Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઇન્વેન્ટરીનું અન્ડરવૅલ્યુએશન થતું અટકાવવા માટે બજેટમાં કરાયેલો સુધારો

ઇન્વેન્ટરીનું અન્ડરવૅલ્યુએશન થતું અટકાવવા માટે બજેટમાં કરાયેલો સુધારો

21 February, 2023 02:58 PM IST | Mumbai
Paresh Kapasi | paresh.kapasi@mid-day.com

સ્ટાર્ટઅપ્સને રાહત આપવી, સુવહીવટ પર લક્ષ કેન્દ્રિત કરવું અને ભારતને રોકાણકારો માટે આકર્ષક સ્થળ બનાવવું એ બધાં પાસાંનો એમાં સમાવેશ થાય છે. 

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

ટૅક્સ રામાયણ

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર


આગામી નાણાકીય વર્ષના કેન્દ્રીય બજેટનાં અનેક પાસાં છે. સૂક્ષ્મ અને નાના એકમો (સ્મૉલ ઍન્ડ માઇક્રો એન્ટરપ્રાઇઝીસ - એસએમઈ)ને સહાયક ઠરવું, કરવેરાને લગતા વાદનું નિવારણ કરવા પર લક્ષ આપવું, સ્ટાર્ટઅપ્સને રાહત આપવી, સુવહીવટ પર લક્ષ કેન્દ્રિત કરવું અને ભારતને રોકાણકારો માટે આકર્ષક સ્થળ બનાવવું એ બધાં પાસાંનો એમાં સમાવેશ થાય છે. 
બિઝનેસ પર અસર કરનારી કેટલીક બાબતો આ પ્રમાણે છે... 

માઇક્રો ઍન્ડ સ્મૉલ એન્ટરપ્રાઇઝીસ માટેની મહત્ત્વપૂર્ણ જોગવાઈ મુજબ આવકવેરા ધારાની કલમ ૪૩બીમાં સુધારો કરવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે જો આ એકમોને સમયસર પેમેન્ટ કરવામાં આવશે તો જ એના પર ડિડક્શનનો લાભ લઈ શકાશે. એમએસએમઈડી ઍક્ટની કલમ ૧૫ મુજબ માઇક્રો અને સ્મૉલ બિઝનેસને લેખિત કરારમાં લખાયેલી સમયમર્યાદાની અંદર જ પેમેન્ટ કરવાનું હોય છે. આ સમયમર્યાદા ૪૫ દિવસથી વધુ હોઈ શકે નહીં. જો લેખિત કરાર ન હોય તો ૧૫ દિવસની અંદર જ પેમેન્ટ કરવું જરૂરી છે. હવે નવા સુધારા મુજબ જેટલું પેમેન્ટ હશે એટલું જ ડિડક્શન મળશે. જો કલમ ૧૫ હેઠળની સમયમર્યાદામાં પેમેન્ટ કરવામાં આવશે તો જ એને એક્રુઅલ બેઝિસ પર ડિડક્શન માટે માન્ય રાખવામાં આવશે. આ ફેરફાર ૧ એપ્રિલ, ૨૦૨૪થી અમલી બનશે. આમ, આકારણી વર્ષ ૨૦૨૪-’૨૫થી એનો અમલ થશે.અન્ય એક ફેરફાર મુજબ ભારતીય કંપનીઓને બિનરહીશ ભારતીયોને ઇશ્યુ કરવામાં આવેલા શૅર પર જે સુપર પ્રીમિયમ મળશે એના પર કંપનીઓએ કરવેરો ચૂકવવો પડશે. સુધારા પહેલાં આ જોગવાઈ ફક્ત રહીશ રોકાણકારોને ફાળવવામાં આવતા શૅર માટે લાગુ થતી હતી. આ સુધારાને પગલે કરવેરા અને નિયમનકારી ફાઇલિંગની દૃષ્ટિએ વૅલ્યુએશન કેન્દ્રમાં રહેશે, એમ કહી શકાય. આ જોગવાઈને પગલે ભારતીય આવકવેરા કાયદો અને વિદેશી હૂંડિયામણને લગતાં ધારાધોરણો અનુસાર વૅલ્યુએશન કરવા બાબતે પ્રશ્નો ઊભા થઈ શકે છે. આથી વૅલ્યુએશનની પદ્ધતિઓ સહિતની કેટલીક બાબતોની સમીક્ષા કરવી જરૂરી બનશે. 


ઇન્વેન્ટરીનું મૂલ્ય જાહેર કરવા સંબંધે વધારાની તકેદારી રાખવાની જરૂર પડી શકે છે : ઇન્વેન્ટરીનું અન્ડરવૅલ્યુએશન થતું અટકાવવા માટે એવો સુધારો કરાયો છે કે કરવેરા અધિકારી સ્વતંત્ર કૉસ્ટ અકાઉન્ટન્ટ પાસે ઇન્વેન્ટરીનું વૅલ્યુએશન કરાવવાનો આદેશ આપી શકે છે. આ કૉસ્ટ અકાઉન્ટન્ટ આવકવેરાના કમિશનર અથવા પ્રિન્સિપલ કમિશનરે નિયુક્ત કરેલા હોવા જોઈએ. આ સુધારા દ્વારા સરકારે એવો નિર્દેશ આપ્યો છે કે ઇન્વેન્ટરીના વૅલ્યુએશનમાં પૂરતી તકેદારી લેવાની જરૂર છે. કરવેરા અધિકારીઓ કૉસ્ટ અકાઉન્ટન્ટ પાસે વૅલ્યુએશન કરાવવાનો આદેશ આપે તો કરદાતા પર નિયમપાલનનો બોજ વધશે. અત્યાર સુધી કરદાતાઓએ ઇન્વેન્ટરીનું ઑડિટ કે કૉસ્ટ રેકૉર્ડનું ઑડિટ કરાવવાની જરૂર હોવાની જોગવાઈ કાયદામાં કરાઈ નથી. વળી, આ વેરિફિકેશન એસેસમેન્ટની કાર્યવાહી વખતે કરવાની દરખાસ્ત હોવાથી ડેટાની ઉપલબ્ધતા, ઑડિટ કરવાની રીત વગેરે બાબતોનો પણ વિચાર કરવો પડશે. 

સ્ટાર્ટઅપ્સ માટે રાહત : બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ સ્ટાર્ટઅપ્સ હવે ૭ નહીં, પણ ૧૦ વર્ષ સુધી ખોટને કૅરી ફૉર્વર્ડ કરી શકશે. ઉપરાંત, ૨૦૨૪ની ૩૧ માર્ચ સુધીમાં સ્થપાઈ ગયેલાં સ્ટાર્ટઅપ્સને હવે ત્રણ વર્ષની ટૅક્ટ રિબેટ મળશે. આ જોગવાઈ વિકસિત દેશોમાં અપનાવાયેલી સિસ્ટમને અનુરૂપ છે. 


સુનાવણીની તક આપ્યા વગર ટૅક્સ રીફન્ડનું ઍડ્જસ્ટમેન્ટ : બે અલગ-અલગ આકારણી વર્ષના કરવેરાની સામે રીફન્ડનું ઍડ્જસ્ટમેન્ટ કરવા માટે કરદાતાને સુનાવણીનો અધિકાર આપવાની જરૂર હતી. જોકે, સુધારિત જોગવાઈ મુજબ કરવેરાના સત્તાવાળાઓ ઍડ્જસ્ટમેન્ટ કરવા દેશે એવી જાણ કરવામાં આવે એ પણ પૂરતું રહેશે. આમ, કરદાતાને તક પૂરી પાડવાની આવશ્યકતા દૂર કરવામાં આવી છે. આ ફેરફારની અસર એવા કરદાતાઓને થશે, જેમના કેસ અનેક આકારણી વર્ષ માટે ચાલી રહ્યા છે અને ઉચ્ચ અપેલેટ ફોરમમાં અનિર્ણીત પડ્યા છે. અન્ય ફોરમમાં કરદાતાની તરફેણમાં ચુકાદો આવ્યો હોવા છતાં ઉચ્ચ ફોરમમાં કેસ અનિર્ણીત પડ્યા છે. 

કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (સીએસઆર)ના ખર્ચ પર ચૂકવાયેલો જીએસટી બિઝનેસનો ખર્ચ ગણાશે : જે ગુડ્સ કે સર્વિસિસ સીએસઆરના હેતુસર વપરાય છે અથવા વાપરવાનાં હોય એના માટે ઇન્પુટ જીએસટી ક્રેડિટ નહીં મળે. જેમણે ભૂતકાળમાં સીએસઆરના ખર્ચ પર જીએસટી ક્રેડિટ વાપરી નાખી હોય એવા કેટલાક બિઝનેસના કિસ્સામાં જો કાયદાની નિશ્ચિત ચોખવટને કારણે ભૂતકાળની સ્થિતિ બદલાતી હોય તો એની ચકાસણી કરવામાં આવી શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2023 02:58 PM IST | Mumbai | Paresh Kapasi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK