વિપક્ષ તાકતવર થયો હોવાથી માર્કેટ આ વાતોને ગંભીરતાથી લઈને સાવચેતીનો મૂડ અપનાવી શકે છે
પ્રતીકાત્મક તસવીર
નિફ્ટી વિક્લી ઑપ્શન્સની એક્સપાયરીના ગુરુવારે બજાર થોડું ઠરીઠામ થવા સાથે નિફ્ટી 0.89 ટકા, 201 પૉઇન્ટ્સ સુધરી 22821, નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ અડધો ટકો વધી 49292, નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ 0.98 ટકા, 212 પૉઇન્ટ્સ સુધરી 21895 બંધ રહ્યા હતા. મુખ્ય શૅરો કરતાં મિડકૅપ્સમાં વધુ સારો સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 2.08 ટકા, 1389 પૉઇન્ટ્સ વધી 68224 અને મિડકૅપ સિલેક્ટ 1.17 ટકા, 134 વધી 11590 રહ્યા હતા. સુધારો મર્યાદિત રહેવા પાછળ દિલ્હીમાં સત્તામાં ભાગીદારી માટે ચાલતી ખેંચતાણ જવાબદાર ગણાય છે. આ વિશેના તર્કવિતર્કોની શુક્રવારના કામકાજ પર વિશેષ અસર જોવા મળશે. રાહુલ ગાંધીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં સંસદ શરૂ થતાં પહેલાં જ સ્ટૉક માર્કેટ સ્કૅમનો આક્ષેપ કરી જેપીસી તપાસની માગણી કરી હતી. ઇલેક્શન રિઝલ્ટ પૂર્વે જ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને નિર્મલા સીતારમણે રોકાણકારોને ખરીદી લેવાની સલાહ આપી હોવાની વાતનો ઉલ્લેખ કરીને રાહુલે આ સપ્તાહે રોકાણકારોના થયેલા બૂરા હાલ માટે જવાબદાર લોકો સામે પગલાં લેવા જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટી (જેપીસી) દ્વારા તપાસની માગણી કરી છે. વિપક્ષ હવે બળવાન થયો હોવાથી બજારમાં પણ તેમની વાતોને ગંભીરતાથી લઈ સાવચેતી પ્રવર્તે છે.
બજારની નજર હવે રવિવારના શપથગ્રહણ અને કયાં ખાતાં એનડીએના અને કયાં સાથીપક્ષોને ફાળવાય છે એના પર છે. શપથગ્રહણ સમારોહમાં પાડોશી દેશોના મહાનુભાવો હાજર રહી શકે એ માટે ૯મી ને રવિવાર પસંદ કરાયો હોવાનું જણાય છે. ઉપરાંત આરબીઆઇ તરફથી વ્યાજદરો યથાવત રાખશે અને રેટ કટ તો યુએસ ફેડરલ રિઝર્વ કરે એ પછી કરશે એવું અગ્રણી બૅન્કર્સનું માનવું છે. આરબીઆઇની અન્ય જાહેરાતો પણ બજારની ચાલ પર અસર કરી શકે છે. અમિત શાહની ચાણક્ય નીતિ અપક્ષો અને ઇન્ડિયા બ્લૉકનાં નાનાં-નાનાં જૂથોમાંથી કેટલાંને એનડીએમાં સામેલ કરે છે એ પણ મહત્ત્વનું ફૅક્ટર બની રહેશે. આવાં જૂથો એનડીએમાં આવી જાય તો સંખ્યાબળ વધવા ઉપરાંત સ્થિરતા સાથે પાંચ વર્ષ માટે શાસન કરવાના ચાન્સ પણ વધે એથી એની બજાર પર પૉઝિટિવ અસર જોવાશે. હમણાં તો એનડીએનો 293 અને ઇન્ડિયા બ્લૉકનો સ્કોર 232 છે. જેડી-યુએ બિહાર માટે સ્પેશ્યલ સ્ટેટસ અને કેન્દ્રના પ્રધાનમંડળમાં ચાર બર્થ અને સ્પીકરપદની માગણી કરી હોવાનું ચર્ચાય છે. જેડી-યુને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગ ખાતાં જોઈએ છે. સ્પીકરપદ માટે તેલુગુ દેસમ પણ ટ્રાય કરે છે. તેમણે પણ 3-4 પ્રધાનપદોની માગણી કરી છે. પાંચ સંસદસભ્યો ધરાવતી એલજેપીએ એક કૅબિનેટ પ્રધાનપદ અને એક રાજ્ય કક્ષાનું પ્રધાનપદ માગ્યું હોવાનું સંભળાય છે. જેડી-યુ અને ટીડીપીએ કૉમન મિનિમમ પ્રોગ્રામનો આગ્રહ રાખી હમણાં યુનિફોર્મ સિવિલ કોડ અને અગ્નિવીર યોજનાને સમીક્ષા કરવા માટે સ્થગિત રાખવાની સલાહ પણ આપી છે. આવા પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ વચ્ચે સેન્સેક્સ બુધવારથી શરૂ થયેલા સુધારામાં વધુ 692 પૉઇન્ટ્સ અંકે કરી 75074ના સ્તરે વિરમ્યો હતો. સેન્સેક્સના 30માંથી 23 શૅરો સુધર્યા હતા. સેન્સેક્સના ટેક મહિન્દ્ર અને એચસીએલ ટેક 4-4 ટકા સુધરી બંધ રહ્યા હતા. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સાડાત્રણ ટકા પ્લસ થઈ 817 રૂપિયા બંધ રહ્યો હતો. ઇન્ફોસિસ 3 ટકા વધી 1472 થયો હતો. આમ ગુરુવારે ટેક શૅરોમાં સુધારો જોવાયો હતો. એનટીપીસી પણ 2.65 ટકા વધી 350 રૂપિયા બંધ હતો. બે દિવસ માટે લાઇમલાઇટમાં આવેલા અમુક શૅરો ગુરુવારે ઠંડા રહેતાં હિન્દુસ્તાન યુનિલીવર 2 ટકા ડાઉન થઈ 2549, નેસલે સવા ટકાના નુકસાને 2475 અને સનફાર્મા 1 ટકો ઘટી 1472 રૂપિયા રહ્યા હતા. સેન્સેક્સના 693 પૉઇન્ટ્સના સુધારામાં મુખ્યત્વે ઇન્ફોસિસનું 132 અને સ્ટેટ બૅન્કનું 91 પૉઇન્ટ્સનું યોગદાન હતું.
ADVERTISEMENT
સમાચારની અસરવાળા શૅરો
આઇટીસીના શૅરહોલ્ડરોએ 99.6 ટકા વોટથી હોટેલ બિઝનેસના ડિમર્જરને મંજૂરી આપી હતી. 99.6 ટકા ઇન્સ્ટિટ્યુશન્સે અને 98.4 ટકા નૉન-ઇન્સ્ટિટ્યુશન પબ્લિક શૅરહોલ્ડરોએ આ દરખાસ્તને મંજૂર કરવાની તરફેણમાં મત આપ્યા હતા. હોટેલ કંપની ડેબ્ટ ફ્રી હશે અને એમાં આઇટીસીએ 40 ટકા હિસ્સો રાખ્યો છે અને બાકીનો 60 ટકા હિસ્સો શૅરહોલ્ડરોનો રહેશે. આઇટીસી બ્રૅન્ડનો ઉપયોગ કરવા માટે આઇટીસી હોટેલ પાસેથી થોડા પ્રમાણમાં રૉયલ્ટી પણ ચાર્જ કરશે. શૅરનો ભાવ સવા ટકો વધી બે સપ્તાહની ઍવરેજથી સવાબે ગણા વૉલ્યુમે 435.80 રૂપિયા બંધ રહ્યો હતો. 52 સપ્તાહનો હાઈ ભાવ 499.60 રૂપિયા તો લો 399.30 રૂપિયા છે.
ભેલને અદાણી પાવર તરફથી છત્તીસગઢ થર્મલ પ્લાન્ટ માટેનો 3500 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યાના સમાચારે ભેલ 9 ટકા ઊછળી 278 રૂપિયા બંધ રહ્યો હતો.
બજાજ ફાઇનૅન્સની બજાજ હાઉસિંગ ફાઇનૅન્સના બોર્ડે 4000 કરોડ રૂપિયાનો આઇપીઓ મંજૂર કરવાના સમાચાર વચ્ચે બજાજ ફાઇનૅન્સ સવા ટકો સુધરી 6924 રૂપિયા બંધ રહ્યો હતો.
માર્કેટ બ્રેડ્થમાં સારો સુધારો
એનએસઈના 2742 ટ્રેડેડ શૅરોમાંથી 2234 સુધર્યા, 407 ઘટ્યા અને 101 એ જ બંધ ભાવે રહ્યા હોવાથી માર્કેટ બ્રેડ્થમાં સારો એવો સુધારો થયો હતો. 52 સપ્તાહની ટોચે 83 શૅરો ગયા એની સામે એવું બૉટમ બનાવનાર શૅરોની સંખ્યા 22 હતી. અપર સર્કિટે 269 શૅરો પહોંચ્યા તો લોઅર સર્કિટે 25 શૅરો હતા.
આ શૅરો 20 ટકા વધ્યા
ડેક્કન હેલ્થકૅર 19.21 ટકા સુધરી 27 રૂપિયા થયો હતો. પરિણામો પછીના કૉન્ફરન્સ કૉલની અસર હતી.
મૅરથૉન નેક્સ્ટજન રિયલ્ટી 20 ટકા ઊછળી 432 રૂપિયા થયો હતો. અર્નિંગ્સ કૉલની ટ્રાન્સ્ક્રીપ્ટ મુકાયાની અસર હતી.
ટેરા સૉફ્ટવેર 20 ટકાની સર્કિટે 69 રૂપિયા બંધ રહ્યો હતો.
નિફ્ટી આઇટી ઇન્ડેક્સના દસેદસ શૅરો સુધર્યા
એનએસઈ ખાતે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 3 ટકા, 936 પૉઇન્ટ્સ વધી 34023 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના દસેદસ શૅરો દોઢથી સાડાચાર ટકાના પ્રમાણમાં સુધર્યા હતા. બુધવારે રાત્રે યુએસમાં નૅસ્ડૅક કમ્પોઝિટ ઇન્ડેક્સે બે ટકા વધી બાવન સપ્તાહની ટોચની 17187ની સપાટીએ બંધ આપ્યું એની નિફ્ટી આઇટી ઇન્ડેક્સ પર પણ સાનુકૂળ અસર થઈ હતી. આ ઇન્ડેક્સના વિપ્રોને અમેરિકાની એક અગ્રણી સંદેશવ્યવહાર સેવા આપતી કમ્યુનિકેશન કંપનીનો 50 કરોડ ડૉલરનો ઑર્ડર મળવાના સમાચારે શૅર સવાબે ટકા સુધરી 461 બંધ રહ્યો હતો.
એનએસઈ ઇન્ડેક્સમાં રિયલ્ટી મજબૂત
નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સે 4.29 ટકાના ગેઇન સાથે 1047 બંધ આપ્યું હતું. આ ઇન્ડેક્સના બ્રિગેડ એન્ટરપ્રાઇઝ અને પ્રૅસ્ટિજ એસ્ટેટ બન્ને પોણાનવ ટકા સુધરી અનુક્રમે 1315 અને 1785 રૂપિયા બંધ રહ્યા હતા.
નિફ્ટી મીડિયાએ 3.68 ટકા પ્લસ રહી 1942ના સ્તરે ક્લોઝ થયો હતો. ઝી એન્ટરટેઇનમેન્ટના બોર્ડે 2000 કરોડ રૂપિયાના ફંડ મેળવવા મંજૂરી આપ્યાના પગલે ઝીમાં જોવા મળેલ સાડાચાર ટકાના સુધારાના કારણે આ ઇન્ડેક્સ સુધર્યો હતો.
નિફ્ટી પીએસઈ ઇન્ડેક્સ પણ 3.68 ટકા સુધરી 10070 રહ્યો હતો. આ ઇન્ડેક્સના મોટા ભાગના શૅરોમાં પુનઃ આકર્ષણ જોવા મળતું હતું. એનએસઈના 77 ઇન્ડેક્સમાંથી માત્ર 7 જ ઘટીને બંધ રહ્યા હતા.
BSE લિસ્ટેડ શૅરોમાં રોકાણકારોની સંપત્તિ 8 લાખ કરોડ રૂપિયા વધી
સેન્સેક્સે ગુરુવારે સુધારાની આગેકૂચ જારી રાખી એથી બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 8 લાખ કરોડ વધી 416 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. પરિણામે ગુરુવારે રોકાણકારોને મૂલ્ય વધવાથી 8 લાખ કરોડ રૂપિયાનો લાભ થયો હતો.
ગુરુવારે વિદેશી સંસ્થાઓની DIIની નેટ લેવાલી કરતાં બમણી નેટ વેચવાલી
કેશ સેગમેન્ટમાં ગુરુવારે પણ એફઆઇઆઇની 6868 કરોડ રૂપિયાની નેટ વેચવાલીની સામે ડીઆઇઆઇએ 3718 કરોડ રૂપિયાની નેટ લેવાલી કરી હતી.

