માર્કેટ અને ઇન્વેસ્ટર્સ માટે આ યાદગાર વર્ષ કહી શકાય. આ એક જ વર્ષમાં માર્કેટે સતત એકધારી તેજી સાથે નવી-નવી ઊંચાઈના રેકૉર્ડ કર્યા છે.
શૅરબજાર માટે અદ્ભુત અને અભૂતપૂર્વ વર્ષ
શૅરબજારનું કંઈ કહેવાય નહીં, શૅરબજારનો ભરોસો કેટલો કરાય? શૅરબજાર ક્યારે ઊછળે, ક્યારે તૂટે, ક્યારે તારી દે અને ક્યારે ડુબાડી દે એ વિશે કંઈ કહી શકાય નહીં. શૅરબજાર એટલે જોખમ અને માત્ર જોખમ એવી બધી વાતો-માન્યતા સાચી, છતાં ૨૦૨૩-’૨૪નું નાણાકીય વર્ષ રોકાણકારો માટે એકંદરે અદ્ભુત અને અભૂતપૂર્વ રહ્યું એમ કહી શકાય. આ વર્ષનો માર્કેટની દૃષ્ટિએ ગુરુવારે અંતિમ દિવસ હતો અને મુંબઈ શૅરબજાર પર લિસ્ટેડ શૅરોમાં આ વર્ષે રોકાણકારોની મૂડીમાં ૧૨૮ લાખ કરોડની વૃદ્ધિ થઈ છે. અર્થાત્ રોકાણકારો આટલી રકમ કમાયા. આ કમાણી ક્યાંક વાસ્તવિક અને ક્યાંક કાગળ પર હોઈ શકે, પરંતુ રોકાણકારો વીતેલા નાણાકીય વર્ષમાં આટલું કમાયા એમ ચોક્કસ કહી શકાય. મજાની વાત એ છે કે બધેબધું જ વધ્યું છે, સ્મૉલ-મિડકૅપ સ્ટૉક્સ તેમ જ મહત્તમ સેક્ટર્સના સ્ટૉક્સમાં વધારો જોવા મળ્યો છે. માર્કેટ અને ઇન્વેસ્ટર્સ માટે આ યાદગાર વર્ષ કહી શકાય. આ એક જ વર્ષમાં માર્કેટે સતત એકધારી તેજી સાથે નવી-નવી ઊંચાઈના રેકૉર્ડ કર્યા છે.