જ્વેલરી ડિવિઝનની નબળી કામગીરી ટાઇટનને નડી : ડઝન જેટલા ખાતર શૅર પાંચથી બાર ટકાની તેજીમાં : ONGC ૩૦૦ ઉપર નવી વિક્રમી સપાટીએ ગયો, શિપ બિલ્ડિંગ શૅરો હળવા પ્રૉફિટ બુકિંગમાં
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- નાશિકની નિર્માણ ઍગ્રી જેનેટિક સતત છઠ્ઠી ઉપલી સર્કિટમાં નવી ટોચે, ભાવ છ દિવસમાં ૧૨૮% વધ્યો
- રેમન્ડ ઑલ ટાઇમ હાઈ બાદ નરમ, HPL ઇલેક્ટ્રિકને ચાઇનીઝ Mou ફળ્યા
- અમ્બે લૅબોરેટરીઝનો ઇશ્યુ ગઈ કાલે ૧૭૩ ગણા પ્રતિસાદમાં પૂરો થયો
મુંબઈના ભારે વરસાદની અસર હોય એમ સોમવારે શૅરબજાર પ્રમાણમાં પાંખા કામકાજે લગભગ સુસ્ત ચાલમાં રહ્યું છે. સેન્સેક્સ ૩૬ પૉઇન્ટ ઘટી ૭૯,૯૬૦ તો નિફ્ટી ત્રણ પૉઇન્ટના ઘટાડે ૨૪,૩૨૦ બંધ આવ્યો છે. દિવસ દરમ્યાન વધ-ઘટની રેન્જ ૩૩૦ પૉઇન્ટ હતી. સ્મૉલકૅપ, મિડકૅપ, બ્રૉડર માર્કેટ નવી વિક્રમી સપાટી હાંસલ કરી નહીંવત્ ઘટાડે બંધ થયા છે. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક નવી ઑલટાઇમ હાઈ બનાવી ૦.૭ ટકો વધ્યો છે તો હેલ્થકૅર ઇન્ડેક્સ નવી ટૉપ બાદ અડધો ટકો નરમ થયો છે. ટાઇટનના ભારમાં કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડેક્સ દોઢ ટકા કે ૮૫૮ પૉઇન્ટ કપાયો છે. ONGC ૩.૮ ટકાની તેજીમાં મલ્ટિયર ટોચે જતાં એના નેજા હેઠળ ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ એક ટકો અપ હતો. આઇટીસી ૨.૩ ટકા અને હિન્દુસ્તાન યુનિલીવર ૧.૩ ટકા વધવાના પગલે FMCG ઇન્ડેક્સ ૨૧,૨૪૫ની વિક્રમી સપાટી નોંધાવી દોઢ ટકા વધી ૨૧,૨૩૩ રહ્યો છે. ઑટો, ટેલિકૉમ, પાવર, નિફ્ટી મેટલ અડધો-પોણો ટકો ડાઉન હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની ખરાબીમાં ૧.૬ ટકા ધોવાયો છે. પરિણામ નજીકમાં છે ત્યારે ટીસીએસ એક ટકા નજીક ઘટ્યો છે, પણ ઇન્ફી, વિપ્રો, HCL ટેક્નૉ પોણાથી સવા ટકો પ્લસ હતા. સાઇડ શૅરો નોંધપાત્ર નરમાઈમાં હોવાથી આઇટી આંક ફ્લૅટ હતો. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે ૯૩૭ શૅર વધ્યા હતા સામે ૧૪૪૩ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ત્રણેક હજાર કરોડ ઘટી ૪૪૯.૮૬ લાખ કરોડ નોંધાયું છે.
અગ્રણી વિશ્વ બજારોમાં એશિયા ખાતે તાઇવાન સવા ટકો તથા થાઇલૅન્ડ પોણો ટકો વધ્યું હતું. સામે હૉન્ગકૉન્ગ દોઢ ટકો, ચાઇના એકદા ટકો અને અન્ય એશિયન માર્કેટ નહીંવત્થી સાધારણ ઢીલાં હતાં. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા સુધી પ્લસ દેખાયું છે. પાકિસ્તાનના કરાચી શૅરબજારના બિલ્ડિંગના ૪થા માળે મોટી આગ લાગતાં કામકાજ સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી. ત્યાંનો આંક છેલ્લે રનિંગમાં ૩૧૧ પૉઇન્ટના સુધારે ૮૦,૫૯૭ દેખાતો હતો. બિટકૉઇન ૫૪,૦૦૦ની અંદર ૪ માસના તળિયે ગયા પછી ધીમા સુધારે રનિંગમાં ૫૭,૪૯૮ ડૉલર જોવાયો છે. ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ ૨૪ કલાકમાં ૦.૨ ટકા વધી હાલ ૨.૨૨ લાખ કરોડ ડૉલરે આવી ગયું છે.
ADVERTISEMENT
રૂપેન પટેલના અવસાનમાં પટેલ એન્જિનિયરિંગમાં ૧૦ ટકાનો કડાકો
પટેલ એન્જિનિયરિંગના સીએમડી રૂપેન પટેલનું અણધાર્યું અવસાન થયું છે. તેમનાં પત્ની જાનકી પટેલે હવે કંપનીનું સુકાન સંભાળ્યું છે. શૅર ગઈ કાલે ૭ ગણા કામકાજ સાથે નીચામાં ૬૧ થઈ ૧૦ ટકા તૂટી ૬૨ બંધ થયો છે. રશીલ ડેકોર દ્વારા ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજન માટેની રેકૉર્ડ ડેટ ૯ ઑગસ્ટ નક્કી કરાઈ છે. શૅર ૬ ગણા કામકાજે ઉપરમાં ૩૭૧ થઈ છ ટકા ઊંચકાઈ ૩૬૫ બંધ થયો છે. પીસી જ્વેલર્સ એના દેવાના મામલે પીએનબી સાથે વન ટાઇમ સેટલમેન્ટ કરતાં ભાવ ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૬ વટાવી ત્યાં બંધ હતો. નાશિકની નિર્માણ ઍગ્રી જેનેટિક ૫ ટકાની નવી લિમિટમાં ઉપલી સર્કિટે ૪૧૮ની સર્વોચ્ચ સપાટી બનાવી ત્યાં જ બંધ રહી છે. આ સળંગ છઠ્ઠી તેજીની સર્કિટ છે. છ દિવસ પૂર્વે ભાવ ૧૮૩ હતો. કંપની ગત વર્ષે મિડ માર્ચમાં ૧૦ના શૅરદીઠ ૯૯ના ભાવથી ૨૦૩૦ લાખનો SME ઇશ્યુ લાવી હતી. ભરણું માંડ પોણાબે ગણું પણ ભરાયું નહોતું. સટ્ટાકીય રમતમાં ભાવ ચાર આંકડે જવાની હવા સંભળાય છે. રિયલ્ટી બિઝનેસના ડી-મર્જરનો કરન્ટ જાળવી રાખતાં રેમન્ડ ૩૪૯૩ની વિક્રમી સપાટી બનાવી અડધા ટકાની પીછેહઠમાં ૩૨૦૭ હતો. માન ઇન્ડસ્ટ્રીઝને ૧૮૫૦ કરોડનો એલએનજી પ્રોજેક્ટ વૈશ્વિક કંપની તરફથી મળતાં શૅર ૫૧૩ના બેસ્ટ લેવલે જઈ ૪.૪ ટકાની મજબૂતીમાં ૪૮૪ થયો છે. એચપીએલ ઇલેક્ટ્રિક દ્વારા કોલક મૅન્યુફૅક્ચરિંગ માટે ચાઇનીઝ કંપની સાથે એમઓયુ થયાના અહેવાલે ભાવ ૫૧૨ના શિખરે જઈ ૮.૨ ટકાની તેજીમાં ૪૮૮ બંધ આવ્યો છે. અદાણી ગ્રુપ પેટીએમમાં હિસ્સો લેવા ઉત્સુક હોવાના અહેવાલને કંપની તરફથી મહિનાથી વધઘટે લાઇમલાઇટમાં છે. ભાવ ગઈ કાલે ૫ ગણા વૉલ્યુમે ૪૮૦ નજીક જઈ આઠ ટકાના જમ્પમાં ૪૭૨ થયો છે. ૧૧ જૂને ભાવે ૩૮૦ હતો. ૯ મેએ અહીં ૩૧૦નું ઑલટાઇમ બૉટમ બન્યું હતું.
એમક્યૉર અને બંસલ વાયરમાં ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ ઘટ્યું
અમ્બે લૅબોરેટરીઝનો શૅરદીઠ ૬૮ના ભાવનો ૪૪૬૭ લાખનો SME ઇશ્યુ સોમવારે આખરી દિવસે કુલ ૧૭૩ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૩૫ છે. અમદાવાદી ગણેશ ગ્રીન ભારતનો શૅરદીઠ ૧૯૦ના ભાવનો ૧૨૬ કરોડ પ્લસનો SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૩૬ ગણો ભરાઈ જતાં પ્રીમિયમ ઊંચકાઈ ૨૫૪ થયું છે. એક્વા ઇન્ફ્રાનો શૅરદીઠ ૮૨ના ભાવનો ૫૧૨૭ લાખનો SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૫૪ ગણો છલકાયો છે. પ્રીમિયમ સુધરીને ૧૦૦ ચાલે છે. એમક્યોર ફાર્મા અને બંસલ વાયરનું લિસ્ટિંગ બુધવારે છે. એમક્યોરમાં પ્રીમિયમ ઘટી ૩૭૨ અને બંસલ વાયરમાં ૭૦ બોલાય છે. અમદાવાદી સહજ સોલરમાં ગ્રે માર્કેટ ખાતે ૧૦૦ના પ્રીમિયમથી કામકાજ શરૂ થયાં છે. કંપની ૧૦ના શૅરદીઠ ૧૮૦ની અપર બૅન્ડ સાથે ૫૨૫૬ લાખનો SME IPO ૧૧મીએ કરવાની છે. સોલર સેગમેન્ટમાં નવા ભરણાથી ભરમાર છે. છેલ્લા કેટલાક વખતથી પ્રત્યેક ત્રીજો SME IPO આ ક્ષેત્રનો મૂડીબજારમાં આવ્યો છે. આ ટ્રેન્ડ જોખમી છે.
દરમ્યાન તાજેતરમાં જ લિસ્ટેડ થયેલાં ભરણાંની વાત કરીએ તો નેફ્રો કૅર ગઈ કાલે ૫ ટકાની ઉપલી સર્કિટે ૧૮૮ના શિખરે જઈ ત્યાં, ડાઇનસ્ટેન ટેક ૫ ટકાની મંદીની સર્કિટે ૨૩૨ થઈ એ જ લેવલે, ડિવાઇન પાવર ૫ ટકાની નીચલી સર્કિટમાં ૧૨૪ થઈ ત્યાં જ, અકીકો ગ્લોબલ અઢી ટકા ઘટીને ૮૬, પેટ્રો કાર્બન ૩૮૩ની ટોચે જઈ ૪.૮ ટકા વધી ૩૮૨, વ્રજ આયર્ન ૫ ટકાની મંદીની સર્કિટમાં ૨૪૮ થઈ ત્યાં જ, એલાઇડ બ્લેન્ડર્સ એક ટકો ઘટી ૩૪૧ બંધ રહી છે.
રિલાયન્સ નવા શિખર સાથે ૩૨૦૦ની પાર બંધ રહ્યો
આઇટીસી સવાબે ટકા વધી સેન્સેક્સમાં તો ONGC પોણાચાર ટકા ઊચકાઈ નિફ્ટીમાં ટૉપ ગેઇનર બન્યો છે. રિલાયન્સ ૩૨૧૮ની નવી વિક્રમી સપાટી બનાવી પોણા ટકા નજીકના સુધારે ૩૨૦૨ વટાવી ગયો છે. મૉર્ગન સ્ટૅનલી અહીં ૩૫૪૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ છે. બજાજ ઑટોમાં બ્રોકરેજ હાઉસ યુબીએસ તરફથી ૬૨૫૦ની ટાર્ગેટ પ્રાઇસમાં વેચવાની ભલામણ આવી છે. શૅર સવા ટકા જેવા ઘટાડે ૯૫૨૮ રહ્યો છે. HDFC લાઇફ, તાતા કન્ઝ્યુમર, નેસ્લે, વિપ્રો, હિન્દુસ્તાન યુનિલીવર જેવી જાતો એકાદ ટકાથી લઈ સવાબે ટકા પ્લસ હતી.
જ્વેલરી ડિવિઝનના નબળા દેખાવના પગલે ટાઇટન ૪ ગણા કામકાજે સાડાત્રણ ટકા ગગડી સેન્સેક્સને ૪૨ પૉઇન્ટ નડી છે, પણ HDFC બૅન્ક સતત ત્રીજા દિવસની નબળાઈમાં પોણો ટકો ઘટી ૧૬૩૫ બંધ થતાં બજારને સર્વાધિક ૮૭ પૉઇન્ટની હાનિ થઈ હતી. નિફ્ટી ખાતે ડિવીઝ લૅબ સાડાત્રણ ટકાથી વધુ કે ૧૬૫ રૂપિયા ખરડાઈ ૪૪૬૪ના બંધમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. ભારત પેટ્રો, શ્રીરામ ફાઇનૅન્સ, અદાણી પોર્ટ્સ, JSW સ્ટીલ, સિપ્લા, તાતા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, અદાણી એન્ટર, મહિન્દ્ર, હીરો મોટોકૉર્પ એકથી સવાબે ટકા કટ થયા હતા.
મિનરલ્સ કંપની નાઇલ લિમિટેડ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૭૩ની તેજીમાં ૨૨૩૭ના શિખરે પહોંચી છે. ૨૬ ઑક્ટોબરે ૬૬૦ની વર્ષની બૉટમ બની હતી. આલ્ફા જિયો, શ્રેયાંશ ઇન્ડ, શ્રી જગદંબા પોલિમર્સ, સૂરજ ઇન્ડ, જી. જી. દાંડેકર, ક્રેબ્સ બાયો, નૉર્ધન સ્પિરિટ્સ, આઇવીપી લિમિટેડ, ક્લેશ ઇન્ડ. જેવી જાતો પણ ૨૦ ટકાની તેજીમાં બંધ હતી. પ્રમોટર્સની એક્ઝિટની વિચારણા પાછળ આઇટીડી લિમેન્ટેશન વધુ પોણાછ ટકા ખરડાઈને ૪૫૪ થયો છે. પારસ ડિફેન્સ પણ ૫.૭ ટકા બગડી ૧૪૫૮ હતો. એવરેડી ઇન્ડ. સવાબાર ટકાના ઉછાળે ૪૦૪ વટાવી ગઈ છે. આરસીએફ, મદ્રાસ ફર્ટિ, ફેક્ટ, પારાદીપ, એરિસ ઍગ્રો, જીએસએફસી, ખૈતાન કેમિકલ્સ, ઝુઆરી, નૅશનલ ફર્ટિ, મૅન્ગલોર કેમિકલ્સ જેવા ડઝન ખાતર શૅર પાંચથી બાર ટકા ઊંચકાયા છે.
રેલવે તેમ જ પીએસયુ શૅરોની તેજી ટૉપ ગિયરમાં
બજેટ નજીકમાં છે એમાં રેલવે માટે મોટી ફાળવણી થવાની વાતો ચાલે છે. આ ઉપરાંત રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ તરફથી ૨૫૦૦ પૅસેન્જર કોચ સહિત કુલ ૧૨,૫૦૦ નવા કોચ સહિત ૫૦ નવી અમૃત ભારત ટ્રેન કાર્યરત બનાવવાની યોજના જાહેર થઈ છે. સરવાળે એકંદર ડલ માર્કેટમાંય ગઈ કાલે રેલવે સ્ટૉક્સ ઝમકમાં હતા. રેલ વિકાસ નિગમ ૫૭૯ના નવા શિખરે જઈ ૧૫ ટકાની આગેકૂચમાં ૫૬૬ બંધ આવી છે. ૧૩ જુલાઈએ ભાવ ૧૧૭ હતો. આ સિવાય ગઈ કાલે આઇઆરએફસી ૭.૩ ટકા, ઇરકોન ૬.૨ ટકા, રેલટેલ ૨.૮ ટકા, ટેક્સમાકો રેલ ૪.૬ ટકા, ભારત ઇલે. ત્રણ ટકા, ભેલ ૩.૮ ટકાની મજબૂતીમાં નવી ટોચે ગયા છે. પીએસયુ ઇન્ડેક્સ એક ટકો અને સેન્ટ્રલ પીએસયુ બેન્ચમાર્ક દોઢ ટકા પ્લસ હતો. અત્રે મિશ્ર ધાતુ નિગમ ૬.૨ ટકા, GMDC ૫.૨ ટકા, કેઓઆઇસીએલ ૩.૬ ટકા, આરઈસી ૪.૭ ટકા, આરસીએફ બાર ટકા, પાવર ફાઇનૅન્સ કૉર્પો ત્રણ ટકા, NLC ઇન્ડિયા ૨.૮ ટકા, એમટીએનએલ ૪.૭ ટકા, નૅશનલ ફર્ટિ દસ ટકા, મોઇલ અઢી ટકા, નાલ્કો સાડાત્રણ ટકા ઊઠચકાઈ હતી. માઝગાવ ડૉક પોણાબે ટકા, ગાર્ડન રિચ ચાર ટકા ઘટી છે. કોચીન શિપયાર્ડ એક ટકા નરમ હતી. સરકારી તેલ કંપની ઑઇલ ઇન્ડિયા ૫૧૭ના બેસ્ટ લેવલ બાદ બે ટકા વધી ૫૦૦ તો ઓએનજીસી ૩૦૩ની મલ્ટિયર ટૉપ બનાવી ૩.૮ ટકા વધી ૨૯૯ રહી છે. ચેન્નઈ પેટ્રો ૨.૭ ટકા અપ હતી.

