Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આખો દિવસ માઇનસમાં રહેલું બજાર છેલ્લા અડધા કલાકના ખેલમાં પરચૂરણ સુધારે બંધ

આખો દિવસ માઇનસમાં રહેલું બજાર છેલ્લા અડધા કલાકના ખેલમાં પરચૂરણ સુધારે બંધ

07 June, 2023 03:36 PM IST | Mumbai
Anil Patel

મહિન્દ્ર, ટીવીએસ, બજાજ ઑટો, ક્યુમિન્સ ઇન્ડિયાની સાથે-સાથે ઑટો બેન્ચમાર્ક સતત નવા શિખરે

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


અમેરિકન આઇટી કંપની ઇપામ સિસ્ટમ્સની પ્રૉફિટ વૉર્નિંગમાં આઇટી સેક્ટર ખરડાયું, ઇન્ફોસિસ બે ટકા બગડ્યો : મહિન્દ્ર, ટીવીએસ, બજાજ ઑટો, ક્યુમિન્સ ઇન્ડિયાની સાથે-સાથે ઑટો બેન્ચમાર્ક સતત નવા શિખરે : કૅપિટલ ગુડ્સ, રિયલ્ટી, સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેક્સ નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ આગળ વધ્યા : ક્રિપ્ટો એક્સચેન્જ બાઇનૅન્સને અમેરિકન ઑથોરિટીએ સપાટે લેતાં બીટકૉઇન સહિતની ક્રિપ્ટોકરન્સીમાં ખરાબી : સિમેન્ટ અને ડિફેન્સ સેક્ટરના શૅર લાઇમલાઇટમાં: એડીએફ ફૂડ્સ ૧૦૨૦ની વિક્રમી સપાટીએ ગયો, પ્રોવેન્ટ્સ ઍગ્રો ઉપલી અને હેમંત સર્જિકલ નીચલી સર્કિટે બંધ 

મંગળવારે એશિયન બજારો બહુધા નરમ રહ્યાં છે. જૅપનીઝ નિક્કીની આખલા-દોડ ચાલુ રહેતાં ત્યાં આંક ૦.૯ ટકા વધ્યો છે. તાઇવાન તથા ઇન્ડોનેશિયા સાધારણ સુધારામાં હતા. સાઉથ કોરિયન માર્કેટ રજામાં હતું. વ્યાજદરમાં અણધાર્યા વધારાના પગલે ઑસ્ટ્રેલિયન શૅરબજાર સવા ટકો ઘટ્યું છે. ચાઇનીઝ બજાર ૧.૨ ટકા તો હૉન્ગકૉન્ગ, સિંગાપોર અને થાઇલૅન્ડ સામાન્ય નરમાઈમાં બંધ હતાં. યુરોપ ફ્લૅટ ઓપનિંગ બાદ રનિંગમાં નેગેટિવ બાયસ બતાવતું હતું. સાઉદી તરફથી ઉત્પાદનકાપની જાહેરાતથી ક્રૂડમાં આવેલો કરન્ટ ટક્યો નથી. ભાવ દોઢેક ટકો ઘટતાં બ્રેન્ટક્રૂડ ૭૬ અને નાયમેક્સ ક્રૂડ ૭૧ ડૉલર થયું છે. અમેરિકન રેગ્યુલેટરી ઑથોરિટી એક તરફથી ક્રિપ્ટો એક્સચેન્જ બાઇનૅન્સને નિયત ધારાધોરણોના ઉલ્લંઘન ગ્રાહકોના ભંડોળનો દુરુપયોગ કરવા બદલ સપાટામાં લેવાતાં બીટકૉઇન સાડાચાર ટકા ગગડી ત્રણ માસના તળિયે ૨૫,૪૨૪ ડૉલરે પહોંચી ગયો હતો. બાઇનૅન્સ કૉઇન (BNB) આઠ ટકાથી વધુની ખુવારીમાં ૨૭૨ ડૉલર થયો હતો. અન્ય કૉઇન પણ વત્તેઓછે ખરડાયા હતા. એના પગલે સમગ્ર ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટ કૅપ ચાર ટકા ગગડીને ૧.૦૯ લાખ કરોડ ડૉલરે આવી ગયું હતું.



ઘરઆંગણે સેન્સેક્સ ડિસેમ્બર સુધીમાં ૬૮,૫૦૦ થવાની ધારણા મૉર્ગન સ્ટેનલીવાળા લાવ્યા છે. નાણાનીતિની સમીક્ષા માટે રિઝર્વ બૅન્કની ૩ દિવસની બેઠક મંગળવારથી શરૂ થઈ છે. વ્યાજદર ઘટે કે ના ઘટે, પણ વધશે નહીં એ વાત નક્કી છે. મુખ્યત્વે આઇટી ટેક્નૉલૉજીના ભાર હેઠળ સેન્સેક્સ ગઈ કાલે સાધારણ નરમ ખૂલ્યા બાદ ઇન્ટ્રા-ડે બૉટમથી ૩૧૪ પૉઇન્ટ વધી ઉપરમાં ૬૨,૮૬૮ થઈ અંતે પાંચ પૉઇન્ટ વધી ૬૨,૭૯૩ બંધ થયો છે. નિફ્ટી પાંચ પૉઇન્ટના સુધારે ૧૮,૫૯૯ હતો. માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી છે. એનએસઈમાં વધેલા ૧૦૯૬ શૅરની સામે ૯૫૮ કાઉન્ટ ઘટ્યાં છે. બજારનાં બહુમતી ઇન્ડાઇસિસ પ્લસમાં હતાં. આઇટી ઇન્ડેક્સ ૪૮૬ પૉઇન્ટ કે ૧.૭ ટકા, ટેક્નૉલૉજી બેન્ચમાર્ક દોઢ ટકા ડાઉન હતા, સામે ઑટો ઇન્ડેક્સ ૩૪,૦૧૦ની નવી વિક્રમી સપાટી બનાવી ૧.૧ ટકાની આગેકૂચ સાથે ૩૩,૯૭૩, રિયલ્ટી ઇન્ડેક્સ ૩૯૯૬ની મલ્ટિયર ટૉપ બનાવી સવા ટકો વધી ૩૯૯૦, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૩૮,૧૯૩ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી અડધો ટકો વધી ૩૮,૧૬૩ બંધ થયો છે. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૯૭૦માંથી ૫૫૫ શૅરના વધારા સાથે ૩૧,૧૯૩ની દોઢેક વર્ષની ઊંચી સપાટી મેળવી અડધો ટકો વધી ૩૧,૧૭૫ બંધ રહ્યો છે. મિડ કૅપ ૨૭,૪૭૬ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૮૦ પૉઇન્ટ વધીને ૨૭,૪૫૨ થયો છે. દિવસનો મોટો ભાગ માર્કેટ માઇનસમાં હતું. છેલ્લો અડધો કલાક શાર્પ બાઉન્સબૅકનો હતો, જેમાં શૅરઆંક ૬૨,૬૨૦થી ઊંચકાઈ સીધો ૬૨,૮૬૮ની ઇન્ટ્રા-ડે ટોચે ગયો હતો.


અલ્ટ્રાટેક ડબલ સેન્ચુરી ફટકારી સર્વોચ્ચ સપાટીએ બંધ થયો

સેન્સેક્સના ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૨૮ શૅર વધ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ૮૧૧૯ના શિખરે જઈ ૨.૯ ટકા વધીને ૮૧૦૪ તથા ગ્રાસીમ ૧.૮ ટકા વધીને ૧૭૬૬ બંધ આપીને મોખરે હતા. બાય ધ વે, ગઈ કાલે સિમેન્ટ સેક્ટર ડિમાન્ડમાં હતું. ઉદ્યોગનાં ૪૩માંથી ૩૩ કાઉન્ટર પ્લસ હતાં. બરાકવેલી ૧૦ ટકા, મંગલમ સિમેન્ટ ૬.૨ ટકા, સાંધી ઇન્ડ. પાંચ ટકા, કેસીપી લિ. ૪.૫ ટકા, પ્રિઝમ જૉનસન ૪.૬ ટકા, અંબુજા સિમેન્ટ ૪.૫ ટકા, શ્રી સિમેન્ટ ૩.૭ ટકા, સૌરાષ્ટ્ર સિમેન્ટ્સ ૩.૧ ટકા, શ્રી કેશવ સિમેન્ટ ૫.૬ ટકા મજબૂત થયા હતા. એસીસી અઢી ટકા અને જેકે સિમેન્ટ એક ટકા વધ્યા છે.


સેન્સેક્સ ખાતે મારુતિ ૯૭૬૯ નજીકની ઐતિહાસિક ટોચની નજીક સરકતાં ૯૭૬૫ વટાવી દોઢ ટકા કે ૧૫૧ રૂપિયાની આગેકૂચમાં ૯૭૩૨ હતો. તાતા મોટર્સ ૫૫૭ની છ વર્ષની નવી ટૉપ દેખાડી ૧.૭ ટકા વધી ૫૫૬ તથા એનો ડીવીઆર દોઢ ટકો વધી ૨૯૧ હતો. ઍક્સિસ બૅન્ક ૯૭૦ના બેસ્ટ લેવલને મેળવી બે ટકા વધીને ૯૬૯ રહ્યો છે. મહિન્દ્ર ૧૪૧૫ની વિક્રમી સપાટી નોંધાવી સવા ટકા વધીને ૧૪૧૧ હતો. કોટક બૅન્ક ૧.૯ ટકા વધી ૧૯૬૧ હતી. ડિવીઝ લૅબ ૨.૨ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૨ ટકા, બજાજ ટ્વિન્સ એક ટકા નિફ્ટી ખાતે પ્લસ હતા. રિલાયન્સ નજીવા સુધારે ૨૪૮૦ બંધ થયો છે. ઇન્ફોસિસ બે ટકા ગગડી ૧૨૭૯ તથા ટીસીએસ ૧.૭ ટકા ખરડાઈ ૩૨૩૪ બંધ થતાં બજારને કુલ ૧૩૨ પૉઇન્ટનો માર પડ્યો છે. ટેક મહિન્દ્ર ૧.૯ ટકાની ખરાબીમાં ૧૦૮૮ હતો. હિન્દાલ્કો એક ટકા, ઓએનજીસી ૧.૧ ટકા, એચસીએલ ટેક્નૉ ૦.૯ ટકા, વિપ્રો એક ટકા ડાઉન થયા છે.

હિપોલિન, માન ઍલ્યુ, જયપાનમાં ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી

અદાણી ગ્રુપની વાત કરીએ તો અદાણી ટ્રાન્સમિશન દોઢ ટકા, અદાણી વિલ્મર અડધો ટકો, એનડીટીવી એક ટકા માઇનસ થયા છે. એસીસી અઢી ટકાની મજબૂતીમાં ૧૮૫૬ અને અંબુજા સિમેન્ટ્સ ૪.૫ ટકાના ઉછાળે ૪૫૯ બંધ હતા. ફ્લેગશિપ અદાણી એન્ટર ૨૪૩૩ના લેવલે ફ્લૅટ રહી છે. અદાણી પાવર ૧.૪ ટકા પ્લસ હતો. અદાણીના બગલબચ્ચા જેવી મોનાર્ક નેટવર્થ ૨.૮ ટકા વધીને ૨૧૩ થઈ છે. ક્વિન્ટ ડિજિટલ સુધારાની આગેકૂચમાં સવા ટકો વધીને ૧૬૧ હતી.

આગલા દિવસે પોણાબાર ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૮૬૨ બંધ થયેલી પ્રોવેન્ટ્સ ઍગ્રોકોમ ૫ ટકાની ઉપલી સર્કિટે ૯૦૫ના શિખરે બંધ રહી છે. જ્યારે ૯૯ ટકાનો લિસ્ટિંગ ગેઇન આપનારી હેમંત સર્જિકલ ૫ ટકાની મંદીની સર્કિટમાં ૧૯૦ થઈ ત્યાં જ બંધ રહી છે. સર્કિટ પે સર્કિટના ખેલમાં અમદાવાદી રેમસ ફાર્મા પાંચ ટકાના ઉછાળે ૨૪૦૮ નજીક નવા બેસ્ટ લેવલે પહોંચી છે. વસા ડેન્ટિસિટી પાંચ ટકાની તેજીની સર્કિટે ૨૪૪ તથા ક્રાયોન્સ ઍડ ઉપલી સર્કિટમાં ૧૦૪ની વિક્રમી સપાટીએ ગયા હતા.

રોકડામાં હિપોલિન ૨૦ ટકા ઊછળી ૯૦ રૂપિયા, માન ઍલ્યુ. ૨૦ ટકાની તેજીમાં ૨૯૯ના શિખરે, જયપાન ૨૦ ટકાના જમ્પમાં ૪૧ નજીક, સનશીલ્ડ કેમિકલ્સ ૬૯૮ની ઑલટાઇમ હાઈ બાદ ૨૦ ટકાના ઉછાળે ત્યાં બંધ રહી છે. મેઘમણિ ફ્રાઇનકેમ ૧૪.૫ ટકા ઊંચકાઈ ૧૦૯૭ બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બની છે. શરદા ક્રૉપ ૧૧ ટકા વધીને ૫૫૬ હતી. સ્કાયગોલ્ડ સોમવારે ૪૭૪ની વિક્રમી સપાટી બતાવી ૪૦૭ બંધ રહ્યા પછી નીચામાં ૩૨૬ થઈ ૧૯.૪ ટકા ગગડી ૩૨૮ હતો.

ઑટોની ગાડી સતત જોરમાં, આઇટી શૅરોમાં વ્યાપક નરમાઈ

આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૩૬ શૅરના ઘટાડે ૪૮૬ પૉઇન્ટ કે ૧.૭ ટકા ડૂલ થયો છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૪.૫ ટકા કે ૨૩૪ રૂપિયા બગડી ૪૯૮૦ બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ઘટવામાં મોખરે હતો. સીએન્ટ વધુ ૩.૮ ટકા ખરડાઈ ૧૩૪૦ રહ્યો છે. કોફોર્જ ૩.૮ ટકા, એમ્ફાસિસ ૩.૬ ટકા, આર. સિસ્ટમ્સ અઢી ટકા, ઝેનસાર ટેક્નૉ ૨.૭ ટકા, એક્સપ્લીઓ સૉલ્યુ. ૨.૮ ટકા, લાર્સન ટેક્નૉ ૧.૮ ટકા, ઓરેકલ બે ટકા ડાઉન હતા. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી બે ટકા, ટીસીએસ ૧.૭ ટકા, વિપ્રો એક ટકા, ટેક મહિન્દ્ર ૧.૯ ટકા, એચસીએલ ટેક્નૉ ૦.૬ ટકા, લાટિમ સવા ટકા માઇનસ હતા. નેલ્કો દ્વારા પિસ્કિસ નેટવર્કમાં નવ ટકાની મૂડીભાગીદારી કરવાનો કરાર થતાં શૅર ૪૨ ગણા કામકાજે ઉપરમાં ૭૫૫ થઈ ૧૩.૩ ટકાના ઉછાળે ૭૧૯ બંધ થયો છે. ક્વિક હીલ ૮.૩ ટકા મજબૂત હતો. ન્યુકલીઅસ સૉફ્ટવેર ૧૨૫૬ના બેસ્ટ લેવલે જઈ ૫.૮ ટકા ઊંચકાઈ ૧૨૧૨ રહ્યો છે. ઓરિઅન પ્રો ૮૪૦ના શિખરે જઈ ૫ ટકાના જમ્પમાં ત્યાં જ બંધ હતો. ટેલિકૉમ સેગમેન્ટમાં રેલટેલ ૮.૩ ટકાની તેજીમાં ૧૨૭ વટાવી ગયો છે. ભારતી ઍરટેલ અડધો ટકો નરમ પડ્યો છે. આઇટીના ભારમાં ટેક્નૉલૉજી બેન્ચમાર્ક દોઢ ટકો કપાયો હતો.

આઇટીથી વિપરિત ચાલમાં ઑટો ઇન્ડેક્સ ૩૪,૦૧૦ની સર્વોચ્ચ સપાટી બનાવી ૩૭૧ પૉઇન્ટ કે ૧.૧ ટકાની આગેકૂચમાં ૩૩,૯૭૩ બંધ આવ્યો છે. ટીવીએસ મોટર્સ ૨.૮ ટકાની તેજીમાં ૧૩૩૧ના બેસ્ટ લેવલે બંધ થઈ છે. ક્યુમિન્સ ઇન્ડિયા, મહિન્દ્ર, તાતા મોટર્સ, બજાજ ઑટો પણ નવી ટોચે ગયા છે. આઇશર, હીરો મોટોકૉર્પ, મહિન્દ્ર, મારુતિ, તાતા મોટર્સ અને ક્યુમિન્સ સવાથી સવાબે ટકા પ્લસ થયા છે. અશોક લેલૅન્ડ પોણો ટકો વધી ૧૫૦ હતી.

ડિફેન્સ શૅરોમાં ફ્રૅન્સી જળવાઈ, બૅન્કિંગ સેક્ટરમાં નરમ વલણ

અમેરિકન રક્ષા મંત્રાલય સાથે કરારની વાતોમાં ડિફેન્સ શૅરો ડિમાન્ડમાં આવ્યા છે, જેમાં તાતા ગ્રુપની નેલ્કો ૧૨.૫ ટકા વધી છે. ડેટા પેટર્ન્સ ૧૮૧૮ના શિખરે જઈ બે ટકા વધી ૧૮૦૪, હિન્દુ. ઍરોનૉટિક્સ ૩૪૩૯ની ઑલટાઇમ હાઈ બતાવી ૪ ટકા કે ૧૩૪ રૂપિયાના જમ્પમાં ૩૪૧૭, માઝગાવ ડોક ૧૦૬૨ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૩.૩ ટકા વધીને ૧૦૧૯, કોચીન શિપયાર્ડ બે ટકા વધી ૫૭૦, ભારત ઇલે. બે ટકા વધીને ૧૧૮, ભારત ડાયનેમિક્સ ૧૨૦૦ના શિખરે જઈ સવાત્રણ ટકા ઊંચકાઈ ૧૧૮૬, એમટાર ટેક્નૉ બે ટકા વધી ૧૯૩૬, પારસ ડિફેન્સ દોઢ ટકો વધી ૫૭૯ બંધ રહી છે.

દરમ્યાન બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅર પ્લસમાં આપી ૬૩ પૉઇન્ટ વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના ઘટાડામાં સહેજ નરમ હતો. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૧૪ શૅર સુધર્યા છે. ઉજ્જીવન બૅન્ક અઢી ટકા, કોટક બૅન્ક ૧.૯ ટકા, ઍક્સિસ બૅન્ક દોઢ ટકો, આરબીએલ બૅન્ક સવા ટકો વધ્યા હતા. સામે સૂર્યોદય બૅન્ક બે ટકા, જેકે બૅન્ક બે ટકાથી વધુ, પંજાબ સિંઘ બૅન્ક પોણાબે ટકા ડાઉન હતા. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૦માંથી ૭૭ શૅરના સુધારામાં સાધારણ પ્લસ હતો. કેપ્રી ગ્લોબલ આઠેક ટકા ઊછળીને ૭૬૬ વટાવી ગયો છે. એન્જલવન ૪.૬ ટકા, પૉલિસી બાઝાર ૪.૪ ટકા, યુટીઆઇ અસેટ  મૅનેજમેન્ટ ચારેક ટકા, ફાઇવસ્ટાર બિઝનેસ સાડાત્રણ ટકા મજબૂત હતા. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ૪ ટકા ગગડી ૧૪૭ રહ્યો છે. એલઆઇસી પરચૂરણ સુધારમાં ૫૯૮ નજીક ગયો છે. એફએમસીજીમાં એડીએફ ફૂડ્સ પોણાબાર ટકાની તેજીમાં ૯૬૬ બંધ થતાં પહેલાં ૧૦૨૦ની વિક્રમી સપાટીએ ગયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2023 03:36 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK