Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > પ્રારંભિક નરમાઈ બાદ બજાર ૩૮૨ પૉઇન્ટ્સ સુધારામાં બંધ, IT મજબૂત

પ્રારંભિક નરમાઈ બાદ બજાર ૩૮૨ પૉઇન્ટ્સ સુધારામાં બંધ, IT મજબૂત

Published : 03 June, 2026 08:39 AM | IST | Mumbai
Anil Patel

કેરલમ જેવડા તાઇવાન પછી બિહાર જેવડું સાઉથ કોરિયા પણ માર્કેટકૅપમાં વિશાળ ભારતથી આગળ નીકળી ગયું : ચાલુ વર્ષના પ્રથમ પાંચ માસમાં FIIની ભારતીય શૅરબજારમાં ૨.૬૫ લાખ કરોડ રૂપિયાની નેટ વેચવાલી : સેન્સેક્સ નિફ્ટી ખાતે TCS, ઇન્ફોસિસ અને HCL ટેકનો ટૉપ ગેઇનર બની

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. સેન્સેક્સ નિફ્ટી ખાતે TCS, ઇન્ફોસિસ, HCL ટેકનો ટૉપ ગેઇનર બની બજારને કુલ ૩૭૨ પૉઇન્ટ્સ ફળ્યા
  2. ITC ચાર વર્ષના નવા તળિયે જઈ સુધારામાં બંધ
  3. થંગમયિલ જ્વેલરી નવી ટોચે જઈ ૩૦૮ રૂપિયા ઝળકી

તાઇવાન પછી હવે સાઉથ કોરિયાનું શૅરબજાર પણ માર્કેટકૅપની રીતે ભારતથી આગળ નીકળી ગયું છે. બ્લૂમબર્ગના આંકડા પ્રમાણે સાઉથ કોરિયા પાંચ લાખ કરોડ ડૉલરના માર્કેટકૅપ સાથે વિશ્વનું છઠ્ઠા નંબરનું મોટું બજાર બન્યું છે. ભારતીય બજારનું માર્કેટકૅપ સોમવારના આંકડા પ્રમાણે ૪.૮૫ લાખ કરોડ ડૉલરનું છે. સાઉથ કોરિયન શૅરબજારનો આંક કોસ્પી ઇન્ડેક્સ ગઈ કાલે ૮૯૩૩ના બેસ્ટ લેવલે જઈ ૧૩ પૉઇન્ટ્સના નજીવા સુધારે ૮૮૦૧ બંધ થયો છે. ૨૦૨૬ના ચાલુ વર્ષના અત્યાર સુધીના પાંચેક માસમાં ત્યાં ૧૦૩ ટકાથી વધુની તેજી થઈ ચૂકી છે, તો તાઇવાન ૪૫,૯૧૬ના નવા શિખરે જઈ ગઈ કાલે અડધો ટકો વધીને ૪૫,૫૫૭, થાઇલૅન્ડ ૧૫૯૮ની ૩૭ માસની ઊંચી સપાટી નોંધાવી દોઢ ટકો વધી ૧૫૯૦ બંધ થયું છે. સિંગાપોર એક ટકો, હૉન્ગકૉન્ગ અઢી ટકા, ઇન્ડોનેશિયા એક ટકો તથા ચાઇના અડધો ટકો ગઈ કાલે પ્લસ હતાં. જપાન અડધો ટકો નરમ હતું. યુરોપ આગલા દિવસની અડધા ટકાની કમજોરી બાદ ગઈ કાલે રનિંગમાં પોણાથી એક ટકો અપ હતું. બ્રેન્ટક્રૂડ ૯૪ ડૉલર આસપાસ રહ્યું છે. સોનું એક ટકો તો ચાંદી બે ટકા વધી છે. બિટકૉઇન ઘટાડાની ચાલમાં ૭૦,૩૦૪ ડૉલરે આવી ગયો છે. ડૉલર સામે રૂપિયો ૯૫ના આગલા બંધ સામે ઘટી ૯૫.૨૮ થઈ ૯૫.૨૬ આજુબાજુ રહ્યો છે.

બજાર આગલા બંધથી ૩૨૨ પૉઇન્ટ્સ નરમ, ૭૩,૯૪૫ ખૂલી છેવટે ૩૮૨ પૉઇન્ટ્સ વધી ૭૪,૬૫૦ બંધ થયું છે. નિફ્ટી નીચામાં ૨૩,૨૨૯ બતાવી ૧૦૧ પૉઇન્ટ્સના સુધારે ૨૩,૪૮૩ થયો હતો. માર્કેટ બ્રેડ્થ મજબૂત હતી. NSEમાં વધેલા ૨૦૩૪ શૅર સામે ૧૨૮૫ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૦૪ લાખ કરોડ વધી ૪૬૨.૭૪ લાખ કરોડ રૂપિયા થયું છે. બન્ને બજારનાં બહુમતી સેક્ટોરલ પ્લસ હતાં. IT બેન્ચમાર્ક સોમવારનું રી-ટન હોય એમ ૪.૪ ટકા કે ૧૨૬૮ પૉઇન્ટ્સની આગેકૂચમાં બંધ રહ્યું છે. પાવર ઇન્ડેક્સ ૦.૬ ટકા, યુટિ‌લિટીઝ ૦.૬ ટકા, ઑઇલ-ગૅસ ૦.૨ ટકા, હેલ્થકૅર ૦.૪ ટકા, નિફ્ટી ફાર્મા ૦.૯ ટકા, પીએસયુ ઇન્ડેક્સ સાધારણ ઘટ્યો છે. ફાઇનૅન્સ, કૅપિટલ ગુડ્સ, બૅન્ક નિફ્ટી અને પીએસયુ બૅન્ક નિફ્ટી, FMGC, ઑટો, મેટલ જેવા સેક્ટોરલ અડધો-પોણો ટકો પ્લસ હતાં.



ઇન્ફોસિસ ત્રણ ગણા વૉલ્યુમ સાથે ઉપરમાં ૧૨૭૯ થઈ ૫.૭ ટકાની મજબૂતીમાં ૧૨૭૧ બંધ આપી બજારને ૨૦૧ પૉઇન્ટ્સ લાભદાયી નીવડ્યો છે. TCS બમણા કામકાજે ૨૪૫૭ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી સાડાછ ટકા કે ૧૫૦ રૂપિયા ઊછળી ૨૪૪૮ બંધ થતાં સેન્સેક્સને બીજા ૧૨૯ પૉઇન્ટ્સ મળ્યા હતા. HCL ટેકનો ચાર ટકાથી વધી, ટેક મહિન્દ્રા પોણાબે ટકા, વિપ્રો ૧.૭ ટકા તો લાર્સન માઇન્ડ ટ્રી સાડાત્રણ ટકા પ્લસ હતો. સાઇડ IT શૅરમાં ક્વીક હીલ ૧૦.૪ ટકા, નેટવર્ક પીપલ ૯.૬ ટકા, ન્યુજેન ૧૭.૫ ટકા, ઇન્ફોબીન્સ ૧૨ ટકા, કેલ્ટોન ટેક ૭.૪ ટકા, હેકસાવેર ૭ ટકા ઊંચકાયા હતા. ITC લિમિટેડ ૨૭૭ની ચારેક વર્ષની નવી બૉટમ બનાવી ઉપરમાં ૨૮૪ થઈ સવા ટકો સુધરી ૨૮૩ રહી છે. રિલાયન્સ નીચામાં ૧૩૦૦ થઈ સામાન્ય ઘટાડે ૧૩૧૭ બંધ રહી છે. ૬ એપ્રિલે ચાલુ વર્ષે એમાં ૧૨૯૦ની વર્ષની બૉટમ બની હતી. 


‍સુપ્રિયા લાઇફમાં ૧૩૧ના કડાકા સાથે ૪ દિવસની તેજીનો અંત

તાતા ઍલેક્સી દ્વારા શૅરદીઠ ૭૫ના ડિવિડન્ડ માટે ૧૦ જૂનની રેકૉર્ડ ડેટ નક્કી કરાઈ છે. શૅર ૩ ગણા વૉલ્યુમે ઉપર ૪૫૪૧ થઈ સવાપાંચ ટકા કે ૨૨૮ રૂપિયા વધીને ૪૫૩૦ની તેજીમાં સોમવારે ૧૦૮૫ની નવી ટોચે જઈ ૧૦૪૮ બંધ થયા પછી ગઈ કાલે નીચામાં ૯૦૩ બતાવી સાડાબાર ટકા કે ૧૩૧ રૂપિયા તૂટી ૯૧૭ રહી છે. મુંબઈની ઠાકર ઍન્ડ કંપની ૨૯ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૫૦૦ થઈ ૧૨.૮ ટકા ઊછળી ૧૪૧૦ બંધ થઈ છે. કંપનીએ તાજેતરમાં ખરાબ રિઝલ્ટ આપ્યાં છે. આવક માર્ચ ક્વૉર્ટરમાં ૩૩.૩ ટકા ઘટીને કુલ ૧૨૬ લાખ તથા ચોખ્ખો નફો ૫૦ ટકા જેવો ગગડી ૬૪ લાખ થયો છે. શૅરની ફેસવૅલ્યુ એકની છે, બુકવૅલ્યુ ૧૬૬૨ રૂપિયા છે. બાલાજી એમાઇન્સ આઠ ગણા કામકાજમાં ૨૦૬૨ની દોઢ વર્ષની ટોચે જઈ ૧૬ ટકાની તેજીમાં ૨૦૧૭ થઈ છે. થાણેની રુબીકૉન રિસર્ચ પરિણામનો કરન્ટ જાળવી રાખતાં ૧૩૭૨નું નવું શિખર નોંધાવી ૧૨.૬ ટકા કે ૧૪૭ રૂપિયાની આગેકૂચમાં ૧૩૧૪ થઈ છે.


સેન્સેક્સ નિફ્ટી ખાતે NTPC ૨.૯ ટકાની ખરાબી સાથે ૩૬૭ બંધમાં ઘટાડામાં મોખરે રહી છે. ઍક્સિસ બૅન્ક ૧.૯ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૩ ટકા, પાવરગ્રીડ ૧.૪ ટકા, બજાજ ફાઇનૅન્સ એકાદ ટકો માઇનસ થઈને, HDFC બૅન્ક પોણો ટકો પ્લસ તો ICICI બૅન્ક ૧.૧ ટકા નરમ હતી. અદાણી પોર્ટ્સ ૧.૮ ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝ બે ટકા વધી છે. મેક્સ હેલ્થકૅર તાજેતરની ખરાબી બાદ ગઈ કાલે સવા ટકો સુધરી ૯૪૯ રહી છે. ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલે ત્રણ શૅરદીઠ એકનું બોનસ જાહેર કર્યું છે. શૅર ૩ ગણા કામકાજે ઉપરમાં ૪૪૨ થઈ ૩.૩ ટકા વધી ૪૨૨ રહ્યો છે. અન્ય ગોલ્ડ કંપની થંગમયિલ જ્વેલરી ૪૬૨૫ના શિખરે જઈ ૭.૨ ટકા વધી ૪૫૯૦, સ્કાય ગોલ્ડ ૫૬૭ની ટૉપ બનાવી ૭ ટકા વધી ૫૫૯ તથા TBZ પાંચ ટકા વધી ૧૮૨ બંધ રહી છે. 

પાંચ દિવસની રૅલી બાદ વૉકહાર્ટ ૧૮૨ રૂપિયા ખરડાઈ

આનંદ રાઠી વેલ્થ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસની પૂર્વસંધ્યાએ નીચામાં ૩૪૭૧ થઈ એક ટકો સુધરી ૩૫૪૦ બંધ થયો છે. કંપની ડિસેમ્બર ૨૦૨૧માં પાંચના શૅરદીઠ ૫૫૦ના ભાવે ૬૬૦ કરોડનો ઇશ્યુ લાવી હતી. ટ્રેન્ટ બે શૅરદીઠ એક બોનસમાં ગુરુવારે બોનસ બાદ થશે. ભાવ ગઈ કાલે એક ટકો વધી ૪૨૦૦ હતો. ઈટુઈ નેટવર્ક્સ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં પાંચ જૂને એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ૪૩૨૪ની વર્ષની ટૉપ બતાવી પાંચ ટકા ઊછળી ત્યાં જ બંધ થયો છે. કંપની મે-૨૦૧૮માં ૧૦ના શૅરદીઠ ૫૭ના ભાવે બાવીસ કરોડનો NSE SME ઇશ્યુ લાવી હતી. ૪ નવેમ્બર ૨૦૨૪માં ભાવ ૫૪૮૮ નજીક ઑલટાઇમ હાઈ થયો હતો. ડિવિડન્ડનો રેકૉર્ડ નથી. કંપનીએ ગત વર્ષે ૪૯ ટકા વધારામાં ૨૪૫ કરોડની આવક મેળવી છે પણ અગાઉના ૪૭૪૯ લાખનો નફો આ વેળા ૧૫૫૭ લાખની ચોખ્ખી ખોટમાં ફેરવાઈ ગયો છે. ૨૦૫૬ લાખની ઇક્વિટી સામે રિઝર્વ હાલ ૧૬૬૪ કરોડની છે. વૉકહાર્ટ સળંગ પાંચ દિવસની રૅલી બાદ પ્રૉફિટ બુકિંગના નીચામાં ૧૯૪૧ થઈ સાડાઆઠ ટકા કે ૧૮૩ રૂપિયા તૂટી ૧૯૬૯ રહી છે. ફેમાના મામલે ઈડી તરફથી વેદાન્તા ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવતાં શૅર નીચામાં ૩૨૮ થઈ એક ટકો ઘટી ૩૩૩ થયો છે. વેદાન્તાની સ્ટરલાઇટ ટેક્નૉલૉજી ૫૯૧ના શિખરે જઈ પાંચ ટકા વધી ત્યાં જ હતી.

સુરતની હરિકાન્તા ઓવરસીઝમાં ૧૭ ટકા લિસ્ટિંગ લૉસ

મુંબઈના નરીમાન પૉઇન્ટ્સની ઓરિએટ ટ્રેડનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૨૭ કરોડનો BSE SME IPO ગઈ કાલે રિટેલમાં અઢી ગણા સહિત કુલ દોઢ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ગગડી ૧ રૂપિયો થયું છે. હૈદરાબાદની મેરીટ્રોનિક્સ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૧૪૯ની અપર બૅન્ડ સાથે ૭૦ કરોડનો BSE SME ઇશ્યુ આજે, બુધવારે પૂરો થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૬૨ ગણું ભરાયું છે. પ્રીમિયમ ૯૦ છે. અમદાવાદી SMR જ્વેલ્સનો SME ઇશ્યુ પ્રથમ ટ્રાયલમાં ફ્લૉપ નીવડતાં તારીખ લંબાવી ૩ જૂન કરાઈ છે, ઇશ્યુ પ્રાઇસ ઘટાડાઈ છે. શૅરદીઠ ૧૨૮ની અપર બૅન્ડ સાથે ૬૪ કરોડનો આ BSE SME IPO અત્યાર સુધીમાં રિટેલમાં ૧૮ ટકા સહિત કુલ ૩૫ ટકા જ ભરાયો છે.

જયપુરની યશ્વી જ્વેલર્સ ૧૦ના શૅરદીઠ ૮૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટમાં ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે BSEમાં ૮૩ ખૂલી ૮૭  બંધ થતાં પોણાપાંચ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. જયપુરની રાજનંદિની ફૅશન ઇન્ડિયાનું લિસ્ટિંગ આજે થવાનું છે. પ્રીમિયમ ૭ રૂપિયા ચાલે છે. આગલા દિવસે બાવીસ ટકાની લિસ્ટિંગ લૉસ આપનારી MR મણિવેણી ફૂડ્સ ગઈ કાલે ૩૯નું નવું બૉટમ બતાવી પાંચ ટકા તૂટી ત્યાં જ બંધ રહી છે. સુરતની હરિકાન્તા ઓવરસીઝનો ૨૪ કરોડનો SME ઇશ્યુ બીજા ટ્રાયલે માંડ-માંડ ભરાયો હતો એ ગઈ કાલે BSEમાં ૮૦ નીચે ખૂલી ૭૬ નીચે બંધ રહેતાં એમાં ૧૬.૭ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે.

નબળા વેચાણમાં ફોર્સ મોટર્સ ૧૦૮૦ રૂપિયા ગગડી

સરકાર રોકડી કરવાના મૂડમાં આવેલી છે. કોલ ઇન્ડિયામાં આંશિક ડાઇવેસ્ટમેન્ટ મારફત ૫૫૪૯ કરોડ ઊભા કરી લીધા પછી LICમાં દોઢ-બે ટકા માલ વેચી ૧૦ હજાર કરોડ ઊભા કરવાનું નક્કી કર્યું છે. NHPCમાં છ ટકા હિસ્સો વેચી લગભગ ૮૦૦૦ કરોડ ઊભા કરવા તેણે ગઈ કાલથી OFS શરૂ કરી છે. NHPCમાં હાલ સરકારનો હિસ્સો ૬૭.૪ ટકા છે. શૅરદીઠ ૭૧ની ફ્લૉર પ્રાઇસથી ત્રણ ટકા ગ્રીન-શૂ ઑપ્શન સહિત સરકાર કુલ ૬૦૨૭ લાખ શૅર કે છ ટકા માલ વેચવા OFS લાવી છે. આની અસરમાં શૅર ગઈ કાલે નીચામાં ૭૧.૮૫ થઈ ૬.૪ ટકા ગગડી ૭૨ બંધ થયો છે. ભાવ વર્ષ પૂર્વે ૯ જૂને ૯૨ પ્લસના શિખરે હતો. ૧૫ જુલાઈ ૨૦૨૪માં ૧૧૮ની ઑલટાઇમ હાઈ બની હતી.

મારુતિ સુઝુકીએ ગત મહિને ૪૦ ટકા વધારામાં કુલ ૧.૯૩ લાખ નંગ વાહનોનું વેચાણ કર્યું છે. શૅર નીચે ૧૨,૭૨૩ થઈ પોણો ટકો સુધરી ૧૩,૦૩૮ બંધ થયો છે. તાતા મોટર્સ પૅસેન્જર્સનું સ્થાનિક વેચાણ ગત મહિને ૪૨ ટકા, મહિન્દ્રાનું ૧૧ ટકા, હ્યુન્ડાઈ મોટર્સનું ૯ ટકા વધ્યું છે. ગઈ કાલે તાતા મોટર્સ પૅસેન્જર્સ દોઢેક ટકા સુધરી ૩૯૦, મહિન્દ્રા એકાદ ટકો વધીને ૨૯૯૮ તથા હ્યુન્ડાઈ મોટર્સ અડધો ટકો ઘટી ૧૮૭૪ બંધ થયાં છે. ટૂ-વ્હીલર્સમાં TVSનું ડોમેસ્ટિક સેલ્સ મે માસમાં ૩૧ ટકા તથા આઇશરની રૉયલ એનફીલ્ડનું વેચાણ ૧૫ ટકાના દરે વધ્યું છે. TVS મોટર નીચામાં ૩૨૯૪ બતાવી પોણો ટકો સુધરી ૩૩૬૭ તથા આઇશર નીચામાં ૬૯૫૦ થઈ અડધો ટકો સુધરી ૭૧૪૦ રહી છે. ફોર્સ મોટર્સનું વેચાણ ૧૫.૪ ટકા ઘટ્યું છે. શૅર પોણાછ ટકા તૂટીને ૧૭,૮૩૬ હતો. અશોક લેલૅન્ડનું વેચાણ ૪ ટકા ઘટ્યું છે. ભાવ અડધો ટકો ઘટીને ૧૪૯ થયો છે. તાતા મોટર્સ કમર્શિયલનું વેચાણ કુલ ૧૭ ટકા વધી ૩૨,૮૫૦ નંગ થયું છે. શૅર એક ટકો ઘટી ૩૭૦ હતો. અતુલ ઑટોએ ૨૯.૩ ટકા વધારામાં ૩૨૩૬ વાહન ગત મહિને વેચ્યાં છે. શૅર નીચામાં ૪૭૧૧ થઈ નહીંવત વધી ૪૮૦ થયો છે. બજાજ ઑટોનું વેચાણ કુલ ૨૦ ટકા વધી ૪.૬૧ લાખ નંગ થયું છે. શૅર ઉપરમાં ૧૦,૪૩૦ બતાવી એકાદ ટકો ઘટી ૧૦,૨૭૯ હતો. એસ્કોર્ટ્સનું વેચાણ ૧૯ ટકા વધ્યું છે. શૅર અડધો ટકા ઘટી ૨૭૫૨ રહ્યો છે. ઓલા ઇલેક્ટ્રિકનું વેચાણ મે ૨૫માં ૧૮,૪૯૯ નંગ હતું એ આ વેળા ૧૮.૨ ટકા ઘટીને ૧૫,૧૩૯ નંગ રહ્યું છે. શૅર એકાદ ટકો વધી ૪૦ નજીક હતો.

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 08:39 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK