માર્ચ-એપ્રિલમાં ટૅરિફની જાહેરાત બાદ વિદેશી ભંડોળના પ્રવાહને બહુ નકારાત્મક અસર થઈ નથી એનાથી અમને પણ આશ્ચર્ય થયું છે.’
NSEના CEO આશિષકુમાર ચૌહાણ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલી ભારે જકાત વિશેની પ્રતિક્રિયામાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) આશિષ કુમાર ચૌહાણે કહ્યું છે કે ‘ઊંચી ટૅરિફ છતાં ભારતનાં બજાર માટે વિદેશી રોકાણકારો આશાવાદી છે. માર્ચ-એપ્રિલમાં ટૅરિફની જાહેરાત બાદ વિદેશી ભંડોળના પ્રવાહને બહુ નકારાત્મક અસર થઈ નથી એનાથી અમને પણ આશ્ચર્ય થયું છે.’
એક પ્રસિદ્ધ ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ‘જ્યારે કોવિડનું પહેલી વાર આગમન થયું ત્યારે બજારો ૪૦ ટકા ઘટ્યાં હતાં, પરંતુ પછીથી કોવિડ પર નવા સમાચાર હોવા છતાં કાંઈ ખાસ બન્યું નહીં. જ્યારે ટ્રમ્પે જાન્યુઆરીના અંતમાં સત્તા સંભાળી અને તેમણે ઘોંઘાટ કરવાનું શરૂ કર્યું એ સમયે બજારોએ ઘણી પ્રતિક્રિયા આપી, પરંતુ પછીથી બજાર ટ્રમ્પનાં નિવેદનોને પચાવી ગઈ. ગયા શુક્રવારે બજાર એક ટકા ઘટ્યું એનું કારણ ટ્રમ્પ-ટૅરિફની અસર છે, પરંતુ ટ્રમ્પ ઘણું બધું કરે છે અને પાછું ખેંચી લે છે અને ફરી પાછું બીજું કંઈક કરે છે. એ માત્ર ભારત સાથે જ આમ નથી કરી રહ્યા. આપણે અસરગ્રસ્ત પક્ષકાર છીએ એટલે એમ લાગે છે કે તેઓ ભારત સાથે આમ કરી રહ્યા છે, પરંતુ તેઓ યુરોપિયન યુનિયન કે જપાન કે કોરિયા જેવાં અતિ મિત્રરાષ્ટ્રો સાથે પણ આમ કરી રહ્યા છે. એકંદરે તેઓ પોતાની ફેવરમાં સોદા થાય એવું ઇચ્છે છે અને બજાર એ સમજે છે.’


