જેના માટે લોન લેવામાં આવી હોય એ વસ્તુ પરનો બોજો લોનની સંપૂર્ણ ચુકવણીના ૩૦ દિવસની અંદર કાઢી નાખવો અને દસ્તાવેજો પરત કરવા એમ કહેવામાં આવ્યું છે
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્કે લોન લેનારાઓને ઘણી મોટી રાહત આપતું જાહેરનામું પ્રકાશિત કર્યું છે. તેરમી સપ્ટેમ્બરના આ જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે બૅન્કો અને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓએ પ્રૉપર્ટીના દસ્તાવેજો અને દેવાનો બોજો (ઇન્કમ્બ્રન્સ) લોન ચૂકતે થઈ ગયાના ૩૦ દિવસની અંદર ફરજિયાતપણે છૂટા કરવાના રહેશે.
જેના માટે લોન લેવામાં આવી હોય એ વસ્તુ પરનો બોજો લોનની સંપૂર્ણ ચુકવણીના ૩૦ દિવસની અંદર કાઢી નાખવો અને દસ્તાવેજો પરત કરવા એમ કહેવામાં આવ્યું છે. આ દસ્તાવેજો ફક્ત હોમ બ્રાન્ચમાંથી નહીં, કોઈ પણ બ્રાન્ચમાંથી ગ્રાહકને પાછા કરી શકાશે. કેન્દ્રીય બૅન્કે કહ્યું છે કે કરજદાર લોન ચૂકતે કરે ત્યાર બાદ તેમને દસ્તાવેજો કઈ શાખામાંથી પાછા મળશે એ પણ લોનના દસ્તાવેજોમાં લખવાનું ફરજિયાત રહેશે. જાહેરનામા મુજબ જો બૅન્ક-નૉન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની ૩૦ દિવસની અંદર દસ્તાવેજો પાછા નહીં કરે અથવા દેવાનો બોજો છૂટો નહીં કરે તો વિલંબના દરેક દિવસદીઠ ૫,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે.

