‘સી’એ સરકારને પત્ર લખીને રિફાઇન્ડ પર ૭.૫ ટકા ડ્યુટી વધારવા માગણી કરી

પ્રતીકાત્મક તસવીર
દેશમાં ખાદ્ય તેલની વધી રહેલી આયાત અને રાયડાના ભાવ ટેકાના ભાવથી ક્વિન્ટલે ૩૦૦થી ૪૦૦ રૂપિયા નીચે ચાલતા હોવાથી તેલીબિયાં સંગઠનોએ સરકારને તાત્કાલિક અસરથી પામતેલને નિયંત્રિત કૅટેગરીમાં લેવા અને આયાત ડ્યુટીમાં વધારો કરવાની માગણી કરી છે.
સૉલ્વન્ટ એક્સટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)એ સરકારને એક મેમોરેન્ડમ આપીને ક્રૂડ અને રિફાઇન્ડ પામતેલની આયાત વચ્ચેનો ડ્યુટી ફરક વધારવાની માગણી કરી છે. આ માટે સરકારને રિફાઇન્ડ પામતેલની આયાત ડ્યુટીમાં ૭.૫૦ ટકાનો વધારો કરવાની માગણી કરી છે. હાલમાં ક્રૂડ પામતેલ પર ૫.૫ ટકા અને રિફાઇન્ડ પર ૧૩.૭૫ ટકા ડ્યુટી છે, જેને વધારીને રિફાઇન્ડની ૨૨ ટકા કરવા માટે માગણી કરી છે.
‘સી’ના ચૅરમૅન અજય ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે રાયડાના ટેકાના ભાવ ૫૪૫૦ રૂપિયા છે, જેની સામે એનું વેચાણ દેશની વિવિધ મંડીઓમાં ૩૦૦થી ૪૦૦ રૂપિયા નીચા ભાવથી થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં રાયડાના ખેડૂતોને રક્ષણ આપવાના હેતુસર સરકારે તરત કોઈ પગલાં લેવાની જરૂર છે.
દેશમાં પામતેલની આયાતમાં ઝડપી વધારો થઈ રહ્યો છે ત્યારે એને રોકવા માટે સરકારે આયાત ડ્યુટીમાં વધારો કરવો જરૂરી બન્યો છે. હાલમાં દેશની રિફાઇનરીઓ પણ તેની ક્ષમતાની તુલનાએ માત્ર ૩૦ ટકા જેટલી જ ચાલી રહી છે, જેને પગલે રિફાઇનરી ઉદ્યોગને પણ મોટી અસર પહોંચી રહી છે.
આવી સ્થિતિમાં નાફેડે પણ રાયડાની તાત્કાલિક અસરથી ટેકાના ભાવથી ખરીદી વધારવી જોઈએ અને ખેડૂતોને રક્ષણ મળે એ માટે પગલાં લેવાંની જરૂર છે.