Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > બજાર પ્રારંભિક નરમાઈ પચાવી છેવટે નજીવા ઘટાડે બંધ રહ્યુંઃ પાવર શૅરો જોરમાં, આઇટીમાં સુધારો

બજાર પ્રારંભિક નરમાઈ પચાવી છેવટે નજીવા ઘટાડે બંધ રહ્યુંઃ પાવર શૅરો જોરમાં, આઇટીમાં સુધારો

04 April, 2024 06:56 AM IST | Mumbai
Anil Patel

આગલા બંધથી ૧૪૭ પૉઇન્ટ નરમ ખૂલ્યા બાદ સેન્સેક્સ બુધવારે ૨૭ પૉઇન્ટની નહીંવત નરમાઈમાં ૭૩,૮૭૭ તથા નિફ્ટી ૧૯ પૉઇન્ટ ઘટી ૨૨,૪૩૪ બંધ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


સ્ટ્રૉન્ગ ઑર્ડર બુકથી ઊજળા દેખાવાની થીમમાં શિપ બિલ્ડિંગ શૅરોમાં તેજીનો નવો રાઉન્ડ, ડિફેન્સમાં સિલેક્ટિવ ફૅન્સી : સાઇડ શૅરોની મજબૂતી વચ્ચે ફ્રન્ટલાઇનની નરમાઈ અટકતાં આઇટી ઇન્ડેક્સ સુધારામાં, લાર્સન ટેક્નૉ નવા શિખરે : માથે ધિરાણનીતિ વચ્ચે બૅન્કિંગ સતત લાઇમલાઇટમાં, સ્મૉલ બૅન્કિંગના તમામ ૯ શૅર ત્રીજા દિવસેય વધીને બંધ : બીએસઈ લિમિટેડમાં નવા શિખરની હારમાળા, ફાઇનૅન્સ ક્ષેત્રે સુધારાની ચાલ આગળ વધી : આજે ટ્રસ્ટ ફીનટેક લિસ્ટિંગમાં જશે 

આગલા બંધથી ૧૪૭ પૉઇન્ટ નરમ ખૂલ્યા બાદ સેન્સેક્સ બુધવારે ૨૭ પૉઇન્ટની નહીંવત નરમાઈમાં ૭૩,૮૭૭ તથા નિફ્ટી ૧૯ પૉઇન્ટ ઘટી ૨૨,૪૩૪ બંધ રહ્યો છે. શૅર આંક નીચામાં ૭૩,૫૪૦ થયા બાદ ઉપરમાં ૭૪,૧૫૧ વટાવી ગયો હતો. રોકડું અને બ્રૉડર માર્કેટ મજબૂત રહેવાના પગલે માર્કેટ બ્રેડ્થ સારી એવી સ્ટ્રૉન્ગ રહી છે. એનએસઈમાં વધેલા ૧૬૬૭ શૅર સામે ૬૧૩ જાતો ઘટી છે. આના કારણે જ બજારનું માર્કેટ કૅપ સતત ૫મા દિવસે વધી ૧.૭૭ લાખ કરોડના નવા ઉમેરામાં ૩૯૭.૩૫ લાખ કરોડની નવી વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે. બન્ને બજારના બહુમતી સેક્ટોરલ વધ્યા છે. રિયલ્ટી ઇન્ડેક્સ તાજેતરની રઈલી બાદ પ્રૉફિટ બુકિંગના પગલે અઢી ટકા ગગડ્યો છે. લોઢાની મેક્રોટેક, ગોદરેજ પ્રૉપર્ટીઝ તથા ડીએલએ ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બન્યા છે. ઇન્ડેક્સના દસેદસ શૅર ઘટ્યા છે. પાવર અને યુટિલિટીઝ બેન્ચમાર્ક સવાથી દોઢ ટકાની મજબૂતીમાં નવી ઐતિહાસિક ટોચે બંધ થયા છે. અંબાણી સાથેની મૂડીભાગીદારીના પગલે અદાણી પાવર ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં પાંચ ટકા વધી ૬૧૮ નજીક નવી વિક્રમી સપાટીએ બંધ થયો છે. જેએસડબ્લ્યુ એનર્જી સવાસાત ટકા, વારિ રીન્યુએબલ અને આઇનોક્સ ગ્રીન ૫-૫  ટકા, રિલાયન્સ પાવર, ઓરિએન્ટ ગ્રીન અને જેપી પાવર પાંચેક ટકા ઝળક્યા છે. 

સેન્સેક્સ નિફ્ટી ખાતે શ્રીરામ ફાઇનૅન્સ પોણાચાર ટકા, એનટીપીસી બે ટકા, ટીસીએસ ૧.૭ ટકા, ઍક્સિસ બૅન્ક દોઢ ટકો, ડિવીઝ લૅબ પોણાબે ટકા વધી મોખરે હતા. નેસ્લે પોણાત્રણ ટકા, બજાજ ઑટો બે ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ પોણાબે ટકા, કોટક બૅન્ક દોઢેક ટકો નરમ હતી. રિલાયન્સ એક ટકાની નબળાઈમાં ૨૯૪૨ બંધ આપી બજારને સર્વાધિક ૯૭ પૉઇન્ટ નડી છે.

તાતા ગ્રુપના આઇટી શૅર ઝમકમાં, સરકારી બૅન્કોમાં માર્કેટ આઉટ પર્ફોર્મર 
આઇટીમાં આગામી સમય નેગેટિવ ન્યુઝ સાથે નબળો રહેવાના વરતારા વધી રહ્યા છે. નોમુરાના મતે આ વખતે માર્ચ ક્વૉર્ટરમાં અગ્રણી કે ટોચની આઇટી કંપનીઓ ત્રિમાસિક ધોરણે એકથી દોઢ ટકાનો રેવન્યુ ગ્રોથમાં ઘટાડો બતાવશે, સામે મિડ કૅપ આઇટી કંપનીઓમાં પોણાથી ચાર ટકાનો રેવન્યુ ગ્રોથમાં વધારો જોવા મળી શકે છે. ટીસીએસનાં પરિણામ ૧૨મીએ છે. શૅર તાજેતરની સુસ્તી બાદ ૧.૭ ટકા વધી ૩૯૪૭ બંધ આપી બજારને ૫૮ પૉઇન્ટ ફળ્યો છે. ટેક મહિન્દ્ર ૧.૭ ટકા, એચસીએલ ટેક્નૉ અડધો ટકો, વિપ્રો અડધો ટકો પ્લસ હતા. સામે સાઇડ શૅર રાબેતા મુજબ મજબૂત રહેતાં આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૪૭ શૅરના સથવારે પોણો ટકો કે ૨૭૬ પૉઇન્ટ બાઉન્સ થયો છે. વકરાંગી ૧૦ ટકા, ઝગલ પ્રીપેઇડ ૬.૨ ટકા, તાતા ઍલેક્સી ૩૦૩ રૂપિયા કે ચાર ટકા, તાતા ટેક્નૉલૉજિસ ૩.૯ ટકા, નેલ્કો ૩.૬ ટકા, ડેટામેટિક્સ ૪ ટકા મજબૂત હતા. લાર્સન ટેક્નો ૫૮૧૫ની ટોચે જઈ ત્રણ ટકા વધીને ૫૭૪૬ હતો. ૬૩ મૂન્સ ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં ૫ ટકા વધી ૪૪૨ વટાવી ગયો છે. વોડાફોનના શૅરધારકોએ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવા લીલી ઝંડી આપી છે. શૅર ૧૪ નજીક જઈ પોણો ટકો વધી ૧૩ ઉપર હતો. વિન્દય ટેલી સતત ત્રીજા દિવસની આગેકૂચમાં ઉપરમાં ૨૫૮૨ થઈ ૩.૨ ટકા કે ૭૯ રૂપિયા વધી ૨૫૩૬ હતો. ભારતી ઍરટેલ સવા ટકો, એમટીએનએલ ૩.૨ ટકા અને ઑન મોબાઇલ ૧૧.૮ ટકા રણક્યા હતા. 

માથે ધિરાણનીતિ વચ્ચે બૅન્કિંગમાં એકંદર સુધારાનું માનસ જળવાયેલું છે. ઉદ્યોગના ૪૧માંથી ૩૩ શૅર ગઈ કાલે વધ્યા છે. ધનલક્ષ્મી બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, યસ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, પીએનબી, સેન્ટ્રલ બૅન્ક, આઇઓબી, યુકો બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા જેવી જાતો સવાત્રણ ટકાથી માંડીને પોણાસાત ટકા જેવી મજબૂત થઈ છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના સુધારા વચ્ચે ૭૯ પૉઇન્ટ જેવો નહીંવત સુધર્યો હતો, પણ પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની હૂંફમાં પોણાબે ટકા પ્લસ થયો છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૫૦માંથી ૧૦૮ શૅર પ્લસમાં આપી અડધો ટકો સુધર્યો છે. કેપ્રિ ગ્લોબલ ૧૬.૭ ટકાની તેજીમાં ૨૩૮ હતો. એડલવીસ, આઇઆઇએફએલ સિક્યૉ, મનપ્પુરમ ફાઇ, કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ફીબીમ, સેન્ટ્રલ કૅપિટલ, ફાઇવ પૈસા કૅપિટલ, ટ્રુકૅપ  ફાઇ, અભાન હોલ્ડિંગ્સ પાંચથી સાડાદસ ટકા ઊંચકાઈ હતી. બીએસઈનો શૅર તેજીની આગેકૂચમાં ૨૮૮૦ વટાવી ૩.૮ ટકા વધી ૨૮૬૧ના બેસ્ટ લેવલે બંધ રહ્યો છે. પૉલિસી બાઝાર બે ટકા પ્લસ તો પેટીએમ ૧.૩ ટકા નરમ હતો. 

કોચીન શિપયાર્ડ નવા શિખરે, તાતા ઇન્વેસ્ટમેન્ટ સતત ઉપલી સર્કિટમાં 
જિયોપૉલિટિકલ ટેન્શનમાં વધારા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા અને નિકાસ પર સરકારના ફોક્સના પગલે શિપ બલ્ડિંગ અને એને લગતા બિઝનેસમાં પ્રવૃત્ત કંપનીઓની ઑર્ડર બુક તગડી બની રહી છે. વિકાસના સંજોગો ઊજળા થયા છે. આવી થીમ કામે લાગતાં શિપ બિલ્ડિંગ શૅરોમાં નવેસરથી આકર્ષણ જામ્યું છે. ગઈ કાલે માઝગાવ ડૉક સાડાત્રણ ટકા કામકાજે ઉપરમાં ૨૨૫૦ બતાવી ૧૨ ટકા કે ૨૪૦ રૂપિયાની તેજીમાં ૨૨૩૫, કોચીન શિપયાર્ડ ૧૦૮૫ની વિક્રમી સપાટી દેખાડી ૯ ટકાના ઉછાળે ૧૦૭૩ તથા ગાર્ડન રિચશિપ બિલ્ડર્સ પાંચ ગણા વૉલ્યુમે ૯૦૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૬.૮ ટકાના જમ્પમાં ૮૮૧ બંધ રહ્યો છે. હરિયાણા શિપબ્રેકર્સ ૫.૩ ટકા વધી ૯૬ હતી. ઍરોસ્પેસ તેમ જ ડિફેન્સ ક્ષેત્રે કાર્યરત સિકા ઇન્ટરપ્લાન્ટ સિસ્ટમ્સ ૧૯૮૪ના શિખરે જઈ સવાપાંચ ટકા કે ૧૩૩ રૂપિયાના જોરમાં ૧૯૩૯ થઈ છે. ઝેન ટેક્નૉલૉજિસ ૫ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૪૨ની ટૉપ બનાવી ૧૦૧૪ હતી. પારસ ડિફેન્સ ૬.૨ ટકા અને નાઇબ લિમિટેડ જે અગાઉ કવિતા ફેબ્રિક્સ તરીકે ઓળખાતી હતી, એ તેજીની સર્કિટમાં ૫ ટકા વધી છે. અપોલો માઇક્રોસિસ્ટમ્સ ૪.૮ ટકા ઊંચકાઈ ૧૧૦ હતી. 

ગોપાલ સ્નૅક્સ દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૪૪ ટકાના ઘટાડે ૧૮ કરોડની અંદરનો નેટ પ્રૉફિટ દર્શાવાતાં ભાવ દોઢા વૉલ્યુમે ૩૪૧ની અંદર ઑલટાઇમ તળિયે જઈ બે ટકા બગડી ૩૫૨ થયો છો. રાજકોટની આ કંપની માર્ચ મહિનામાં એક રૂપિયાના શૅરદીઠ ૪૦૧ના ભાવથી ૬૫૦ કરોડનો ઇશ્યુ લાવી હતી. અમે ત્યારે કહેલું એમ રસકસ વગરની આ કંપનીમાં રોકાણ ખોટનો સોદો પુરવાર થયું છે. ૪૦૧ની ઇશ્યુ પ્રાઇસ ક્યારેય દેખાઈ નથી. જેનસોલ એન્જિનિયરિંગ દ્વારા ૨૦૨૩-૨૪ના વર્ષે ૧૪૧ ટકાના વધારામાં ૯૬૦ કરોડની આવક મળી હોવાની જાહેરાત આવતાં ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો છે.  

પુનિત ગોએન્કાના વેતનકાપને ઝી એન્ટરના શૅરનો મોળો પ્રતિસાદ 
ગોલ્ડમૅન સાક્સ તરફથી સામી હોટેલ્સમાંનો ૭.૮ ટકા કે ૧૭૦ લાખ શૅરનો સમગ્ર હિસ્સો બલ્ક ડીલ મારફત શૅરદીઠ ૨૦૧ની અંદરના ભાવે વેચી રોકડી કરી લેવાઈ છે. મજાની વાત એ છે કે તેણે પોતે બધો માલ વેચીને એક્ઝિટ લીધી છે અને આ શૅર તેની ક્લાયન્ટને પધરાવી દીધા છે. શૅર ગઈ કાલે એકાદ ટકો સુધીને ૨૦૭ બંધ થયો છે. ઝી એન્ટરના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર પુનિત ગોએન્કાએ કંપનીના હિતમાં ચાલુ વર્ષ માટે ૨૦ ટકાનો વેતનકાપ સ્વૈચ્છિક ધોરણે સ્વીકાર્યો છે. ઝી એન્ટરનો શૅર નહીંવત સુધારામાં ૧૫૪ નજીક બંધ રહ્યો છે. બાય ધ વે, પુનિત ગોએન્કા વર્ષે દહાડે ૩૫ કરોડ રૂપિયાનું પૅકેજ લે છે. કંપનીમાં ઝી ગ્રુપનો હિસ્સો માંડ ચાર ટકાય નથી, છતાં પુનિત ગોએન્કા વર્ષોથી સીએમડી બનીને જલસા કરે છે. આ ભાઈ સુભાષ ગોએલનો દીકરો ન હોત તો ૩૫ કરોડ તો જવા દો, બજારમાં કોઈ પાંચ લાખ પણ આપત કે કેમ એ સવાલ છે. ગેરમાર્ગે દોરનારી ભ્રામક અને ખોટી જાહેરાતો કરી ધંધો કરનાર પતંજલિ ફૂડ્સ તથા એના સૂત્રધારો સામે સુપ્રીમ કોર્ટ ભારે આકરા પાણીએ થતાં બાબા રામદેવે કોર્ટમાં હાજરી પુરાવી માફી માગી લીધી છે, પણ સુપ્રીમ કોર્ટને કેવળ માફી મંજૂર નથી. અમે કશું ખોટું કર્યું નથી. ખોટુ કર્યું હોય તો પુરવાર કરો, ૧૦૦૦ કરોડનો દંડ ફટકારો, જેલમાં મોકલી દો એવી રામદેવની ફિશિયારી હવામાં ઓગળી ગઈ છે. પતંજલિ ફૂડ્સનો શૅર ગઈ કાલે અડધો ટકો ઘટીને ૧૩૯૧ બંધ રહ્યો છે. સોમ ડિસ્ટિલિયરીઝ દ્વારા પાંચના શૅરનું બે રૂપિયામાં વિભાજન નક્કી કરાયું છે. શૅર સવા ટકાની નરમાઈમાં ૨૮૮ નજીક બંધ આવ્યો છે. ડીમર્જરની યોજના પાછળ આગલા દિવસે સાડાઅગિયાર ટકા ઊછળેલી આદિત્ય બિરલા ફૅશન્સ ગઈ કાલે સાધારણ સુધારામાં ૨૩૭ રહી છે.  

ભારતી હેક્સાકોનમાં પ્રીમિયમ વધ્યું, એસઆરએમ કૉન્ટ્રૅક્ટર્સનું નબળું લિસ્ટિંગ 
ભારતી હેક્સાકોમનો ૫ના શૅરદીઠ ૫૭૦ની અપર બેન્ડ સાથે ૪૨૭૫ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ બુધવારે પ્રથમ દિવસે કુલ ૩૪ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ આગલી રાત્રે બાવન થયા બાદ હાલ ૬૫ છે. આ કંપનીમાં ૭૦ ટકા હોલ્ડિંગ ધરાવતી ભારતી ઍરટેલ ગઈ કાલે  સવા ટકાના સુધારે ૧૨૨૩ રહી છે. ગઈ કાલે કુલ ૫ નવાં ભરણાં લિસ્ટેડ થયાં હતાં. મેઇન બોર્ડની એસઆરએમ કૉન્ટ્રૅક્ટર્સ ૧૦ના શૅરદીઠ ૨૧૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૭૦ના પ્રીમિયમ સામે ૨૨૫ ખૂલી ૨૩૬ બંધ થતાં અત્રે સાડાબાર ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. એસએમઈ સેગમેન્ટની ભાવનગર ખાતેની જીકનેક્ટ લૉજિટેક ૧૦ના શૅરદીઠ ૪૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૯ના પ્રીમિયમ સામે ૪૨ ખૂલી ૪૪ બંધ રહેતાં એમાં ૧૦ ટકાના લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. નવી દિલ્હી ખાતેની એસ્પાયર ઇનોવેટિવ ઍડ્વર્ટાઇઝિંગ ૧૦ના શૅર સામે ૫૪ની ઇશ્યુ પ્રાઇસ અને ૪ના પ્રીમિયમ સામે ૫૬ ખૂલી ૫૯ બંધ થતાં એમાં પોણાદસ ટકા જેવું રિટર્ન મળ્યું છે. મુંબઈના અંધેરી-વેસ્ટની ૧૦ના શૅરદીઠ ૧૬૮ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૫ના ગ્રે માર્કેટમાં પ્રીમિયમવાળી બ્લુ પેબલ ગઈ કાલે ૧૯૯ ખૂલી ૨૦૯ બંધ આવી છે. એમાં શૅરદીઠ ૪૧ રૂપિયા કે ૨૪.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. મુંબઈ ખાતે વિલે પાર્લે-વેસ્ટની વૃદ્ધિ એન્જિનિયરિંગ વર્ક્સ શૅરદીઠ ૭૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૭૧ ખૂલી ૭૪ ઉપર બંધ થતાં એમાં સાડાછ ટકાનું રિટર્ન મળેલ છે. અહીં ગ્રે માર્કેટમાં પહેલેથી કામકાજ નહોતું. ગુરુવારે નાગપુરની ટ્રસ્ટ ફીનટેકનું લિસ્ટિંગ છે. અહીં ૧૦ના શૅરદીઠ ૧૦૧ની ઇશ્યુ પ્રાઇસ સામે હાલ બાવનનું પ્રીમિયમ બોલાય છે. આગલા દિવસે ૩૩ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૧૯ નીચે બંધ રહેલી નમન ઇન-સ્ટોર ગઈ કાલે પાંચ ટકાની મંદીની અંદર બંધ રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2024 06:56 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK