Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજાર ૮૦૭ પૉઇન્ટનો સુધારો ભૂંસી નાખીને રેડ ઝોનમાં બંધ, બૅન્કિગ બગડ્યું, આઇટી સુધર્યું

બજાર ૮૦૭ પૉઇન્ટનો સુધારો ભૂંસી નાખીને રેડ ઝોનમાં બંધ, બૅન્કિગ બગડ્યું, આઇટી સુધર્યું

Published : 29 January, 2022 04:10 PM | IST | Mumbai
Anil Patel

બૅન્ક નિફ્ટી ઉપલા મથાળેથી ૮૫૧ પૉઇન્ટ ખરડાયો, સ્ટેટ બૅન્કના પરિણામ ૫ ફેબ્રુઆરીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અદાણી વિલ્મરનો ઇશ્યુ એકગણાથી વધુ ભરાઈ ગયો, એમ્પ્લોઇઝ ક્વૉટામાં સાવ નબળો રિસ્પોન્સ : સેન્સેક્સ-નિફ્ટીના વીકલી ધોરણે ત્રણ ટકાની સામે આઇટી ઇન્ડેક્સ બમણો તૂટ્યો : બૅન્ક નિફ્ટી ઉપલા મથાળેથી ૮૫૧ પૉઇન્ટ ખરડાયો, સ્ટેટ બૅન્કના પરિણામ ૫ ફેબ્રુઆરીએ : મુંબઈના ડોમ્બિવલીની બીઈડબ્લ્યુ એન્જિ. ૫૮ની ઇશ્યુપ્રાઇસ સામે વધતી રહીને ૮૨૯ની વિક્રમી સપાટીએ : ગૂગલના ૧૦૦ કરોડ ડૉલરના રોકાણનો ભારતીમાં ઊભરો આવી શમી ગયો


મિડ જાન્યુઆરી સુધી બજારમાં પ્રી-બજેટ રૅલીનો માહોલ વર્તાતો હતો તે છેવટે પ્રી-બજેટ કરેક્શનમાં ફેરવાઈ ગયો છે. સેન્સેક્સ તથા નિફ્ટી વીકલી ધોરણે સતત બીજા સપ્તાહે ત્રણેક ટકા ડાઉન થયા છે. આઇટી ઇન્ડેક્સ બમણો, છ ટકા ડૂલ થયો છે. બૅન્ક નિફ્ટીના ૦.૩ ટકા જેવા સુધારાને બાદ કરતાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં દેખાયા છે. બજાજ શુક્રવારે જે રીતે મજબૂત ખૂલ્યું તે જોતાં લાગતું હતું કે તાજેતરની ખાધમાં કમસેકમ ૧૦૦૦ પૉઇન્ટનો ઘટાડો આજે થઈને રહેશે, પરંતુ આગલા બંધથી ૮૦૭ પૉઇન્ટ વધ્યા પછી માર્કેટ ફસકી પડ્યું, ઉપરથી ૯૬૫ પૉઇન્ટ નીચે ઊતરી ગયું અને છેલ્લે ૭૭ પૉઇન્ટના ઘટાડે શૅર આંક ૫૭૨૦૦ બંધ થયો. નિફ્ટી આઠેક પૉઇન્ટની કમજોરીમાં ૧૭૧૦૨ નજીક દેખાયો છે. સેન્સેક્સના ૩૦માંથી ૧૪ તથા નિફ્ટીના ૫૦માંથી ૩૧ શૅર પ્લસ હતા. એનટીપીસી ચારેક ટકાની તેજીમાં ટૉપ ગેઇનર બન્યો છે, સામે મારુતિ સુઝુકી ત્રણેક ટકા તૂટી ૮૫૫૩ના બંધમાં વર્સ્ટ પર્ફોર્મર થયો છે. મિડ કૅપ તથા સ્મૉલ કૅપ ઇન્ડેક્સ એક-એક ટકો વધ્યા છે. બ્રોડર માર્કેટ પણ પૉઝિટિવ હોઈ માર્કેટ બ્રેડ્થ બગડી નથી. હેલ્થકૅર ઇન્ડેક્સ સર્વાધિક, એક ટકા કરતાં વધુ સુધર્યો છે. લોરસ લૅબ, હાઇકલ, સ્ટ્રાઇડ, પેનેસિયા બાયો, અપોલો હૉસ્પિટલ્સ સાડાચારથી પોણાઆઠ ટકા ઊંચકાયા છે. સનફાર્મા ૧.