Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > રૂપિયામાં સુસ્ત કામકાજ : યેન ૩૪ વરસના નીચા સ્તરે

રૂપિયામાં સુસ્ત કામકાજ : યેન ૩૪ વરસના નીચા સ્તરે

01 April, 2024 07:34 AM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટિવ્ઝ પર રિઝર્વ બૅન્કના નિયમનથી બ્રોકરો ચિંતામાં

પ્રતીકાત્મક તસવીર

કરન્સી કૉર્નર

પ્રતીકાત્મક તસવીર


શૅરબજારમાં શાનદાર રિકવરી અને ફૉરેક્સ રિઝર્વ ૬૪૨.૫૦ અબજ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચતાં રૂપિયો ૮૩.૭૧ની વિક્રમી નીચી સપાટીએથી સુધરીને ૮૩.૪૦ બંધ રહ્યો હતો. માર્ચ આખરને કારણે કામકાજમાં સુસ્તી હતી. એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી વાયદાઓમાં કામ કરનારે જે તે કરન્સીમાં એક્ચ્યુઅલ અન્ડરલાઇંગ એક્સપોઝર હોવું જરૂરી છે એવી ચોખવટ કરતાં આગામી દિવસોમાં એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી વાયદાઓમાં ટ્રેડિંગ અને આર્બિટ્રેડનાં કામકાજ ઘટવાની શક્યતા છે. ઇન્ટરબૅન્ક બજારમાં કામ કરનાર આયાત નિકાસ સમુદાયને આ નિયમનથી કોઈ ફેર નહીં પડે, પણ કરન્સી ઑપ્શન ડેસ્ક કે અલ્ગો ટ્રેડિંગ જેવા સ્ટેકહોલ્ડર્સ પર કદાચ રોક આવી જાય. ડેરિવેટિવ્ઝનો મૂળ આશય પ્રાઇસ રિસ્ક મૅનેજમેન્ટ, પ્રાઇસ ડિસ્કવરી, હેજિંગ સવલતનો છે. અલ્ગો અને ક્વોન્ટ ટ્રેડિંગના આવિશ્કારથી ઑપ્શન ટ્રેડિંગમાં બેમર્યાદા વધારાથી આરબીઆઇ કદાચ બિનજરૂરી સટ્ટાખોરી ડામવા માગે છે, હેજિંગ પ્રમોટ કરવા માગે છે. પ્રાઇમરી અને સેકન્ડરી બજારમાં પણ વધુપડતી સટ્ટાખોરી સિસ્ટૅમિક રિસ્ક પેદા ન કરે એ માટે રિઝર્વ બૅન્ક અને સેબી કાર્યરત છે. તાજેતરમાં સ્ટ્રેસ ટેસ્ટ જોતાં નાણાં બજારોમાં સર્વિલન્સ મામલે સેબી અને સરકારનો સકારાતમક સાવચેતીનો અભિગમ રહ્યો છે. 


રૂપિયાની વાત કરીએ તો ઈસ્ટર વીક-એન્ડ અને માર્ચ આખરને કારણે કામકાજ ઘણાં ઓછાં હતાં. રૂપિયો એશિયામાં સેકન્ડ બેસ્ટ પર્ફોર્મર છે. ૨૨ માર્ચની આખરે ફૉરેકસ રિઝર્વ ૬૪૨.૫૦ અબજ ડૉલર હતી. ૨૮ માર્ચે સોનામાં ઐતિહાસિક તેજી અને આગળ પણ શૅરબજારમાં તેજીનો ટોન જોતાં આગામી થોડા દિવસોમાં ફૉરેક્સ રિઝર્વ કદાચ ૬૫૦ અબજ ડૉલરને પાર પહોંચી જાય તો નવાઈ નહીં. રિઝર્વ બૅન્કની ચુસ્ત દરમ્યાનગીરી ન હોય તો રૂપિયો કદાચ ૮૨-૮૨.૨૫ થઈ જાય. હાલમાં શૉર્ટ ટર્મ રેન્જ ૮૨.૯૫-૮૩.૬૫ દેખાય છે. ક્રૉસ ટ્રેડમાં રૂપિયો પાઉન્ડ સામે ૧૦૫.૩૦ના સ્તરે સ્ટેબલ હતો. યુરો સામે ૯૦ના સ્તરે સ્ટેબલ હતો. એશિયામાં ઇમર્જિંગ શૅરબજારો આજે મજબૂત ખૂલવાની શક્યતા છે. 



વિશ્વબજારની વાત કરીએ તો અમેરિકામાં વીકલી જૉબલેસ ક્લેમમાં ઘટાડો, પેન્ડિંગ હોમ સેલ્સમાં વધારો અને વપરાશી ખર્ચ તેમ જ ફુગાવાના આંકડા ઘણા જ મજબૂત રહેતાં ફેડ હાલમાં રેટકટ કરી શકે એમ લાગતું નથી. આર્થિક મજબૂતી ઘણી જ મજબૂત છે એમ સમજીને જ કદાચ વ્યાજદરોના મામલે હાયર ફોર લૉન્ગરના સંકેતો આપી રહી છે. અમેરિકામાં સતત ઊંચા વ્યાજદરો, ચીનમાં સ્લોડાઉન, યુરોપમાં સ્ટેગફ્લેશન જેવાં કારણો વચ્ચે પણ અમેરિકામાં મેક્રોઇકૉનૉમિક ચિત્ર ઘણું ઊજળું છે. ડૉલેક્સ ૧૦૪ આસપાસ સ્ટેબલ છે. જૂનમાં રેટકટની આશા ધૂંધળી છે.


એશિયામાં યેનમાં નરમાઈ છે. યેન ૧૯૯૦ પછીના નીચા સ્તરે ૧૫૧.૯૭ થયા પછી બૅન્ક ઑફ જપાનના ઇન્ટરવેન્શનના ડરે તેજી અટકી હતી. યેન ૧૫૧.૩૦ આસપાસ ટ્રેડ થતો હતો. ચીનમાં લાંબા સમય પછી મેન્યુ સેક્ટરમાં થોડા સારા સમાચાર આવ્યા છે. મેન્યુ ઇન્ડેક્સ ૫૦.૮ આવ્યો હતો. સરકાર મંદી રોકવા તમામ સ્તરે સક્રિય છે. યુઆન પણ ૭.૨૦-૭.૨૧ આસપાસ સ્ટેબલ થઈ ગયો છે. યેનનો ટ્રેન્ડ નરમ છે. યેનમાં ૧૫૨નો સ્તર તૂટે તો જી-૩ દેશો નોંધપાત્ર યેનની મંદી રોકવા ઇન્ટરવેન્શન કરી શકે. 

યુક્રેન રશિયા વચ્ચે સંઘર્ષ વધતો જાય છે. રેડસીમાં પણ તનાવ વધ્યો છે. હુથી બળવાખોરો રેડસીમાંથી પસાર થતાં જહાજો પર હુમલા કરે છે. રશિયા-યુક્રેન એક બીજાના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરે છે. રશિયાનું ૧૨ ટકા તેલ ઉત્પાદન ખોરવાયું છે. ક્રૂડ ઑઇલમાં નવેસરથી તેજી થઈ ભાવ ૧૦૦ ડૉલર જાય એવી દહેશત છે. બ્રેન્ટ ક્રૂડ ૯૦ ડૉલર નજીક પહોંચી ગયું છે. યુરો અને પાઉન્ડ જેવી મુખ્ય કરન્સી સ્ટેબલ છે. ક્રિપ્ટો ઍસેટમાં બિટકૉઇન ૭૦,૦૦૦ ડૉલર આસપાસ સ્ટેબલ છે. પરંપરાગત સેફ હેવન સોનામાં સ્ફોટક તેજી થઈ છે. લંડન સોનું ૨૨૩૫ ડૉલર અને સ્થાનિક બજારમાં સોનું ૭૦,૫૦૦ ડૉલરના સર્વોચ્ચ સત્રે પહોંચી ગયું છે.


ટ્રેડિંગ રેન્જ: રુપીડૉલર ૮૨.૯૫-૮૩.૬૫, યુરોડૉલર ૧.૦૭૫૦-૧.૦૮૮૦, પાઉન્ડડૉલર ૧.૨૫-૧.૨૭૫૦, ડૉલરયેન ૧૪૯.૫૦-૧૫૨.૨૦, પાઉન્ડરુપી ૧૦૪.૫૦-૧૦૫.૮૦, યુરોરુપી ૮૯.૭૦-૯૦.૯૦, ડૉલેક્સ ૧૦૩.૫૦-૧૦૪.૮૦, બિટકૉઇન ૬૭,૦૦૦-૭૪,૦૦૦, સોનું ૨૧૮૦-૨૨૫૦.

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2024 07:34 AM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK