Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > તુકારામ મુંઢે ઇફેક્ટમાં BSEનો હૉસ્પિટલ્સ ઇન્ડેક્સ પાંચ ટકા જેટલો તૂટી ગયો, તમામ ૧૭ શૅર લાલ થયા

તુકારામ મુંઢે ઇફેક્ટમાં BSEનો હૉસ્પિટલ્સ ઇન્ડેક્સ પાંચ ટકા જેટલો તૂટી ગયો, તમામ ૧૭ શૅર લાલ થયા

Published : 01 October, 2026 08:27 AM | IST | Mumbai
Anil Patel

ઢીલું ખૂલ્યા બાદ ૬૦૦ પૉઇન્ટ વધેલું બજાર ઉપલા મથાળાથી ૭૦૦ પૉઇન્ટ બગડી માઇનસમાં બંધ : અપોલો હૉસ્પિટલ્સ અને મૅક્સ હેલ્થકૅર નિફ્ટીમાં ટૉપ લૂઝર : નિફ્ટીમાં વિપ્રોનું સ્થાન BSE લેશે, BSE ૩.૪ ટકા ડૂલ, વિપ્રો એક ટકો પ્લસ : TCSનાં રિઝલ્ટ ૮મીએ, શૅરમાં સુધારો,

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બગડતા બજારનું મોરલ સુધારવા સરકારે આધારભૂત સૂત્રોની એની જાણીતી રમતનો સહારો લેવાનું શરૂ કર્યું લાગે છે. આવા આધારભૂત સૂત્રોના હવાલાથી STT, લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ ઇત્યાદી જેવાં શૅરબજાર-મૂડીબજારને લાગુ પડતા કર-માળખામાં ફેરફાર કરવા સરકાર વિચારી રહી હોવાના અહેવાલ વહેતા થયા છે. આ ઉપરાંત ઘણા વખતથી અટવાઈ પડેલી ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પણ ટૂંકમાં ફાઇનલ થવાની વારતાઓ ચાલી છે. આમ છતાં બજાર ગઈ કાલે પણ લાલ નિશાનમાં બંધ રહ્યું છે. સેન્સેક્સ બુધવારે આગલા બંધથી ૮૮ પૉઇન્ટ નરમ ૭૨,૪૪૧ ખૂલી છેવટે ૪૯ પૉઇન્ટ કે ૦.૦૭ ટકા ઘટી ૭૨,૪૮૦ બંધ થયો છે. નિફ્ટી ૯૬ પૉઇન્ટ કે ૦.૪ ટકાથી વધુની નબળાઈમાં ૨૨,૬૨૦ બંધ આવ્યો છે. આરંભ અને અંતના આ નજીવા ઘટાડાની સામે દિવસ દરમ્યાન બજારમાં ગઈ કાલે નોંધપાત્ર ઊથલપાથલ હતી. બજાર ૮૮ પૉઇન્ટ નરમ ખૂલ્યા પછી ત્યાંથી ૬૨૧ પૉઇન્ટ વધીને ઉપરમાં ૭૩,૦૬૨ વટાવી ગયું હતું અને ત્યાંથી ૬૯૬ પૉઇન્ટ ખરડાઈ નીચામાં ૭૨,૩૬૬ દેખાયું હતું. કસીનો સેશનનો આરંભ થતાં પૂર્વે સેન્સેક્સ ૭૨,૪૪૧ તથા નિફ્ટી ૨૨,૬૧૬ હતો. બજારનું માર્કેટકૅપ ૬૪,૦૦૦ કરોડ ઘટી ૪૭૧.૮૬ લાખ કરોડ નોંધાયું છે. છેલ્લા ત્રણ દિવસમાં દસ લાખ કરોડ સાફ થઈ ચૂક્યા છે. સેન્સેક્સ ખાતે કોટક બૅન્ક ૨.૯ ટકા, ICICI બૅન્ક ૨.૩ ટકા, ઇન્ડિગો બે ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૪ ટકા તથા અલ્ટ્રાટેક ૧.૨ ટકા વધી મોખરે હતી.

નિફ્ટીમાં કોટક બૅન્ક ૨.૭ ટકા, ઇન્ડિગો ૨.૩ ટકા, ICICI બૅન્ક ૨.૩ ટકા, વિપ્રો ૧.૧ ટકા તથા શ્રીરામ ફાઇનૅન્સ ૧.૨ ટકા અપ હતા.



તુકારામ મુંઢે ઇફેક્ટના પગલે સરકાર અને સુપ્રીમ કોર્ટ સારવારના નામે હૉસ્પિટલોમાં ચાલતી લૂંટ રોકવા સક્રિય બન્યા હોવાના અહેવાલમાં ગઈ કાલે BSEનો હૉસ્પિટલ્સ ઇન્ડેક્સ તમામ ૧૭ શૅરની ખરાબીમાં પાંચ ટકા પટકાયો છે. નિફ્ટી ખાતે અપોલો હૉસ્પિટલ્સ પોણાછ ટકા કે ૪૯૩ રૂપિયા તથા મૅક્સ હેલ્થકૅર સવાપાંચ ટકા લથડી ટૉપ લૂઝર્સ બની છે. અન્ય હૉસ્પિટલ્સ શૅરમાં યથાર્થ હૉસ્પિટલ્સ સાડાછ ટકા, એસ્ટર ડીએમ ૫.૪ ટકા, HCG પાંચ ટકા, રેઇનબો ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ્સ ૪ ટકા, મેદાન્તા સાડાત્રણ ટકા, અગરવાલ આઇઝ ૩ ટકા ડૂલ થઈ છે. અન્ય શૅરમાં અદાણી એન્ટર ૨.૪ ટકા, એટર્નલ ૨.૪ ટકા, સિપ્લા ૨.૪ ટકા, સનફાર્મા ૨.૨ ટકા, ટાઇટન બે ટકા, અદાણી પોર્ટ્સ તથા તાતા સ્ટીલ પોણાબે ટકા ડાઉન હતી.


નિફ્ટીમાં વિપ્રોના સ્થાને BSEને સામેલ કરવાની જાહેરાત વચ્ચે BSE લિમિટેડ ૩.૪ ટકા બગડી ૩૦૯૨ થઈ છે. સનટીવી નેટવર્કમાંથી હૈદરાબાદ સનરાઇઝને ડીમર્જ કરવાની જાહેરાતમાં સનટીવી ૬૬૪ની ૧૭ માસની ટોચે જઈ ૮.૨ ટકા ઊઠચકાઈ ૫૯૯ બંધ હતી. NSE ૧૭૬૧ના વર્સ્ટ લેવલે જઈ સાધારણ ઘટાડે ૧૭૬૩ થઈ છે. રિલાયન્સ ૧૧૮૨ના નવા મલ્ટિયર તળિયે જઈ નજીવા સુધારે ૧૧૮૭ રહી છે. ONGC ૨૨૩ની પોણાત્રણ વર્ષની બૉટમ બતાવી સવાબે ટકા ઘટી ૨૨૫ હતી. ઇન્ફી એક ટકો ઘટી ૯૯૫ તો TCS ૦.૭ ટકા સુધરી ૨૦૫૦ થઈ છે.  TCSના પરિણામ ૮ ઑક્ટોબરે આવશે.

ભિવંડીની એડ્રોઇટમાં તગડો લિસ્ટિંગ ગેઇન, એલિવેટ તથા આર્મીમાં નેગેટિવ રીટર્ન મળ્યું


ગઈ કાલે એકસાથે ૯ ભરણાં લિસ્ટેડ થયાં છે. મેઇન બોર્ડ ખાતે મહારાષ્ટ્રના ભિવંડીની એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૧૩૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૩૭થી શરૂ થઈ નીચામાં ૩૨  થયા બાદ ઉપર ૫૮ બતાવી છેલ્લે ચાલતા ૫૬ના પ્રીમિયમ સામે ૨૫૦ ખૂલી ૨૪૮ બંધ રહેતાં ૮૫.૩ ટકા લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. મુંબઈના લોઅર પરેલની એલિવેટ કેમ્પાસીસ એકના શૅરદીઠ ૩૬૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૫થી શરૂ થઈ ૧૬ થયા પછી ગગડી બે થયા બાદ છેલ્લે ચાલતા ૪ના પ્રીમિયમ સામે ૩૫૬ ખૂલી ૩૨૦ બંધ આવતાં ૧૧.૬ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. અમદાવાદી આર્મી ઇન્ફોટેક ૧૦ના શૅરદીઠ ૩૭૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં એકથી શરૂ થઈ ઉપરમાં ૫૧ થયા બાદ છેલ્લે બોલાતા ૬ના પ્રીમિયમ સામે ૩૬૯ ખૂલી ૨૯૫ બંધ થતાં ૨૧.૨ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. જયપુરની સ્વસ્તિકા ઇન્ફ્રા ૧૦ના શૅરદીઠ ૧૮૫ની ઇશ્યુ પ્રાઇસ તથા પાંચથી શરૂ થઈ નીચે ૩ અને ઉપર ૧૦ નજીક જઈ છેલ્લે ચાલતા ૬ના પ્રીમિયમ સામે ૨૦૦ ખૂલી ૨૧૦ બંધ આવતાં ૧૩.૫ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. 

SMEમાં મુંબઈના અંધેરી-ઈસ્ટની કોર ઇન્ટિગ્રા કન્સલ્ટિંગ સર્વિસીસ શૅરદીઠ ૭૮ની ઇશ્યુ પ્રાઇસ સામે NSEમાં ૭૮ ખૂલી ૭૯ નજીક બંધ થતાં નજીવો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. નવી દિલ્હીની પૂજા લૉજિસ્ટિકલ શૅરદીઠ ૧૧૫ની ઇશ્યુ પ્રાઇસ સામે NSEમાં ૧૧૮ ખૂલી ૧૨૪ બંધ થતાં ૮.૯ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મુંબઈના અંધેરી-ઈસ્ટની લિક્વિડ ડિજિટલ ઇન્ડિયા પાંચના શૅરદીઠ ૫૪ની ઇશ્યુ પ્રાઇસ સામે BSEમાં ૫૩.૭૫ ખૂલી ૫૧ બંધ થતાં ૫.૫ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. મેરઠની એસ.કે. ઓફ્ફસેટ શૅરદીઠ ૧૨૫ની ઇશ્યુ પ્રાઇસ સામે BSEમાં ૧૨૬ ખૂલી ૧૨૬ બંધ રહેતાં નહીંવત લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મુંબઈના અંધેરી-વેસ્ટની યુનિટેક ફાઇબર્સ શૅરદીઠ ૮૮ની ઇશ્યુ પ્રાઇસ સામે BSE ખાતે ૯૦ ખૂલી ૮૯ બંધ રહેતાં એકાદ ટકો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. 
આજે, ગુરુવારે મેઇન બોર્ડમાં મની વ્યુ તથા એ-વન સ્ટીલ્સ તથા SMEમાં રૂપા સ્ક્રીન અને પેશ્વા વ્હીટનું લિસ્ટિંગ થવાનું છે ત્યારે મની વ્યુમાં ગ્રેમાર્કેટ ખાતે ૧૪નું, એ-વન સ્ટીલ્સમાં ૩૮નું, રૂપા સ્ક્રીનમાં ૩૭નું અને પેશ્વામાં ઝીરો પ્રીમિયમ ચાલે છે. આગલા દિવસે એકાદ ટકાના મામૂલી લિસ્ટિંગ ગેઇનમાં ૧૪૯ બંધ થયેલી વરમોરા ગ્રેનિટો ગઈ કાલે ૧૩૬ની બૉટમ બનાવી ૮.૭ ટકા તૂટી ૧૩૯, સવાતેર ટકા જેવા લિસ્ટિંગ ગેઇનમાં ૧૨૦ બંધ આવેલી હિમાલયા ન્યુટ્રીવેદિક્સ ૧૧૭નું તળિયું દેખાડી પાંચ ટકા ગગડી ૧૧૭ તો ઝીરો લિસ્ટિંગ ગેઇનમાં ૭૨ બંધ રહેલી આનંદ સીમલેસ ૬૮ના વર્સ્ટ લેવલે જઈ નજીવા ઘટાડે ૭૨ બંધ થઈ છે. 

દેખીતા કારણ વિના રેલવે શૅર વૉલ્યુમ સાથે ડિમાન્ડમાં

નવી મુંબઈ ખાતેની મેસ્ટ્રોસ ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ટેલિકમ્યુનિકેશન્સ સિસ્ટમ્સ શૅરદીઠ એક બોનસમાં આજે એક્સ બોનસ થવાની છે. ભાવ ગઈ કાલે ૨૫૯નું શિખર બનાવી સવાછ ટકા તૂટી ૨૨૮ બંધ હતો. નાટકો ફાર્માએ રૂપિયાની ફેસવૅલ્યુવાળા પ્રત્યેક ૨૧ શૅરદીઠ બે શૅરના પ્રમાણમાં શૅરદીઠ ૭૫૦ના ભાવથી કુલ આશરે ૧૨૭૯ કરોડનો રાઇટ કરવાની છે. શૅર આજે એક્સ-રાઇટ થવાનો છે. ભાવ ગઈ કાલે ઉપર ૮૪૭ થઈ બે ટકા ઘટી ૮૨૭ બંધ રહ્યો છે. બેના શૅરની બુકવૅલ્યુ હાલ ૫૨૨ નજીક છે. મેઇડન બોનસની રાહ જોવાય છે. NSE લિસ્ટેડ મુંબૅના કાર્ટર રોડની અરિહંત ઍકૅડેમી શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૫૦ બતાવી પાંચેક ટકા વધી ૫૧૫ રહી છે.

ગઈ કાલે એકંદર ઢીલા વલણમાં રેલવે શૅરોમાં સિલેક્ટિવ ફેન્સી જોવાઈ છે. ઇરકોન ઇન્ટરનૅશનલ ૧૬ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૨૩ થઈ છેવટે સાડાચૌદ ટકાની તેજીમાં ૧૧૭ બંધ આપી ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બની છે. રાઇટ્સ લિમિટેડ ૪૦ ગણા વૉલ્યુમે ઉપર ૨૧૯ થઈ પોણાનવ ટકા ઊછળી ૨૦૯, IRFC અઢી ગણા કામકાજે ૮૧ વટાવ્યા બાદ ૧.૪ ટકા વધી ૭૯, રેલ વિકાસ નિગમ સાડાત્રણ ગણા વૉલ્યુમે ૨૧૦ નજીક જઈ બે ટકા વધી ૨૦૨, ટેક્સમારો રેલ સવાપાંચ ગણા વૉલ્યુમે ૧૩૫ થયા પછી પાંચેક ટકાની મજબૂતીમાં ૧૩૨, જ્યુપિટર વૅગન્સ ૧૮ ગણા કામકાજે ૨૪૪ વટાવી ૬ ટકા ઊચકાઈ ૨૩૩, ઓરિયેન્ટલ રેલ બમણાથી વધુના વૉલ્યુમે ઉપર ૧૩૪ વટાવી સાડાત્રણ ટકા વધી ૧૨૭ બંધ રહી છે. ટીટાગર રેલ ૮૫૧ થયા પછી ૮૨૦ના લેવલે ફ્લૅટ હતી. કાર્નેક્સ માઇક્રો સવાત્રણ ટકા ગગડી ૧૬૮૮ થઈ છે.

રિયલ્ટી કંપની હબટાઉન પાંચ ગણા વૉલ્યુમે ૧૦ ટકાના ઉછાળે ૧૮૨ વટાવી ગઈ છે. આગલા દિવસે એમાં ૧૬૫ની સવાબે વર્ષની બૉટમ બની હતી. મેલ કૉન્ડોમ બનાવતી ક્યુપિડ લિમિટેડ પોણાબે ગણા કામકાજે ૩૧૨ની ઑલટાઇમ હાઈ દેખાડી ૮.૪ ટકા ઊછળી ૩૧૧ વટાવી ગઈ છે. પિઅર ગ્રુપમાં આનોન્દીતા મેડીકૅર ૧૧૦૨ વટાવી એક ટકો ઘટી ૧૦૮૫ થઈ છે. 

બૅન્ક સ્ટ્રાઇકની આડ લઈ સેલ્વાસની શ્રી TNB પૉલિમર્સના ઇશ્યુની મુદત પાંચ આ‍ૅક્ટોબર કરાઈ, ભરણું ૩ દિવસમાં ૬૦ ટકા ભરાયું

ગઇ કાલે એકસાથે નવાં ૧૦ ભરણાં ખુલ્યાં છે. છ ઇશ્યુ પૂરાં થયાં છે તથા એમાં પાંચ ચાલુ ભરણાં ગણતરીમાં લઈએ તો બુધવારે પ્રાઇમરી માર્કેટમાં રોકાણ માટે કુલ ૨૧ ઇશ્યુ રોકાણકારોને ઉપલબ્ધ હતા, એમ કહી શકાય. ગઇ કાલે જે દસ IPO ખુલ્યા છે તેમાં મેઇન બોર્ડ ખાતે પ્રથમ દિવસે સુરતની નિત્યાસ જેમ્સનો પાંચના શૅરદીઠ ૭૫ના ભાવનો ૧૦૮ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૫૦ ટકા સહિત કુલ વીસેક ટકા તેમ જ મુંબઈના ફોર્ટ એરિયાની વિશાલા નિર્મિતિનો ૧૦ના શૅરદીઠ ૨૨૦ના ભાવનો ૧૭૮ કરોડનો IPO રીટેલમાં ૭ ટકા સહિત કુલ ફક્ત ૬ ટકા ભરાયો છે. હાલ નિત્યાસમાં ઝીરો અને વિશાલમાં ૧૦નું પ્રીમિયમ છે જ્યારે મેઇન બોર્ડમાં બૅન્ગલોરની શ્રીત ઇન્ડિયાનો પાંચના શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૨૧૮ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૫૫ ગણા સહિત કુલ ૧૧૦ ગણો તથા ગાંધીનગરની શાહ ઇન્વેસ્ટર્સ હોમનો ૧૦ના શૅરદીઠ ૧૬૭ના ભાવનો ૯૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૬ ગણા સહિત કુલ ૩૨ ગણો ભરાઈ પૂરો થયો છે. શ્રીતમાં પ્રીમિયમ વધીને ૩૮ તો શાહમાં રેટ ઘટીને ૧૨ ચાલે છે.

ઉક્ત ૪ ભરણાં બાદ કરતાં બાકીના ૧૭ SME IPOની સ્થિતિ જોઈએ તો ગઈ કાલે પ્રથમ દિવસે એકમકે ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૯૬ના ભાવનો ૧૨૨ કરોડનો ઇશ્યુ કુલ પોણાબે ગણો, પેરામાઉન્ટ સિન્ટેક્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૭ના ભાવનો ૮૨ કરોડનો ઇશ્યુ કુલ સવા ગણો, ડોવ સોફ્ટનો ૧૦ના શૅરદીઠ ૧૧૧ના ભાવનો ૭૩ કરોડનો ઇશ્યુ કુલ ૩૩ ટકા, TNA સૉલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૩૮ કરોડનો ઇશ્યુ કુલ વીસેક ટકા, ઓમારા વેન્ચર્સનો ૧૦ના શૅરદીઠ ૩૧૧ની મારફાડ ઇશ્યુ પ્રાઇસ સાથે ૪૨ કરોડનો ઇશ્યુ કુલ ૪૫ ટકા, SJP અલ્ટ્રાસોનિક્સનો ૧૦ના શૅરદીઠ ૬૭ના ભાવનો ૨૩ કરોડનો ઇશ્યુ કુલ ૩૮ ટકા, ઇવેન્શન્સ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૩૮ કરોડનો ઇશ્યુ કુલ ૧.૨ ગણો તેમ જ સોલફેજ સ્માર્ટ ઇલેક્ટ્રૉનિક્સનો ૧૦ના શૅરદીઠ ૫૫ના ભાવનો ૨૨ ઇન્ડિયામાં ૩૦, TNA સોલ્યુશન્સમાં ૭ તથા બાકીમાં ઝીરો પ્રીમિયમ છે.

બીજા દિવસના અંતે SME સેગમેન્ટમાં વેન્સ ઇલેક્ટ્રો એન્જિનિયરિંગ્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૩૪ કરોડનો ઇશ્યુ કુલ ૫૦ ટકા, પાપડમલજી ઍગ્રો ફૂડસનો ૧૦ના શૅરદીઠ ૭૨ના ભાવનો ૨૦ કરોડ પ્લસનો ઇશ્યુ કુલ પોણાબે ગણો, બ્લૅક ઑપેલ કન્સલ્ટન્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૧૯૩ના ભાવનો ૫૫ કરોડનો ઇશ્યુ કુલ ૧.૨ ગણો તથા એવરેસ્ટ IMS ટેકનૉલૉજીસનો ૧૦ના શૅરદીઠ ૮૫ના ભાવનો ૪૮ કરોડનો ઇશ્યુ કુલ ૪૨ ટકા ભરાયો છે. હાલ વેન્સમાં પ્રીમિયમ વધી ૯૦, એવરેસ્ટમાં વધીને ૨૦ થયું છે. બ્લૅક ઓપેલમાં ૨૦ છે.

જે SME ભરણાંનો ગઈ કાલે આખરી દિવસ હતો એમાં પિન્દ હૉસ્પિટૅલિટીઝનો ૧૦ના શૅરદીઠ ૯૯ના ભાવનો ૧૮ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૪ ગણા સહિત કુલ પોણાત્રણ ગણો, એકમે યુનિવર્સલ સેફઝોનનો ૧૦ના શૅરદીઠ ૭૧ના ભાવનો ૩૬ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૧ ગણા સહિત કુલ ૨૦ ગણો અને શિવકેમ ઍગ્રોનો પાંચના શૅરદીઠ ૬૨ના ભાવનો ૧૪ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩.૫ ગણા સહિત કુલ અઢી ગણો ભરાઈ પૂરો થયો છે. શિવકેમમાં એકનું અને પિન્દમાં એકનું પ્રીમિયમ છે. ગ્રીન એશિયા ઇમ્પેક્સનો લંબાવેલી મુદત પ્રમાણે ૧૦ના શૅરદીઠ ૮૯ના ભાવનો ૫૯ કરોડનો ઇશ્યુ પાંચમા દિવસના અંતે રીટેલમાં ૩૫ ટકા સહિત કુલ ૬૧ ટકા ભરાયો છે. શ્રી TNB પૉલિમર્સ ત્રીજા દિવસના અંતે કુલ ૬૦ ટકા માંડ ભરાતાં મુદત લંવાબીને પાંચ ઑક્ટોબર કરાઈ છે. 

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 08:27 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK