શૅરબજારમાં વધ-ઘટ થયા કરવી સહજ છે, આપણે ગયા વખતે બજારના વધવા કે ઘટવાના મૂડની વાત કરી હતી. જોકે રીટેલ રોકાણકારોનો મૂડ રોકાણ વધારવાનો રહ્યો હોવાથી બજારમાં રીટેલ પાવર વધી રહ્યો છે. બસ, આ રોકાણકારોએ બેફામને બદલે વિવેકપૂર્ણ રીતે આગળ વધવામાં શાણપણ રહેશે
પ્રતીકાત્મક તસવીર
મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓ મારફત તેમ જ શૅરબજારમાં સીધા રોકાણ મારફત રીટેલ અર્થાત્ નાના રોકાણકારોનો દબદબો વધી રહ્યો છે, તેમનો ફાઇનૅન્શિયલ સાધનો તરફ વધતો રસ અને રોકાણ પ્રવાહ તેમના માટે તેમ જ અર્થતંત્ર માટે પણ સારી બાબત છે. અલબત્ત, તેમનું આ રોકાણ અભ્યાસ આધારિત હોવું મહત્ત્વનું છે. જો તેઓ ટોળામાં ભળીને આડેધડ ઝટપટ રોકાણની જાળમાં પડ્યા હશે તો એ તેમની અને ઇકૉનૉમી બન્ને માટે બૂરી અસર કરશે.
હાલ તો પ્રાપ્ત માહિતી મુજબ એચએનઆઇ સહિત રીટેલ રોકાણનો પ્રવાહ ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ)ના પચાસ ટકા જેટલો થઈ ગયો છે. આ નાના રોકાણકારોનો સ્ટૉક પોર્ટફોલિયો હવે એલઆઇસી (જે માર્કેટમાં જાયન્ટ રોકાણકાર છે) સમાન થતો જાય છે. એટલે કે આ સંસ્થા અને રીટેલ રોકાણકારોના સ્ટૉક્સ કૉમન થતા જાય છે. નોંધનીય અને આવકાર્ય બાબત એ છે કે છેલ્લા એક દાયકામાં ૧૦ કરોડ નવા ડીમૅટ અકાઉન્ટ્સ ખૂલ્યાં છે જે સરકારની નીતિઓ પરનો વિશ્વાસ, અર્થતંત્રના વિકાસ પરનો વિશ્વાસ અને ભારતના ઉજ્જ્વળ ભાવિ પ્રત્યેનો ઊંચો આશાવાદ દર્શાવે છે. અલબત્ત, કોરોના કાળે પણ લાખો લોકોને બજાર તરફ વાળ્યા છે. ૨૦૧૩ની સામે મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઍસેટ્સ અન્ડર મૅનેજમેન્ટ (એયુએમ) હાલ ૪૦ લાખ કરોડ ઉપર પહોંચી ગઈ છે. આ બાબત પણ રીટેલ રોકાણકારોનો સતત વધી રહેલો ફાળો દર્શાવે છે, જેમાં ૬૦ ટકા ફાળો વ્યક્તિગત રોકાણકારોનો છે.
ADVERTISEMENT
રીટેલ રોકાણકારોનો બદલાતો ટ્રેન્ડ
એક અભ્યાસ મુજબ એનએસઈ પર લિસ્ટેડ કંપનીઓમાં રીટેલ રોકાણકારોનો ફાળો ૭.૪૯ ટકા પહોંચી ગયો છે. જોકે ન્યુ યૉર્ક સ્ટૉક એક્સચેન્જ પર ત્યાંના રીટેલ રોકાણકારોનો ફાળો પચીસ ટકા જેટલો છે. અર્થાત્ ભારતમાં હજી વૃદ્ધિની ઘણી સંભાવના રહેલી છે. ભારતીય બચતકારો-રોકાણકારો આજની તારીખમાં પણ તેમની બચતનું અડધું રોકાણ હાઉસ અને ગોલ્ડમાં કરે છે, જયારે કે મ્યુચ્યુઅલ ફન્ડના એક રૂપિયાના રોકાણ સામે ૩ રૂપિયાનું રોકાણ બૅન્ક ડિપોઝિટ્સમાં કરે છે. આ ટ્રેન્ડ ધીમી ગતિએ બદલાઈ રહ્યો છે અને વધુ ને વધુ લોકો ફાઇનૅન્શિયલ ઍસેટ્સના રોકાણ તરફ વળી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે આ રોકાણ ટ્રેન્ડથી ઓવરઑલ ઇકૉનૉમીને લાભ થાય છે, કેમ કે આ રોકાણ પ્રોડક્ટિવ બને છે. આ નાણાં મૂડીસર્જન અને મૂડીખર્ચનો હિસ્સો બને છે. પેન્શન ફન્ડ મારફત પણ ઇક્વિટીઝ રોકાણ આવી રહ્યું હોવાથી એ પણ માર્કેટ માટે પ્રોત્સાહક પરિબળ બને છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ રોકાણકારો આ સાધનોને લીધે ઇન્ફ્લેશનનો સામનો કરવામાં સમર્થ બને છે. અલબત્ત, બજારની તેજીનો ટ્રેન્ડ આવા રોકાણ માટે સૌથી મહત્ત્વનું બૂસ્ટિંગ પરિબળ બની રહે છે.
પ્રારંભ પૉઝિટિવ
ગયા સપ્તાહમાં કરેક્શનનાં કારણો ચાલુ રહ્યાં હોવાથી ઘટાડાનો દોર ચાલુ રહેવાની ધારણા વચ્ચે સોમવારની શરૂઆત પૉઝિટિવ થઈ હતી, સંભવત ઘટેલા ભાવે લેવાલી આવી હતી. સેન્સેક્સ ૨૬૭ પૉઇન્ટ અને નિફટી ૮૩ પૉઇન્ટ પ્લસ બંધ રહેવા ઉપરાંત સ્મૉલ-મિડ કૅપ ઇન્ડેક્સ પણ વધ્યા હતા, ગ્લોબલ સંકેત મિશ્ર રહ્યા હતા. દરમ્યાન અગ્રણી બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલના વડા રામદેવ અગ્રવાલે બજારમાં રીટેલ તેજી આવવાની શક્યતા વ્યક્ત કરી છે. અર્થાત્ રીટેલ રોકાણકારોનો પ્રવાહ વેગથી આવશે. તેમના અભિપ્રાય અનુસાર દેશમાં આગામી પાંચ વરસમાં ડીમૅટ અકાઉન્ટસની સંખ્યા પચીસ કરોડ જેટલી થઈ જવાની શક્યતા છે, જે હાલ ૧૨ કરોડ આસપાસ છે. આ ટ્રેન્ડ ઇક્વિટીતરફી હોવાનો સ્પષ્ટ સંકેત છે. આ સંભવિત રોકાણપ્રવાહ સંભવિત લાંબા ગાળાની તેજીનો દોર દર્શાવે છે.
સ્મૉલ-મિડ કૅપમાં જોર
દરમ્યાન મંગળવારે પણ બજારે પૉઝિટિવ આરંભ કર્યા બાદ વધઘટ રહી અને આખરમાં સેન્સેક્સ માત્ર ૪ પૉઇન્ટ અને નિફટી માત્ર ૩ પૉઇન્ટ જેવા નજીવા પ્લસ બંધ રહ્યો હતો. જોકે સ્મૉલ-મિડ કૅપ સ્ટૉક્સમાં સારી લેવાલી હતી. બુધવારે પુનઃ સાધારણ સુધારા સાથે જ માર્કેટ આગળ વધ્યું. જોકે સેન્સેક્સ ૨૩૪ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો. ચંદ્રાયાનની ભવ્ય સફળતા અને ઐતિહાસિક ઘટના બાદ દેશભરમાં ઉલ્લાસ હતો. આ ઘટનાને શૅરબજાર સાથે આમ તો સીધો સંબંધ નથી, પરંતુ અહીં એની નોંધ એ માટે જરૂરી છે કે આ ઘટના દેશના વિકાસ અને ભાવિની ઉજ્જ્વળ સંભાવનાનો નિર્દેશ કરે છે. આ ઘટના માત્ર ભારતની નથી રહી, વિશ્વની બની ગઈ છે. ટેક્નૉલૉજી અને વિજ્ઞાનમાં ભારતની આ પ્રગતિ વિશ્વ માટે સંદેશ છે, જે પરોક્ષ રીતે ભારતના અર્થતંત્રના વિકાસમાં સહભાગી બનશે. ગુરુવારે બજારે સંભવત આ ઘટનાને પગલે પૉઝિટિવ સ્ટાર્ટ લીધો હતો, આ ચંદ્રયાનની સફળતા પાછળ વૈજ્ઞાનિકો ઉપરાંત ઘણીય કંપનીઓનો પણ ફાળો છે, જેના સ્ટૉક્સમાં પણ ચોક્કસ આકર્ષણ જોવાયું હતું. જોકે ગુરુવારે બપોર બાદ માર્કેટે કરેક્શન તરફ ટર્ન લઈ લેતાં સેન્સેક્સ ૧૮૦ પૉઇન્ટ અને નિફટી ૫૭ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. અલબત્ત, સ્મૉલ-મિડ કૅપમાં સાધારણ સુધારો હતો. આપણે ગયા સોમવારે કરેલી ચર્ચા મુજબ માર્કેટનો મૂડ હાલ ન બહુ વધવાનો, ન બહુ ઘટવાનો છે. સપ્તાહ દરમ્યાન પણ એની વધઘટમાં આ જ ટ્રેન્ડ જોવાયો હતો.
ઇન્ફ્લેશન-ઇન્ટરેસ્ટ રેટ ચિંતાનો વિષય
બજાર માટે ઇન્ફ્લેશન હજી ચિંતાનો વિષય છે. સપ્લાય મામલે સરકાર સુધારાતરફી પગલાનો પ્રયાસ કરી રહી છે. શુક્રવારે બજારે કરેક્શન સાથે શરૂઆત કરી અને આરંભમાં જ સેન્સેક્સમાં વીતેલા સપ્તાહમાં જે સુધારો થયો હતો એ ધોઈ નાખ્યો હતો. અર્થાત્ ૪૦૦ પૉઇન્ટ ઉપર સેન્સેક્સ અને સવાસો પૉઇન્ટથી વધુ નિફટી ડાઉન થયો હતો. રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીના સભ્ય જયંત વર્માએ ઇન્ફ્લેશન અને ગ્રોથ બાબતે જોખમનો સૂર વ્યકત કર્યો હતો. બીજી બાજુ ફેડરલ રિઝર્વના ચૅરમૅને પણ વ્યાજદર ઊંચા સ્તરે જાળવી રાખવાનો સંકેત આપ્યો હતો. વ્યાજદર હજી વધે કે ન વધે, પરંતુ આગામી વરસ સુધી એની ઘટવાની શક્યતા નહીં હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું. સેન્સેક્સ ૩૬૬ પૉઇન્ટ અને નિફટી ૧૨૧ પૉઇન્ટ નીચે ઊતરીને અનુક્રમે ૬૬,૮૮૬ અને ૧૯,૨૬૬ બંધ રહ્યા હતા.
દરમ્યાન વિશ્વની બીજા ક્રમની ઇકૉનૉમી ચીને કોવિડ બાદના સ્લો ડાઉનનો સામનો કરવા અને અર્થતંત્રને વેગ આપવા કૉર્પોરેટ લોન પરના વ્યાજદર ૩.૫૫ ટકાથી ઘટાડીને ૩.૪૫ ટકા કર્યા છે. ચીન હાલ યુએસની જેમ ઇકૉનૉમી રિવાઇવલ માટે સંઘર્ષ કરી રહ્યું છે. આ બન્નેની અસર ગ્લોબલ ઇકૉનૉમીની ગતિવિધિ પર થવી સ્વાભાવિક છે. જાણકારો ૬૪ હજારથી ૬૭ હજારની વચ્ચેની રેન્જમાં બજાર રમ્યા કરશે એવું માને છે. આ માન્યતાને સમર્થન આપતાં કારણો મોજૂદ છે.
મહત્ત્વના આર્થિક સમાચાર અને સંકેત
અર્થશાસ્ત્રીઓમાં કરાયેલા એક સર્વે મુજબ ભારતનો જીડીપી દર જૂન ક્વૉર્ટરમાં ૭.૮ ટકા રહેવાની ધારણા છે. સ્થાનિક ડિમાન્ડ, મૂડીખર્ચ અને ખાનગી રોકાણમાં રિવાઇવલની અસરરૂપે આ ગ્રોથ નોંધાયો છે. બીજી બાજુ રેટિંગ એજન્સી ઇકરાએ ભારતનો જીડીપી દર જૂન ક્વૉર્ટરમાં ૮.૫ ટકા રહેવાની ધારણા મૂકી છે. સર્વિસ સેક્ટરનો ગ્રોથ ૯.૭ ટકા રહેશે એવું પણ ઇકરાએ નોંધ્યું છે.