૯ ટકા વધી ૮૨૭ ઉપર ગયો છે. ડૉ. રેડ્ડીઝ લૅબનો નફો ૨૫ ગણો વધી ૭૦૭ કરોડ આવ્યો છે, પણ શૅર એક ટકાની નજીક ઘટીને ૪૨૧૮ રહ્યો છે. સપ્ટે. ક્વૉર્ટરના ૯૯૨ કરોડના મુકાબલે ડિસે. ક્વૉર્ટરનો પ્રૉફિટ ૨૯ ટકા ઓછો છે. લાર્સનનાં પરિણામ બંધ બજારે આવ્યા છે. કંપનીની આવક ૧૧ ટકા વધી છે પરંતુ નેટ પ્રૉફિટ ૧૭ ટકા ઘટી ૨૦૫૫ કરોડ નોંધાયો છે. શૅર પોણા ટકા જેવા ઘટાડે ૧૮૯૯ બંધ આવ્યો હતો. આવું જ વેદાન્તામાં થયું છે. પરિણામ બજાર બંધ થવાના ટાંકણે જાહેર થયા હતા જે અપેક્ષાથી નબળા છે. નફો ૧૦ ટકા ઘટ્યો છે, શૅર જોકે મામૂલી ઘટાડે ૩૨૮ નજીક બંધ હતો, વધુ નબળાઈ સોમવારે દેખાશે. 
ગૂગલના બિલ્યન ડૉલર્સની હૂંફ મળતાં ભારતી ઍરટેલ વધ્યો
ગૂગલ તરફથી ભારતી ઍરટેલ સાથે ૧૦૦ કરોડ ડૉલરના રોકાણની યોજના જાહેર થઈ છે. જેમાંથી ૭૦ કરોડ ડૉલર કે ૫૨૨૪ કરોડ રૂપિયાના રોકાણથી ગૂગલ ભારતી અૅરટેલમાં શૅરદીઠ ૭૩૪ના ભાવે પ્રેફરન્શ્યલ અલોટમેન્ટ મારફત ૧.૨૮ ટકા હિસ્સો લેવામાં વાપરશે. બાય ધ વે, રિલાયન્સ જિઓમાં પણ ગૂગલે આશરે પોણાઆઠ ટકાનો હિસ્સો અગાઉ લીધેલો છે. આ અહેવાલના પગલે ભારતી અૅરટેલનો શૅર શુક્રવારે ત્રણગણા વૉલ્યુમે ૭૫૩ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી સવા ટકો વધીને ૭૧૬ બંધ આવ્યો છે. ગ્રુપ કંપની ઇન્ડ્સ ટાવર પ્રોત્સાહક પરિણામ પાછળ ઉપરમાં ૨૬૨ વટાવી સવા ટકો વધીને ૨૫૩ રહી છે. રાઉટ મોબાઇલે ૨૪.૮ ટકાના વધારામાં ડિસે. ક્વૉર્ટરમાં ૫૮ કરોડનો કોન્સો. નેટ પ્રૉફિટ રળતા ભાવ ઉપરમાં ૧૬૯૫ થઈ ૭.૭ ટકા કે ૧૧૫ રૂપિયા ઊછળી ૧૬૧૦ બંધ હતો. વોડાફોન દોઢ ટકા અને આઇટીઆઇ પોણો ટકો વધ્યા છે. તાતા ટેલિ પાંચ ટકાની નીચલી સર્કિટે ૧૫૭ થયા બાદ એ લેવલે જ બંધ હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૭માંથી ૧૦ શૅરના સુધારામાં પોણો ટકા સુધર્યો છે. સાત દિવસમાં ઇન્ટ્રા-ડે હાઈથી ૧૪ ટકા કે ૫૪૦૪ પૉઇન્ટના ધોવાણ બાદ આઇટી ઇન્ડેક્સ શુક્રવારે ૬૦માંથી ૪૫ શૅર પ્લસમાં આપી ૨૯૬ પૉઇન્ટ કે ૦.૯ ટકા સુધારામાં જોવાયો છે. કોફોર્જ દ્વારા ડિસે. ક્વૉર્ટરમાં ૫૧ ટકાના દરે ચોખ્ખા નફામાં વધારો મેળવી શૅરદીઠ ૧૩ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર થતા ભાવ ઉપરમાં ૪૮૨૫ થઈ સાત ટકા ઊછળી ૪૭૧૩ બંધ હતો. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૫.૩ ટકા, માઇન્ડ ટ્રી ચાર ટકા, લાર્સન ટેક્નૉ. પાંચ ટકા, લાર્સન ઇન્ફોટેક ૨.૯ ટકા, ઇન્ટલેક્ટ ડિઝાઇન ત્રણ ટકા, ઇન્ડિયા માર્ટ ૫.૯ ટકા મજબૂત હતા. ઇન્ફી અડધો ટકો વધી ૧૬૮૫, ટીસીએસ એક ટકો વધી ૩૬૯૦, એચસીએલ ટેક્નૉ. સામાન્ય સુધારે ૧૦૮૦, વિપ્રો ૧.૪ ટકા વધીને ૫૫૨ તથા ટેક મહિન્દ્ર અઢી ટકા ગગડી ૧૪૧૦ બંધ હતા. 
મૅપમાય ઇન્ડિયા, નુવાકો વિસ્ટા અને કાર ટ્રેડમાં નવું નીચું બૉટમ 
મૅપમાય ઇન્ડિયા ફેમ સીઈ ઇન્ફોસિસ્ટમ્સે ડિસે. ક્વૉર્ટરમાં આવકમાં ૧૦ ટકા અને નફામાં ૧૪ ટકાના ઘટાડા સાથે નબળો દેખાવ કરતાં શૅર ૧૨૭૨ની અંદર ઑલટાઇમ બૉટમ બતાવી છ ટકા કે ૮૫ રૂપિયા ખરડાઈને ૧૩૫૧ બંધ આવ્યો છે. કામકાજ બે ગણા હતા. આ ઉપરાંત કરસન પટેલના નિરમા ગ્રુપની નુવાકો વિસ્ટા પણ ૪૩૯ની સૌથી વર્સ્ટ સપાટી દેખાડી સહેજ ઘટીને ૪૫૦ નીચે તથા કાર ટ્રેડ ૬૫૦નું ઑલટાઇમ નવું તળિયું બનાવી ત્રણ ટકા તૂટીને ૬૫૪ રહ્યો છે. આગલા દિવસે ૧૫૭૧ની સૌથી નીચી સપાટીએ ગયેલો નાયકા શુક્રવારે દોઢ ટકો વધી ૧૬૪૫ હતો. પેટીએમ એક ટકો વધી ૯૦૩, પૉલિસી બાઝાર સાડા સાત ટકા ઊછળી ૭૮૯, રેટગેઇન સવા ટકો વધી ૩૭૦, ડેટા પૅટર્ન ત્રણ ટકા ઊંચકાઈ ૭૩૯, સ્ટાર હેલ્થ એક ટકો વધી ૭૯૭ બંધ હતા. સપ્ટે.ના પ્રથમ સપ્તાહે શૅરદીઠ ૫૮ રૂપિયાના ભાવે એસએમઈ ઇશ્યુ લાવનારી મુંબઈના ડોંબિવલી ખાતેની બીઈડબ્લ્યુ એન્જિનિયરિંગ યાદ છે? આ શૅર સળંગ પાંચમા દિવસે તેજીની સર્કિટમાં પાંચ ટકા વધી ગઈ કાલે ૮૨૯ ઉપર નવી સર્વોચ્ચ સપાટીએ ગયો છે અને ત્યાં જ બંધ આવ્યો છે. 
દરમ્યાન અદાણી વિલ્મરનો ૩૬૦૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે રીટેલમાં ૧.૮૫ ગણા રિસ્પોન્સ સાથે કુલ ૧.૧૩ ગણ ભરાઈ ગયો છે. ભરણું સોમવારે બંધ થશે. બાય ધ વે, શૅરદીઠ ૨૧ રૂપિયાનું ડિસ્કાઉન્ટ હોવા છતાં અદાણી વિલ્મરનો ૧૦૭ કરોડ રૂપિયાનો એમ્પ્લોઇઝ ક્વૉટા બે દિવસમાં ફક્ત ૧૮ ટકા જ ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૪૨-૪૫ની આસપાસ ચાલે છે. ૧૦ના શૅરદીઠ ૧૭૫ના ભાવે ઇશ્યુ લાવનારી એનજીએસ ટ્રાન્સેક્ટનું લિસ્ટિંગ સોમવારે થવાનું છે. ૧૦ના શૅરદીઠ ૧૨૫ના ભાવે ફોલોઓન ઇશ્યુ લાવનારી મુંબઈના ધોબી તળાવની ડીજે મીડિયાના નવા શૅર પણ સોમવારે ટ્રેડિંગમાં જશે, ભાવ ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટ ૨૫૪ બંધ હતો. 
ઓએનજીસી ૩૨ માસના શિખરે, જિંદલ ડ્રિલિંગ અને આલ્ફાજીઓ વધ્યા
વિશ્વબજારમાં ક્રૂડમાં મજબૂતીના પગલે ઓએનજીસી સુધારાને આગળ ધપાવતા ૧૭૫ નજીક ૩૨ માસની નવી ટૉપ બનાવી બે ટકા વધીને ૧૬૯ બંધ આવ્યો છે. શૅર મહિનામાં ૨૨.૫ ટકા જેવો વધ્યો છે. ઑઇલ ઇન્ડિયા ઉપરમાં ૨૩૭ વટાવ્યા બાદ સામાન્ય વધીને ૨૩૦ થયો છે. હિન્દુ. ઑઇલ એક્સ્પ્લો. દોઢ ટકા નરમ હતો. ઇન્ડિયન ઑઇલના રિઝલ્ટ સોમવારે છે. ભાવ સવા ટકા વધી ૧૨૪ રહ્યો છે. પેટ્રોનેટ દોઢ ટકા, હિન્દુ. પેટ્રો ૧.૭ ટકા, ભારત પેટ્રો નહીંવત્, એમઆરપીએલ સાત ટકા, ચેન્નઈ પેટ્રો અડધો ટકો વધ્યા છે. જિંદાલ ડ્રિલિંગ ઉપરમાં ૧૫૯ થઈ દોઢ ટકા ઊંચકાઈ ૧૫૦ હતો. આલ્ફાજીઓ પણ ૩૯૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩.૮ ટકાની મજબૂતીમાં ૩૮૮ જોવાયો છે. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તગડા વૉલ્યુમ વચ્ચે નહીંવત્ ઘટીને ૨૩૩૫ બંધ થયો છે. આગલા દિવસે ઉપલી સર્કિટમાં બંધ રહેલા રિલાયન્સના મીડિયા શૅરમાં ગઈ કાલે ટીવી ૧૮ બ્રોડકાસ્ટ ઉપરમાં ૬૫ થઈ એક ટકો વધી ૫૯ તથા નેટવર્ક ૧૮ મીડિયા ૮૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨.૮ ટકા વધી ૮૪ રૂપિયા બંધ રહ્યા છે. ડેન નેટવર્ક સાધારણ, હેથવે કેબલ નજીવો, જસ્ટ ડાયલ પોણો ટકો નરમ હતા. ઝી એન્ટર પોણો ટકો સુધરી ૨૮૫ હતો. ઝી મીડિયા પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪.૮૫ જોવાયો છે. ઝી લર્ન એક ટકા વધ્યો હતો. સન ટીવી ચાર ટકા ઊંચકાઈ ૪૯૫ થયો છે. ડીશ ટીવી ચાર ટકા ઊંચકાઈ ૪૯૫ થયો છે. દરમ્યાન કૅમપ્લાસ્ટ સનમાર પરિણામ પૂર્વે પોણાબે ગણા કામકાજમાં ૪૯૯નું ઑલટાઇમ બૉટમ બતાવી ત્રણ ટકાની ખરાબીમાં ૫૦૪ બંધ આવ્યો છે. વૈભવ ગ્લોબલ નબળા રિઝલ્ટસમાં અઢીગણા કામકાજમાં ૪૫૬ની વર્ષની નીચી સપાટી નોંધાવી ૮.૪ ટકાના કડાકામાં ૪૬૪ જેવો બંધ હતો. 
એલઆઇસી હાઉસિંગ અને જીઆઇસી હાઉ. ડબલ ડિજિટમાં વધ્યા 
એલઆઇસીની ૪૫.૨૪ ટકા માલિકીની એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સે ડિસે. ક્વૉર્ટરમાં છ ટકાના વધારા સાથે ૭૬૭ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. પરિણામમાં ઝમકદાર કશું નથી પરંતુ શૅર ગઈ કાલે સાડાત્રણ ગણા કામકાજમાં ૧૫ ટકા જેવા ઉછાળે ૩૯૭ નજીક જઈ અંતે ૧૧ ટકાના જમ્પમાં ૩૮૩ બંધ આવ્યો છે. ૧૧ જૂનના રોજ ભાવ ૫૪૨ના શિખરે હતો તે ઘસાતો રહી ગુરુવારે ૩૩૦ની અંદર વર્ષના તળિયે આવી ગયો હતો. બે રૂપિયાના શૅરદીઠ બુકવૅલ્યુ ૪૧૭ની છે. ઇન્ડસ્ટ્રીઝના ૨૮ની સામે આ શૅર હાલ ૧૪ના પી/ઇમાં મળે છે. મેઇડન બોનસ પાકી ગયું છે પિઅર ગ્રુપમાં જીઆઇસી હાઉસિંગ આઠેક ગણા કામકાજમાં ૧૦.૮ ટકાની તેજીમાં ૧૬૨ બંધ હતો. તેના રિઝલ્ટ સોમવારે છે. કેનફીન હોમ્સ ૭.૫ ટકા વધી ૬૧૯ હતો. સહારા હાઉસિંગ ૫.૪ ટકા, એસઆરજી હાઉસિંગ ચાર ટકા, રેપ્કો હોમ ૩.૬ ટકા અને પીએનબી હાઉસિંગ ત્રણ ટકા વધ્યા છે. એચડીએફસી અડધા ટકાના સુધારામાં ૨૫૧૮ હતો. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૨ પૉઇન્ટ જેવો નજીવો ઢીલો હતો. જેએસડબ્લ્યુ હોલ્ડિંગ્સ ૧૧.૭ ટકાના ઉછાળે ૪૩૮૩ થયો છે. મોતીલાલ ઓસવાલ નબળા પરિણામમાં ચારેક ટકા ઘટીને ૮૬૨ હતો. પૈસા લો ડિજિટલમાં ચાર ટકાની નરમાઈ હતી. 
આગલા દિવસે હજાર પૉઇન્ટની શાર્પ રિકવરી દેખાડ્યા પછી બૅન્ક નિફ્ટી શુક્રવારે ઉપલા મથાળેથી ૮૫૧ પૉઇન્ટ ખરડાઈ છેલ્લે ૨૯૩ પૉઇન્ટ કે પોણો ટકો ઘટ્યો છે. બારમાંથી ત્રણ શૅર સુધર્યા હતા. આગલા દિવસે પાંચ ટકા તેજીમાં રહેલો પીએસયુ બૅન્ક નિફ્ટી ગઈ કાલે ૧૩માંથી ૬ શૅરની નરમાઈ વચ્ચે સાધારણ કમજોર હતો. બૅન્કિંગ ઉદ્યોગના ૩૬માંથી ૧૫ શૅર પ્લસ હતા. કરૂર વૈશ્ય બૅન્ક સાડાત્રણ ટકા, ઇન્ડિયન બૅન્ક ૨.૭ ટકા, ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક ૧.૭ ટકા વધ્યા હતા. આરબીએલ બૅન્ક પોણાચાર ટકા નજીક તો આઇડીબીઆઇ બૅન્ક પોણાત્રણ ટકા ડાઉન હતા. કોટક મહિન્દ્ર બૅન્કે ત્રિમાસિક નફામાં ૧૫ ટકાના વધારા સાથે ધારણા મુજબ દેખાવ કર્યો છે. શૅર ૧૯૫૭ની ટૉપથી ૧૮૮૯ થઈ અડધા ટકા જેવા સુધારે ૧૮૯૮ બંધ હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક દોઢ ટકાથી વધુ અને અૅક્સિસ બૅન્ક એક ટકાથી વધુ નબળા હતા. સ્ટેટ બૅન્કના પરિણામ ૫ ફેબ્રુ.ના રોજ આવશે, શૅર એક ટકો ઘટીને ૫૨૩ હતો. એચડીએફસી બૅન્કમાં પોણા ટકાની પીછેહઠ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2022 04:10 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK