Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > છેલ્લા પોણા કલાકની લપસણીમાં બજારનો બધો સુધારો સાફ થયો, પણ નવી ટૉપ જારી

છેલ્લા પોણા કલાકની લપસણીમાં બજારનો બધો સુધારો સાફ થયો, પણ નવી ટૉપ જારી

Published : 31 July, 2024 08:35 AM | IST | Mumbai
Anil Patel

નફામાં ૭૫ ટકાનું ધોવાણ છતાં ઇન્ડિયન ઑઇલ દોઢ ટકો સુધર્યો, ભારત પેટ્રોની નવા શિખર સાથે આગેકૂચ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ફેડની મીટિંગમાં રેટ-કટના સિગ્નલ પર ખેલાડીઓની નજર : બિટકૉઇનમાં ટ્રમ્પનો ફીવર ઊતરી જતાં ૪ ટકાની નરમાઈ: નફામાં ૭૫ ટકાનું ધોવાણ છતાં ઇન્ડિયન ઑઇલ દોઢ ટકો સુધર્યો, ભારત પેટ્રોની નવા શિખર સાથે આગેકૂચ : ક્વીપ રૂટથી ૬૦૦૦ કરોડ ઊભા કરવાની યોજનામાં અદાણી એનર્જી સાત ટકા ઊછળ્યો : ધારણા મુજબનાં પરિણામ અને શૅર-વિભાજનની જાહેરાત છતાં વરુણ બેવરેજિસ ગગડ્યો : ગુજરાત ગૅસ, મહાનગર ગૅસ અને ઇન્દ્રપ્રસ્થ ગૅસ નવી ટૉપ બનાવી સુધારામાં બંધ : વીવીઆઇપી ઇન્ફ્રા અને વીએલ ઇન્ફ્રાનું લિસ્ટિંગ તગડું રહ્યું : કોલગેટમાં પરિણામથી નવી ટૉપ બની


અમેરિકન મધ્યસ્થ બૅન્ક ફેડની મીટિંગ માથે છે. વ્યાજદરમાં ઘટાડાની શરૂઆત સપ્ટેમ્બરથી થવાની વ્યાપક ધારણા સેવાય છે. ફેડની બેઠકમાં આ મામલે કેવા સિગ્નલ મળે છે એના પર વિશ્વબજારોની નજર છે. ફેડ રેટમાં ઘટાડાનું સ્ટ્રૉન્ગ સિગ્નલ મળે તો ખેલાડીઓ મૂડમાં આવી જશે. એશિયન બજારોનો મંગળવાર બહુધા મુરઝાયેલો રહ્યો છે. હૉન્ગકૉન્ગ ૧.૪ ટકા, સાઉથ કોરિયા એક ટકો, ઇન્ડોનેશિયા પોણો ટકો, ચાઇના અડધો ટકો અને સિંગાપોર નહીંવત નરમ હતું. ન્યુ ઝીલૅન્ડ સરકારે વંશમાં ઘટાડો તેમ જ અન્ય રાહતો જાહેર કરી છે. ત્યાંનું બજાર પોણા ટકા નજીક પ્લસ હતું. યુરોપ સાંકડી વધ-ઘટે રનિંગમાં પૉઝિટિવ બાયસમાં જણાયું છે. ક્રિપ્ટોકરન્સી માટે ટ્રમ્પ તરફથી ભારે ઊમળકો વ્યક્ત થતાં બિટકૉઇન ૬૪,૧૧૯થી ઊંચકાઈ ૬૯,૯૦૯ ડૉલરે ગયા બાદ ઉભરો શમી ગયો છે. ભાવ ચારેક ટકા તૂટી રનિંગમાં ૬૬,૮૫૦ ડૉલર દેખાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ ત્રણ ટકા ડાઉન થયું છે.



ઘરઆંગણે સેન્સેક્સ ફ્લૅટ ઓપનિંગ બાદ ૮૧,૮૧૫ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૯૯ પૉઇન્ટ વધીને ૮૧,૪૫૫ તથા નિફ્ટી ૨૪,૯૭૧ની ઇન્ટ્રા-ડે ટૉપ હાંસલ કરી ૨૧ પૉઇન્ટ વધી ૨૪,૮૫૭ બંધ થતાં બન્ને બજારમાં બેસ્ટ ક્લોઝિંગ જોવાયું છે. માર્કેટકૅપ ૯૯,૦૦૦ કરોડ વધી હવે ૪૬૦.૯૧ લાખ કરોડના નવા શિખરે આવી ગયું છે. મિડકૅપ, સ્મોલકૅપ, તથા બ્રૉડર માર્કેટ નવી વિક્રમી સપાટી નોંધાવી સાધારણ પોણો ટકો વધીને બંધ હતા. FMCG નિફ્ટી ફાર્મા તથા હેલ્થકૅરને બાદ કરતાં બન્ને બજારના તમામ સેક્ટોરલ પ્લસ હતા. પાવર ઇન્ડેક્સ દોઢ ટકા તથા યુટિલિટીઝ બેન્ચમાર્ક બે ટકા ઊછળી નવી ટોચે ગયા હતા. ઑઇલ-ગૅસ, એનર્જી, ફાઇનૅન્સ, નિફ્ટી મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પોણાથી એકાદ ટકો અપ હતા. બૅન્ક નિફ્ટી અડધો ટકો સુધર્યો છે. માર્કેટ બ્રેડ્થમાં મજબૂતી બરકરાર રહેતાં વધેલા ૧૩૯૬ શૅરની સામે ૯૭૦ જાતો ઘટી છે. છેલ્લો પોણો કલાક બજાર માટે રીતસરની લપસણીનો હતો જેમાં શૅર આંક ૮૧,૮૧૫થી સડસડાટ ગગડતું રહી ૮૧,૩૬૧ થયું હતું. મતલબ કે આખા દિવસનો સુધારો છેલ્લા પોણા કલાકમાં સાફ થઈ ગયો હતો. 


રિલાયન્સની લોટસ ચૉકલેટ સતત નવમી ઉપલી સર્કિટ મારી નવી ટોચે

ગાઝિયાબાદની વીવીઆઇપી ઇન્ફ્રાટેક શૅરદીઠ ૯૩ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૧૨૨ના પ્રીમિયમ સામે ૧૭૭ નજીક ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૮૫ વટાવી ત્યાં જ બંધ થતાં એમાં ૯૯.૫ ટકાનો તગડો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. અમદાવાદી વીએલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ શૅરદીઠ ૪૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ૬૦ના પ્રીમિયમ સામે ૮૦ નજીક ખૂલી ઉપલી સર્કિટમાં ૮૪ નજીક જઈ ત્યાં જ બંધ થતાં એમાં પણ ૯૯.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળી ગયો છે. બુધવારે ભોપાલની મંગલમ ઇન્ફ્રા તથા મુંબઈની ચેતના એજ્યુકેશનનું લિસ્ટિંગ છે. મંગલમમાં ૫૬ના શૅરની સામે ગ્રે માર્કેટમાં હાલ ૫૨ તથા ચેતનામાં ૮૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ૩૧નું પ્રીમિયમ ક્વૉટ થાય છે. દરમ્યાન HDFC ફેમ દીપક પારેખના બૅકિંગવાળી નેફ્રો કૅર ઇન્ડિયા જે ૯૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૫ જુલાઈએ લિસ્ટિંગમાં ૧૭૯ બંધ રહી હતી એ તેજીની ચાલમાં વધતી રહી ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૩૬૧ના બેસ્ટ લેવલે ગઈ છે.


પ્રમોટર્સ તરીકે રિલાયન્સ જેમાં ૫૧ ટકા હિસ્સો ધરાવે છે એ લોટસ ચૉકલેટ્સ પરિણામ પછી સતત ૯મી ઉપલી સર્કિટ મારી ૧૦૮૭ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. ૬ ડિસેમ્બરે ભાવ ૨૧૩ના વર્ષના તળિયે હતો. આઇડિયા ફોર્જ પરિણામ પાછળ વૉલ્યુમ સાથે નીચામાં ૭૪૦ થઈ ૧૧.૫ ટકા કે ૯૯ રૂપિયા ગગડી ૭૫૯ હતી. જિંદલ ડ્રિલિંગે ૨૬૩ ટકાના વધારામાં ૪૪ કરોડ નેટ પ્રૉફિટ કરતાં શૅર ૨૮ ગણા કામકાજે ઉપરમાં ૭૦૬ વટાવી ૧૬.૪ ટકાની તેજીમાં ૬૯૯ થયો છે. ફાઇન ઑર્ગેનિક માથે પરિણામ વચ્ચે ૫૯૫૦ની વિક્રમી સપાટી બનાવી ૯.૮ ટકા કે ૫૨૨ રૂપિયા ઊછળી ૫૮૭૫ બંધ રહ્યો છે. ફેસવૅલ્યુ પાંચની છે. 

મુંબઈની ઉત્સવ સીઝેડ ગોલ્ડ ૧૧૦ના ભાવે બુધવારે ભરણું કરશે

મંગળવારે અડધો ડઝન ભરણાં ખુલ્યાં છે. મેઇન બોર્ડમાં બેના શૅરદીઠ ૬૭૯ની અપર બૅન્ડ સાથે ૧૮૫૭ કરોડ નજીકનો એકુમ્સ ડ્રગ્સ પ્રથમ દિવસે કુલ ૧.૪ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૯૫ જેવું છે. SME સેગમેન્ટમાં અમદાવાદી આશાપુરા લૉજિસ્ટિક્સનો શૅરદીઠ ૧૪૪ની અપર બૅન્ડવાળો ૫૨૬૬ લાખનો ઇશ્યુ ૩.૭ ગણો અને બલ્કકૉર્પ ઇન્ટર.નો શૅરદીઠ ૧૦૫ની ઇશ્યુ પ્રાઇસવાળો ૨૦૭૮ લાખનો ઇશ્યુ ૧૩.૯ ગણો ભરાયો છે. આશાપુરામાં ૯૫ અને બલ્કકૉર્પમાં ૮૫નું પ્રીમિયમ બોલાય છે. કાંચીપુરમની સતલોઅર સિનર્જિસનો શૅરદીઠ ૧૪૦ની પ્રાઇસવાળો ૯૨૯૩ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે જ ૬.૬ ગણો છલકાઈ જતાં પ્રીમિયમ વધી ૧૫૦ થયું છે. જ્યારે જયપુરની રાજપૂતાના ઇન્ડ.નો શૅરદીઠ ૩૮ના ભાવનો ૨૩૮૮ લાખનો ઇશ્યુ ૨૦.૨ ગણો અને કીઝી અપૅરલ્સનો શૅરદીઠ ૨૧ના ભાવનો ૫૫૮ લાખનો SME IPO ૪.૬ ગણો ભરાયો છે. રાજપૂતાનામાં ૪૯નું પ્રીમિયમ છે. કીઝીમાં કોઈ કામકાજ પહેલેથી નથી. ઉદયપુરની ઇસ્પિરિટ સ્ટોન્સનો શૅરદીઠ ૮૭ના ભાવનો ૫૦૪૨ લાખનો ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે કુલ ૧૮૬ ગણો અને પુણેની એસ.એ. ટેક સૉફ્ટવેરનો શૅરદીઠ ૫૯ના ભાવનો ૨૩૦૧ લાખનો ઇશ્યુ ૬૨૧ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ઇસ્પિરિટમાં પ્રીમિયમ ઘટી ૩૫ અને એસ.એ. ટેકમાં પ્રીમિયમ વધીને ૮૦ ચાલે છે.

મુંબઈની ઉત્સવ સીઝેડ ગોલ્ડ શૅરદીઠ ૧૧૦ની અપર બૅન્ડમાં ૬૯૫૦ લાખનો NSE SME ઇશ્યુ બુધવારે કરશે. ગ્રે માર્કેટમાં ૫૧થી કામકાજ શરૂ થયું છે. ઑગસ્ટ મહિનો શરૂ થવામાં છે તો પણ કંપનીએ છેલ્લા આંકડા ગયા વર્ષના માત્ર ૧૦ માસના જ, જાન્યુઆરી ૨૦૨૪ સુધીના આપ્યા છે. આવી ટ્રાન્સપરન્સી હોય? એપ્રિલમાં પ્લેસમેન્ટ શૅરદીઠ ૮૨.૫૦ના ભાવે કર્યું છે. હવે એ જ માલના કંપનીને ત્રણ મહિનામાં જ ૧૧૦ રૂપિયા લોકો પાસેથી લેવા છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર માંડ અઢી-ત્રણ રૂપિયાની છે. બાય ધ વે, ઓલા ઇલેક્ટ્રિકનો મેગા ઇશ્યુ જે બીજી ઑગસ્ટે ખૂલવાનો છે એમાં ગ્રે માર્કેટમાં હાલ ૧૫નું પ્રીમિયમ છે. 

નોમુરાના બાયના કૉલમાં તાતા મોટર્સ સતત ૫મા દિવસે વધ્યો

એનટીપીસી ૪૧૨ના બેસ્ટ લેવલ બાદ ૩.૩ ટકા ઊછળી ૪૦૭ બંધ આપી સેન્સેક્સમાં મોખરે હતી. તો ભારત પેટ્રોલિયમ ૩૫૯ના શિખરે જઈ ત્રણ ટકાની આગેકૂચમાં ૩૪૮ બંધ આપી નિફ્ટીમાં ઝળકી છે. તાતા મોટર્સમાં નોમુરાએ ૧૨૯૪ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપતાં શૅર સતત પાંચમા દિવસની મજબૂતીમાં ૧૧૭૯ની વિક્રમી સપાટી બાદ ૩.૪ ટકા ઊંચકાઈ ૧૧૬૨ હતો. પરિણામ પહેલીએ છે. એકંદર ધારણા ૧.૦૮ લાખ કરોડની આવક તથા ૫૦૬૧ કરોડના નેટ પ્રૉફિટની છે. પ્રભુદાસ લીલાધરવાળા ૬૩૯૩ કરોડ તો કોટક સિક્યૉરિટીવાળા ૬૦૧૮ કરોડનો ચોખ્ખો નફો ધારે છે. અન્યમાં પાવરગ્રિડ, એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, બજાજ ફીનસર્વ, અદાણી એન્ટર, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, મારુતિ એકથી બે ટકા મજબૂત હતા. સામે સનફાર્મા, આઇટીસી, સિપ્લા, લાટિમ, SBI લાઇફ, ગ્રાસિમ, શ્રીરામ ફાઇ, હિન્દાલ્કો એકથી બે ટકા જેવા ઘટ્યા છે. રિલાયન્સ અડધો ટકો ઘટીને ૩૦૨૫ બંધ રહ્યો હતો.

ફિલિપ્સ કાર્બન બ્લૅક અથાત્ પીસીબી લિમિટેડ ભારે કામકાજ સાથે ૩૪૩ની ટૉપ બનાવી ૧૦ ટકાની તેજીમાં ૩૩૦ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળક્યો હતો. નાયકા ૨૦૨ની વીસેક માસની ટોચે જઈ ૯.૪ ટકાના જમ્પમાં ૨૦૦ થયો છે. ૧૪ ઑગસ્ટે અહીં ૧૩૦નું ઑલટાઇમ બૉટમ બન્યું હતું. કૅમ્પ ૪૭૨૯ની વિક્રમી સપાટી નોંધાવી ૯.૬ ટકા કે ૪૧૦ રૂપિયાની તેજીમાં ૪૬૯૨ થયો છે. ૧ નવેમ્બરે ભાલ ૨૨૩૨ની નીચી સપાટીએ હતો. ઇન્ડિયન ઑઇલે ૭૫ ટકાના ગાબડામાં ૩૭૨૩ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે, પણ શૅર નીચામાં ૧૭૮ થઈ દોઢ ટકો સુધરી ૧૮૩ બંધ હતો. અદાણી એનર્જી ૧૦૨૫ની ફ્લોર પ્રાઇસથી ૬૦૦૦ કરોડનો ક્વીપ ઇશ્યુ કરવા સજ્જ બની છે. શૅર ૭ ટકા ઊછળીને ૧૧૨૫ વટાવી ગયો છે.

ઉદાર બોનસના આશાવાદમાં વિંધ્ય ટેલિ ઑલટાઇમ હાઈ

વરુણ બેવરેજિસે ૨૬ ટકાના વધારામાં ૧૨૬૨ કરોડ ત્રિમાસિક નફો કર્યો છે. વધુમાં પાંચની ફેસવૅલ્યુવાળા શૅરનું બે રૂપિયામાં વિભાજન નક્કી થયું છે. પરિણામ બાદ શૅર ૧૭૦૧ની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડી ૧૫૬૬ થઈ ૬.૪ ટકાની ખરાબીમાં ૧૫૭૬ રહ્યો છે. આઇટીડી સિમેન્ટેશનને ૧૨૩૭ કરોડનો નવો કૉન્ટ્રૅક્ટ મળતાં ભાવ ૫૪૦ નજીક જઈ ૨.૭ ટકા વધી ૫૨૫ હતો. કોલગેટ પામોલિવ દ્વારા ૩૩ ટકાના વધારામાં ૩૬૪ કરોડ ચોખ્ખો નફો જાહેર થતાં શૅર સવાછ ગણા વૉલ્યુમે ૩૪૨૬ની ઑલટાઇમ હાઈ બનાવી ૪.૭ ટકા કે ૧૫૨ રૂપિયા ઊંચકાઈ ૩૩૬૧ થયો છે.

પીએનબી હાઉસિંગમાં ૩૨.૭ ટકા હોલ્ડિંગ ધરાવતી કાર્લાઇલે બ્લૉક ડીલ મારફત આશરે પોણાતેર ટકા માલ વેચ્યો હોવાના પગલે શૅર જંગી વૉલ્યુમ સાથે નીચામાં ૭૭૫ થઈ પોણાબે ટકા ઘટી ૭૭૯ બંધ આવ્યો છે. ગૅસ ડિસ્ટ્રિબ્યુશન કંપની મહાનગર ગૅસ ૧૯૦૨ના શિખરે જઈ ૨.૭ ટકા વધી ૧૮૯૧ તથા ગુજરાત ગૅસ ૬૮૭ની ટૉપ બનાવી ૧.૪ ટકા વધીને ૬૭૮ બંધ થયો છે. ગુજરાત ગૅસનાં પરિણામ ૬ ઑગસ્ટે છે. ઇન્દ્રપ્રસ્થ ગૅસ પણ ૫૫૬ની ટૉપ હાંસલ કરી દોઢ ટકા વધી ૫૫૨ હતો. સુઝલોન તેજીને આગળ ધપાવતાં ૫ ટકાની ઉપલી સર્કિટે ૬૮ પ્લસની મલ્ટિયર ટોચે પહોંચ્યો છે. વિંધ્ય ટેલિ ૩૨૩૩ની વિક્રમી સપાટી બતાવી પાંચેક ટકા કે ૧૪૮ રૂપિયાની મજબૂતીમાં ૩૧૬૭ હતો. ૧૦ની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ ઘણી તગડી ૩૧૬૭ રૂપિયા જેવી હોવાથી ઉદાર બોનસને મોટો અવકાશ છે. હાલના ભાવે પણ શૅર સવાતેરનો પી/ઇ સૂચવે છે. જ્યારે ઇન્ડસ્ટ્રીનો પી/ઇ ૨૬ નજીકનો છે. કંપની ડેટ-ફ્રી છે. યુનિવર્સલ કૅબલ પ્રમોટર તરીકે અહીં ૨૯.૨ ટકા હોલ્ડિંગ ધરાવે છે. યુનિવર્સલ કૅબલ ઉપરમાં ૮૯૦ થઈ એક ટકો સુધરીને ૮૭૪ બંધ હતો.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2024 08:35 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK