પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી દોઢ ટકો ડાઉન, HDFC અને ઍક્સિસ બૅન્ક બજારને ૩૩૫ પૉઇન્ટ નડી : હેરિટેજ ફૂડનો નફો ૩૧ ટકા ઘટ્યો, શૅર ૭ ટકા વધ્યો, ચંદ્રાબાબુ નાયડુને ૭૨૯૨ લાખ રૂપિયાનો ફાયદો થયો : વેલોર એસ્ટેટ ઉર્ફે ડીબી રિયલ્ટી એક્સ-ડીમર્જ થતાં સાડાચાર ટકા ગગડી
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- MPS લિમિટેડનો નફો ૧૨ કરોડ ઘટતાં શૅરમાં ૪૫૭નું ગાબડું
- ઇન્ફીબીમનો પાર્ટપેઇડ વર્સ્ટ લેવલે જઈ સવાસોળ ટકા તૂટ્યો
- પરિણામ પાછળ વિમતા લૅબ્સ જંગી વૉલ્યુમે ૧૩ ટકાની તેજીમાં બંધ
સિટી ગ્રુપ તરફથી વૅલ્યુએશન વધુ પડતું ઊંચું ગણાવી ભારતીય ઇક્વિટી માર્કેટને ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે. ચાઇના અને સાઉથ કોરિયન માર્કેટને અપગ્રેડ કરવામાં આવી છે. આઇટી માટે નજીકનો સમય નબળો હશે એટલે જૂન ક્વૉર્ટરનાં પરિણામ મોળાં હશે એમ માની લેવાયું છે. એવામાં બૅન્કિંગનાં રિઝલ્ટ પણ ખાસ સારાં નહીં હોય એવી આશંકા વહેતી થઈ છે. ટ્રમ્પનું ટેન્શન તો બધાને છે જ. સરવાળે શૅરબજારોનો મૂંઝારો વધાવા માંડ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૬૭ પૉઇન્ટ જેવો ઢીલો, ૮૨૧૯૩ ખૂલી છેવટે ૫૦૧ પૉઇન્ટ બગડી ૮૧૭૫૮ નજીક, તો નિફ્ટી ૧૪૩ પૉઇન્ટ ખરડાઈ ૨૪૯૬૮ બંધ થયો છે. શુક્રવારે બજાર આરંભથી અંત સુધી રેડ ઝોનમાં હતું. શૅરઆંક ઉપરમાં ૮૨૩૩૫ નજીક ગયું એ ક્ષણિક અપવાદ હતો. બજાર નીચામાં ૮૧૬૦૪ થયું હતું. સેન્સેક્સ નિફ્ટીની અડધા ટકાથી મોટી નરમાઈ સામે બૅન્ક નિફ્ટી ૫૪૬ પૉઇન્ટ કે એકાદ ટકો, પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી દોઢ ટકો, ફાઇનૅન્સ પોણા ટકાથી વધુ, ટેલિકૉમ એક ટકો, કૅપિટલ ગુડ્સ ૧૦૭૧ પૉઇન્ટ કે દોઢ ટકો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એક ટકા નજીક, પાવર-યુટિલિટીઝ પોણાથી એકાદ ટકો સાફ થયા છે. આઇટી ઇન્ડેક્સ નજીવો માઇનસ હતો, પરંતુ એના ૫૯માંથી ૪૪ શૅર ઘટ્યા હતા. ડિફેન્સ બેન્ચમાર્ક નરમાઈની હૅટ ટ્રિકમાં સર્વાધિક સવાબે ટકા કપાયો છે. નિફ્ટી મીડિયા સૌથી વધુ એક ટકો પ્લસ હતો. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૧૩૪ શૅરની સામે ૧૮૨૦ શૅર ઘટ્યા છે. બજારનું માર્કેટકૅપ અઢી લાખ કરોડ રૂપિયાના ઘટાડામાં ૪૫૮.૩૭ લાખ કરોડ રહ્યું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૭૪૩ પૉઇન્ટ કે ૦.૯ ટકા તથા નિફ્ટી ૧૮૧ પૉઇન્ટ કે પોણો ટકો માઇનસ થયો છે.
પ્રાઇમરી માર્કેટમાં અંધેરીની મોનિકા આલ્કોબિવનો ૧૦ના શૅરદીઠ ૨૮૬ની અપર બૅન્ડવાળો ૧૬૫ કરોડ રૂપિયાથી મોટો BSE SME IPO ગઈ કાલે કુલ ૪ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. એની સાથે જ ગ્રે માર્કેટમાં બોલાતું ૧૦નું પ્રીમિયમ પણ ગાયબ થયું છે. સોમવારે ગુજરાતની સાવી ઇન્ફ્રા તથા કલકત્તાની સ્વસ્તિકા કાસ્ટલ SME ઇશ્યુ કરવાની છે. બન્ને કંપની દમ વગરની છે. સાવી ઇન્ફ્રામાં ૧૧નું પ્રીમિયમ સંભળાય છે. મંગળવારે પુણેની મોનાર્ક સર્વેયર્સ ઍન્ડ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ૧૦ના શૅરદીઠ ૨૫૦ની અપરબૅન્ડમાં ૯૩૭૫ લાખનો BSE SME ઇશ્યુ કરવાની છે. કંપનીનો ટ્રૅક રેકૉર્ડ તથા ફન્ડામેન્ટ્સ પ્રથમ નજરે સારાં જણાય છે. ગ્રે માર્કેટમાં ૧૫૦થી પ્રીમિયમનાં કામકાજ શરૂ થયાં છે. સોમવારે એન્થમ બાયોસાયન્સિસ તથા સ્પનવેબનું લિસ્ટિંગ થવાનું છે. હાલ એન્થમમાં પ્રીમિયમ ૧૪૦ તથા સ્પનવેબમાં ૪૩ રૂપિયા બોલાય છે. દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલી હાઈ-પ્રોફાઇલ HDB ફાઇનૅન્શિયલ સર્વિસિસ ગઈ કાલે ૭૯૪નું વર્સ્ટ લેવલ બનાવી પોણા ટકાના ઘટાડામાં ૭૯૯ નજીક બંધ થઈ છે. કેમકાર્ટ ઇન્ડિયા ૨૪૧ના તળિયે જઈ પોણાબે ટકા ઘટીને ૨૪૫, ગ્લેન ઇન્ડસ્ટ્રીઝ ૧૩૦ની નવું બૉટમ દેખાડી અઢી ટકા ગગડી ૧૩૪, મેટા ઇન્ફોટેક પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૨૦૨ના તળિયે બંધ હતી. ઓલા ઇલેક્ટ્રિક નરમાઈની હૅટ ટ્રિકમાં બે ટકા બગડી ૪૧ થઈ છે.
ADVERTISEMENT
શુક્રવારે જપાન તથા સાઉથ કોરિયાના નહીંવત્ ઘટાડાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર વધ્યાં છે. હૉન્ગકૉન્ગ અને તાઇવાન સવા ટકા આસપાસ, થાઇલૅન્ડ અને સિંગાપોર પોણા ટકા નજીક, ચાઇના અડધો ટકો અપ હતું. યુરોપ રનિંગમાં નહીંવત્ વધ-ઘટે લગભગ ફ્લૅટ જણાયું છે. પાકિસ્તાની શૅરબજાર ૧૩૮૬૬૫ના આગલા બંધ સામે ગઈ કાલે ૧૪૦૫૮૫ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી રનિંગમાં ૮૬ પૉઇન્ટના સુધારે ૧૩૮૭૫૨ દેખાયું છે. બિટકૉઇન રનિંગમાં ૧૧૯૧૮૮ ડૉલર ચાલતો હતો.
કરસન પટેલની નુવોકોવિસ્ટા બે વર્ષની ટોચે જઈ ઠંડી પડી ગઈ
ક્વીન સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજીએ ૬૫૯૦ લાખ સામે ૭૦૦૮ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ૧૭ ગણા કામકાજે ૮.૭ ટકા કે ૧૨૬ રૂપિયા ગગડી ૧૩૨૦ બંધ થયો છે. ન્યુજેન સૉફ્ટવેર પરિણામનો વસવસો જાળવી રાખતાં નીચામાં ૯૬૦ થઈ ૬.૨ ટકા વધુ ખરડાઈ ૯૬૩ હતો. રિલાયન્સ જેમાં સહ-પ્રમોટર છે એ આલોક ઇન્ડસ્ટ્રીઝની આવક ૧૦૧૨ કરોડથી ઘટી ૯૩૯ કરોડ થઈ છે. ચોખ્ખી ખોટ ૨૦૮ કરોડ હતી એ ઘટીને ૧૬૫ કરોડ રહી છે. શૅર ૫.૪ ટકાની ખરાબીમાં ૨૧ નજીક બંધ થયો છે. અતુલનો નફો ૧૪ ટકા વધી ૧૨૮ કરોડ આવ્યો છે જે બજારને ઓછો પડતાં શૅર ૭૪૫૮ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૬૯૧૫ થઈ છેવટે પાંચ ટકા કે ૩૬૨ રૂપિયા ઘટીને ૬૯૨૩ બંધ રહ્યો છે. કામકાજ ૬ ગણું હતું.
