જીએસટીના વિવાદોને ઝડપી નિવારણ માટે સરકારની વિચારણા

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
એક અધિકારીના જણાવ્યા અનુસાર ગુડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) સંબંધિત વિવાદ નિવારણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને ઝડપી બનાવવા માટે દરેક રાજ્યમાં ચાર સદસ્યની અપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની દરખાસ્ત છે.
દરેક રાજ્ય અપેલેટ ટ્રિબ્યુનલમાં બે ટેક્નિકલ સભ્યો (કેન્દ્ર અને રાજ્યોમાંથી એક-એક અધિકારી) અને બે ન્યાયિક સભ્યો હશે એમ અધિકારીએ જણાવ્યું હતું. બે સભ્યોની બનેલી ડિવિઝન બેન્ચ-એક ટેક્નિકલ અને એક ન્યાયિક-એની સમક્ષ લાવવામાં આવેલી અપીલોનો નિર્ણય કરશે. દરખાસ્ત મુજબ દરેક રાજ્ય અપેલેટ ટ્રિબ્યુનલમાં બે ડિવિઝન બેન્ચ હશે અને આ રીતે એ વધુ અપીલનો સામનો કરી શકશે એમ અધિકારીએ નોંધ્યું હતું. એક રાષ્ટ્રીય અપેલેટ ટ્રિબ્યુનલ પણ હશે જે દિલ્હીમાં સ્થાપવામાં આવશે અને એમાં એક ન્યાયિક સભ્ય અને એક ટેક્નિકલ સભ્ય હશે.