શૅરદીઠ આવક ૧૦.૭૧થી વધીને ૧૧.૮૧ રૂપિયા થઈ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે NSEએ રાષ્ટ્રની તિજોરીમાં કરરૂપે ૧૪,૩૩૧ કરોડ રૂપિયાની ચુકવણી કરી છે
નૅશનલ સ્ટૉક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)એ ૩૦ જૂન, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની નાણાકીય કામગીરી જાહેર કરી છે. એ મુજબ NSEની કન્સોલિડેટેડ આવક માર્ચ ૨૦૨૫ અંતેના ત્રિમાસિક ગાળાના ૪૩૯૭ કરોડ રૂપિયાથી નવ ટકા વધીને ૪૭૯૮ કરોડ અને કન્સોલિડેટેડ નફો ૨૬૫૦ કરોડ રૂપિયાથી ૧૦ ટકા વધીને ૨૯૨૪ કરોડ રૂપિયા થયો છે. શૅરદીઠ આવક ૧૦.૭૧થી વધીને ૧૧.૮૧ રૂપિયા થઈ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે NSEએ રાષ્ટ્રની તિજોરીમાં કરરૂપે ૧૪,૩૩૧ કરોડ રૂપિયાની ચુકવણી કરી છે.
સ્ટૅન્ડઅલોન ધોરણે કુલ આવક ૨૦૨૫ના વર્ષના ચોથા ત્રિમાસિક ગાળાના ૫૮૬૦ કરોડ રૂપિયા સામે નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૪૨૪૩ કરોડ રૂપિયા થઈ છે. ગયા નાણાકીય વર્ષમાં NSEએ નૉન-કોર બિઝનેસમાંનાં રોકાણો છૂટાં કર્યાં હોવાથી એના પરના ડિવિડન્ડની પ્રાપ્તિમાં ઘટાડો થયો છે, જેને કારણે આવકમાં ઘટાડો નોંધાયો છે. વન ટાઇમ સબસિડિયરી ડિવિડન્ડને બાદ કરતાં ક્વૉર્ટર ટુ ક્વૉર્ટર ધોરણે જૂન ૨૦૨૬ અંતેના ત્રિમાસિક ગાળામાં કુલ આવક ૯ ટકા છે અને કામકાજની આવક છ ટકા વધીને ૩૬૦૮ કરોડ રૂપિયાની થઈ છે. કૅશ માર્કેટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં વધેલા વૉલ્યુમને કારણે આ વધારો થયો છે.
ADVERTISEMENT
જૂન અંતેના ત્રિમાસિક ગાળામાં કૅશ માર્કેટમાં ઍવરેજ ડેઇલી ટ્રેડેડ વૉલ્યુમ (ADTV) ક્વૉર્ટર ટુ ક્વૉર્ટર ધોરણે ૧૪ ટકા વધ્યું છે. ઇક્વિટી ફ્યુચર્સમાં ADTV પાંચ ટકા અને ઇક્વિટી ઑપ્શન્સમાં ૯ ટકા વધ્યું છે.
સ્ટૅન્ડઅલોન ધોરણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે ચોખ્ખો નફો ૨૪૦૯ કરોડ રૂપિયા થયો છે અને નેટ પ્રૉફિટ માર્જિન ૫૭ ટકા રહ્યું છે.


