વેનેઝુએલા પછી ટ્રમ્પ કોનો ખેલ પાડશે એને લઈને બજારમાં સટ્ટાની થયેલી શરૂઆત : થંગમયિલ જ્વેલરી ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં જંગી વૉલ્યુમ સાથે ૩૪૮ રૂપિયા ઊછળીને નવી ટોચે : સતત ખોટ કરતી શ્રી અધિકારી બ્રધર્સ શૅરવિભાજનની જાહેરાતમાં વર્ષની નવી ઊંચી સપાટીએ : સારા
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- સારા રિઝલ્ટની હવામાં તાતા ઍલેક્સીમાં ૫૦૮ રૂપિયાની તેજી, બજાજ ઑટો અને આઇશરમાં નવી ટૉપ
- ડિક્સન ટેક્નૉલૉજીઝ તથા કાયનેસ ટેક્નૉલૉજીઝ નવા નીચા ભાવ દેખાડી પ્લસમાં બંધ
- પીએસયુ બૅન્ક નિફ્ટીમાં ૭ દિવસની રૅલીને બ્રેક લાગી, મેટલ ઇન્ડેક્સ નજીવો વધ્યો
વેનેઝુએલા લીધા પછી ટ્રમ્પ હવે ગ્રીનલૅન્ડ લેવાની ઉતાવળમાં છે. જરૂર પડ્યે લશ્કરી પગલાં લઈને પણ ટ્રમ્પ ગ્રીનલૅન્ડ કબજે કરવા માગે છે. કોલંબિયા, ક્યુબા તેમ જ ઈરાન સુધ્ધાં ટ્રમ્પના રડારમાં હોવાની ચર્ચા છે. વેનેઝુએલા પછી ટ્રમ્પ કોનો વારો કાઢશે એને લઈને સટ્ટાબજારમાં બેટિંગ શરૂ થઈ ગયું છે. બાય ધ વે, વેનેઝુએલામાંથી તત્કાલીન રાષ્ટ્રપતિ માદુરોનો ખેલ ટ્રમ્પ જાન્યુઆરી પૂરો થાય ત્યાં સુધીમાં પાડી દેશે એ મામલે સટ્ટો ખેલીને કોઈકે ૪ લાખ ડૉલર કમાઈ લીધા હોવાના અહેવાલ છે. આ વ્યક્તિ કોણ છે એની ખબર હજી પડી નથી. દરમ્યાન માદુરોની ધરપકડ પછી ટ્રમ્પે વેનેઝુએલાની નવી વચગાળાની સરકારને ત્રણથી પાંચ કરોડ બેરલ હાઈ ક્વૉલિટીનું ક્રૂડ અમેરિકા મોકલી આપવા ફરમાન કર્યું છે. આ ક્રૂડ બજાર ભાવે વેચી એમાંથી મળનારા ભંડોળનો ઉપયોગ ટ્રમ્પ તેમની મરજી પ્રમાણે વેનેઝુએલા અને અમેરિકન લોકોના લાભાર્થે કરવા માગે છે. બીટ્વીન ધ લાઇન કહીએ તો ટ્રમ્પ આશરે પોણાત્રણસો કરોડ ડૉલરના ક્રૂડનો ઉપયોગ ભાવોની ઊથલપાથલ કરી સટ્ટાકીય પ્રવૃત્તિથી ઘણી બધી કમાણી આડા હાથે કરી લેવા ધારે છે. અમેરિકન શૅરબજારનો ડાઉ ઇન્ડેક્સ મંગળવારની રાત્રે ૪૯,૫૧૦ની ઑલટાઇમ હાઈ બનાવી એક ટકો વધી ૪૯,૪૬૨ બંધ થયો છે. એનો જશ પણ ટ્રમ્પે પોતે લીધો છે. એશિયન બજાર બે દિવસની મજબૂતી બાદ ગઈ કાલે બુધવારે મિશ્રવલણમાં હતાં. સાઉથ કોરિયા અને થાઇલૅન્ડ અડધો ટકો, સિંગાપોર, ઇન્ડોનેશિયા તથા ચાઇના નહીંવત પ્લસ હતા. જપાન અને હૉન્ગકૉન્ગ એક ટકો તો તાઇવાન અડધા ટકો ઘટ્યું છે. યુરોપ રનિંગમાં બહુધા અડધા ટકા સુધી નરમ હતું. જર્મન ડેક્સ પોણો ટકો વધી ૨૫,૦૦૦ની પાર નવી ટોચે ગયો છે. બિટકૉઇન સવાબે ટકા ઘટી ૯૧,૫૯૦ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટક્રૂડ ઘટી ૬૦ ડૉલર પ્લસ થઈ ગયું છે. સોનું અડધાથી પોણો ટકો અને ચાંદી સવાબે ટકા નરમ પડી ગયું છે. પાકિસ્તાની શૅરબજાર ૧,૮૭,૦૧૫ની નવી વિક્રમી સપાટી બતાવી રનિંગમાં ૧૭૩૨ પૉઇન્ટ વધી ૧,૮૬,૭૯૪ દેખાતું હતું.
ઘરઆંગણે બજાર વધુ ઘસાયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૪૪૩ પૉઇન્ટ માઇનસ, ૮૪,૬૨૦ ખૂલી છેવટે ૧૦૨ પૉઇન્ટ ઘટીને ૮૪,૯૬૧ તો નિફ્ટી ૩૮ પૉઇન્ટ ઘટી ૨૬,૧૪૧ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૮૪,૬૧૭થી ૪૫૯ પૉઇન્ટ વધી ઇન્ટ્રા-ડેમાં ૮૫,૦૭૬ થયો હતો. એ એક આશ્વાસન કહી શકાય. માર્કેટ બ્રેડ્થ નેગેટિવમાંથી રસાકસીવાળી બની એ બીજી એક રાહત છે. NSEમાં વધેલા ૧૫૭૮ શૅર સામે ૧૫૫૧ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૩૪,૦૦૦ કરોડ રૂપિયા વધી ૪૭૯.૯૪ લાખ કરોડ હતું. બજારનાં સેક્ટોરલ્સ મિશ્ર હતાં. પીએસયુ બૅન્ક નિફ્ટી ૭ દિવસની આગેકૂચ બાદ ૨૩ પૉઇન્ટ ઘટીને બંધ થયો છે. BSE મેટલ ઇન્ડેક્સ ૧૫ પૉઇન્ટ જેવો પરચૂરણ સુધર્યો છે.
ADVERTISEMENT
ટાઇટન બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની છે. નિફ્ટીમાં સિપ્લા તથા સેન્સેક્સમાં મારુતિ ટૉપ લૂઝર હતી. HDFC બૅન્ક ૯૪૬ની ૩ મહિનાની નવી બૉટમ બતાવી ૧.૪ ટકા ઘટીને ૯૪૯ના બંધમાં બજારને ૧૭૦ પૉઇન્ટ નડી છે. ICICI બૅન્ક એક ટકો વધીને ૧૪૨૬ બંધ આપી સેન્સેક્સને ૯૧ પૉઇન્ટ ફળી છે. રિલાયન્સ પોણાબે ગણા કામકાજમાં સાધારણ ઘટી ૧૫૦૪ થયો છે. જિયો ફાઇનૅન્સ પોણાબે ટકા વધીને ૩૦૪ નજીક સરક્યો છે. ઇન્ડિગો, ભારતી ઍરટેલ, સ્ટેટ બૅન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઇન્ટ્સ, પાવરગ્રીડ પોણાથી દોઢ ટકા ઘટી છે. ટેક મહિન્દ્ર પોણા બે ટકા વધીને ૧૬૩૦ નજીક ગઈ છે. થંગમયિલ જ્વેલરી ૧૦ ટકા ઉપલી સર્કિટે ૩૪૮ રૂપિયા વધી ૩૮૩૦ની વિક્રમી સપાટીએ બંધ આપી એ-ગ્રુપમાં મોખરે રહી છે.
બે વર્ષમાં ૫૬,૦૯૦ ટકા રિટર્ન આપનાર શ્રી અધિકારી બ્રધર્સમાં શૅરવિભાજન
શ્રી અધિકારી બ્રધર્સ તરફથી ૧૦ના શૅરનું એક રૂપિયામાં વિભાજન કરવાનો નિર્ણય લેવાયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૭૮૪ થઈ ૪ ટકા વધીને ૧૭૭૦ બંધ થયો છે. મુંબઈના અંધેરીના આઝાદનગર ખાતેની આ કંપનીનો શૅર લગભગ ૧૧ મહિના પહેલાં, ૪ ફેબ્રુઆરીએ ૩૪૯ હતો. ગઈ કાલે એમાં ૧૭૮૪ની વર્ષની ટૉપ બની હતી. મજાની વાત એ છે કે આ શૅર ૨૦૨૦ની ૨ માર્ચે એક રૂપિયો થયો હતો જે એની ઑલટાઇમ બૉટમ છે. ત્યાંથી લઈને ૨૦૨૩ની એક ડિસેમ્બર સુધી શૅર ક્યારેય ૪ રૂપિયા સુધી પણ ગયો નહતો. ૨૦૨૪ની ૧ જાન્યુઆરીથી અહીં અચાનક મારફાડ તેજી કામે લાગી અને શૅરમાં ૨૦૨૪ની ૯ ડિસેમ્બરે ૨૨૨૦ નજીકની લાઇફટાઇમ હાઈ બની ગઈ હતી. મતલબ કે ૨૦૨૦ની ૨ માર્ચથી લઈને ૨૦૨૪ની ૯ ડિસેમ્બર સુધીના ૫૭ મહિના કે પોણાપાંચ વર્ષમાં ૨,૨૧,૯૦૦ ટકાનો વધારો થયો. બાય ધ વે ૨૦૨૩ની ૧ ડિસેમ્બરે શૅર પોણાત્રણ રૂપિયા જેવો, ચોક્કસ કહીએ તો ૨.૮૦ રૂપિયા બંધ થયો હતો. ત્યાંથી ૨૦૨૪ની ૨ ડિસેમ્બરની વિક્રમી સપાટીને મૂલવીએ તો એક જ વર્ષમાં ૭૯,૧૮૫ ટકાનો વધારો કે રિટર્ન આ શૅરમાં છૂટ્યું હતું. બોલો, મગજ કામ કરતું બંધ થઈ જાય એવો કિસ્સો છેને? શૅરમાં રૉકેટ ગતિએ થયેલા આવા ભાવવધારામાં સત્તાવાળાઓને કશું જ ખોટું નહીં દેખાયું હોય? એવો સવાલ કરવાની મનાઈ છે યાર. છેલ્લાં પાંચ વર્ષની વાત કરીએ તો શ્રી અધિકારી બ્રધર્સનો શૅર ૨૦૨૧ની ૪ જાન્યુઆરીએ ૧.૯૦ બંધ હતો. ત્યાંથી લઈને ૨૦૨૩ની ૩૧ ડિસેમ્બર સુધી ભાવ ક્યારેય ૩રૂપિયા થયો નહોતો. ૨૦૨૪ની ૧ જાન્યુઆરીએ શૅર પ્રથમ વાર ૩ ઉપર ૩.૧૫ બંધ થયો. ૨૦૨૪ની ૯ ડિસેમ્બરે ૨૨૨૦ નજીકની ઑલટાઇમ હાઈ બની ત્યાંથી શૅર ગગડીને ૨૦૨૫ની ૪ ફેબ્રુઆરીએ ૩૪૯ થઈ ગયો, હાલ ૧૭૭૦ છે. ૨૦૨૪ની ૧ જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં બે વર્ષમાં અહીં ૫૬,૦૯૦ ટકાનું રિટર્ન મળ્યું છે. BSEમાં શૅર ૨૦૨૪ની ૯ ડિસેમ્બરે ૨૧૯૮ની ટોચે ગયો હતો.
સોનાની તેજીથી ટાઇટનના રેવન્યુ-ગ્રોથમાં ઝમક, શૅર નવા બેસ્ટ લેવલે
ગઈ કાલે IT ઇન્ડેક્સ બે ટકા કે ૭૨૬ પૉઇન્ટ વધ્યો છે. Sના ૭૭માંથી ૫૭ શૅર પ્લસ હતા. હેવી વેઇટ ઇન્ફોસિસ ૧.૭ ટકા વધી ૧૬૩૯ બંધમાં સેન્સેક્સને ૮૪ પૉઇન્ટ તથા IT ઇન્ડેક્સને ૨૧૧ પૉઇન્ટ ફળી છે. TCS સવા ટકો અને HCL ટેકનો. બે ટકા વધી હતી. બન્નેનાં પરિણામ ૧૨મીએ આવશે. વિપ્રોનાં રિઝલ્ટ ૧૬મીએ ઇન્ફોસિસની સાથે આવવાનાં છે એ બે ટકા વધી ૨૭૦ હતી. બોનસ માટે ૧૬મીએ જેની બોર્ડમીટિંગ છે એ સિલ્વર ટેક ટેક્નૉલૉજીઝ બુલરનમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૫૮૨ના નવા શિખરે જઈને ત્યાં જ બંધ થઈ છે. ૧૩મીએ પરિણામ સારાં આવશે એવી હવામાં તાતા એલેક્સી ૧૯ ગણા કામકાજે ઉપરમાં ૫૯૧૯ થઈ ૯.૫ ટકા કે ૫૦૮ રૂપિયા ઊછળી ૫૮૫૧ થઈ છે. મુંબઇની ડાયનાકૉન્સ સિસ્ટમ્સ ઉપરમાં ૧૦૫૪ નજીક જઈ ૮ ટકા ઊંચકાઈ ૧૦૪૦ બંધ રહી છે. તાતા ટેક્નૉલૉજીઝ, સોનાટા સૉફ્ટવેર, KPIT ટેક્નૉલૉજીઝ, બિરલા સૉફ્ટ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ઇન્ટલેક્ટ ડિઝાઇન, ઇન્ફોબીન્સ ટેક્નૉલૉજીઝ જેવી અન્ય ચલણી જાતો ૪થી સાડાછ ટકા મજબૂત હતી. સામે ઓરિએન્ટ ટેક્નૉલૉજીઝ પાંખા કામકાજે નીચામાં ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૩૯૦ની અંદર જઈને ૩૯૩ બંધ થઈ છે.
IT પછી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક સવા ટકા કે ૭૬૩ પૉઇન્ટ પ્લસ થયો છે જેમાં ટાઇટનનો ફાળો ૭૮૯ પૉઇન્ટ હતો. અન્યથા અહીં ૧૧માંથી ૫ શૅર ઘટ્યા છે. સોનાના વિક્રમી ભાવના પગલે ટાઇટનના જ્વેલરી ડિવિઝનનું ડિસેમ્બર ક્વૉર્ટરમાં વેચાણ ૪૧ ટકા વધ્યું છે. કંપનીનો કન્ઝ્યુમર બિઝનેસ ૪૦ ટકા તથા ઇન્ટરનૅશનલ બિઝનેસ ૭૯ ટકા વધ્યો છે. સરવાળે ત્રિમાસિક પરિણામ દમદાર રહેવાની ધારણા કામે લાગી છે જેમાં શૅર ગઈ કાલે ૯ ગણા કામકાજે ૪૩૧૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૪ ટકા વધીને ૪૨૭૩ બંધ થતાં સેન્સેક્સને ૫૬ પૉઇન્ટનો ફાયદો થયો છે. કલ્યાણ જ્વેલર્સ ૪ ટકા અને વોલ્ટાસ દોઢ ટકા પ્લસ હતી. ડિક્સન ટેક્નૉલૉજીઝ ૩ ગણા કામકાજે ૧૧,૪૮૦ની ઐતિહાકિસ બૉટમ બનાવી સાધારણ વધીને ૧૧,૭૭૦ રહી છે. ભાવ વર્ષ પહેલાં ૧૮,૫૪૯ હતો. કાયનેસ ટેક્નૉલૉજીઝ ૪૬૮૨ની નવી નીચી સપાટી નોંધાવી એક ટકો વધી ૩૮૩૧ રહી છે.
અમદાવાદી એ-વન લિમિટેડમાં સતત પાંચમી મંદીની સર્કિટ
નવી દિલ્હી ખાતેની મૉડર્ન ડાયગ્નોસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૯૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થઈ ઉપરમાં ૧૬ થયા બાદ છેલ્લે ચાલતા ૧૪ના પ્રીમિયમ સામે ગઈ કાલે BSEમાં ૯૯ ખૂલી ૯૪ બંધ થતાં પાંચ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. દરમ્યાન બુધવારે જે બે SME ભરણાં ખૂલ્યાં છે એમાં પ્રથમ દિવસે કલકત્તાની યજુર ફાઇબર્સનો ૧૦ના શૅરદીઠ ૧૭૪ની અપરબૅન્ડ સાથે ૧૨,૦૪૧ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ રીટેલમાં એક ગણા સહિત કુલ ૯૫ ટકા ભરાયો છે. જ્યારે નવી દિલ્હીની વિકટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સના પાંચના શૅરદીઠ ૪૧ના ભાવના ૩૪૫૬ લાખ રૂપિયાના NSE SME ઇશ્યુને રીટેલમાં ૩૭ ટકા સહિત કુલ ૨૭ ટકા પ્રતિસાદ મળ્યો છે. ગ્રેમાર્કેટમાં યજુરમાં ૬૦થી પ્રીમિયમના કામકાજ શરૂ થયા બાદ હાલ રેટ ૨૦ બોલાય છે. વિકટરીમાં પ્રીમિયમ બોલાતું નથી. નવી દિલ્હીની ગૅબિયન ટેક્નૉલૉજીઝ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૮૧ના ભાવનો કુલ ૨૯૧૬ લાખનો BSE SME ઇશ્યુ ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ ૨૦૭ ગણો ભરાઈ ચૂક્યો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૩૦ ટકેલું છે.
અમદાવાદી એ-વન લિમિટેડ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ગુરુવારે એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર સતત ૪ દિવસથી પાંચ ટકાની મંદીની સર્કિટ માર્યા પછી ગઈ કાલે પાંચમી નીચલી સર્કિટમાં ૪૩૪ બંધ રહ્યાં છે. અમદાવાદી વિરમ સુવર્ણ લિમિટેડ બે શૅરદીઠ એકના પ્રમાણમાં શૅરદીઠ ૮ રૂપિયાના ભાવથી રાઇટ ઇશ્યુમાં ૯મીએ એક્સ રાઇટ થશે. બેની ફેસવૅલ્યુવાળો શૅર ગઈ કાલે ૨.૮ ટકા વધી ૮.૭૯ બંધ હતો. અગાઉ વિરમ સિક્યૉરિટીઝ તરીકે ઓળખાતી આ કંપનીનો શૅર ૨૦૨૨ની પહેલી ઑગસ્ટે ૩૮ રૂપિયાના બેસ્ટ લેવલે ગયો હતો. કંપનીનો આ ત્રીજી વખતનો રાઇટ ઇશ્યુ છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં કંપનીએ ૧૦૦ શૅરદીઠ ૧૩૪ શૅરનું તથા ઑગસ્ટ ૨૦૨૨માં બે શૅરદીઠ એકનું બોનસ આપેલું છે. એપ્રિલ ૨૦૨૨માં ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન કર્યું હતું.
નિફ્ટી ફાર્મા નવા શિખરે, પરંતુ સિપ્લામાં ૪ ટકા ખરાબી
હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૧૯માંથી ૭૬ શૅરના સુધારા વચ્ચે ઉપરમાં ૪૫,૦૮૬ વટાવી છેવટે ૧૮૮ પૉઇન્ટ વધી ૪૪,૭૮૧ થયો છે. જ્યારે નિફ્ટી ફાર્મા ૨૩,૪૯૨નું નવું શિખર હાંસલ કરી પોણો ટકો વધીને ૨૩,૨૮૬ બંધ આવ્યો છે. એના ૨૦માંથી ૧૭ શૅર પ્લસ હતા. ચલણી જાતોમાં સનફાર્મા સવા ટકો, ટોરન્ટ ફાર્મા ચાર ટકા, લુપિન ૨.૯ ટકા, વૉકહાર્ટ ૩.૩ ટકા, ન્યુલૅન્ડ લૅબ ૪.૫ ટકા કે ૬૪૬ રૂપિયા, પેનેસિયા બાયો ૪.૯ ટકા, જેબી કેમિકલ્સ ત્રણ ટકા, મેનકાઉન્ડ પોણા ત્રણ ટકા, ગ્લેનમાર્ક ૧.૮ ટકા મજબૂત હતી. સામે સિપ્લા ત્રણ ગણા કામકાજે નીચામાં ૧૪૫૫ થઈ ૪.૧ ટકા ગગડી ૧૪૬૭ બંધમાં ટૉપ લૂઝર હતી. એનાં રિઝલ્ટ ૨૩મીએ છે. મેક્સ હેલ્થકૅર દોઢ ટકા, ઇન્ડિકો રેમેડીઝ ૨.૩ ટકા, જ્યુપિટર લાઇફલાઇન અઢી ટકા, ક્વૉલિટી ફાર્મા ૪.૨ ટકા બગડી છે. ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકા અને ડિવીઝ લૅબ નજીવી નરમ હતી.
મારુતિ સુઝુકી નીચામાં ૧૬,૫૨૬ થઈ ૨.૮ ટકા કે ૪૮૦ રૂપિયા ખરડાઈ ૧૬૮૧૪ બંધમાં ઑટો ઇન્ડેક્સ ખાતે ટૉપ લૂઝર બની છે. ઑટો ઇન્ડેક્સની ૦.૭ ટકા કે ૪૩૪ પૉઇન્ટની ખરાબીમાં એનું પ્રદાન ૨૯૦ પૉઇન્ટ હતું. મહિન્દ્ર એક ટકાના ઘટાડામાં અહીં ૧૫૦ પૉઇન્ટ નડી છે. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૧૫માંથી ૧૧ શૅરના ઘટાડામાં પોણો ટકો ડાઉન હતો. તાતા મોટર્સ પૅસેન્જર દોઢ ટકા, ટેવીએસ મોટર્સ પોણો ટકો, એક્સાઇડ ઇન્ડ. સવા ટકા, હીરો મોટોકૉર્પ સાધારણ ઘટી છે. હ્યુન્દાઇ મોટર્સ ૨.૪ ટકા વધી ૨૩૬૨ હતી. બજાજ ઑટો ૯૮૦૯ની ટૉપ બતાવી દોઢ ટકાની આગેકૂચમાં ૯૮૦૩ થઈ છે. આઇશર ૭૫૯૪ની ઑલટાઇમ હાઈ દેખાડી પોણો ટકો વધી ૭૫૮૪ રહી છે. તાતા મોટર્સ ૦.૭ ટકા વધી હતી.
મેટલ ઇન્ડેક્સમાં ઑલટાઇમ હાઈનો સિલસિલો અટક્યો છે. આંક ૧૩માંથી ૮ શૅરના સુધારે ૧૫ પૉઇન્ટ વધ્યો છે. હિન્દુસ્તાન ઝિન્ક બે ટકા, તાતા સ્ટીલ સવા ટકા, જિંદલ સ્ટેનલેસ પોણો ટકા, હિન્દાલ્કો અડધો ટકો નરમ હતી. નાલ્કો ૩૫૭ ઉપર નવી વિક્રમી સપાટી નોંધાવી ૧.૭ ટકા વધી ૩૫૨, હિન્દુસ્તાન કૉપર ૫૬૫ ઉપર ૧૬ વર્ષની નવી ટોચે જઈને અઢી ટકા બગડી ૫૫૧, સેઇલ ૨.૮ ટકા વધી ૧૫૦, NMDC ૮૬ ઉપર નવો ઊંચો ભાવ દેખાડી ૨.૮ ટકા વધી ૮૬ બંધ આવી છે.


