Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૅક્સિનેશનના ફાયદા સામે જોખમ તો સાવ નહીંવત્ જ છે

વૅક્સિનેશનના ફાયદા સામે જોખમ તો સાવ નહીંવત્ જ છે

24 May, 2021 02:04 PM IST | Mumbai
JItendra Sanghvi

રસીકરણનો ઝડપી અમલ જ આપણને જાન અને જહાન સામે કવચ પૂરું પાડી શકે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહામારીના બીજા મોજામાં આપણે ફસાયા ખરા, પણ છેલ્લા પાંચ દિવસથી દૈનિક ધોરણે નવા નોંધાતા કેસ સતત ઘટતા રહીને ત્રણ લાખની અંદર ઊતરી ગયા છે (મે ’૨૧ના રોજ ૨.૫૯ લાખ નવા કેસ નોંધાયા) અને પૉઝિટિવિટી રેટ પણ ઘટતો રહ્યો છે (૧૨.૬ ટકા). પરિણામે અૅક્ટિવ કેસ પણ ઘટી ગયા છે. એટલે જૂન મહિનાની મધ્યમાં બીજું મોજું સમાપ્ત થઈ શકે.

નવા કેસ ઘટવાનાં બે કારણ છે. ૧. ઘણાંબધાં રાજ્યોમાં પ્રાદેશિક લૉકડાઉનનો અમલ કરાયો અને રિસ્ટ્રિક્શન્સ મુકાયાં. ૨. ઘણાંબધાં રાજ્યોએ ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો કર્યો. આ રાજ્યોમાં સૌથી વધારે અસરગ્રસ્ત મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તેલંગણા, દિલ્હી અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. ટેસ્ટ ઓછી કરીએ એટલે પૉઝિટિવ હોય તેવા કેસ નજર સમક્ષ ન આવે. આપણને મહામારીની ગંભીરતાનું અધૂરું ચિત્ર જ મળે. ચિત્ર મહામારી ઓછી થતી જતી હોવાનું ઊપજે અને  મહામારી કાબૂમાં આવી હોવાનો ભ્રમ ઊભો થાય. અંદરખાને મહામારી વધતી જતી હોય.



કોરોનાનાં લક્ષણો ન દેખાતાં હોય કે તે દેખા દે તે પહેલાં તેનું પરીક્ષણ થઈ જાય તો દરદીએ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો ન પડે. એટલે ટેસ્ટ ઓછી કરવાનું આપણને પરવડે તેમ નથી. 


નવા કેસ ઓછા થતા જાય છે, પણ રોજ થતાં મોતની સંખ્યા ઘટતી તો નથી પણ વધતી જાય છે એ પણ ધ્યાનમાં રહેવું જોઈએ (૪૨૦૦ મેની ૨૧મીએ). મે મહિનાની શરૂઆતમાં સતત વધતા રહેલા કેસને કારણે આ મહિને ૨૧ તારીખ સુધી ૭૧.૩ લાખ નવા કેસ (એપ્રિલ મહિને ૬૯.૪ લાખ) નોંધાયા છે જે પંદર મહિનાના સૌથી વધુ છે અને ભારતમાં નોંધાયેલા કુલ કેસના ૨૭ ટકા જેટલા છે. પહેલા મોજાના પીક સમયે  નવા કેસના કે મહામારીને લીધે થતાં મોતના આંકડા મે, ૨૦૨૧ કરતાં ઘણા ઓછા હતા (સપ્ટેમ્બર ૨૦૨૦માં ૨૬.૨ લાખ નવા કેસ). જે બીજા મોજાની ગંભીરતાનો ખ્યાલ આપે છે. 

વૅક્સિનેશને પણ નવા કેસ ઓછા કરવામાં મદદ કરી હોય
અત્યાર સુધીમાં આપણી વસ્તીના બે ટકા જેટલા આ મહામારીમાં સપડાયા છે (૨.૬૦ કરોડ) એ પ્રમાણ ઘણું ઓછું હોવાથી ખુશ થવા જેવું નથી, કારણ કે તેનું બીજું અર્થઘટન એ થાય કે હજી પણ દેશની વસ્તીના ૯૮ ટકા (લગભગ ૧૨૮ કરોડ) લોકો સામે આ જોખમ ઊભું જ છે.


ઝડપી વૅક્સિનેશન આ જોખમ ઓછું કરી શકે 
એક અભ્યાસ પ્રમાણે વૅક્સિન લીધેલા દસ હજારમાંથી ૬ લોકોને લોહી ગંઠાઈ જવાની (બ્લડ ક્લૉટ) મુશ્કેલી અને તેને કારણે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર ઊભી થઈ છે. એટલે આવી મુશ્કેલીઓ કે હકીકતો ટાંકીને વૅક્સિનના વિરોધનું વાતાવરણ ઊભું ન કરવું જોઈએ.
વૅક્સિનેશનના ફાયદા (મહામારી સામે રક્ષણ) તેના દ્વારા ઊભા થતાં જોખમ કરતાં વધુ જ છે, એટલે સંભવિત જોખમની અવગણના કરીને વૅક્સિન માટે મોટે પાયે લોકમત ઊભો કરવો જોઈએ.

બીજા મોજાની અસર ઓછી થાય એટલે લૉકડાઉન ખૂલતા જાય અને રિસ્ટ્રિકશન્સ ઓછા થતાં જાય. આમાં કોવિડ-રિલેટેડ ડિસિપ્લિન ન જળવાય એટલે ફરી પાછું ત્રીજું મોજું પણ આવી શકે. નિષ્ણાતો જુલાઈ મહિનામાં ત્રીજા મોજાની સંભાવના બતાવે તો છે જ.

એ સંભાવના વાસ્તવિકતા ન બને તે માટેનો એક જ ઉપાય છે - વધુમાં વધુ લોકોને ઝડપથી રસી આપવાનો. કારણ કે લૉકડાઉન લાંબા સમય માટે અમલમાં મૂકી શકાય નહીં. નાછૂટકે આપણે ૨૦૨૦માં મહામારીની શરૂઆતમાં (માર્ચ-મે) તેનો આધાર લેવો પડેલ, પણ તે માટેની ભારે કિંમત ચૂકવીને. આર્થિક વિકાસના દરમાં જૂન  ૨૦૨૦ના કવૉર્ટરમાં ૨૪ ટકા જેટલો મોટો ઘટાડો થયો જેણે આપણા અર્થતંત્રની કમર તોડી નાખી હતી. હવે જયારે મહામારીને મહાત કરવાનું શસ્ત્ર (વૅક્સિન) હાથવગું છે ત્યારે લૉકડાઉનને મર્યાદિત કરીને, ઘણાબધા આર્થિક ક્ષેત્રો પ્રવૃત્તિઓ માટે ખુલ્લા મૂકીને, મહામારીને પણ કાબૂમાં રાખીને આર્થિક વિકાસની દિશામાં આગેકૂચ કરી શકીશું.

બીજા મોજાને કારણે એપ્રિલ-જૂન ૨૦૨૧માં આર્થિક વિકાસના દરનું લક્ષાંક કદાચ ચૂકી જઈએ તો પણ સપ્ટેમ્બર ૨૦૨૧ના ક્વૉર્ટરથી અર્થતંત્રની ગાડી પાટે ચડતી જાય તે આપણું ટાર્ગેટ હોવું જોઈએ. એમ થાય તો પણ અર્થતંત્રને છેલ્લા ૧૫ મહિનામાં થયેલ ડેમેજ સરભર કરતાં તો ઓછામાં ઓછા બે-એક વરસ નીકળી જવાના.

ગ્રામ્ય વિસ્તારમાં લોકોની રોજગારી, આવક અને તે દ્વારા ઊભી થતી અસરકારક માગ આપણા અર્થતંત્રની જીવાદોરી સમાન છે અને એ જ આપણાં ગામડાંઓ મહામારીના બીજા મોજામાં વધારે અસરગ્રસ્ત થયાં છે એટલે ત્યાં પણ વૅક્સિનેશન પહોંચે એવા ભારે પ્રયત્ન કરવા પડશે. તો જ આપણાં ગામડાંઓના અર્થતંત્રમાં જોર આવી શકે.

આ બીજા મોજાની રોજગારી પર ભારે અસર થઈ છે. સીએમઆઇઇના અભ્યાસ પ્રમાણે બેકારીનો દર મે ૧૬ના અઠવાડિયા માટે ૧૪.૫ ટકા (અગાઉના અઠવાડિયે ૮.૬૭ ટકા) હતો જે છેલ્લા ૪૯ અઠવાડિયાંનો સૌથી ઊંચો છે. મે ૨૦૨૦માં તો આ દર ૨૧ ટકાએ પહોંચેલ.
શહેરોના લૉકડાઉન અને ઊંચા ઇન્ફેક્શનને કારણે અને રોજગારીની તકો ઓછી થતાં શ્રમિકો ગામડે પોતાને વતન પાછા ફર્યા છે, પણ આ વખતે ત્યાંના લૉકડાઉન અને કરફ્યુને કારણે કામધંધાની તકો ઓછી થઈ ગઈ. ઉપરાંત મે મહિનામાં ખેતી ક્ષેત્રે પણ કામ ન હોવાથી ગામડાંઓની બેરોજગારોની ફોજમાં વધારો થયો.

ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું  હોવા છતાં જુદાં જુદાં રાજ્યોના કરફ્યુ અને બીજાં રિસ્ટ્રિકશન્સને કારણે ચીજવસ્તુઓના પુરવઠાની અછત ઊભી થવાના કિસ્સા નજરમાં આવ્યા છે.

મેના પ્રથમ પખવાડિયામાં ઈ-વે બિલમાં થયેલ ઘટાડો અને આયાત પરની  જીએસટીની આવકનો એપ્રિલ મહિનાનો ઘટાડો સરકારની ચાલુ વર્ષની કરવેરાની આવકમાં ઘટાડો થવાનું સૂચવે છે. રિઝર્વ બૅન્કે પોતાના નફામાંથી માર્ચ ૨૦૨૧માં પૂરા થતા નાણાકીય વર્ષના છેલ્લા નવ મહિના માટે સરકારને એક લાખ કરોડ રૂપિયા ડિવિડન્ડ પેટે આપવાની જાહેરાત કરી છે જે કેન્દ્ર સરકારને કોવિડ-રિલેટેડ ખર્ચ વધારવામાં અને ફિસ્કલ  ડેફિસિટ ઘટાડવામાં મદદ કરશે.

એપ્રિલ ૨૦૨૧માં જથ્થાબંધ ભાવાંક ૧૦.૫ ટકા જેટલો વધ્યો (૭.૪ ટકા માર્ચમાં). જે છેલ્લા ૧૧ વર્ષનો સૌથી ઊંચો વધારો છે. આ મહિના દરમ્યાન છૂટક ભાવવધારો ૪.૩ ટકાનો (માર્ચ મહિને ૫.૫ ટકા) હતો. જથ્થાબંધ ભાવાંકનો વધારો થોડા ટાઇમ ગેપ સાથે છૂટક ભાવવધારામાં પરિણમશે. તેમ છતાં નોર્મલ ચોમાસા અને ફૂડ આઇટમના નીચા ભાવવધારાને કારણે આ વધારો ૫ થી ૫.૫ ટકાની રેન્જમાં રહેવાની સંભાવના છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલના ભાવ વધીને બેરલદીઠ ૭૦ ડૉલરની સપાટીએ પહોંચ્યા છે. વૅક્સિનેશન ઝડપી બનવાના આશાવાદને કારણે અને અમેરિકા-ચીનની આર્થિક રિકવરીને કારણે કૉમોડિટીના ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે. ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ એપ્રિલમાં  ૯ ટકા જેટલા વધ્યા છે. જેને કારણે ઇન્પુટના ભાવ વધવાના. એટલે હાલપૂરતું જૂન મહિનાની મૉનેટરી પૉલિસીમાં રિઝર્વ બૅન્ક વ્યાજના દર ઘટાડવાનું મુલતવી રાખશે તેમ માની શકાય.

મહામારીની ગંભીરતાના સંદર્ભમાં લોકો રૂપિયા ખર્ચવાને બદલે બચાવવાના મૂડમાં છે એટલે બૅન્ક ડિપોઝિટમાં છેલ્લા બાર મહિનામાં ૨૦ લાખ કરોડ રૂપિયાનો (ગયા વર્ષ કરતાં બે ગણો) વધારો થયો છે. માંદગી  માટેના અણધાર્યા મોટા ખર્ચને પહોંચી વળવા ચાલુ વપરાશ ખર્ચમાં શક્ય હોય ત્યાં કાપ મુકાઈ રહ્યો છે, જે માગ પર અને આર્થિક વિકાસના દર પર અવળી અસર કરશે.

હાલ દેશ સામે પોસ્ટ કોવિડ બ્લૅક ફંગસ અને ગેગરીનનો પડકાર પણ ઊભો થયો છે. એટલે વિદાય લેવું લેવું કરી રહેલ બીજું મોજું હજી કેટલું નુકસાન પહોંચાડશે તે બાબતે ભારે અનિશ્ચિતતા પ્રવર્તે છે. બાર સાંધે ને તેર તૂટે જેવી હાલતમાં દીર્ઘદૃષ્ટિએ કરેલ આયોજન અને તેનો સમયસર અમલ જ આપણા આર્થિક નુકસાનને કે જાનહાનિને મર્યાદિત કરી શકે. આપણે એ બન્નેમાંથી કોઈને ચડતો-ઊતરતો ક્રમ આપી શકીએ તેમ નથી. 

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2021 02:04 PM IST | Mumbai | JItendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK