Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બિહારના એક્ઝિટ પોલથી બજાર હરખાયું સેન્સેક્સમાં ૫૯૫ પૉઇન્ટની આગેકૂચ

બિહારના એક્ઝિટ પોલથી બજાર હરખાયું સેન્સેક્સમાં ૫૯૫ પૉઇન્ટની આગેકૂચ

Published : 13 November, 2025 08:54 AM | IST | Mumbai
Anil Patel

અદાણી એન્ટરપ્રાઇઝનો ૨૫,૦૦૦ કરોડનો મેગા ઇશ્યુ જાહેર, ગ્રુપના શૅર જોરમાં, અદાણી પોર્ટ્‍સ અને અદાણી એનર્જી નવી ટોચે : તાતા મોટર્સના ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલી તાતા મોટર્સ CV ૨૬૩ જેવી ડિસ્કવર્ડ પ્રાઇસ સામે લિસ્ટિંગમાં ૩૨૮ બંધ રહી

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. શર્દા મોટરનો નફો પચીસ ટકા જેવો ઘટીને આવતાં શૅરમાં રૂપિયાનું ગાબડું
  2. પરાગ મિલ્ક પરિણામની અસરમાં સાડાતેર ટકા ઊછળીને સાડાસાત વર્ષની ટોચે
  3. વેલસ્પન લિવિંગનાં કંગાળ પરિણામ છતાં શૅર સવાત્રણ ટકા મજબૂત

વિવિધ એક્ઝિટ પોલમાં બિહાર ખાતે સત્તારૂઢ NDA ૧૩૦થી માંડી ૧૬૭ સુધીની રેન્જમાં બેઠકો જીતી ભવ્ય વિજય મેળવશે એવી વાતો થઈ છે. અમેરિકા ખાતે શટડાઉનના અંતની વધતી આશાની સાથે-સાથે હવે ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ-ડીલ બહુ નજીકમાં હોવાના અહેવાલ પણ રાબેતા મુજબનાં સૂત્રોના હવાલાથી વહેતા થઈ ગયા છે. જેફરીઝવાળાઓએ કહ્યું છે કે ડૉલરની સામે માર ખાતા રહીને અધમૂવો થઈ જવાના ખરાબ દિવસ રૂપિયા માટે પૂરા થયા છે. આગામી ૧૨ મહિનામાં ડૉલર સામે રૂપિયો ૯૦ જેવો જોવાશે. ગોલ્ડમૅન સાક્સે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં નિફ્ટી ૨૯,૦૦૦ થવાની આગાહી કરી દીધેલી જ છે. મતલબ કે સેન્સેક્સ લાખનો થઈ જવાનો આ બધાના સરવાળામાં બજારનો હરખ વધ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૬૮ પૉઇન્ટ પ્લસ, ૮૪,૨૩૯ ખૂલીને છેવટે ૫૯૫ પૉઇન્ટની મજબૂતીમાં ૮૪,૪૬૬ તથા નિફ્ટી ૧૮૧ પૉઇન્ટની આગેકૂચમાં ૨૫, ૮૭૬ બુધવારે બંધ થયો છે. આરંભથી અંત સુધી સ્ટ્રૉન્ગ રહેલા માર્કેટમાં શૅરઆંક નીચામાં ૮૪,૧૬૭ તથા ઉપરમાં ૮૪,૬૫૨ થયો હતો. નિફ્ટીમાં ૨૫,૯૩૪ની ઇન્ટ્રા-ડે હાઈ બની હતી. માર્કેટ બ્રેડ્થ પણ ટનાટન બની છે. NSEમાં વધેલા ૧૯૨૭ શૅર સામે ૧૧૭૮ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૪.૬૩ લાખ કરોડ રૂપિયા વધીને ૪૭૩.૬૯ લાખ કરોડની વર્ષની વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. રોકડું તથા બ્રૉડર માર્કેટ અડધો-પોણો ટકો ગઈ કાલે વધ્યું છે. ITની આગેકૂચ ચાલુ રહેતાં સંબંધિત ઇન્ડેક્સ બે ટકા કે ૬૮૯ પૉઇન્ટ વધીને બંધ થયો છે. એના ૭૭માંથી ૬૨ શૅર પ્લસ હતા. ટેલિકૉમ સવા ટકા, ટેક્નૉલૉજીઝ ૧.૮ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૯ ટકા, ઑટો ઇન્ડેક્સ ૧.૨ ટકા, હેલ્થકૅર પોણો ટકો, ઑઇલ-ગૅસ અને એનર્જી બેન્ચમાર્ક પોણા ટકા જેવા અપ હતા.

એશિયન પેઇન્ટ્સે ૪૩ ટકાના વૃદ્ધિદરથી ૯૯૪ કરોડના નફા સાથે ધારણાથી બહેતર પરિણામ આપતાં શૅર ૨૮૩૯ની વર્ષની ટૉપ બનાવી ૪.૫ ટકા કે ૧૧૮ રૂપિયાના ઉછાળે ૨૭૭૩ બંધ આપી સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. બર્ગર પેઇન્ટ્સ પણ સાડાત્રણ ટકા ઊંચકાઈને ૫૬૫ વટાવી ગયો છે. આ બન્ને શૅરની તેજી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સના ૧૧૨૬ પૉઇન્ટના ઉછાળામાં બહુ મોટો ભાગ ભજવી ગઈ છે. પર્લ ગ્લોબલનો ત્રિમાસિક નફો પચીસ ટકા વધીને ૭૩ કરોડ થયો છે. આવક ૧૧ ટકા વધી ૧૫૬૨ કરોડ રહી છે. આવાં પ્રોત્સાહક પરિણામ વચ્ચે શૅર ૧૦ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૮૨ રૂપિયા જેવો ઊછળી ૧૬૯૦ બંધ થયો છે. આટલો મોટો ઉછાળો પરિણામ સાથે મેળ ખાતો નથી. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સનો નફો ૧૦ ટકા વધી ૧૬૬૯ કરોડ થયો છે. માર્જિન ૪ ટકા ઘટી ૨૩.૫ ટકા નોંધાયું છે. શૅર રિઝલ્ટ બાદ ૪૯૨૦ની ઇન્ટ્રા-ડે હાઈથી ૪૭૦૧ થઈ ૨.૪ ટકા ખરડાઈ ૪૭૪૭ બંધ આવ્યો છે. 



બિલિયન બ્રેઇન્સનું મજેદાર તો શ્રીજી ગ્લોબલનું નબળું લિસ્ટિંગ


આજે મેઇન બોર્ડમાં નવી દિલ્હી ખાતેની ફ્યુજિયામા પાવર સિસ્ટમ્સ એક રૂપિયાના શૅરદીઠ ૨૨૮ની અપરબૅન્ડમાં કુલ ૮૨૮ કરોડનો ઇશ્યુ લાવશે. એમાંથી ૨૨૮ કરોડ રૂપિયા પ્રમોટર્સના ઘરમાં જવાના છે. ૨૦૧૭માં સ્થપાયેલી આ કંપની રૂફટૉપ સોલર માટેની પ્રોડક્ટ્સ બનાવે છે. કંપનીએ ગયા વર્ષે ૬૭ ટકા વધારામાં ૧૫૫૦ કરોડની આવક ઉપર ૨૪૫ ટકા વૃદ્ધિદરથી ૧૫૬ કરોડ પ્લસનો નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં આવક ૫૯૮ કરોડ નજીક તથા ચોખ્ખો નફો ૬૭૫૯ લાખ થયો છે. દેવું ગયા વર્ષાન્તે ૩૪૬ કરોડ હતું એ ત્રણ જ મહિનામાં વધી ૪૩૩ કરોડ થઈ ગયું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.

દરમ્યાન તામિલનાડુના કાંચીપુરમ ખાતેની ટેનેકો ક્લીન ઍર ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૩૯૭ની અપરબૅન્ડ સાથે ૩૬૦૦ કરોડનો પ્યૉર ઑફર ફોરસેલ ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૩૬ ટકા સહિત કુલ ૪૨ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ વધી હાલ ૮૧ ચાલે છે. તો બીજા દિવસના અંતે સતત ખોટ કરતી ફિઝિક્સવાલાનો એકના શૅરદીઠ ૧૦૯ના ભાવનો ૩૪૮૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૬૫ ટકા સહિત કુલ ૧૫ ટકા તેમ જ એમ્વી ફોટોવૉલ્ટિકનો બેના શૅરદીઠ ૨૧૭ની અપરબૅન્ડ સાથે ૨૯૦૦ કરોડનો IPOઓ રીટેલમાં ૬૫ ટકા સહિત કુલ ૨૦ ટકા ભરાઈ ગયો છે. હાલ ફિઝિક્સવાલામાં બે રૂપિયા અને એમ્વી ફોટોવૉલ્ટિકમાં ૩ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. જ્યારે SME સેગમેન્ટમાં મહામાયા લાઇફ સાયન્સનો શૅરદીઠ ૧૧૪ના ભાવનો ૭૦૪૪ લાખ રૂપિયાનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૩૫ ટકા અને વર્ક મેટસ કોરટૂક્લાઉડ સોલ્યુશનનો શૅરદીઠ ૨૦૪ના ભાવનો ૬૯૮૪ લાખનો ઇશ્યુ કુલ આઠ ગણો ભરાયો છે. હાલ મહામાયામાં ઝીરો તથા વર્કમેટ્સમાં ૫૧ રૂપિયા પ્રીમિયમ ચાલે છે. SME કંપની ફિનબડ ફાઇનૅન્શિયલ સર્વિસિસનું લિ​સ્ટિંગ આજે થવાનું છે. પ્રીમિયમ ૭ શરૂ થયું છે. ગઈ કાલે મેઇનબોર્ડ ખાતે બિલિયન બ્રેઇન્સ ગૅરેજ વેન્ચર્સ અર્થાત્ ગ્રોનું લિસ્ટિંગ થયું છે. બે રૂપિયાના શૅરદીઠ ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૧૦થી શરૂ થયા બાદ ઉપરમાં એક તબક્કે ૧૭ થઈ છેલ્લે પાંચ થયેલા પ્રીમિયમ સામે ભાવ ૧૧૪ ખૂલી ૧૩૧ બંધ થતાં એમાં ૩૧ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME કંપની શ્રીજી ગ્લોબલ FMCG ૧૦ના શૅરદીઠ ૧૨૫ની ઇશ્યુ પ્રાઇસ અને ઝીરો પ્રીમિયમ સામે ૧૦૦ ખૂલી ૧૦૧ બંધ રહેતાં એમાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. 


અદાણી એન્ટરપ્રાઇઝ ૧૮૦૦ના ભાવે રાઇટ પાછળ નિફ્ટીમાં ઝળક્યો

અદાણી ગ્રુપની ફ્લૅગશિપ અદાણી એન્ટરપ્રાઇઝિસ તરફથી પચીસ શૅરદીઠ ત્રણના પ્રમાણમાં એક રૂપિયાના શૅરદીઠ ૧૮૦૦ રૂપિયાના ભાવથી ૨૪,૯૩૦ કરોડ રૂપિયાનો મેગા રાઇટ ઇશ્યુ નક્કી કરાયો છે. રેકૉર્ડ ડેટ ૧૭ નવેમ્બર છે. રાઇટ ઇશ્યુ પચીસ નવેમ્બરે ખૂલી ૧૦ ડિસેમ્બરે બંધ થશે. આગલા દિવસે શૅર ૨૩૬૬ બંધ હતો. આ ધોરણે રાઇટ ઇશ્યુ લગભગ ૨૪ ટકા ડિસ્કાઉન્ટમાં થઈ રહ્યો છે. રાઇટની વિગતવાર જાહેરાત બાદ અદાણી એન્ટરપ્રાઇઝનો શૅર ગઈ કાલે ઉપરમાં ૨૫૧૭ થઈને પાંચ ટકા કે ૧૧૮ રૂપિયા વધી ૨૪૮૪ના બંધમાં નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. અદાણી ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પોર્ટ્‍સ ૧૫૧૪ની આશરે ૧૪ મહિનાની ટૉપ દેખાડી ૨.૧ ટકા વધી ૧૫૦૬ રહી છે. ૨૦૨૫ની ૩ જૂને એમાં ૧૬૨૧ની ઑલટાઇમ હાઈ બની હતી. અદાણી પાવર અડધો ટકો સુધરી ૧૫૨, અદાણી એનર્જી ૧૦૨૨ની વર્ષની ટોચે જઈ સવા ટકો વધી ૧૦૦૧, અદાણી ગ્રીન ૨.૮ ટકા વધીને ૧૦૭૩, અદાણી ટોટલ ૧.૪ ટકા વધી ૬૨૧, ACC અડધો ટકો સુધરી ૧૮૫૪, અંબુજા સિમેન્ટ્સ પોણો ટકો વધીને ૫૬૨, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ સામાન્ય સુધારે ૬૫ નજીક, NDTV સવા ટકો વધી ૮૯, PSP પ્રોજેક્ટસ પોણો ટકો વધી ૯૮૪ તથા ઓરિએન્ટ સિમેન્ટ્સ ૧૮૮ની ૧૭ મહિનાની બૉટમ બતાવી એક ટકો ઘટી ૧૮૯ બંધ થયો છે. જૂની આઇટીડી સિમેન્ટેશન જે હવે સેમિ ઇન્ડિયા પ્રોજેક્ટ્સના નામથી અદાણી ગ્રુપની કંપની બની ગઈ છે. એનો શૅર ગઈ કાલે દોઢ ટકો વધી ૮૨૨ બંધ થયો છે.

ITમાં સુધારાની હૅટ-ટ્રિક, ટેક મહિન્દ્ર સેન્સેક્સમાં ઝળક્યો

તાતા મોટર્સના કમર્શિયલ વ્હીકલ્સ બિઝનેસના ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલી તાતા મોટર્સ કમર્શિયલ વ્હીકલ્સ તાતા મોટર્સ CVના નવા નામથી ગઈ કાલે બજારમાં લિસ્ટેડ થઈ છે. એનો ભાવ ૨૬૨ નજીકની ડિસ્કવર્ડ પ્રાઇસ સામે ૩૩૦ ખૂલી ઉપરમાં ૩૪૭ નજીક તથા નીચામાં ૩૧૮ બતાવીને ૩૨૮ નજીક બંધ થયો છે. જ્યારે મૂળ તાતા મોટર્સ જે હવે તાતા મોટર્સ પૅસેન્જર વ્હીકલ્સ કે TMPVના નામે ઓળખાય છે એ ઉપરમાં ૪૧૧ થયા બાદ સવા ટકો ઘટી ૪૦૨ રહી છે. તાતા સ્ટીલ પરિણામ પહેલાં સવાયા કામકાજમાં ઉપરમાં ૧૮૨ અને નીચામાં ૧૭૮ થઈ ૧.૩ ટકા ઘટી ૧૭૯ હતી. રિલાયન્સ વધઘટે સુધારાની ચાલ સાથે નવી ટૉપ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. ભાવ ગઈ કાલે દોઢા કામકાજે ઉપરમાં ૧૫૨૪ થઈ ૫.૨ ટકા વધી ૧૫૧૨ બંધ થતાં શૅરબજારને ૧૦૨ પૉઇન્ટ ફળ્યો છે. જિયો ફાઇનૅન્સ સર્વિસિસ દોઢ ટકાના સુધારામાં ૩૦૯ હતી. આગલા દિવસના ધબડકા બાદ બજાજ ફિન સર્વ બુધવારે ઉપરમાં ૨૦૪૦ બતાવી ૨.૪ ટકા વધી ૨૦૩૬ તો બજાજ ફાઇનૅન્સ એક ટકા સુધરી ૧૦૧૨ હતી.

અમેરિકા ખાતે શટડાઉનનો અંત તથા ભારત-યુએસ ટ્રેડડીલની વધતી સંભાવના પાછળ IT ઇન્ડેક્સ સતત ત્રીજા દિવસે વધ્યો છે. એમાં ટેક મહિન્દ્ર ગઈ કાલે ૩.૩ ટકા ઊંચકાઈ ૧૪૫૬ના બંધમાં સેન્સેક્સ ખાતે ઝળક્યો હતો. TCS ૨.૭ ટકાની મજબૂતીમાં ૩૧૩૧ થઈ છે. ઇન્ફી ૧.૪ ટકા, HCL ટેક્નૉ દોઢ ટકા, વિપ્રો દોઢ ટકા અને લાટિમ ૩.૩ ટકા કે ૧૮૬ રૂપિયા પ્લસ હતી. અન્ય જાતોમાં ભારતી ઍરટેલ દોઢ ટકા, HDFC લાઇફ અઢી ટકા, ONGC ૧.૮ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ દોઢ ટકા, ઍટર્નલ એક ટકા, ટાઇટન પોણો ટકા, કોલ ઇન્ડિયા એક ટકા સુધરી છે. મહિન્દ્ર ૩૭૮૦ની નવી વિક્રમી સપાટી નોંધાવી નજીવા સુધારામાં ૩૭૫૩ રહ્યા છે. પરિણામની ઝમકમાં એશિયન પેઇન્ટ્સ સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. 

ટનાટન રિઝલ્ટના જોરમાં BSE લિમિટેડ ૧૩૧ રૂપિયા મજબૂત

BSE લિમિટેડે ૧૧૩૯ કરોડની વિક્રમી ત્રિમાસિક આવક સાથે ૬૧ ટકા વધારામાં ૫૫૭ કરોડ નેટ નફો મેળવ્યો છે. બ્રોકરેજ હાઉસ જેફરીઝે ૨૯૩૦, નુવામાએ ૩૧૩૦ તથા મોતીલાલ ઓસવાલે ૨૮૦૦ની ટાર્ગેટ પ્રાઇસ આપી છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૮૧૮ થઈ પાંચ ટકા કે ૧૩૧ રૂપિયાની વધુ મજબૂતીમાં ૨૭૭૫ બંધ આવ્યો છે. અશોક લેલૅન્ડની આવક સવાનવ ટકા વધી છે. નફો ૭૭૧ કરોડે ફ્લૅટ રહ્યો છે. શૅર ૧૪૮ નજીકના શિખરથી રિઝલ્ટ બાદ નીચામાં ૧૪૧ થઈ અઢી ટકા ઘટી ૧૪૨ બંધ હતો. ગોલ્ડિયન ઇન્ટરનૅશનલે ૪૧ ટકા જેવા વધારામાં ૧૯૩ કરોડની આવક અને ૪૨ ટકા વૃદ્ધિદરથી ૩૧૪૦ લાખ નફો કર્યો છે. શૅર ૩૭૩ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૩૫૧ થઈ બે ટકા વધી ૩૬૧ રહ્યો છે.

વેલસ્પન લિવિંગ દ્વારા ૧૫ ટકાના ઘટાડામાં ૨૪૪૧ કરોડની આવક ઉપર ૯૩.૫ ટકા ધોવાણમાં ૧૩ કરોડ નફા સાથે ભંગાર પરિણામ રજૂ થવા છતાં શૅર ઉપરમાં ૧૪૧ બતાવી ૩.૩ ટકા વધી ૧૩૯ થયો છે. સેન્ચ્યુરી પ્લાયબોર્ડ્‍સની આવક ૧૭ ટકા વધી છે, નફો ૭૨ ટકા વધી ૬૯ કરોડ થયો છે. એના કરન્ટમાં ભાવ ૧૨ ગણા કામકાજે ૭૮૪ વટાવી અંતે ત્રણ ટકા વધી ૭૬૬ રહ્યો છે. પ્રિસિઝન વાયર્સે આવકમાં ૧૮ ટકાની સામે ૮૫ ટકા વધારામાં ૩૫૬૦ લાખ નેટ પ્રૉફિટ કરતાં ભાવ ૨૪૯ના શિખરે જઈને નહીંવત્ વધી ૨૩૧ થયો છે.

પરાગ મિલ્કનો નેટ નફો ૫૬ ટકા વધી ૪૫ કરોડને વટાવી જતાં શૅર ૧૪ ગણા વૉલ્યુમે ૩૬૩ની વિક્રમી સપાટી બનાવી ૧૩.૫ ટકા ઊછળી ૩૫૬ બંધ થયો છે. બાયોકૉન ૧૬ કરોડની નેટ લૉસમાંથી ૮૪ કરોડ પ્લસના નફામાં આવતાં શૅર ૪૦૯ની વર્ષની ટૉપ બતાવી ૫.૫ ટકાની મજબૂતીમાં ૪૦૬ થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2025 08:54 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK