Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રિલાયન્સ અને પ્રાઇવેટ બૅન્કોના જોરમાં બજાર ૮૬૨ પૉઇન્ટ ઊછળી ‘૮૩’ની પાર

રિલાયન્સ અને પ્રાઇવેટ બૅન્કોના જોરમાં બજાર ૮૬૨ પૉઇન્ટ ઊછળી ‘૮૩’ની પાર

Published : 17 October, 2025 09:11 AM | IST | Mumbai
Anil Patel

એટર્નલ આવકમાં ૧૮૩ ટકાના વધારા વચ્ચે નફો ૬૩ ટકા ગગડતાં નવા ટૉપથી ઘટાડામાં બંધ રહી: સ્ટેટ બૅન્ક નવી વિક્રમી સપાટી બનાવી ફ્લૅટ બંધ : પરિણામ પૂર્વે રિલાયન્સ જોરમાં રહેતાં બજારને ૧૩૩ પૉઇન્ટનો ફાયદો : બજાજ ફાઇનૅન્સમાં નવા શિખરની હારમાળા

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. શૅરઇન્ડિયા જંગી વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં, ઓલા ઇલેક્ટ્રિક પાંચ ટકાની તેજીમાં
  2. તાતા કમ્યુનિકેશન્સ તથા Paytm નવી ટૉપ હાંસલ કરી ઢીલી પડી ગઈ
  3. તાતા કૅપિટલ અને વીવર્ક ઇન્ડિયા નવી ઊંચી સપાટીએ

ટ્રમ્પની ટૅરિફને લઈને રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે આ મામલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ સંદર્ભે હમણાં જ જાહેર થયેલા વિદેશવેપારના આંકડા ઘણું કહી જાય છે. સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે સપ્ટેમ્બરમાં દેશની નિકાસ પોણાસાત ટકા વધીને ૩૬૩૮ કરોડ ડૉલર થઈ છે. સામે આયાત પોણાસત્તર ટકાના દરે વધીને ૬૮૫૩ કરોડ ડૉલરે પહોંચતાં વેપારખાધ ૨૪૬૫ કરોડ ડૉલર થઈ છે, જે ૧૩ મહિનાની ટોચ છે. ટ્રમ્પની ઍડિશનલ ટૅરિફ પછી ૫૦ ટકાની જકાત ૨૭ ઑગસ્ટથી અમલી બની હતી. આ ધોરણે સપ્ટેમ્બર મહિનો ટ્રમ્પના ટૅરિફની સંપૂર્ણ અસરનો પ્રથમ મહિનો કહી શકાય. આ ગાળામાં દેશની અમેરિકાની નિકાસ ૫૪૩ કરોડ રહી છે જે ઑગસ્ટના ૬૮૭ કરોડ ડૉલરના મુકાબલે ૨૧ ટકાનો ઘટાડો બતાવે છે. સામે અમરેકાથી થતી આયાત સાડાદસ ટકા વધીને ૩૯૮ કરોડ ડૉલર નોંધાઈ છે. આ સાથે ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં ભારતની કુલ નિકાસ ત્રણ ટકા વધીને ૨૨૦ અબજ ડૉલર થઈ છે. આયાત સાડાચાર ટકા વધી ૩૭૫ અબજ ડૉલરને વટાવી ગઈ છે. બાય ધ વે, ચાઇનાએ સપ્ટેમ્બર મહિનામાં ૮.૩ ટકાના વૃદ્ધિદરથી ૩૨૮૫૦ કરોડ ડૉલરની નિકાસ કરી છે. અમેરિકા ખાતે એની નિકાસ ૩૩ ટકા ઘટવા છતાં આટલી વૃદ્ધિ નોંધાઈ છે. બીજું, અમેરિકામાં આપણી નિકાસ છેલ્લા બે મહિનાથી ઘટી છે, પણ ચાઇનાના કેસમાં એ સળંગ ૬ મહિનાથી સતત ઘટી રહી છે. આપણે ૯-૧૦ મહિનામાં નથી કરી શકતા એટલી નિકાસ-કમાણી ચીન માત્ર એક મહિનામાં કરી લે છે.

દરમ્યાન એશિયન બજારોમાં સુધારો આગળ વધ્યો છે. જૅપનીઝ નિક્કી સવા ટકો વધી ૪૮૨૬૮ના બેસ્ટ લેવલે બંધ હતો. તાઇવાન દોઢેક ટકો વધીને ૨૭૬૪૮ તો સાઉથ કોરિયા અઢી ટકાની તેજીમાં ૩૭૪૮ના શિખરે પહોંચ્યું છે. ઇન્ડોનેશિયા પોણો ટકો, ચાઇના નહીંવત્, થાઇલૅન્ડ સાધારણ ગઈ કાલે પ્લસ હતું. હૉન્ગકૉન્ગ નજીવું અને સિંગાપોર સામાન્ય ઘટાડે બંધ થયું છે. યુરોપ રનિંગમાં સામાન્ય સુધારામાં દેખાયું છે. બિટકૉઇન ૧૧૦૯૮૬ ડૉલરે ફ્લૅટ ચાલતો હતો. હાજર સોનું નવા ટૉપ સાથે ૪૨૫૦ ડૉલર થવાની તૈયારીમાં છે. કૉમેક્સ સિલ્વર એક ટકો વધીને બાવન ડૉલર નજીક જોવા મળી છે.



ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૯૦ પૉઇન્ટ ઉપર, ૮૨૭૯૫ ખૂલી મજબૂત વલણમાં ૮૬૨ પૉઇન્ટ વધી ૮૩૪૬૮ નજીક તથા નિફ્ટી ૨૬૨ પૉઇન્ટની આગેકૂચમાં ૨૫૫૮૫ બંધ આવ્યો છે. શૅરઆંક નીચામાં ૮૨૭૯૧ તથા ઉપરમાં ૮૨૬૧૫ થયો હતો. નિફ્ટીમાં ૨૫૬૨૫ની ઇન્ટ્રા-ડે ટૉપ બની છે. એની ઑલટાઇમ હાઈ ૨૬૨૭૭ની છે. સેન્સેક્સ નિફ્ટીની એક ટકા જેવી આગેકૂચ સામે ગઈ કાલે રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૯ ટકા, FMCG બેન્ચમાર્ક પોણાબે ટકા, ઑટો ઇન્ડેક્સ ૧.૨ ટકા, કન્ઝ્‍યુમર ડ્યુરેબલ્સ દોઢ ટકો વધ્યો છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ એની ૧૨૯૫૯ની ઑલટાઇમ હાઈને ભેદી ૧૨૯૭૮ની નવી ટોચે જઈ પોણો ટકો વધી ૧૨૯૫૯ રહ્યો છે. PSU બૅન્ક નિફ્ટી ૭૭૭૪ની વિક્રમી સપાટી નોંધાવી સાધારણ ઘટી ૭૬૮૯ હતો. બૅન્ક નિફ્ટી ૧.૧ ટકા કે ૬૨૩ પૉઇન્ટ અપ હતો. આઇટી બેન્ચમાર્ક ૧૧૫ જેવો સામાન્ય સુધર્યો છે. મજબૂત માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૬૫૭ શૅરની સામે ૧૧૭૦ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૩.૧૭ લાખ કરોડના ઉમેરામાં ૪૬૬.૯૫ લાખ કરોડ રૂપિયા થયું છે. 


રુબીકૉનમાં ૨૯ ટકા અને કૅનેરા રોબેકોમાં ૧૩ ટકા લિસ્ટિંગ ગેઇન

કૅનેરા રોબેકો ઍસેટ મૅનેજમેન્ટ ૧૦ના શૅરદીઠ ૨૬૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૩૫થી શરૂ થઈ છેલ્લે ૨૦ રહેલા પ્રીમિયમ સામે ગઈ કાલે ૨૮૦ ખૂલી ઉપરમાં ૩૧૮ બતાવી ૩૦૦ બંધ રહેતાં એમાં ૧૨.૯ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. થાણેની રુબીકૉન રિસર્ચ એકના શૅરદીઠ ૪૮૫ની ઇશ્યુ પ્રાઇસ અને ૬૦થી શરૂ થયા બાદ વધતો રહી ૧૨૦ થઈ ગયેલા પ્રીમિયમ સામે ૬૨૦ ખૂલી ઉપરમાં ૬૩૬ વટાવી ૬૨૭ બંધ રહેતાં ૨૯ ટકા કે શૅરદીઠ ૧૪૨ રૂપિયા લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે હવે આજે શુક્રવારે કૅનેરા HSBC લાઇફ ઇન્શ્યૉરન્સ તેમ જ SME સેગમેન્ટમાં એસ. કે. મિનરલ્સ, સિહોરા ઇન્ડસ્ટ્રીઝ અને શ્લોકા ડાઇઝ લિસ્ટેડ થવાની છે. હાલ કૅનેરા HSBCમાં ગ્રેમાર્કેટ ખાતે ૪નું પ્રીમિયમ છે.


દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલી LG ઇલેક્ટ્રિક ગઈ કાલે ઉપરમાં ૧૭૦૫ થયા બાદ અંતે એક ટકો ઘટીને ૧૬૭૧ બંધ થઈ છે. તાતા કૅપિટલ ૩૩૬ની નવી ટૉપ બનાવી ૧.૭ ટકાની આગેકૂચમાં ૩૩૫ હતી. વીવર્ક ઇન્ડિયા પણ ૬૫૫ નજીક બેસ્ટ લેવલ નોંધાવી અઢી ટકા વધી ૬૩૭ રહી છે. હૈદરાબાદી મિડવેસ્ટનો પાંચના શૅરદીઠ ૧૦૬૫ની અપરબૅન્ડવાળો ૪૫૧ કરોડનો ઇશ્યુ શુક્રવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૧૨.૨ ગણું છલકાઈ ગયું છે. પ્રીમિયમ સુધરીને ૧૮૦ થયું છે.

આગલા દિવસે નવ ટકાના કડાકામાં એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બનેલી તાતા ઇન્વેસ્ટમેન્ટ ગઈ કાલે વધુ ૩.૭ ટકા ગગડી ૯૦૭ બંધ આવી છે. MCX તાજેતરની તેજી બાદ નીચામાં ૯૨૭૫ બતાવી ૨.૨ ટકા ઘટી ૯૩૨૯ હતી. સામે BSE લિમિટેડ સવાબે ટકા વધી ૨૫૦૯ થઈ છે. HDFC બૅન્કની ૭૪ ટકા માલિકીની સબસિડિયરી HDB ફાઇનૅન્શિયલનો નફો દોઢ ટકો ઘટી ૫૮૧ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૭૩૩ થઈ પોણા ટકાની નરમાઈમાં ૭૩૭ હતો. કંપનીનો ઇશ્યુ જૂનમાં શૅરદીઠ ૭૪૦ના ભાવે આવ્યો હતો. તાતા કમ્યુનિકેશન્સ ૨૦૦૪ના શિખરે જઈ પ્રૉફિટ બુકિંગમાં ૧૯૦૮ બતાવી અડધો ટકો ઘટી ૧૯૪૭ રહી છે. 

નેસ્લેનો ત્રિમાસિક નફો ૨૩.૭ ટકા ઘટવા છતાં શૅરમાં ઝમક આવી

HDFC અને ICICI બૅન્કનાં પરિણામ ૧૮મીએ છે. ગઈ કાલે HDFC બૅન્ક દોઢ ટકો વધી ૯૯૪ તથા ICICI બૅન્ક ૧.૩ ટકા વધી ૧૪૧૭ બંધ થતાં બજારને અનુક્રમે ૧૯૩ પૉઇન્ટ અને ૧૧૩ પૉઇન્ટ મળ્યા હતા. પરિણામ ધારણા કરતાં નબળાં રહ્યાં હોવા છતાં ઍક્સિસ બૅન્ક બે ટકા વધી ૧૧૯૩ બંધ થઈ છે. કોટક બૅન્કનાં રિઝલ્ટ ૨૫ ઑક્ટોબરે છે, એ ૨.૭ ટકા વધી ૨૨૦૬ હતી. સ્ટેટ બૅન્ક ૮૯૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૮૮૭માં ફ્લૅટ બંધ રહી છે. નેસ્લે ઇન્ડિયાએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૩.૪ ટકાના ઘટાડામાં ૭૫૩ કરોડ નેટ નફો કર્યો છે. ધારણા ૭૬૨ કરોડની હતી. માર્જિન સવા ટકો ઘટી ૨૧.૯ ટકા આવ્યું છે. જોકે આવક સાડાદસ ટકા વધીને ૫૬૪૩ કરોડ આવી છે જે ૫૩૫૦ કરોડની અપેક્ષા કરતાં વધુ છે. વૉલ્યુમ ગ્રોથની થીમમાં શૅર નબળા પરિણામ છતાં ૧૨૮૩ની વર્ષની ટૉપ બનાવી સાડાચાર ટકાની મજબૂતીમાં ૧૨૭૬ બંધ આપી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. ટાઇટનનાં પરિણામ ૩ નવેમ્બરે છે. શૅર ફેસ્ટિવલ સીઝન મજેદાર રહી હોવાની ગણતરીમાં ઉપરમાં ૩૬૫૨ બતાવી ૨.૬ ટકા વધી ૩૬૪૨ બંધમાં સેન્સેક્સ ખાતે ઝળક્યો છે.

ઇન્ફોસિસ પરિણામ પૂર્વે ઉપરમાં ૧૪૮૫ અને નીચામાં ૧૪૬૦ થઈ ૧૪૭૩ નજીક ફ્લૅટ રહ્યા છે. વિપ્રો રિઝલ્ટ પૂર્વે દોઢેક ટકાની આગેકૂચમાં ૨૫૪ હતો. HCL ટેક્નો સવા ટકો પ્લસ થયો છે. TCS યથાવત્ હતી. ટેક મહિન્દ્ર સાધારણ સુધરી છે. અન્ય કાઉન્ટર્સમાં તાતા કન્ઝ્‍યુમર ૩.૧ ટકા, અદાણી પોર્ટ્સ બે ટકા, મહિન્દ્ર ૧.૮ ટકા, હિન્દાલ્કો બે ટકા, બજાજ ઑટો પોણાબે ટકા, ગ્રાસ‌િમ દોઢ ટકો, આઇશર એક ટકો, તાતા મોટર્સ ૧.૬ ટકા, મૅક્સ હેલ્થકૅર ૧.૭ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર દોઢ ટકો, ટ્રેન્ટ દોઢ ટકો, એશિયન પેઇન્ટ્સ ૧.૪ ટકા, ITC સવા ટકો પ્લસ હતી. બજાજ ફાઇનૅન્સ ૧.૪ ટકા પ્લસ હતી. બજાજ ફાઇનૅન્સ ૧૦૮૧ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી અડધો ટકો વધી ૧૦૬૪ રહી છે. એટર્નલે પરિણામ પૂર્વે ૩૬૮ની નવી વિક્રમી સપાટી દેખાડી હતી. છેલ્લે ૧.૭ ટકા ઘટી બંધ આવી છે. એની હરીફ સ્વ‌િગી દોઢ ટકો ઊંચકાઈ ૪૪૯ હતી. HDFC લાઇફ ૨.૪ ટકા બગડી નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બની છે. SBI લાઇફ ૦.૩ ટકા માઇનસ હતી. શ્રીરામ ફાઇનૅન્સ પોણો ટકો નજીક ઢીલી થઈ છે. 

પરિણામ પૂર્વે રિલાયન્સ ૧.૭ ટકો વધીને બંધ રહી

માર્કેટલીડર ગણાતી રિલાયન્સનાં પરિણામ આજે છે. રિઝલ્ટ રાબેતા મુજબ મોડી સાંજે આવશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૪૦૦ અને નીચામાં ૧૩૭૫ બતાવી ૧.૭ ટકા વધી ૧૩૯૮ બંધ થયો છે. કંપનીએ માર્ચ ક્વૉર્ટરમાં ૩૦૬૮૧ કરોડનો તથા ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૯૧૦૧ કરોડ ચોખ્ખો નફો કર્યો હતો. આવક અનુક્રમે ૨.૪૩ લાખ કરોડ તથા ૨.૩૧ લાખ કરોડથી વધુની રહી હતી. આ વખતે નોમુરાવાળા ૧૮૦૮૦ કરોડ, જેએમ ફાઇનૅન્સવાળા ૧૮૩૮૫ કરોડ, કોટક ઇન્સ્ટિટ્યુશનવાળા ૨૧૪૫૭ કરોડના નેટ પ્રૉફિટની ધારણા મૂકે છે. આવક ૨.૫૦ લાખ કરોડથી માંડી ૨.૫૮ લાખ કરોડની રેન્જમાં રહેવાનું અનુમાન છે. ૨૦૨૪ની ૮ જુલાઈએ ભાવ ૧૬૦૯ નજીક ઑલટાઇમ હાઈ થયો હતો. આ શૅર છેલ્લા એક સપ્તાહ દરમ્યાન દોઢ ટકો સુધર્યો છે. જ્યારે એક મહિનામાં અહીં અડધા ટકાનું અને ત્રણ મહિનામાં ૫.૯ ટકાનું નેગેટિવ રિટર્ન મળ્યું છે. ચાલુ કૅલેન્ડર વર્ષમાં ૧૫ ટકા વળતર આપનાર આ શૅર વર્ષની રીતે માત્ર ૩.૩ ટકા જ વધ્યો છે.

રિલાયન્સની ૪૭.૧ ટકા માલિકીની સબસિડિયરી જિયો ફાઇનૅન્શિયલ ગઈ કાલે સારા એવા વૉલ્યુમે ઉપરમાં ૩૧૪ અને નીચામાં ૩૧૦ થઈ નહીંવત્ ઘટીને ૩૧૨ રહ્યો છે. કંપનીનાં પરિણામ બજાર બંધ થયા પછી હતાં. રિલાયન્સની ૪૫.૪ ટકા માલિકીની અન્ય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રાએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં નહીંવત્ ઘટાડા સાથે ૧૮૧૩ લાખની આવક પર ૩૦૬ લાખ નેટ નફો કર્યો છે. શૅર ગઈ કાલે ૦.૪ ટકા વધી ૯૧૦ બંધ હતો. મુકેશ અંબાણી ગ્રુપના અન્ય શૅરમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ ૨.૭ ટકા વધી ૧૮, લોટસ ચૉકલેટ નજીવી સુધરી ૧૦૦૨, સ્ટર્લિંગ-વિલ્સન નહીંવત્ ઘટી ૨૪૩, જસ્ટ ડાયલ અડધો ટકો ઘટી ૮૦૨, ડૅન નેટવર્ક્સ નજીવા સુધારે ૩૩ નેટવર્ક18 નહીંવત્ત ઘટાડે ૫૧ ઉપર, હેથવેકેબલ ૧.૯ ટકા ઘટી ૧૩.૭૦ બંધ રહી છે. 

MRPL ખોટમાંથી ૯૭૫ કરોડનો નફો કરવા છતાં સાધારણ સુધરી

શૅરઇન્ડિયા બાવન ગણા જંગી કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૭૯ વટાવી ત્યાં જ બંધ આપી એ-ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બની છે. BLS ઇન્ટરનૅશનલ તાજેતરની ખરાબી બાદ ૧૨ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૩૨ નજીક જઈ ૧૬.૬ ટકા ઊછળી ૩૨૫ થઈ છે. વારિ રિન્યુએબલ ૧૦.૮ ટકા કે ૧૨૮ રૂપિયા, ગરવારે હાઈ-ટેક ફિલ્મ્સ ૬.૭ ટકા કે ૨૦૩ રૂપિયા અને ગોકળદાસ એક્સપોર્ટ્સ ૭.૮ ટકા મજબૂત બની છે. સામે KEI ઇન્ડસ્ટ્રીઝ આઠ ગણા વૉલ્યુમે નીચામાં ૪૦૩૩ દેખાડી ૫.૬ ટકા કે ૨૪૮ રૂપિયા ગગડી ૪૧૭૫ બંધમાં એ-ગ્રુપ ખાતે ખરડાઈ છે. નેટવેબ ટેક્નૉલૉજીઝ ચાર ટકા કે ૧૬૨ રૂપિયા, અનંતરાજ સાડાચાર ટકા અને ભારત બિજલી ૩.૮ ટકા કે ૧૨૩ રૂપિયા ડૂલ થઈ છે.

ઓલા ઇલેક્ટ્ર‌િક દ્વારા ઓલા શક્તિ બ્રૅન્ડનેમથી બૅટરી એનર્જી સ્ટોરેજ સેગમેન્ટમાં પદાર્પણ થતાં ભાવ પાંચ ટકા નીચલી સર્કિટમાં ૫૫ ઉપર બંધ હતો. ઝોમાટો ફેમ એટર્નલે ૧૮૩ ટકાના વધારામાં ૧૩૫૯૦ કરોડની આવક પર ૬૩ ટકાના ગાબડામાં ૬૫ કરોડ નેટ નફો કરતાં ભાવ ૩૬૮ની સર્વોચ્ચ સપાટીથી ગગડી ૩૩૮ થઈ ૧.૭ ટકા ઘટી ૩૪૮ બંધ આવ્યો છે. બજારની ધારણા ૧૦૮ કરોડના નફાની હતી. Paytm ત્રણ ગણા વૉલ્યુમે ૧૩૦૫ની ઐતિહાસિક ટોચે જઈ સાધારણ નબળાઈમાં ૧૨૭૩ થયો છે. રિઝલ્ટ ૪ નવેમ્બરે આવશે.

MRPL દ્વારા ૪૦૩ કરોડની નેટલૉસ સામે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૯૭૫ કરોડ નજીકનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. આવક ૨૪ ટકા વધી ૨૬૦૨૯ કરોડ થઈ છે. શૅર સાડાચાર ગણા કામકાજે ૧૫૪ વટાવી અંતે પોણો ટકો સુધરી ૧૪૩ થયો છે.

બંધ બજારે ઇન્ફીનાં બહેતર પરિણામ

ઇન્ફોસિસે બજાર બંધ થયા પછી સાડાઆઠ ટકાના વધારામાં ૪૪૪૯૦ કરોડની આવક પર સવાતેર ટકા જેવા વૃદ્ધિદરથી ૭૩૬૪ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવી શૅરદીઠ ૨૩ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. કંપનીએ અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે પણ ૨થી ૩ ટકા વધારાનું રેવન્યુ ગાઇડન્સ‌િસ જાળવી રાખ્યું છે. બજારના પંડિતોની એકંદર ધારણા ૪૩૯૨૯ કરોડની આવક તથા ૭૨૦૧ કરોડના નેટ પ્રૉફિટની હતી.

વિપ્રોએ બંધ બજારે પોણાબે ટકાના વધારામાં ૨૨૬૯૭ કરોડની આવક મેળવી છે. નેટ નફો સાધારણ વધી ૩૨૪૬ કરોડ થયો છે. લાર્સન માઇન્ડ ટ્રી કે લાટિમે ૧૦૨૬૪ કરોડની ધારણા સામે ૧૦૩૯૪ કરોડની આવક પર ૧૨૮૩ કરોડની અપેક્ષા કરતાં વધુ ૧૪૦૧ કરોડ ચોખ્ખો નફો બતાવ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2025 09:11 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK