બન્ને એક્સચેન્જ ખાતે ઇન્ડસઇન્ડ બૅન્ક ટૉપ લૂઝર : અદાણી ગ્રુપના તમામ સ્ટૉક્સ ડાઉન ઃ સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં વેચવાલીનું દબાણ ઃ બૅન્ક નિફ્ટી અડધો ટકો કટ થયો : ફાર્મા સ્ટૉક્સ સતત છઠ્ઠા સત્રમાં સુધર્યા ઃ તાતા ટેકનો આઇપીઓ પહેલા દિવસે ૬.૫ ગણો ભરાયો.
બોમ્બે સ્ટોક એક્સ્ચેંજ
મંગળવારે રાતે રિલીઝ થયેલી યુએસ ફેડની મિનિટ્સમાં સ્પષ્ટપણે મોંઘવારીની ચિંતા જોવા મળી છે અને ફેડે વ્યાજદરોમાં ઘટાડાનો કોઈ સંકેત આપ્યો નથી. ફેડના મતે મોંઘવારી ઓછી ન થાય ત્યાં સુધી વ્યાજદર ઉપલા સ્તરે જળવાઈ રહેશે. વ્યાજદર વિશે ફેડના આ સાવચેતીભર્યા વલણને પરિણામે મંગળવારે અમેરિકાનાં માર્કેટ ઘટીને બંધ થયાં હતાં. એશિયાસ્થિત તમામ સ્ટૉક માર્કેટ સામાન્ય વધ-ઘટ સાથે ક્લોઝ થયાં હોવાથી કોઈ પણ ચોક્કસ ટ્રિગરનો અભાવ જોવા મળ્યો હતો.
ભારતીય શૅરમાર્કેટ ગૅપડાઉન ખૂલીને તરત જ પૉઝિટિવ ઝોનમાં આવી ગયાં હતાં. જોકે ત્યાર બાદ સેન્સેક્સમાં સંપૂર્ણ સેશન દરમ્યાન માંડ ૪૦૦ પૉઇન્ટ્સની મૂવમેન્ટ સાથે વૉલેટિલિટી જોવા મળી હતી. ઇન્ફોસિસ અને ટીસીએસ જેવા ફ્રન્ટલાઇન આઇટી શૅર્સ તેમ જ આઇટીસી અને રિલાયન્સ જેવા અન્ય કાઉન્ટરના સથવારે માર્કેટ છેવટે ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ રહ્યું હતું. કામકાજના અંતે સેન્સેક્સ ૯૨ પૉઇન્ટ્સની તેજીમાં ૬૬,૦૨૩ પર જ્યારે નિફ્ટી ૨૮ પૉઇન્ટ્સ સુધરીને ૧૯,૮૧૨ પર ક્લોઝ થયા હતા.
ADVERTISEMENT
નિફ્ટી મિડ કૅપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૩૪ ટકા વધ્યો હતો. જોકે સ્મૉલ કૅપ શૅર્સમાં કરેક્શન જોવા મળ્યું હતું. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨૫૦ પૉઇન્ટ્સ એટલે કે ૦.૬ ટકાની ખુવારીમાં બંધ થયો હતો. સ્મૉલ કૅપની ૯૫૩ કંપનીઓમાંથી ૬૦૩ કંપનીઓ ડાઉન થઈને ક્લોઝ થઈ હતી. સેન્સેક્સની ૩૦માંથી ૧૮ જ્યારે નિફ્ટીની ૫૦માંથી ૨૯ સ્ક્રિપ્સ સુધરીને બંધ રહી હતી. સેક્ટરલ ઇન્ડાઇસિસમાં ઑટો, આઇટી, હેલ્થકૅર અને ફાર્મા ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા. બૅન્કિંગ, મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ પ્રૉફિટ બુકિંગને લીધે ઘટ્યા હતા. નિફ્ટી ઑઇલ-ગૅસ ૨૮ પૉઇન્ટ્સની તેજીમાં ૮૧૦૭ પર ક્લોઝ રહ્યો હતો. બીપીસીએલ ૨૯ નવેમ્બરે વચગાળાના ડિવિડંડની વિચારણા કરશે એવા ન્યુઝ બાદ ગઈ કાલે આ સ્ટૉક ૩.૬ ટકાના અર્થાત ૧૪ રૂપિયાના જમ્પમાં ૪૦૨ રૂપિયાએ વર્ષના શિખરની નજીક બંધ થયો હતો. પેટ્રોનેટ એલએનજી અને હિન્દ પેટ્રો લગભગ અડધો ટકો પ્લસમાં હતા. રિલાયન્સ ૮ રૂપિયાના સુધારા સાથે ૨૩૮૭ રૂપિયા પર બંધ થયો હતો.
ફ્રન્ટલાઇન આઇટી કાઉન્ટરમાં તેજી, મેટલ સ્ટૉક્સ પર વેચવાલીનું દબાણ
ગઈ કાલે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ પોણો ટકો એટલે કે ૨૩૯ પૉઇન્ટ્સના સુધારા સાથે ૩૨,૫૬૪ પર બંધ થયો હતો. નિફ્ટી આઇટીની ૧૦માંથી ૮ કંપનીઓ પ્લસમાં હતી. આશરે બે ટકાની મજબૂતાઈમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ નિફ્ટી આઇટીનો ટૉપ ગેઇનર પુરવાર થયો હતો. ઇન્ફોસિસ સવા ટકો (૧૮ રૂપિયા) સ્ટ્રૉન્ગ થઈને ૧૪૫૭ રૂપિયાએ બંધ થયો હતો. ટેક મહિન્દ્ર લગભગ એક ટકો અપ હતો. ઇન્ફોસિસ અને ટીસીએસ સહિત અન્ય આઇટી કંપનીઓએ સેન્સેક્સને કુલ ૯૦ પૉઇન્ટ્સ આપ્યા હતા. યુએસ સુપ્રીમ કોર્ટે ઈપીઆઇસી સિસ્ટમ્સ કેસમાં ટીસીએસની અરજી ફગાવતાં એને ૧૧૬૬ કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારી હતી. જોકે આ નેગેટિવ ન્યુઝથી બેઅસર આ કાઉન્ટર અડધો ટકો વધીને ૩૫૩૧ રૂપિયાએ બંધ થયું હતું.
નિફ્ટી મેટલ ગઈ કાલે લગભગ ૧ ટકા તૂટ્યો હતો. આ ઇન્ડેક્સની ૧૫માંથી ૧૨ સ્ક્રિપ્સ ઘટીને બંધ થઈ હતી. જેએસએલ ૫.૫ ટકાના કાપ સાથે ૫૦૩ રૂપિયાએ બંધ થયો હતો. વેલસ્પન કૉર્પ ૨.૩ ટકા ડાઉન હતો. વેદાંત, સ્ટીલ ઑથોરિટી, હિન્દ ઝિન્ક, નૅશનલ ઍલ્યુમિનિયમ અને હિન્દાલ્કો ૧.૭૫-૧ ટકાની રેન્જમાં ડૂલ થયા હતા.
પીએસયુ બૅન્કના તમામ સ્ટૉક્સ ઘટ્યા, નિફ્ટી બૅન્કમાં ઍક્સિસ બૅન્ક ઓનલી ગેઇનર
નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ ૨૪૦240 પૉઇન્ટ્સ (૦.૫૫ ટકા) ડાઉન થઈને ૪૩,૪૫૦ પર ક્લોઝ થયો હતો. ઇન્ટ્રા-ડે બૅન્ક નિફ્ટીમાં ૪૩,૨૩૧નું બૉટમ જોવા મળ્યું હતું. બૅન્ક નિફ્ટીની ૧૨માંથી એકમાત્ર કંપની ઍક્સિસ બૅન્ક વધીને બંધ થઈ હતી. ઍક્સિસ બૅન્ક ૮ રૂપિયાની આસપાસ સુધરીને ૧૦૦૦ રૂપિયા નજીક બંધ થયો હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક બે ટકાના કાપ સાથે ૧૪૭૧ રૂપિયાએ બંધ થયો હતો. પીએનબી બે ટકા કટ થયો હતો. આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૧.૫ ટકાની નરમાશમાં ૮૩.૨૫ રૂપિયાએ બંધ થયો હતો. એચડીએફસી બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક આશરે પા ટકો ડાઉન થયા હતા.
પ્રાઇવેટ બૅન્કોની તુલનાએ સરકારી બૅન્કોના સ્ટૉક્સમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી પીએસયુ બૅન્ક સ્થિત ૧૨માંથી એક પણ સ્ટૉક વધ્યો નહોતો. યુનિયન બૅન્ક ૨.૮ ટકા કટ થયો હતો. મહારાષ્ટ્ર બૅન્ક, પંજાબ ઍન્ડ સિંધ બૅન્ક, યુકો બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક અને સેન્ટ્રલ બૅન્ક આશરે બે ટકા તૂટ્યા હતા. ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૧.૫ ટકા, જ્યારે બૅન્ક ઑફ ઇન્ડિયા ૧ ટકો માઇનસમાં હતા. એલઆઇસીએ ઓપન માર્કેટ મારફતે બૅન્ક ઑફ બરોડાના ૨૪.૩૯ લાખ શૅર્સ ખરીદી કર્યા હતા. જોકે બૅન્ક ઑફ બરોડાનું કાઉન્ટર ૧.૫૦ રૂપિયાની નબળાઈ સાથે ૧૯૪.૨૫ રૂપિયા પર બંધ થયું હતું. આઇડીબીઆઇ બૅન્કમાં હિસ્સાના વેચાણ માટે સરકારે આરએફપી (રિક્વેસ્ટ ફૉર પ્રપોઝલ) કૅન્સલ કરતાં તેમ જ ઓછા બિડિંગને લીધે ઍસેટ વૅલ્યુઅરની નિમણૂક રદ કર્યા બાદ આ કાઉન્ટર ૩ ટકા તૂટીને ૬૦.૪ રૂપિયાએ બંધ થયું હતું. સ્ટેટ બૅન્ક બે રૂપિયાના પરચૂરણ ઘટાડામાં ૫૬૦ રૂપિયા નજીક ક્લોઝ થયો હતો.
ટેક્સટાઇલ્સ સ્ટૉક્સમાં તેજીનો કરન્ટ, ફાર્મા-હેલ્થકૅર સ્ટૉક્સની તબિયત સુધરી
રેડિમેડ ગાર્મેન્ટ્સના મોટા એક્સપોર્ટર બંગલાદેશસ્થિત ગાર્મેન્ટ વર્કર્સ ઑક્ટોબર મહિનાના છેલ્લા સપ્તાહથી હડતાળ પર ઊતર્યા છે. પરિણામે ડોમેસ્ટિક કંપનીઓને બેનિફિટ થઈ રહ્યો છે. આ ઉપરાંત યુએસસ્થિત ગાર્મેન્ટની ડિમાન્ડમાં જબરદસ્ત રિક્વરી જોવા મળતાં ભારતીય ટેક્સટાઇલ્સ કંપનીઓને સારા ઑર્ડર ઇન્ફ્લોની આશાએ ગઈ કાલે ટેક્સટાઇલ્સ કાઉન્ટરમાં નોંધપાત્ર લેવાલી જોવા મળી હતી. વર્ધમાન ટેક્સટાઇલ્સ ૯ ટકા એટલે કે ૩૫ રૂપિયાના જમ્પમાં ૪૧૯ રૂપિયાએ વર્ષના સર્વોચ્ચતમ સ્તરે બંધ થયો હતો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ સ્થિત આ કાઉન્ટરમાં બે સપ્તાહના ઍવરેજ ૭૦૦૦ શૅર્સના વૉલ્યુમની સામે ગઈ કાલે ૨.૬ લાખ શૅર્સનું કામકાજ થયું હતું. નીતીન સ્પીનર્સમાં પણ ૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત વીઆઇપી ક્લોધિંગ ૪ ટકા, એસપી અપેરલ્સ ૩ ટકા, બૉમ્બે ડાઇંગ ૩ ટકા, કેપીઆર મિલ ૨.૪ ટકા અને સિયારામ સિલ્ક ૧.૩ ટકા સુધર્યા હતા. જોકે દિગ્ગજ ગાર્મેન્ટ કંપની રેમન્ડ ૪ ટકાની આસપાસ તૂટીને ૧૬૭૭ રૂપિયા પર બંધ થયો હતો. ગઈ કાલે સતત સાતમા સેશનમાં રેમન્ડ રેડ ઝોનમાં ક્લોઝ થયો હતો.
નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧૦૦ પૉઇન્ટ્સની તેજીમાં ૧૬,૦૭૦ના ઑલટાઇમ હાઈ લેવલે બંધ થયો હતો. નિફ્ટી ફાર્માની ૨૦માંથી ૧૫ કંપનીઓ સુધરીને બંધ રહી હતી. ગ્લેન્ડ ફાર્મા ૪ ટકાની આસપાસ અપ હતો. ઓરોબિન્દો ફાર્માની સબસિડિયરીને યુએસએફડીએ પાસેથી નવી દવા માટે મંજૂરી મળતાં કાઉન્ટર ૨૭ રૂપિયાના જમ્પમાં ૧૦૫૫ રૂપિયાએ બંધ થયું હતું. નાટકો ફાર્મા અને ગ્લૅક્સોસ્મિથ ફાર્મા લગભગ ૨.૫ ટકાની તેજીમાં હતા. સનોફી, ફાઇઝર, સિપ્લા, ઇપ્કા લૅબ્સ, અલ્કેમ લૅબ્સ અને બાયોકૉન ૧.૮૫-૧ ટકાની રેન્જમાં વધ્યા હતા. સન ફાર્મા નામપૂરતો બે રૂપિયા વધીને ૧૨૦૩ રૂપિયાએ ક્લોઝ થયો હતો.
સીજી પાવરે ભારત સરકારને એક અરજી કરી છે જે હેઠળ કંપનીએ ૬૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા મંજૂરીની અને આ પ્રોજેક્ટ માટે સબ્સિડીની માગણી કરી છે. આ ન્યુઝ પાછળ સીજી પાવરનું કાઉન્ટર ૭૮ રૂપિયા (૨૦ ટકા) સુધરીને ૪૬૯ રૂપિયાના ઑલટાઇમ હાઈ લેવલે બંધ થયું હતું. સીજી પાવરની પેરન્ટ કંપની ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સનો સ્ટૉક પણ ૧૭ ટકાની મજબૂતાઈમાં ૩૭૩૭ રૂપિયાએ બંધ થયો હતો.
આઇઆરઈડીએનો આઇપીઓ આજે બંધ થશે, રિઝલ્ટ પૂર્વે હોનાસા ૪ ટકા ખરડાયો
આઇઆરઈડીએનો ૩૦-૩૨ રૂપિયાની પ્રાઇસ બેન્ડ ધરાવતો ઇશ્યુ ગઈ કાલે સબસ્ક્રિપ્શનના બીજા દિવસના અંત સુધીમાં કુલ ૪.૫ ગણો ભરાયો હતો. આ ઉપરાંત કાલે ૪ નવા આઇપીઓ સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યા હતા. તાતા ગ્રુપનો ૫૦૦ રૂપિયાની ઑફર પ્રાઇસ ધરાવતો તાતા ટેકનો આઇપીઓ પ્રથમ દિવસે જ કુલ ૬.૫ ગણો ભરાયો હતો. તાતા ટેકના આઇપીઓને બધી જ કૅટેગરીમાં જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો છે. રીટેલ કૅટેગરીમાં તાતા ટેકનો ઇશ્યુ ૫૪૪ ટકા એટલે કે ૫ ગણાથી પણ વધુ ભરાયો છે.
ગઈ કાલે ખૂલેલા અન્ય આઇપીઓમાં ફ્લેર રાઇટિંગનો ઇશ્યુ રીટેલમાં ત્રણ ગણો અને ઓવરઑલ આશરે બમણો ભરાયો હતો. ૧૬૯ રૂપિયાની પ્રાઇસ બેન્ડના ગાંધાર ઑઇલ રિફાઇનરીના ઇશ્યુને પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. પહેલા દિવસે ગાંધાર ઑઇલ રીટેલ કૅટેગરીમાં લગભગ ૭ ગણો ભરાયો હતો અને કુલ મળીને ૫.૫ ગણાની આસાપાસ સબસ્ક્રાઇબ થયો હતો. જોકે અન્ય આઇપીઓની તુલનાએ ૧૪૦ રૂપિયાની પ્રાઇસ બેન્ડના ફેડબૅન્ક ફાઇનૅન્શિયલ સર્વીસિસના આઇપીઓને ઘણો નબળો રિસ્પૉન્સ મળ્યો હતો. ફેડબૅન્ક ફાઇનૅન્શિયલ રીટેલ શ્રેણીમાં ૬૭ ટકા જ્યારે ઓવરઑલ માંડ ૦.૩૮ ગણો એટલે કે ૩૮ ટકા ભરાયો હતો. તાજેતરની ન્યુ લિસ્ટિંગ કંપની હોનાસા કન્ઝ્યુમરમાં ગઈ કાલે ૪ ટકાની ખુવારી નોંધાઈ હતી. આ સ્ટૉકે ઇન્ટ્રા-ડે ૩૮૩ રૂપિયાનું હાઇએસ્ટ લેવલ બતાવીને છેવટે ૧૫ રૂપિયાના ઘટાડામાં ૩૫૨ રૂપિયાનું ક્લોઝિંગ આપ્યું હતું.

