જપાનની સાથે-સાથે હૉન્ગકૉન્ગ, સાઉથ કોરિયા અને સિંગાપોરનાં શૅરબજારો પણ નવી ટોચે : બેલગામ સટ્ટાખોરીમાં થાણેની RRP સેમિકન્ડક્ટર્સ સવા વર્ષમાં ૧૫ રૂપિયાથી ઊછળીને ૨૮૯૦ નજીકના નવા શિખરે
પ્રતીકાત્મક તસવીર
જપાનની સાથે-સાથે હૉન્ગકૉન્ગ, સાઉથ કોરિયા અને સિંગાપોરનાં શૅરબજારો પણ નવી ટોચે : બેલગામ સટ્ટાખોરીમાં થાણેની RRP સેમિકન્ડક્ટર્સ સવા વર્ષમાં ૧૫ રૂપિયાથી ઊછળીને ૨૮૯૦ નજીકના નવા શિખરે : મહારાષ્ટ્રની શ્રી રેફ્રિજરેશન્સ એકના શૅરદીઠ ૧૨૫ના ભાવે આજે ૧૧૭ કરોડનો SME IPO કરશે : ફોર્સ મોટર્સ પરિણામ પાછળ ૨૦૪૫ની તેજીમાં ઑલટાઇમ હાઈ : પર્સિસ્ટન્ટ, સિગ્નિટી ટેક્નો તથા કોફોર્જમાં એકંદર સારાં રિઝલ્ટ છતાં શૅરમાં સેંકડાની ખરાબીઃ ઈડીના દરોડાના અહેવાલે અનિલ ગ્રુપના શૅર પાંચ-પાંચ ટકાની મંદીની સર્કિટમાં બંધ
વૉશિંગ્ટન ખાતે હાઈ પ્રોફાઇલ AI સમિટમાં ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકન ટેક્નૉલૉજી કંપનીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ચાઇનામાં ફૅક્ટરીઓ નાખવાની અને ભારતીય કર્મચારીઓને હાયર કરવાની નીતિરીતિ હવે બિલકુલ નહીં ચલાવી લેવાય એવી તાકીદ કરી છે. ટ્રમ્પનો આ નવો AI ઍક્શન પ્લાન ભારત માટે માઠા સમાચાર છે. આમ તો ટ્રમ્પ ખુદ ભારત માટે ભારે આફત છે. ગઈ કાલે આઇટી અને ટેક્નૉલૉજીના નેજા હેઠળ બજાર બગડ્યું એ ટ્રમ્પની અમંગળ વાણીને આભારી છે. સેન્સેક્સ આગલા બંધથી ૫૪ પૉઇન્ટ જેવો પ્લસ, ૮૨,૭૮૦ ખૂલી ૫૪૨ પૉઇન્ટ ગગડી ૮૨,૧૮૪ તથા નિફ્ટી ૧૫૮ પૉઇન્ટ ઘટી ૨૫,૦૬૨ ગુરુવારે બંધ થયો છે. બજાર ખૂલતાંની સાથે ઉપરમાં ૮૨,૭૮૪ બતાવી સીધું રેડ ઝોનમાં આવી ગયું હતું જેમાં શૅરઆંક નીચામાં ૮૨,૦૪૭ થયો હતો. જૂજ અપવાદ બાદ કરતાં તમામ ઇન્ડાઇસિસ ઘટ્યા છે. આઇટી બેન્ચમાર્ક ૫૯માંથી ૪૩ શૅરના બગાડમાં ૧.૮ ટકા કપાયો છે. એની પાછળ ટેક્નૉલૉજી ઇન્ડેક્સ દોઢ ટકા ડૂલ હતો. અન્યમાં રિયલ્ટી એક ટકા, ફાઇનૅન્સ અડધો ટકો, કૅપિટલ ગુડ્સ અડધો ટકો, પાવર યુટિલિટીઝ ૦.૬ ટકા, નિફ્ટી FMCG ૧.૨ ટકા, ઑઇલ-ગૅસ પોણો ટકો ડાઉન હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકા, નિફ્ટી ફાર્મા ૦.૬ ટકા, હેલ્થકૅર અડધો ટકો પ્લસ હતા. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૧૧૧ શૅર સામે ૧૮૬૩ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨.૨૫ લાખ કરોડ ઘટીને ૪૫૮.૧૦ લાખ કરોડ રૂપિયા નોંધાયું છે.
