સેન્સેક્સ ૩૬૬ અને નિફ્ટી ૧૨૧ પૉઇન્ટ ઘટ્યા, ટેલિકૉમ સિવાય તમામ સેક્ટોરલ રેડઝોનમાં, રોકડું ખરડાતાં માર્કેટ બ્રેડ્થમાં બૂરાઈ : જિયો ફાઇ. સતત પાંચમા દિવસે મંદીની સર્કિટ મારી બીએસઈ ખાતે નરમ તો એનએસઈમાં પ્લસ થયો : અદાણીના દસેદસ શૅર ઘટ્યા
પ્રતીકાત્મક તસવીર
શૅરબજાર આગલા બંધથી અઢીસો પૉઇન્ટની ગૅપમાં નીચે ૬૫,૦૦૦ ખૂલી શુક્રવારે ૩૬૬ પૉઇન્ટની નબળાઈમાં ૬૪,૮૮૬ બંધ થયું છે. નિફ્ટી ૧૨૧ પૉઇન્ટ બગડીને ૧૯,૨૬૬ રહ્યો છે. આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહેલા બજારમાં શૅરઆંક ઉપરમાં ૬૫,૧૦૬ અને નીચામાં ૬૪,૭૩૨ દેખાયો હતો. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૬૨ પૉઇન્ટ અને નિફ્ટી ૪૪ પૉઇન્ટ ઘટ્યા છે. આ ઘટાડો ઘણો જ નાનો કે મામૂલી છે, પરંતુ બજાર વીકલી ધોરણે સતત પાંચમા સપ્તાહે માઇનસ થયું એ જરાક મોટી વાત છે. છેલ્લા ૧૬ માસની આ પ્રથમ ઘટના છે. ગઈ કાલે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૭૦ પૉઇન્ટ જેવો નહીંવત્ નરમ હતો, પણ એની ૯૫૯માંથી માત્ર ૩૫૨ જાતો જ પ્લસ હતી. બ્રૉડર માર્કેટ અડધા અને મિડ કૅપ પોણા ટકાથી વધુ ડાઉન હતી. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૯૧૩ની સવા વર્ષની ટૉપ બતાવી ૧.૪ ટકા રણકી ૧૯૦૬ બંધ હતો. એને બાદ કરતાં બન્ને બજારનાં તમામ સેક્ટોરલ રેડઝોનમાં ગયાં છે. પાવર, યુટિલિટીઝ, રિયલ્ટી, મેટલ, હેલ્થકૅર, એફએમસીજી ઇન્ડેક્સ લગભગ એકથી સવા ટકો તો પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢ ટકો ખરડાયો છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૫૭૪ પૉઇન્ટ કે ૧.૩ ટકા કટ થયો છે. ઑટો અને આઇટીમાં અડધા ટકાની નરમાઈ હતી. માર્કેટ બ્રેડથમાં ખાસ્સી બુરાઈ જોવા મળી છે. એનએસઈમાં વધેલા ૭૦૪ શૅરની સામે ૧૩૩૩ કાઉન્ટર ઘટ્યાં છે.
એશિયા ખાતે સિંગાપોર અને થાઇલૅન્ડ નજીવા પ્લસ હતા. ચાઇના યથાવત્ હતું. સામે જૅપનીઝ નિક્કેઈ ૨.૧ ટકા કે ૬૬૩ પૉઇન્ટ અને તાઇવાન પોણાબે ટકા ધોવાયા હતા. સાઉથ કોરિયા પોણો ટકો તો હૉન્ગકૉન્ગ અડધો ટકો નરમ હતું. યુરોપ પૉઝિટિવ ઓપનિંગ બાદ રનિંગમાં અડધાથી પોણો ટકો ઉપર દેખાયું છે.
મુંબઈના અંધેરી-ઈસ્ટ ખાતેની વિષ્ણુપ્રકાશ આર-પુંગલિયાનો ૧૦ના શૅરદીઠ ૯૯ની અપર બેન્ડ સાથે ૩૦૯ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે હાઇનેટવર્થવાળા તથા રીટેલના સથવારે કુલ ૧૦.૭ ગણો ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં પ્રિમિયમ ૫૪ આસપાસ ટકેલું છે. ઉત્તર પ્રદેશની સહજ ફૅશન્સનો ૧૦ના શૅરદીઠ ૩૦ના ભાવનો ૧૩૯૬ લાખ રૂપિયાનો એસએમઈ ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં દોઢગણા પ્રતિસાદમાં કુલ એક ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં હાલ ચારનું પ્રિમિયમ છે. જિયો ફાઇ. સતત પાંચમી નીચલી સર્કિટ બાદ બીએસઈમાં નરમ, એનએસઈમાં વધીને બંધ
ADVERTISEMENT
ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૮ અને નિફ્ટીના ૫૧માંથી ૧૧ શૅર સુધર્યા હતા. સેન્સેક્સમાં બજાજ ફાઇનૅન્સ અને એશિયન પેઇન્ટ્સ એક ટકો, ભારતી ઍરટેલ અડધા ટકા નજીક તો ટાઇટન સાધારણ પ્લસ હતા. નિફ્ટી ખાતે બજાજ ફિનસર્વ ૨.૪ ટકા, ઓએનજીસી એક ટકા નજીક, એસબીઆઇ લાઇફ સામાન્ય સુધારે બંધ હતી. રિલાયન્સની જિયો ફાઇનૅન્શિયલ સર્વિસિસ સતત પાંચમા દિવસે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૨૦૫ના તળિયે જઈ ઉપરમાં ૨૨૫ બતાવી બીએસઈ ખાતે ૧.૭ ટકા ઘટી ૨૧૨ બંધ થઈ છે, પરંતુ એનએસઈ ખાતે ભાવ નીચલી સર્કિટમાં ૨૦૩ની અંદર નવું બૉટમ બનાવી બાઉન્સ બૅકમાં ૨૨૪ વટાવી છેલ્લે અડધો ટકો વધીને ૨૧૪ ઉપર બંધ આવ્યો છે. બન્ને બજારમાં કુલ મળીને ૩૧૫૬ લાખ શૅરનું જંગી વૉલ્યુમ નોંધાયું છે. દરમ્યાન બીએસઈ તરફથી સેન્સેક્સમાંથી જિયો ફાઇ.નું રિમૂવલ ૨૯ ઑગસ્ટને બદલે ૧ સપ્ટેમ્બરથી કરવાની જાહેરાત થઈ છે. એનએસઈ પણ ેને અનુસરશે એ નક્કી છે. રિલાયન્સ ગઈ કાલે ઉપરમાં ૨૫૦૫ અને નીચામાં ૨૪૪૪ની અંદર જઈ અંતે સાધારણ ઘટાડે ૨૪૭૦ નીચે બંધ હતો. વૉલ્યુમ સરેરાશ કરતાં ૪ ગણું હતું.
ઇન્ડ્સઇન્ડ બૅન્ક અને જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૯ ટકા, લાર્સન પોણાબે ટકા, અલ્ટ્રાટેક ૧.૭ ટકા, પાવરગ્રીડ ૧.૬ ટકા, આઇટીસી અને મહિન્દ્ર દોઢ ટકો, એચસીએલ ટેક્નૉ ૧.૪ ટકા, એનટીપીસી સવા ટકો નરમ હતા. હિન્દુ. યુનિલીવર, એચડીએફસી બૅન્ક, સ્ટેટ બૅન્ક, સનફાર્મા તથા તાતા સ્ટીલ એક ટકાની આસપાસ ઘટ્યા છે. નિફ્ટી ખાતે ડૉ. રેડ્ડીઝ લૅબ ૧૨૮ રૂપિયા કે સવાબે ટકા બગડી ૫૭૭૯ના બંધમાં ટૉપ લૂઝર હતો. અદાણી પોર્ટસ ૧.૯ ટકા ગગડી ૮૦૬ થયો છે. અદાણી એન્ટર. પોણાબે ટકાની ખરાબીમાં ૨૪૯૬ની અંદર ઊતરી ગયો છે. અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર સવા ટકો, અદાણી ટ્રાન્સ. ૨.૪ ટકા, અદાણી ટોટલ એક ટકો, એસીસી દોઢ ટકો, અંબુજા સિમેન્ટ્સ ૩.૨ ટકા, એનડીટીવી એક ટકા નજીક તથા અદાણી ગ્રીન અને અદાણી વિલ્મર અડધો ટકો ડાઉન હતા. ગ્રુપના તમામ ૧૦ શૅર માઇનસમાં ગયા છે. બગલબચ્ચુ મોનાર્ક નેટવર્થ સવા ટકો સુધરી ૩૩૮ વટાવી ગઈ છે. ક્વિન્ટ ડિજિટલ અડધો ટકો નરમ હતી.
શૉપર્સ સ્ટૉપ મૅનેજર ડિરેક્ટરના રાજીનામા પાછળ ૧૦૩ રૂપિયા ગગડીને બંધ
શૉપર્સ સ્ટૉપમાં મૅનેજર ડિરેક્ટર અને સીઈઓ વેણુ નાયરે રાજીનામું આપતાં ભાવ ૧૧ ગણા કામકાજમાં નીચામાં ૭૦૧ થઈ ૧૨.૬ ટકા કે ૧૦૩ જેવા કડાકામાં ૭૦૯ બંધ આવ્યો છે. રોકડામાં દાઇકાફિલ કેમિકલ્સ, ઇન્ડસ્વિફ્ટ લૅબ, ઈસ્ટર્ન લોજિકા, ગ્રેવિસ હૉસ્પિટાલિટી, ઓરો લૅબ, રિયેશ ઍગ્રોટેક, યુનિવર્સલ ઑટો જેવી જાતો ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટમાં ગઈ હતી. પરાગ મિલ્ક પોણાઆઠ ગણા કામકાજે ૨૦૭નું શિખર બતાવી ૧૫.૯ ટકાના જમ્પમાં ૨૦૩ વટાવી ગયો છે. ડોડલા ડેરી સાડાત્રણ ટકાની મજબૂતીમાં ૭૩૬ હતી. વિંધ્ય ટેલિ ૨૨૭૮ થઈ ૧૨ ટકા કે ૨૪૨ રૂપિયાના ઉછાળે ૨૨૪૮ થયો છે. ગેબ્રિયલ ઇન્ડિયા તેજીની આગેકૂચમાં ૩૧૫ની ટોચે જઈ સવાદસ ટકાના જમ્પમાં ૩૦૮ રહ્યો છે. સેરા સૅનિટરી વૅર ૪ ગણા કામકાજે ૯૪૨૩ની ઑલટાઇમ હાઈ બતાવી ૫.૯ ટકા કે ૫૧૯ રૂપિયાની તેજીમાં ૯૩૬૬ નજીક પહોંચ્યો છે.
ટેક્સમાકો રેલ ૧૩૫ના શિખરે જઈ સાડાપાંચ ટકા વધીને ૧૩૧, ટિટાગર રેલ ૮૨૮ની વિક્રમી સપાટી બાદ ત્રણેક ટકા વધીને ૮૧૮ થયા છે. જીએમડીસી બમણા કામકાજે ૨૩૩ નજીક નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ જઈ સવાછ ટકા વધીને ૨૨૭ હતો. લોઢાની નૅશનલ સ્ટાન્ડર્ડ ઉપરમાં ૫૮૪૮ અને નીચામાં ૪૫૬૧ બંધ આવ્યો છે. રાઇસ કંપનીઓના શૅરમાં એલટી ફૂડ્સ પોણાછ ટકા બગડીને ૧૬૬, કેઆરબીએલ ૩.૮ ટકા ખરડાઈને ૩૯૬, કોહિનૂર ફૂડ્સ ૦.૯ ટકા ઘટીને ૩૬ તથા ચમનલાલ સેટિયા એકાદ ટકો સુધરી ૨૧૩ બંધ હતા. લોઢાની મેક્રોટેક ડેવલપર્સ ચાર ટકાની ખુવારીમાં ૬૫૫ની અંદર રહી છે. જયકૉર્પ પોણાચાર ટકા ઘટીને ૨૨૪ હતી. રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા ૨.૯ ટકાની નબળાઈમાં ૯૯૮ બંધ હતી.
૬૩ મૂન્સ તેજીની સર્કિટ સાથે ૧૮ મહિનાની ઊંચી સપાટીએ
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના ઘટાડામાં ૦.૬ ટકા કે ૨૬૫ પૉઇન્ટ અને પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની બુરાઈમાં દોઢ ટકો ડાઉન હતા. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૧૦ શૅર સુધર્યા હતા. કોટક બૅન્ક યથાવત્ હતો. સૂર્યોદય બૅન્ક બે ટકા, ઉત્કર્ષ બૅન્ક અઢી ટકા, ફિનો પેમેન્ટ બૅન્ક સવા ટકો, ઉજજીવન બૅન્ક અને તામિલનાડુ બૅન્ક એક ટકો અપ હતી. સ્ટેટ બૅન્ક દોઢ ટકાથી વધુ માઇનસ હતી. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૯માંથી ૯૬ શૅરના ઘટાડામાં અડધા ટકા નજીક નબળો પડ્યો છે. પેટીએમ ૯૩૯ની ૧૮ માસની ટોચે જઈ બ્લૉકડીલમાં જંગી કામકાજે અડધો ટકો ઘટી ૮૯૯ થયો છે. જીએફએલ લિમિટેડ ૮૨ નજીક નવી ટોચે જઈ સવાતેર ટકા ઊંચકાઈને ૮૧ વટાવી ગયો છે. કેફિન ટેક્નૉલૉજીસ ૩૫ ગણા કામકાજે ૪૪૦ના શિખરે જઈ ૧૧ ટકા ઊછળી ૪૨૮ નજીક પહોંચ્યો છે. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૧૭૪ની વર્ષની ટૉપ બતાવી સવાનવ ટકાની તેજીમાં ૧૭૩ તથા આઇઆઇએફએલ સિક્યુ. ૮૦ નજીકની ટોચે જઈ પોણાઆઠ ટકાની મજબૂતીમાં ૭૯ નજીક હતો. અરિહંત કૅપિટલ, મહિન્દ્ર ફાઇનૅન્સ અને લાર્સન ફાઇનૅન્સ ત્રણથી સાડાત્રણ ટકા બગડ્યા છે.
આઇટી બેન્ચમાર્ક ૫૬માંથી ૩૭ શૅરની નબળાઈમાં અડધો ટકો કટ થયો છે. ૬૩ મૂન્સ ૫ ટકાની તેજીની સર્કિટે ૩૪૩ની નવી મલ્ટીયર ટૉપ ઉપર પહોંચી ગયો છે. ૨૧ નવેમ્બરના રોજ આ શૅરમાં ૧૪૨નું વર્ષનું બૉટમ બન્યું હતું. ક્વિકહિલ સવાછ ટકા, કેસેન્ડા સોલ્યુ. ૫.૯ ટકા, ઓરિઅન પ્રો ૪.૭ ટકા અપ હતા. ડીજી સ્પાઇસ ૫ ટકા, એક્સેલ્યા ૪.૫ ટકા અને સુબેક્સ સવાત્રણ ટકા નરમ હતા. વિંધ્ય ટેલિ ૧૨ ટકા, વોડાફોન સવાનવ ટકા અને એચએફસીએલ સાડાત્રણ ટકા ઊછળતાં ટેલિકૉમ ઇન્ડેક્સ સવાટકો વધ્યો છે. સનટીવી ૬૧૬ના શિખરે જઈ પોણાચાર ટકાની તેજીમાં ૬૦૪ થયો છે.
જીએમઆર ઇન્ફ્રા નવી ઊંચી સપાટી બાદ ચાર ટકા ગગડ્યો
કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૪માંથી ૨૨ શૅરના ઘટાડામાં સવા ટકો કે ૫૭૪ પૉઇન્ટ ડાઉન થયો છે. એમાં લાર્સનની પોણાબે ટકાની નબળાઈ ૩૫૯ પૉઇન્ટ નડી છે. જીએમઆર ઇન્ફ્રા ૬૭ નજીક વર્ષની ટૉપ બનાવી ૪ ટકા ગગડી ૬૨ થયો છે. પ્રાજ ઇન્ડ. સાડાત્રણ ટકા, થર્મેક્સ પોણાત્રણ ટકા, એબીબી સવાબે ટકા, ભેલ બે ટકાથી વધુ કમજોર હતા. સુઝલોન ૪ ટકા ઊંચકાઈ ૨૨ વટાવી ગયો છે. મેટલમાં હિન્દાલ્કો, નાલ્કો, વેદાન્તા, જેએસડબ્લ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ દોઢથી સવાબે ટકા પીગળ્યા હતા. આઇટીસી, હિન્દુ. યુનિલીવર, તાતા કન્ઝ્યુમ. ડાબર, ગોદરેજ કન્ઝ્યુ, વરુણ બેવરેજિસ, યુનાઇટેડ સ્પિરિટ, બ્રિટાનિયા, મારિકો, એલટી ફૂડ્સ ઇત્યાદિની નરમાઈમાં એફએમસીજી ઇન્ડેક્સ ૧૭૧ પૉઇન્ટ કે એક ટકા નજીક ઘટ્યો છે. હેલ્થકૅર અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ પણ એકાદ ટકો ઘટ્યા છે. સનફાર્મા, સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લૅબ, મેક્સ હેલ્થકૅર, અપોલો હૉસ્પિટલ, સિન્જેન, ઝાયડસ લાઇફ, ડિવીઝ લૅબ, બાયોકોન જેવી ચલણી જાતો ઘટીને બંધ રહી છે. કેએમસી સ્પેશ્યલિટી હૉસ્પિટલ ૮૩ ઉપરની ટૉપ બનાવી ૧૦ ગણા કામકાજે ૧૦.૮ ટકા ઊછળી ૮૧ ઉપર બંધ આવી છે.
ઑટોમાં ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ૧૧૧ કે ૪ ટકા વધી ૨૮૮૧ બંધ હતો. બજાજ ઑટો, તાતા મોટર્સ, મહિન્દ્ર, અપોલો ટાયર્સ, ટીવીએસ મોટર્સ, ઉનો મિન્ડા, પોણાથી બે ટકા અને મારુતિ સુઝુકી અડધો ટકો ઘટી છે. યુટિલિટીઝ ઇન્ડેક્સ ૨૪માંથી ૧૯ શૅરના ઘટાડે સવા ટકો ઘટ્યો છે. કેપીઆઇ ગ્રીન સાડાછ ટકાની તેજીમાં ૯૨૩ નજીક બંધ હતો.


