ઍમેઝૉન અને વૉલમાર્ટને પણ પાછળ છોડી દીધા

પ્રતીકાત્મક તસવીર
એક વિશ્લેષકે જણાવ્યું હતું કે અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ એ ઍમેઝૉન અને વૉલમાર્ટ કરતાં ૧૫૦ અબજ ડૉલરના ભારતીય ઈ-કૉમર્સ માર્કેટમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવતી પ્લેયર છે, કારણ કે એ સૌથી મોટા રીટેલ સ્ટોર નેટવર્ક, પ્રબળ ટેલિકૉમ ઑપરેશન્સ અને મજબૂત ડિજિટલ મીડિયાના શક્તિશાળી સંયોજનની માલિકી ધરાવે છે. એક નવા અહેવાલમાં બર્નસ્ટેઇન રિસર્ચે જણાવ્યું હતું કે ભારત ઍમેઝૉન, વૉલમાર્ટ અને રિલાયન્સ સાથે ત્રણ-પ્લેયર માર્કેટમાં વિકસિત થઈ રહ્યું છે. પરંપરાગત રીટેલ બિઝનેસ મૉડલ ક્યાં તો ઑફલાઇન (વૉલમાર્ટ) અથવા ઑનલાઇન (ઍમેઝૉન)થી શરૂ થાય છે.
મોટા ભાગની ટેક્નિકલ બાબતોમાં વિતરણ પડકારો અને ‘એક પેઢીને છોડવા’ની ભારતની વૃત્તિને જોતાં અમે માનીએ છીએ કે ભારતીય ઈ-કૉમર્સ બજાર અલગ હશે. એક સંકલિત મૉડલ (ઑફલાઇન વત્તા ઑનલાઇન વત્તા પ્રાઇમ), મજબૂત વિતરણ ક્ષમતા અને શ્રેષ્ઠ ખર્ચ લાભ (ઑનલાઇન સામે) શરૂઆતથી જ જરૂરી છે એમ જણાવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં સૌથી મોટી ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવી રહી છે. એની ટેલિકૉમ શાખા જિયો પાસે ૪૩૦૦ લાખ મોબાઇલ સબસ્ક્રાઇબર્સ છે, એની રીટેલ આર્મ ભારતમાં ૧૮,૩૦૦ રીટેલ સ્ટોર્સ ધરાવે છે, જેનું વેચાણ ૩૦ અબજ ડૉલરનું છે અને એનું ડિજિટલ મિશ્રણ ૧૭થી ૧૮ ટકા વધી રહ્યું છે.