ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૮૩ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૬૪ સુધી પહોંચીને દિવસના અંતે ૮૨.૭૦ની સપાટી પર બંધ રહ્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રૂપિયો ડૉલર સામે ૧૫ પૈસા મજબૂત
ભારતીય રૂપિયો ડૉલર સામે મજબૂત બન્યો છે અને બુધવારે વધુ ૧૫ પૈસા સુધર્યો હતો. ખાસ કરીને શૅરબજારમાં વિદેશી નાણાકીય પ્રવાહ ચાલુ હોવાથી રૂપિયામાં ઘટાડાને બ્રેક લાગીને ફરી સુધારો જોવાયો છે. ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૮૩ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૬૪ સુધી પહોંચીને દિવસના અંતે ૮૨.૭૦ની સપાટી પર બંધ રહ્યો હતો, જે આગલા બંધ કરતાં ૧૫ પૈસાનો સુધારો બતાવે છે. રૂપિયો આગલા દિવસે ૮૨.૮૫ પર બંધ રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ રૂપિયા સામે ૦.૧૮ ટકા વધીને ૧૦૩.૬૭ પર પહોંચ્યો હતો.
આઇસી15 ઇન્ડેક્સમાં ૪૯૯ પૉઇન્ટનો ઘટાડો
યુનાઇટેડ કિંગડમમાં ફુગાવાના ચિંતાજનક આંકડાને પગલે ક્રિપ્ટો માર્કેટમાં ઘસારો નોંધાયો હતો. માર્કેટનો બેંચમાર્ક ઇન્ડેક્સ આઇસી15ના તમામ ઘટકોમાં ઘટાડો થયો હતો. એમાંથી લાઇટકૉઇન, ચેઇનલિન્ક, યુનિસ્વૉપ અને અવાલાંશમાં બેથી સાત ટકાનો ઘટાડો થયો હતો. દરમ્યાન, જપાને ક્રિપ્ટો મારફતે મની લૉન્ડરિંગ થાય નહીં એ માટે આકરા નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ રશિયા પણ સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી માટે આગળ વધી રહ્યું છે. ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧.૩૨ ટકા (૪૯૯ પૉઇન્ટ) ઘટીને ૩૭,૨૮૭ પૉઇન્ટ બંધ રહ્યો હતો.