Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઘઉંની માર્કેટમાં સતત બીજા વર્ષે કશમકશ જોવા મળશે, આયાત કરવાની નોબત પણ આવી શકે

ઘઉંની માર્કેટમાં સતત બીજા વર્ષે કશમકશ જોવા મળશે, આયાત કરવાની નોબત પણ આવી શકે

06 March, 2023 04:13 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

માર્ચમાં પણ સામાન્ય કરતાં ઊંચા તાપમાનથી ઘઉંનો પાક ઘટીને ૧૦૦૦ લાખ ટન થવાના ચાન્સ : સરકારી સ્ટૉક ગયા વર્ષની તુલનાએ અડધો થઈને ૬ વર્ષની નીચી સપાટીએ ૧૦૨ લાખ ટને પહોંચ્યો

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી વૉચ

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં હાલમાં દરેક સ્થળે ઘઉંના ઊંચા ભાવની ચર્ચા ચાલી રહી છે. સરકારી અધિકારીઓ પણ ઘઉંના ઉત્પાદનમાં ઘટાડાની ધારણાથી ચિતિંત છે. ઘઉં બાબતે રાજકારણ પણ ગરમાયું છે. વડા પ્રધાને એક તબક્કે સમગ્ર વિશ્વના ગરીબ દેશોને ભારતથી ઘઉં પૂરા પાડવાની ખાતરી આપી હતી, પણ આવી ખાતરી આપ્યાના ૩૬થી ૪૮ કલાકમાં ભારતને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની નોબત આવી હતી. ખેર, આ ઘટનાક્રમ બાદ ઘઉંના ભાવ સતત વધી રહ્યા છે અને ચાલુ સીઝનના પ્રારંભથી જ ઘઉંના ભંડાર ખાલીખમ હોવાથી સતત બીજા વર્ષે આમજનતાને મોંઘા ઘઉં ખરીદવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. સરકાર સતત ઘઉં બાબતે ‘બધું બરોબર છે’ એવું ગાણું ગાયા કરે છે, પણ ટ્રેડ સાથે વર્ષોથી સંકળાયેલા કંઈક જુદી જ હકીક્ત બતાવી રહ્યા છે. 

કેન્દ્ર સરકાર ઘઉંના ઉત્પાદનને લઈને મોટી આશા રાખે છે, પરંતુ બીજી તરફ ટ્રેડ સાથે સંકળાયેલો વર્ગ સતત બીજા વર્ષે ભારતમાં ઘઉંના ઉત્પાદન-પુરવઠાની સ્થિતિ ચિંતાજનક રહેવાની વાત કરી રહ્યા છે. ફેબ્રુઆરીમાં વિક્રમી તાપમાન રહ્યા બાદ માર્ચમાં પણ સામાન્ય કરતાં ઊંચા તાપમાનની આગાહીઓ ટ્રેડની આ વાતને સમર્થન આપે છે. જો આ શક્ય બનશે તો ઘઉંના ભાવ સતત બીજા વર્ષે પણ વધીને પ્રતિ ક્વિન્ટલ  ૨૭૦૦થી ૨૮૦૦ રૂપિયાની સપાટી પર આવી શકે છે.



દેશમાં ઘઉંનો પાક ખેતરમાં હજી લહેરાઈ રહ્યો છે એવા સમયે ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીની લહેરથી અનાજને નુકસાન થવાનો અને સતત બીજા વર્ષે દેશના ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થવાનો ભય છે.


૬ વર્ષમાં સૌથી નીચા સ્તરે સ્ટૉક પહોંચ્યા બાદ ઉત્પાદનમાં ઘટાડો ગયા વર્ષે નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી અનાજના વિશ્વના બીજા સૌથી મોટા ઉત્પાદકને આયાતને મંજૂરી આપવા દબાણ કરી શકે છે.

રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમ રાજ્યના નિવાઈ ગામમાં ૬ એકર જમીનમાં ઘઉંનું વાવેતર કરનારા રામેશ્વર ચૌધરીએ કહ્યું કે હજી શિયાળો પૂરો થયો નથી, પરંતુ દિવસ દરમ્યાન તાપમાન ઉનાળાની જેમ વધે છે. અમે અસરને મર્યાદિત કરવા માટે ખેતરમાં સિંચાઈ કરીએ છીએ, પરંતુ એનાથી આગળ અમે કંઈ કરી શકતા નથી.


કેટલાક ઘઉં ઉગાડતા વિસ્તારોમાં મહત્તમ તાપમાન ફેબ્રુઆરીમાં થોડા દિવસ માટે ૩૯ ડિગ્રી સેલ્સિયસથી ઉપર ગયું હતું, જે સામાન્ય કરતાં લગભગ ૧૦ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું એમ હવામાન વિભાગના આંકડા કહે છે.

ચૌધરીએ જણાવ્યું કે ઊંચા તાપમાને પાકની વહેલી પરિપક્વતા તરફ દોરી જશે અને ગયા વર્ષની જેમ ઘઉંનો પાક સુકાઈ જશે.

ભારતમાં ફેબ્રુઆરીમાં એનું અત્યાર સુધીનું સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે અને હવામાન કચેરીએ ચેતવણી આપી છે કે દેશમાં માર્ચમાં બીજી હીટવેવનો અનુભવ થવાની સંભાવના છે, ખાસ કરીને ઘઉંનું ઉત્પાદન કરતાં કેન્દ્રીય અને ઉત્તરીય રાજ્યોમાં વધારે તાપમાન રહેશે.

આ પણ વાંચો: દેશની નિકાસ જાન્યુઆરીમાં ૬.૫૮ ટકા ઘટી, વેપારખાધ ૧૨ મહિનાના તળિયે

ઘઉંની સતત બીજા વર્ષે ખાધ ઊભી થવાની ધારણા

અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચરની ફૉરેન ઍગ્રિકલ્ચર સર્વિસના અંદાજ મુજબ ૨૦૨૨માં માર્ચમાં હીટવેવને કારણે ભારતના ઘઉંનું ઉત્પાદન ૧૦૩૬ લાખ ટનના સ્થાનિક વપરાશ સામે ૧૦૦૦ લાખ ટન થયું હતું.

કેન્દ્ર સરકારે ગયા મહિને અંદાજ લગાવ્યો હતો કે ૨૦૨૩માં ઘઉંનું ઉત્પાદન રેકૉર્ડ ૧૧૨૨ લાખ ટન થઈ શકે છે, પરંતુ હીટવેવને કારણે વેપારીઓનો મત જુદો છે અને તેમના મતે ઉત્પાદન ઘટશે.

રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ પ્રમોદ કુમાર એસએ જણાવ્યું હતું કે ‘માર્ચમાં ઊંચું તાપમાન ઘઉંના ઉત્પાદનમાં ૪૦થી ૫૦ લાખ ટનનો ઘટાડો કરી શકે છે. અમે આશરે ૧૦૬૦થી ૧૦૭૦ લાખ ટન ઘઉં પાકવાનો અંદાજ મૂકીએ છીએ.

ગ્લોબલ ટ્રેડિંગ ફર્મ સાથે નવી દિલ્હી સ્થિત ડીલરે જણાવ્યું કે અમે અંદાજ ૧૦૯૦ લાખ ટનનો મૂક્યો હતો, જે હવે ઘટાડીને ૧૦૩૦ લાખ ટન કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે તો ઉત્પાદન ઘટીને ૧૦૦૦ લાખ ટનની આસપાસ થઈ શકે છે.

નીચા ઉત્પાદનથી ઘઉંના ભાવ સરકારના ખરીદભાવથી ઉપર રહેશે અને ખેડૂતોને ખાનગી કંપનીઓને વેચવા પ્રોત્સાહિત કરશે, એમ ડીલરે જણાવ્યું હતું.

ફૂડ સિક્યૉરિટીને લઈને સરકાર નીચા ભાવ રાખવા કાંઈ પણ કરશે

કેન્દ્ર સરકાર દ્વારા ગઈ સીઝનમાં ઘઉંની સરકારી ખરીદી ૫૩ ટકા ઘટીને ૧૮૮ લાખ ટન થઈ હતી અને ઘઉંના ભાવ ઘટીને જાન્યુઆરીમાં ૩૨૦૦ રૂપિયાની ઑલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ઊંચા ભાવને રોકવા માટે એફસીઆઇ દ્વારા ૫૦ લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં નીચા ભાવથી ઠાલવવાની જાહેરાત કરવી પડી હતી અને એને પગલે ઘઉંના ભાવ ૩૦થી ૪૦ ટકા જેવા ઘટીને ૨૨૦૦ રૂપિયાની નીચી સપાટી પર આવી ગયા હતા.

કેન્દ્ર સરકારના આ પગલાને લીધે એપ્રિલથી શરૂ થતી નવી માર્કેટિંગ સીઝન વર્ષમાં સરકારી સ્ટૉક ગયા વર્ષની તુલનાએ અડધો થઈને ૧૦૨ લાખ ટન રહેશે, જે છેલ્લાં ૬ વર્ષનો સૌથી નીચો સ્ટૉક છે. ઘઉંના ભંડાર ફરી ભરવા માટે સરકારે ચાલુ વર્ષ માટે ૩૪૦ લાખ ટનની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો છે.

ફ્લોર મિલોના પ્રમોદ કુમારે જણાવ્યું કે સરકાર દેશમાં ફૂડ સિક્યૉરિટીને ધ્યાનમાં રાખીને ખરીદી વધારવા માટે કોઈ પણ પગલાં લેશે અને જો જરૂર પડશે તો આગામી દિવસોમાં આયાતને પણ મંજૂરી આપવી પડશે.

ઘઉંની આ વર્ષે આયાત કરવાની નોબત આવી શકે

દેશમાં ૨૦૨૨માં ઘઉંની સ્થિતિ જુદી હતી અને દેશમાં ભાવ ઊંચા હોવા છતાં વૈશ્વિક ભાવ ઊંચા હોવાને કારણે આયાતમાં પૅરિટી નહોતી અને સરકારે આયાત પર ડ્યુટી પણ લાદી છે.

૨૦૨૩માં વૈશ્વિક પરિસ્થિતિ જુદી છે અને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ભાવ વધીને વિક્રમી ૧૨ ડૉલરની ઉપર શિકાગો વાયદો પહોંચી ગયો હતો, જે હાલમાં ઘટીને ૭ ડૉલરની અંદર ટ્રેડ કરે છે. શિકાગો ઘઉં વાયદો છેલ્લા એક વર્ષમાં ૪૧ ટકા તૂટી ગયો છે. આ સ્થિતિમાં આગળ ઉપર જરૂર લાગશે તો સરકાર આયાત ડ્યુટી હટાવશે અને સાઉથની મિલો ઘઉંના આયાત વેપાર કરી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2023 04:13 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK