલા ૧૫૧૬ શૅર સામે ૧૩૪૦ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૩.૧૦ લાખ કરોડ વધી ૪૩૦.૪૮ લાખ કરોડ નજીક ગયું છે.
ADVERTISEMENT
એશિયા ખાતે ચાઇનાના નજીવા ઘટાડાને બાદ કરતાં તમામ અગ્રણી બજાર મજબૂત થયાં છે. તાઇવાન સવાચાર ટકા કે ૮૪૬ પૉઇન્ટ, હૉન્ગકૉન્ગ સવાબે ટકા, જપાન ૧.૯ ટકા, ઇન્ડોનેશિયા તથા સાઉથ કોરિયા દોઢ ટકા, સિંગાપોર એક ટકો, થાઇલૅન્ડ ૦.૯ ટકા વધ્યું હતું. યુરોપ રનિંગમાં દોઢથી ત્રણ ટકાની તેજીમાં દેખાયું છે. બિટકૉઇન મક્કમ વલણમાં ૯૪,૧૧૨ ડૉલર ચાલતો હતો. નાયમેક્સ ક્રૂડ એક ટકો વધી ૬૪ ડૉલરની ઉપર તો બ્રેન્ટક્રૂડ ૬૬ ડૉલર પ્લસ થઈ ગયું છે. હાજર સોનું દોઢ ટકાના ઘટાડે ૩૩૩૦ ડૉલર તો કોમેક્સ ગોલ્ડ સવાબે ટકા ગગડી ૩૩૪૫ ડૉલર જોવાયું છે.
મેઇન બોર્ડમાં ૧૪ ફેબ્રુઆરી પછી અઢી મહિના બાદ પ્રથમ ઇશ્યુ આવી રહ્યો છે. બૅન્ગલોરની એથર એનર્જી એક રૂપિયાના શૅરદીઠ ૩૨૧ની અપર બૅન્ડ સાથે ૨૯૮૧ કરોડનો આઇપીઓ લઈ ૨૮મીએ મૂડીબજારમાં આવશે. કંપની સતત ખોટમાં હોવાથી QIB પોર્શન ૭૫ ટકા રખાયો છે. કંપની માથે ૧૧૨૨ કરોડનું દેવું છે. ગ્રે માર્કેટમાં ૧૭થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડી હાલમાં ૯ રૂપિયા બોલાય છે. ટેન્કઅપ એન્જિનિયર્સનો શૅરદીઠ ૧૪૦ના ભાવનો ૧૯૫૩ લાખનો SME ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૧.૨ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં કામકાજ નથી.
HDFC બૅન્ક નવી ટૉપ બનાવી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની
HDFC બૅન્ક અઢી ગણા કામકાજે ૧૯૭૮ની નવી ટૉપ બનાવી બે ટકા બગડી ૧૯૨૩ બંધ થતાં બજારને સર્વાધિક ૨૫૩ પૉઇન્ટનો માર પડ્યો છે. કોટક બૅન્ક પોણાબે ટકા ઘટી છે. ICICI બૅન્ક અડધો ટકો પ્લસ હતી. સ્ટેટ બૅન્ક એક ટકો નરમ તો ઇન્ડસઇન્ડ બૅન્ક પોણો ટકો વધી છે. પરિણામની પૂર્વસંધ્યાએ ઍક્સિસ બૅન્ક ૦.૯ ટકા ડાઉન હતી. રિલાયન્સનાં રિઝલ્ટ પચીસમીએ છે. શૅર ૦.૭ ટકા સુધરી ૧૩૦૦ નજીક બંધ હતો. મારુતિ સુઝુકીનાં પરિણામ પણ શુક્રવારે છે. શૅર દોઢ ટકા જેવો વધી ૧૧,૯૦૦ થયો છે. તાતા મોટર્સનાં પરિણામને ઘણી વાર, રિઝલ્ટ ૧૩ મેએ આવશે. શૅર ગઈ કાલે દોઢા વૉલ્યુમે સાડાચાર ટકા ઊછળી ૪૬૦ રહ્યો છે. મહિન્દ્ર સાડાત્રણ ટકા વધ્યો હતો. સનફાર્મા તથા તાતા સ્ટીલ સવાબે ટકા આસપાસ વધ્યા છે.
સ્વિગીમાં મેકવાયરના ૨૬૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથેના બેરિશ વ્યુ પછી ઍમ્બિટ કૅપિટલે ૩૧૦ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાની ભલામણ કરી છે. શૅર જોકે ગઈ કાલે સવા ટકો વધી ૩૪૮ નજીક બંધ હતો. ઝોમાટો પોણો ટકો સુધરી છે. ગ્રાસિમ સવાબે ટકાથી વધુની નરમાઈમાં ૨૬૮૫ બંધ આપી નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતી. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ કંપની એથર એનર્જી મૂડીબજારમાં આવી રહી છે ત્યારે હરીફ ઓલા ઇલેક્ટ્રિક એક ટકો ઘટી ૫૨.૫૦ જેવી બંધ થઈ છે. મુંબઈ નજીક થાણે ખાતેની RRP સેમિકન્ડક્ટર ઑપરેટરના સટ્ટાકીય તોફાનમાં સતત ઊપલી સર્કિટ ચાલુ રાખતાં બે ટકા વધી ૭૯૯ નજીકના બેસ્ટ લેવલે બંધ થઈ છે. વૉલ્યુમ બે શૅરનું હતું. જેમ્સ-જ્વેલરી સેગમેન્ટમાં મિશ્ર હવામાન હતું. ૩૨ શૅર વધ્યા હતા સામે ૩૩ જાતો ઘટી છે. શુગર સેક્ટરમાં પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં ૧૦ શૅર વધ્યા હતા સામે ૨૬ જાતો નરમ હતી.
સાધારણ પરિણામ પાછળ HCL ટેક્નૉલૉજીઝમાં અસાધારણ તેજી
HCL ટેક્નૉલૉજીઝનાં પરિણામમાં સારાવાટ જેવું ખાસ કંઈ નથી. કંપનીએ ૮ ટકાના વધારામાં ૪૩૦૯ કરોડ નેટ પ્રૉફિટ તથા ૬ ટકાના વધારામાં ૩૦,૨૪૬ કરોડની આવક દર્શાવી છે. વિશ્લેષકોની ધારણા ૩૦,૨૬૨ કરોડની આવક અને ૪૩૭૬ કરોડના નેટ નફાની હતી. રેવન્યુ ગાઇડન્સિસ બેથી પાંચ ટકા અપાયું છે જે કંપનીના ટ્રૅક રેકૉર્ડ કરતાં નીચું છે. આમ છતાં, શૅર ચાર ગણા વૉલ્યુમે ૧૧૪ રૂપિયા કે પોણાઆઠ ટકાની સપ્ટેમ્બર ૨૦૧૯ પછીની સૌથી મોટી તેજીમાં ૧૫૯૪ બંધ આવ્યો છે. એના લીધે બજારને ૧૦૪ પૉઇન્ટનો ફાયદો થયો છે. ઇન્ફી લગભગ પોણાચાર ટકાના ઉછાળે ૧૪૭૫ બંધ આપી બજારને ૧૬૧ પૉઇન્ટ ફળ્યો હતો. ટીસીએસની પોણાત્રણ ટકાની મજબૂતી એમાં બીજા ૮૨ પૉઇન્ટના ઉમેરાનું કારણ બની છે. ટેક મહિન્દ્ર સાડાચાર ટકા, વિપ્રો ૪ ટકા અને લાટિમ પાંચ ટકા ઊછળી હતી. અન્ય સાઇડ શૅરમાં ઇન્વેન્યર્સ નૉલેજ સાત ટકા, ઑનવર્ડ ટેક્નૉ પોણાસાત ટકા, કોફોર્જ સવાછ ટકા, લેટેન્ટ વ્યુ તથા સિગ્નિટી ટેક્નૉ પોણાછ ટકા, ન્યુજેન તથા ઑરેકલ સાડાપાંચ ટકા, KPIT ટેક્નૉ ૫.૪ ટકા, એમ્ફાસિસ પાંચ ટકાથી વધુ ઊંચકાઈ છે.
ટેલિકૉમમાં ઑપ્ટિમસ ૭ ટકા નજીક, ભારતી ઍરટેલ દોઢ ટકાથી વધુ અને વિન્દ્ય ટેલી સવા ટકો વધી છે. સાધારણ પરિણામ છતાં તાતા ઍલેક્સી સુધારાની હૅટ-ટ્રિકમાં સવાત્રણ ટકા વધી ૫૬૬૫ થઈ છે. ત્રણ દિવસ પૂર્વે ભાવ ૪૯૦૦ની નીચે હતો. તાતા ટેક્નૉલૉજીઝનાં રિઝલ્ટ પચીસમીએ છે. શૅર બે ટકા વધી ૭૨૦ વટાવી ગયો છે. વારિ એનર્જીસે ૩૪ ટકાના વધારામાં ૬૧૯ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. ઑર્ડર બુક ૪૭,૦૦૦ કરોડ થઈ ગઈ છે. ભાવ ૧૦ ગણા વૉલ્યુમે ૧૫ ટકા કે ૩૯૪ના જમ્પમાં ૩૦૦૬ બંધ રહ્યો છે. ડીસીએક્સ ઇન્ડિયા ૮ ટકા ઊછળી ૨૯૨ થઈ છે. એયુ બૅન્કનો નફો ૩૨ ટકા તેમ જ ધિરાણ ૨૦ ટકા વધીને આવતાં શૅર ૮ ગણા કામકાજે ૮ ટકાની તેજીમાં ૬૬૨ હતી. નીટ લિમિટેડ ૧૩ ટકા ઊછળી ૧૪૫ તથા નીટ લર્નિંગ સાડાત્રણ ટકા વધી ૩૯૧ બંધ રહી છે.
અમદાવાદી રાજેશ પાવર ઉપલી સર્કિટમાં નવા શિખરે બંધ
પટેલ અને પંચાલ પરિવારની અમદાવાદી કંપની રાજેશ પાવર સર્વિસિસ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૨૬૯ નજીક સર્વોચ્ચ સપાટીએ બંધ થઈ છે. કંપની ગત નવેમ્બરની આખરમાં ૧૦ના શૅરદીઠ ૩૩૫ના ભાવથી ૧૬૦ કરોડનો BSE SME IPO લાવી હતી જેમાંથી ઑફર ફૉર સેલ પેટે ૬૭ કરોડ રૂપિયા પ્રમોટર્સ પટેલ ઍન્ડ પંચાલ પરિવારે ઘરભેગા કર્યા હતા. બીજી ડિસેમ્બરે લિસ્ટિંગમાં ભાવ ૬૬૮ બંધ થયો હતો. કંપનીએ ગત વર્ષે (૨૦૨૩-’૨૪)માં ૨૮૫ કરોડની આવક પર ૨૬ કરોડ નેટ નફો કર્યો છે. માથે ૮૦ કરોડ જેવું દેવું છે પણ આજે માર્કેટકૅપ ૨૨૮૪ કરોડને વટાવી ગયું છે.
BSE લિમિટેડ તેજીની ચાલમાં ૬૪૫૯ની વિક્રમી સપાટી બનાવી સવાત્રણ ટકા જેવી મજબૂતીમાં ૬૪૩૯ બંધ રહી છે. રાજરતન ગ્લોબલ આગલા દિવસના ૨૦ ટકાના જમ્પ બાદ ગઈ કાલે પોણાચૌદ ટકાના ઉછાળે ૪૪૨ થઈ છે. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની અસરમાં જેકે બૅન્ક ત્રણ ગણા વૉલ્યુમે નવ ટકા જેવી લથડી ૧૦૩ બંધ રહી છે. સ્પંદન સ્ફૂર્તિ ૬ ટકા, બ્લુસ્ટાર સાડાપાંચ ટકા તથા આલોક ઇન્ડસ્ટ્રીઝ પોણાપાંચ ટકા બગડી હતી. MCXનાં પરિણામ ૮ મેએ આવશે. શૅર પોણાત્રણ ટકા વધી ૬૧૩૬ બંધ રહ્યો હતો.
જેનસોલ એન્જિનિયરિંગ રોજ નવા ખાડે જઈ રહી છે. ભાવ મંદીની સર્કિટની હારમાળામાં પાંચ ટકા તૂટી ૧૦૧ નીચે નવા તળિયે બંધ થયો છે. કે ઍન્ડ આર રેલ એન્જિનિયરિંગ ૧૩૪ની મલ્ટિયર બૉટમ બનાવી એક ટકાના ઘટાડે ૧૩૭ હતી. ૭ મેએ શૅરમાં ૫૮૪નું બેસ્ટ લેવલ બન્યું હતું. આવાસ ફાઇનાન્શિયર્સ ૨૨૩૮ની ઑલટાઇમ હાઈ દેખાડી પોણાચાર ટકા ગગડી ૨૧૩૪ રહી છે. વાડીલાલ એન્ટરપ્રાઇઝ પોણાચાર ટકા વધી ૧૪,૧૫૦ની ટોચે બંધ હતી. વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ અડધો ટકો ઘટી ૭૭૧૫ થઈ છે.