ADVERTISEMENT
એશિયા ખાતે થાઇલૅન્ડ અડધા ટકા નજીક ઢીલું હતું. અન્ય તમામ બજાર વધ્યાં છે. જૅપનીઝ નિક્કી ૪૨,૦૬૬નું નવું શિખર બતાવી દોઢ ટકાની આગેકૂચમાં ૪૧,૮૨૬ બંધ આવ્યો છે. હૉન્ગકૉન્ગ ૨૫,૭૩૬ની ઐતિહાસિક ટૉપ બનાવી સાધારણ સુધારે ૨૫,૬૨૭ તથા સાઉથ કોરિયન કોસ્પી ૩૨૩૮ની ટૉપ હાંસલ કરી નહીંવત્ વધી ૩૧૯૦ બંધ થયો છે. સિંગાપોરનો સ્ટ્રેટ ઇન્ડેક્સ પણ ૪૨૬૯ની ટોચે જઈ પોણો ટકો વધીને ૪૨૬૭ હતો. ઇન્ડોનેશિયા તથા ચાઇના પોણા ટકા આસપાસ અપ હતાં. યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો ઉપર દેખાયું છે. બિટકૉઇન રેન્જ બાઉન્ડ ચાલ જાળવી રાખતાં ૧,૧૮,૭૧૨ ડૉલર ચાલતો હતો.
નબળાં પરિણામનો અફસોસ જાળવી રાખતાં કોલગેટ ૨૨૫૭ના નવા તળિયે જઈ ૧.૧ ટકા ઘટીને ૨૨૬૦ રહી છે. આર. કે. સ્વામી, રેમન્ડ રિયલ્ટી, સલ્ઝર ઇલેક્ટ્રૉનિક્સ, નિક્સ ટેક્નૉલૉજીઝ, HDB ફાઇનૅન્સ સર્વિસિસ, આદિત્ય બિરલા લાઇફ સ્ટાઇલ જેવા શૅરમાં પણ નવાં બૉટમ બન્યાં છે. પેટીએમ સુધારાની આગેકૂચમાં ૧૧૨૮ની બે વર્ષની નવી ટૉપ બનાવી સવાત્રણ ટકા વધી ૧૧૦૬ હતી. કરસન પટેલની નુવોકો વિસ્ટા ૪૨૦ નજીક નવી ઐતિહાસિક ઊંચી સપાટી નોંધાવી સવા ટકો સુધરી ૪૧૫ હતી. થાણેની RRP સેમિકન્ડકટર્સ એકધારી તેજીની સર્કિટ ચાલુ રાખતાં બે ટકા વધીને ૨૮૯૦ નજીક ઑલટાઇમ હાઈ થઈ છે. ભાવ વર્ષ પહેલાં બાવીસ રૂપિયા તથા એપ્રિલ ૨૦૨૪ના આરંભે ૧૫ રૂપિયા હતો. કંપનીના નામમાં જ સેમિકન્ડકટર્સ છે, બાકી એને સેમિકન્ડકટર્સ મૅન્યુફૅક્ચરિંગ સાથે કશી લેવાદેવા નથી. ગત વર્ષે ૩૧ કરોડની આવક પર સાડાઆઠ કરોડ નફો બતાવનારી આ કંપનીનો ઈપીએસ છ રૂપિયા પણ નથી. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૮.૪૦ છે, પણ આજે માર્કેટકૅપ ૩૯૩૬ કરોડ થઈ ગયું છે. સટ્ટાખોરી વગર આ શક્ય જ નથી.
ઇન્ડિયન એનર્જી એક્સચેન્જના શૅરોમાં ત્રીસેક ટકાનો કડાકો બોલાયો
સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા આગામી વર્ષથી માર્કેટ કપલિંગ નોર્મ્સ લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. આ માર્કેટ કપલિંગ મોડલના પગલે વિવિધ ટ્રેડિંગ પ્લૅટફૉર્મ કે એક્સચેન્જ ઇલેક્ટ્રિસિટીના સિંગલ કે યુનિફૉર્મ પ્રાઇસ શક્ય બનશે. જોકે આ મોડલ અમલી બનતાં હાલ ઇલેક્ટ્રિસિટી ટ્રેડિંગ બિઝનેસમાં ઇન્ડિયન એનર્જી એક્સચેન્જનું ભારે વર્ચસ્વ છે એ ખતમ થવાની દહેશત છે. સરવાળે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જનો શૅર ગઈ કાલે ૧૩૧ની જૂન ૨૦૨૪ પછીની બૉટમ બનાવી ૨૯.૫ ટકા લથડી ૧૩૨ બંધ થયો છે. વૉલ્યુમ પચીસ ગણું હતું. ૨૦૨૧ની ૧૮ ઑક્ટોબરે ભાવ ૩૧૯ નજીકની વિક્રમી સપાટીએ હતો. CERCની જાહેરાતના પગલે શૅરમાં ડીરેટિંગ શરૂ થઈ ગયું છે. બર્નસ્ટેન દ્વારા ૧૬૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૧૨૨ કરીને વેચવાની ભલામણ આવી છે. હરીફ PTC ઇન્ડિયામાં સવાચાર ટકા તેજી હતી. ફૉર્સ મોટર્સનો નફો બાવન ટકા વધીને ૧૭૬ કરોડ થતાં શૅર પાંચ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૦,૫૬૩ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૨ ટકા કે ૨૦૪૫ રૂપિયાની તેજીમાં ૧૯,૧૮૧ બંધ થયો છે. ૨૮ જાન્યુઆરીએ ભાવ ૬૧૨૮ના તળિયે હતો. ઓલેક્ટ્રા ગ્રીનટેક ૩૭ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૫૯૦ થઈ ૧૫.૭ ટકા કે ૨૦૮ રૂપિયા ઊંચકાઈ ૧૫૩૫ બંધ આવી છે. કોફોર્જ તરફથી ૧૩૮ ટકાના વધારામાં ૩૧૭ કરોડનો નેટ નફો દર્શાવાયો છે. ધારણા ૩૩૫ કરોડના નફાની હતી. આથી શૅર ૧૪ ગણા કામકાજે નીચામાં ૧૬૭૧ થઈ ૯.૪ ટકા કે ૧૭૪ રૂપિયા ગગડી ૧૬૭૫ બંધ હતો. સિગ્નિટી ટેક્નૉલૉજીઝનો ત્રિમાસિક નફો ૫૨૮ ટકા જેવો ઊછળીને ૬૬ કરોડ જેવો આવ્યો છે, પરંતુ માર્ચ ક્વૉર્ટરના મુકાબલે નફો ૧૦ ટકા ઘટ્યો હોવાના પગલે શૅર ૧૬ ગણા કામકાજે નીચામાં ૧૫૬૨ થઈ ૬.૯ ટકા કે ૧૧૯ રૂપિયા ખરડાઈ ૧૬૨૦ બંધ હતો. અન્ય જાણીતી આઇટી કંપની પર્સિટન્ટ સિસ્ટમ્સનો ત્રિમાસિક નફો ૩૯ ટકા વધીને ૪૨૫ કરોડ નોંધાયો છે જે બજારને ઓછો પડતાં શૅર ૧૦ ગણા વૉલ્યુમે નીચામાં ૫૦૮૪ બતાવી ૭.૭ ટકા કે ૪૩૧ રૂપિયા ગગડી ૫૧૭૫ બંધ રહ્યો છે. ૨૦૧ ટકાની નફાવૃદ્ધિમાં આગલા દિવસે ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારનાર ઇન્ફોબીન્સ ટેક્નૉલૉજીઝ ગઈ કાલે ૧૦ ટકાની નવી સુધારેલી લિમિટમાં ઊપલી સર્કિટે ૫૯૫ની નવી ટૉપ બતાવી ત્યાં જ બંધ થયો છે. ડેટામેટિક્સ ૯૪૬ની નવી વિક્રમી સપાટી નોંધાવી પાંચ ટકાની આગેકૂચમાં ૮૮૯ હતો. સ્ટેટ બૅન્કે અનિલ અંબાણી અને રિલાયન્સ કમ્યુનિકેશનને ફ્રૉડ સ્ટાર ગણાવી કાનૂની કારવાઈ હાથ ધરી હોવાના કારણે અનિલ ગ્રુપની રિલાયન્સ પાવર વધુ પાંચ ટકા ખરડાઈ ૬૦ નીચે તથા રિલાયન્સ ઇન્ફ્રા પણ પાંચ ટકા ગગડી ૩૬૦ બંધ થઈ છે. ઈડીના દરોડા પડ્યા હોવાના સમાચાર પણ મળતા હતા.
મુંબઈની સેલોરેપ ઇન્ડસ્ટ્રીઝ સહિત આજે ત્રણ SME ઇશ્યુ ખૂલશે
મેઇન બોર્ડમાં બ્રિગેડ હોટષલ વેન્ચર્સનો ૧૦ના શૅરદીઠ ૯૦ની અપર બૅન્ડ સાથે ૭૫૯ કરોડ પ્લસનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૨.૬ ગણા પ્રતિસાદ વચ્ચે કુલ ૬૮ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં ૬નું પ્રીમિયમ છે. સતત ખોટ કરતી ઇન્ડિક્યુબનો એકના શૅરદીઠ ૨૩૭ના ભાવનો ૭૦૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે ૨.૭ ગણો તથા GNG ઇલેક્ટ્રૉનિક્સનો બેના શૅરદીઠ ૨૩૭ની અપર બૅન્ડવાળો ૪૬૦ કરોડ પ્લસનો આઇપીઓ કુલ ૨૬.૭ ગણો છલકાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં હાલ ઇન્ડિક્યુબ ૧૨ તથા GNG ઇલેક્ટ્રૉનિક્સમાં ૧૦૦નું પ્રીમિયમ ચાલે છે. મુંબઈના મરોલની શાંતિ ગોલ્ડ ૧૦ના શૅરદીઠ ૧૯૯ના ભાવથી ૩૬૦ કરોડનો ઇશ્યુ આજે, શુક્રવારે કરવાની છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૩૫થી શરૂ થયું છે.
SME સેગમેન્ટમાં પુણેની મોનાર્ક સર્વેયર્સનો ૧૦ના શૅરદીઠ ૨૫૦ના ભાવનો ૯૩૭૫ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૨૫૧ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. ફૅન્સીમાં ગ્રે માર્કેટનું પ્રીમિયમ ઊછળતું રહી હાલ ૨૧૦ થઈ ગયું છે. જાલંધરની TSC ઇન્ડિયાનો શૅરદીઠ ૭૦ના ભાવનો ૨૫૮૯ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧.૭ ગણો ભરાયો છે. પ્રીમિયમ નથી.
શુક્રવારે ત્રણ SME ઇશ્યુ ખૂલવાના છે જેમાં મહારાષ્ટ્રના કરાડ ખાતેની શ્રી રેફ્રિજરેશન્સ એકના શૅરદીઠ ૧૨૫ની અપર બૅન્ડ સાથે ૧૧૭ કરોડથી વધુનો BSE SME ઇશ્યુ કરવાની છે. ગ્રે માર્કેટમાં ૭૫થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૮૦ બોલાય છે. કંપનીએ ગત વર્ષે ૯૯ કરોડની આવક પર સાડાતેર કરોડ નેટ નફો બતાવ્યો છે. દેવું ૪૦ કરોડ નજીક છે. ઇશ્યુ બાદ કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૬.૬ ટકાથી ઘટી ૪૪.૬ ટકા થઈ જશે. માર્કેટમેકર માનસી શૅર ઍન્ડ સ્ટૉકબ્રોકિંગ છે જે SME માર્કેટમાં ખેલ કરવા માટે પંકાયેલી છે. અંધેરી-વેસ્ટની સેલોરેપ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૮૩ના ભાવે ૩૦૨૮ લાખનો NSE SME IPO આજે કરશે. પ્રીમિયમ ૧૪ ચાલે છે. કંપનીએ ગત વર્ષે ૧૬૩ કરોડની આવક પર દસેક કરોડ નજીકનો નફો બતાવ્યો છે. ત્રીજી કંપની અમદાવાદની પટેલ કેમ સ્પેશ્યલિટીઝ છે, જે ૧૦ના શૅરદીઠ ૮૪ના ભાવથી ૫૮૮૦ લાખનો BSE SME ઇશ્યુ આજે કરવાની છે. ૧૨થી શરૂ થયેલું પ્રીમિયમ ફૅન્સી જમાવવા ખેંચીને ૨૩ કરાયું છે. કંપનીએ ગત વર્ષે ૧૦૫ કરોડની આવક પર સાડાદસ કરોડ નેટ નફો બતાવ્યો છે. દરમ્યાન બુધવારે ડલ લિસ્ટિંગમાં ૨૮૮ બંધ રહેલી મુંબઈની ઇમ્પોર્ટેડ શરાબનો ધંધો કરતી મોનિકા આલ્કોબિવ ગઈ કાલે ૨૭૪ના ઑલ ટાઇમ તળિયે જઈ ૨.૮ ટકા ઘટી ૨૮૦ રહી છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી ઍન્થમ બાયો નજીવી સુધરી ૭૫૭, સ્પનવેબ નૉન-વોવન ૨.૩ ટકા વધી ૧૫૬, સ્માર્ટવર્ક્સ પોણો ટકો વધી ૪૨૫, એસ્ટન ફાર્મા પાંચ ટકા ઊછળી ૧૧૫, ગ્લેન ઇન્ડસ્ટ્રીઝ ૧૨૧ના તળિયે જઈ ૩ ટકા વધી ૧૩૧ બંધ હતી. HDB ફાઇનૅન્સ ૭૭૮ના વસ્ટ લેવલે જઈ બે ટકા બગડી ૭૮૪ થઈ છે.
નેસ્લેનો નફો ૧૦૦ કરોડ ઘટ્યો, માર્કેટકૅપ ૧૨,૭૮૯ કરોડ રૂપિયા સાફ
આવક ૭૦ ટકા વધવા છતાં નફામાં ૯૦ ટકાનું ધોવાણ દર્શાવનારી ઝોમાટો ફેમ એટર્નલ ક્વીક કૉમર્સની થીમમાં નવા શિખર બનાવી રહી છે. શૅર ગઈ કાલે ૩૧૪ની સર્વોચ્ચ સપાટી બનાવી ૩.૪ ટકા વધી ૩૧૨ બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. એનું માર્કેટકૅપ ૩.૦૧ લાખ કરોડને વટાવી ગયું છે. એની હરીફ સ્વિગી ઉપરમાં ૪૩૦ થઈ ૪૧૯ ઉપર ફ્લૅટ હતી. તાતા મોટર્સ દોઢ ટકા વધી ૭૦૦ હતી. ડૉ. રેડ્ડીઝ લૅબનો નફો બે ટકા વધી ૧૪૧૮ કરોડ આવ્યો છે. શૅર દોઢ ટકા વધી ૧૨૬૫ થયો છે. તાતા કન્ઝ્યુમર એક ટકા, સિપ્લા એક ટકા, ગ્રાસિમ એક ટકા, આઇશર સનફાર્મા તથા જિયો ફાઇનૅન્સ અડધા ટકા આસપાસ પ્લસ હતી.
નેસ્લેની આવક છ ટકા વધી છે, નફો ૧૩ ટકા ઘટી ૬૪૭ કરોડ આવ્યો છે. એમાં શૅર ૨૪૭૫ની ઇન્ટ્રા-ડે હાઈથી તૂટી નીચામાં ૨૩૧૩ થઈ ૫.૩ ટકા કે ૧૩૦ રૂપિયા ગગડી ૨૩૨૨ બંધ રહી નિફ્ટીમાં ટૉપ લુઝર બન્યો છે. ટ્રેન્ટનાં પરિણામ ૬ ઑગસ્ટે છે. શૅર ત્રણ ગણા વૉલ્યુમે ૪ ટકા કે ૨૧૦ રૂપિયા ખરડાઈ ૫૧૫૩ બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લુઝર બન્યો છે. રિલાયન્સ નીચામાં ૧૩૯૬ બનાવી દોઢ ટકો ઘટી ૧૪૦૨ બંધમાં બજારને સર્વાધિક ૧૨૬ પૉઇન્ટ નડી છે. HDFC બૅન્ક ૨૦૩૫ની નવી સર્વોચ્ચ સપાટી બતાવીને અડધા ટકાની પીછેહઠમાં ૨૦૧૪ થઈ છે. ICICI બૅન્ક પણ ૦.૩ ટકા નરમ હતી. કોટક બૅન્કનાં પરિણામ ૨૬મીએ છે. શૅર સવા ટકો ઘટી ૨૧૪૧ હતો. સ્ટેટ બૅન્ક ૦.૬ ટકા, અ.ક્સિસ બૅન્ક ૦.૯ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૦.૪ ટકા માઇનસ હતી.
ઇન્ફોસિસ ધારણા કરતાં સારાં પરિણામની અસરમાં થોડોક સારો, ૧૫૮૧ ખુલ્યા બાદ સવા ટકાથી વધુ ખરડાઈ ૧૫૫૩ બંધમાં બજારને ૬૩ પૉઇન્ટ નડ્યો છે. TCS એક ટકા, વિપ્રો ૦.૪ ટકા, HCL ટેક્નૉ સવા ટકો, ટેક મહિન્દ્ર ૩.૪ ટકા, લાટિમ પોણાબે ટકા ડૂલ થયો છે. અન્યમાં બજાજ ફાઇનૅન્સ સવા ટકો, બજાજ ફીનસર્વ દોઢ ટકો, આઇટીસી સવા ટકો, એશિયન પેઇન્ટ્સ એક ટકો, શ્રીરામ ફાઇનૅન્સ ત્રણ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૪ ટકા, કૉલ ઇન્ડિયા તથા બજાજ ઑટો ૧.૩ ટકા, NTPC એક ટકાથી વધુ કટ થયો છે.
મુમ્બૈયા ગુજ્જુ કંપનીનું એક શૅરદીઠ ૭ શૅર બોનસ
મુલુંડ-વેસ્ટના પાંચ રસ્તા ખાતેની ગુજ્જુ કંપની શાઇન ફૅશન્સ એક શૅરદીઠ સાત બોનસ શૅરમાં આજે, શુક્રવારે એક્સ-બોનસ થવાની છે. શૅર ગઈ કાલે પોણાબે ટકા ઘટીને ૪૫૨ બંધ હતો. શૅરની ફેસવૅલ્યુ પાંચની છે. શૅરનો ભાવ ૧૨ જૂને ૫૦૨ના બેસ્ટ લેવલે ગયો હતો. વર્ષની બૉટમ ૨૭૦ નજીકની છે, જે ૨૧ ઑગસ્ટે બની હતી. કંપનીની ઇક્વિટી હાલ ૧૫૦ લાખ રૂપિયા જેવી છે જેમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૬.૫ ટકા છે. કુલ શૅરધારક ૨૨૧ છે જેમાં ૪ પ્રમોટર્સ પણ સામેલ છે. ૧૮૨ જેટલા નાના શૅરધારક પાસે ૧૭.૫ ટકા માલ છે. છેલ્લાં પાંચ વર્ષથી કંપનીની આવક અને નફામાં સતત નોંધપાત્ર વૃદ્ધિ જોવાઈ છે. ગત વર્ષે ૮૦ કરોડ પ્લસની આવક ઉપર સાતેક કરોડ નેટ નફો કરીને શૅરદીઠ ૨૪.૪ની ઈપીએસ મેળવી છે. ડેટ ઇક્વિટી રેશિયો ૦.૨૫નો છે. કંપનીએ નવેમ્બર ૨૦૨૧માં ૧૦ના શૅરનું પાંચ રૂપિયામાં વિભાજન કર્યું હતું. હાલના ભાવે માર્કેટકૅપ ૧૪૦ કરોડ બેસે છે.
કેલ્ટન ટેક સૉલ્યુશન્સ પાંચના શૅરના એક રૂપિયામાં તથા RIR પાવર ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ-સ્પ્લિટ થશે. કેલ્ટન ગઈ કાલે પોણાત્રણ ટકા ઘટી ૧૩૮ તથા RIR પાવર ૧.૮ ટકા ઘટીને ૧૪૩૯ બંધ હતી. સ્પંદન સ્ફૂર્તિ એક્સ-રાઇટ થતાં ગઈ કાલે બે ટકા ઘટી ૨૮૫ તો NSEમાં સાડાછ ટકા ગગડી ૨૮૬ બંધ આવી છે.