સંવર્ધના મધરસન બે શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં દોઢ ટકા ઘટીને ૧૦૧ હતી, તો મધરસન સુમી વાયરિંગ બે શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં બે ટકા સુધરી ૪૪ નજીક ગઈ છે. IFGL રિફ્રેક્ટરીઝ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસમાં ઉપરમાં ૨૯૪ બતાવી નજીવા ઘટાડે ૨૭૬ હતી. બ્રાઇટ આઉટડોર મીડિયા બે શૅરદીઠ એક બોનસમાં સવા ટકો ઘટીને ૩૮૦ હતી. ઇન્ડો થાઇ સિક્યૉરિટીઝ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ૨.૩ ટકા વધી ૨૧૦ થઈ છે. વેલિઅન્ટ લૅબ ચાર શૅરદીઠ એક રાઇટમાં એક્સ-રાઇટ થતાં પાંચ ટકાની ખરાબીમાં ૧૦૩ બંધ થયો છે.
નિરમા ફેમ કરસન પટેલની નુવોકો વિસ્ટા કૉર્પની ત્રિમાસિક આવક ૯ ટકા વધી ૨૮૭૩ કરોડ થઈ છે, પણ નફો પોણાત્રણ કરોડ હતો એ અનેકગણો વધીને ૧૩૩ થયો છે. શૅર પ્રારંભિક જોશમાં ૪૧૭ ઉપર બે વર્ષની ટૉપ બનાવી છેવટે દોઢ ટકો સુધરી ૩૮૮ બંધ થયો છે. વૉલ્યુમ ૨૨ ગણું હતું.
કંપનીનો ઇશ્યુ ઑગસ્ટ ૨૧માં શૅરદીઠ ૫૭૦ના ભાવે આવ્યો હતો.
રેર અર્થની થીમમાં GMDC તગડા ઉછાળે ૧૭ મહિનાની ટોચે
ગુજરાત સરકારની ૭૪ ટકા માલિકીની GMDC રેર અર્થ સહિત ક્રિટિકલ મિનરલ સેક્ટરમાં પ્રવેશવા સક્રિય બની છે. કંપની તરફથી તાજેતરમાં ક્રિટિકલ મિનરલ પ્રોજેક્ટ માટે ત્રણથી ચાર હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાના અહેવાલ છે. આની અસરમાં શૅર ગઈ કાલે ૫૦ ગણા વૉલ્યુમે ૪૪૨ની ૧૭ મહિનાની ટૉપ બનાવી ૧૪.૮ ટકા ઊછળી ૪૩૫ના બંધમાં એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. અગાઉ મેક્સ વેન્ચર્સ તરીકે જાણીતી મેક્સ એસ્ટેટસ પાંચ ગણા કામકાજે ઉપરમાં ૫૬૧ થઈ પોણાછ ટકાની મજબૂતીમાં ૫૫૨ રહી છે. હેરિટેજ ફૂડ્સની આવક ૧૦ ટકા વધવા છતાં નેટ નફો ૩૧ ટકા જેવો ઘટી ૪૦૫૪ લાખ થયો છે, પરંતુ શૅર ચાર ગણા વૉલ્યુમે ઉપરમાં ૪૯૭ વટાવી સાત ટકા ઊંચકાઈ ૪૯૦ બંધ આવ્યો છે. કંપનીમાં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુનાં ધર્મપત્ની ભુવનેશ્વરી નાડા ૨૪.૪ ટકા કે ૨૨૬૧૧૫૨૫ શૅરનું હોલ્ડિંગ ધરાવે છે. આ ધોરણે એક જ દિવસમાં આ મૅડમને ૭૨.૯૨ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. સારેગામા ઇન્ડિયા ૩૨ ગણા વૉલ્યુમે ઉપરમાં ૫૨૦ થઈ ૪.૫ ટકા વધીને ૫૦૯ બંધ થઈ છે. વિમતા લૅબ્સનો ત્રિમાસિક નફો ૧૨૨૮ લાખથી વધીને ૧૮૮૯ લાખ આવતાં શૅર ૭૩ ગણા જંગી કામકાજે ૧૩ ટકાની તેજીમાં ૫૨૬ બંધ આવ્યો છે.
અગાઉ ડીબી રિયલ્ટી તરીકે ઓળખાતી વેલોર એસ્ટેટ એના હૉસ્પિટલિટી બિઝનેસના ડીમર્જરમાં એક્સ-ડીમર્જ થતાં ગઈ કાલે નીચામાં ૧૯૮ થઈ ૪.૪ ટકા બગડી ૨૦૦ નજીક બંધ હતી. કંપનીએ મુંબઈની હિલ્ટન હોટેલ અને ગોવાની ગ્રૅન્ડ હયાત સહિતની હૉસ્પિટલિટી ઍસેટ્સ ઍડ્વેન્ટ હોટેલ્સ ઇન્ટરનૅશનલ પ્રાઇવેટ લિમિટેડને ટ્રાન્સફર કરી છે. કંપનીના શૅરધારકોને ૧૦ શૅરદીઠ નવી કંપની ઍડ્વેન્ટનો એક શૅર અપાશે. ઍડ્વેન્ટનું લિસ્ટિંગ હવે પછી થશે. MPS લિમિટેડનો નફો ૪૭૦૭ લાખથી ઘટી ૩૫૨૪ લાખ થયો છે. શૅર નીચામાં ૨૩૪૩ બતાવી ૧૫.૭ ટકા કે ૪૫૭ રૂપિયા લથડી ૨૪૪૫ બંધ થયો છે. ઇન્ફીબીમ ૧.૭ ટકા ઘટી ૧૬ હતી, પરંતુ એનો પાર્ટપેઇડ શૅર ૯ના વર્સ્ટ લેવલે જઈ ૧૬.૩ ટકાના કડાકામાં ૯.૩૮ બંધ રહ્યો છે.
વિપ્રો નિફ્ટીમાં ઝળક્યો, ઍક્સિસ બૅન્ક બન્ને બજારમાં ટૉપ લૂઝર
એકંદર અપેક્ષા કરતાં સારો દેખાવ કરનાર વિપ્રો ઉપરમાં ૨૭૨ નજીક જઈ અઢી ટકાની મજબૂતીમાં ૨૬૭ બંધ આપી નિફ્ટીમાં ૯૪૨ બંધમાં સેન્સેક્સમાં ઝળકી હતી. તાતા સ્ટીલ સવાયા કામકાજ સાથે સુધારાની આગેકૂચમાં ૧.૭ ટકા વધી ૧૬૨ હતો. ICICI બૅન્ક પરિણામની પૂર્વસંધ્યાએ અડધો ટકો સુધરી ૧૪૨૬ રહી છે. ONGC અને નેસ્લે નિફ્ટી ખાતે એકાદ ટકો પ્લસ હતા. કોલ ઇન્ડિયા તથા ઇન્ડસઇન્ડ બૅન્ક અડધા ટકાથી વધુ સુધર્યા છે. જિયો ફાઇનૅન્શિયલની આવક ૪૭ ટકા વધી છે પરંતુ નેટ નફો માત્ર ૪ ટકા વધી ૩૨૫ કરોડ આવ્યો છે. મતલબ કે ધંધાના નહીં, નફાના વાંધા છે. શૅર પોણાબે ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૨૪ થયા બાદ નીચામાં ૩૧૪ નીચે જઈ અડધો ટકો ઘટી ૩૧૬ થયો છે. રિલાયન્સનાં પરિણામ સારાં આવવાના વરતારા વધી ગયા છે, પરંતુ શૅર પરિણામ પૂર્વે અડધા વૉલ્યુમે ઉપરમાં ૧૪૮૫ અને નીચામાં ૧૪૬૯ થઈ નામ કે વાસ્તે ઘટી ૧૪૭૬ બંધ રહ્યો છે.
પ્રોવિઝનિંગમાં જંગી વધારાના પગલે નફામાં ઘટાડો નોંધાવનારી ઍક્સિસ બૅન્ક ૧૧ ગણા કામકાજે ૧૦૭૪ નીચે જઈ સવાપાંચ ટકા તૂટી ૧૦૯૯ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર બની સેન્સેક્સને ૧૪૭ પૉઇન્ટ નડી છે. ઍક્સિસની પાછળ બોનસ અને પરિણામ માટે જેની બોર્ડ મીટિંગ શનિવારે છે એ HDFC બૅન્ક દોઢ ટકાની ખરાબીમાં ૧૯૫૭ બંધ આપી બજારને સર્વાધિક ૧૮૮ પૉઇન્ટ ભારે પડી છે. કોટક બૅન્ક ૧.૪ ટકા તથા સ્ટેટ બૅન્ક અડધા ટકાથી વધુ કટ થઈ હતી. અન્યમાં HDFC લાઇફ દોઢ ટકો, ગ્રાસિમ ૧.૪ ટકા, ભારત ઇલે ૨.૩ ટકા, ભારતી ઍરટેલ દોઢ ટકા, ટાઇટન અને હીરો મોટોકૉર્પ એક ટકો, એટર્નલ એક ટકા નજીક ડૂલ થઈ છે. TCS અડધો ટકો નરમ તો ઇન્ફોસિસ સામાન્ય સુધારામાં બંધ રહી છે. ટેક મહિન્દ્ર પોણા ટકાથી વધુની નબળાઈમાં ૧૫૫૦ હતી. અદાણીની એક્ઝિટના અહેવાલમાં આગલા દિવસે ૬ ટકા ઊછળેલી AWL ઍગ્રો બિઝનેસ ગઈ કાલે સવા ટકો ઘટીને ૨૭૫ નીચે ગઈ છે. અદાણી ગ્રીન બે ટકા, અદાણી ટોટલ સવા ટકો તથા અદાણીના બાકીના શૅર અડધો-પોણો ટકો ડાઉન હતા.


