વર્લ્ડ માર્કેટમાં જિયોપૉલિટિકલ અને ઇકૉનૉમિક ક્રાઇસિસ વધી રહી હોવાથી ગમે ત્યારે બાઉન્સબૅક થશે ઃ GST રેટમાં વ્યવહારુ રેટ-સ્ટ્રક્ચરના સંકેતથી સોના-ચાંદીમાં ગમે ત્યારે ઊંચો દર લાવશે
પ્રતીકાત્મક તસવીર
બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સિતારમણે સોના-ચાંદીની કસ્ટમ્સ ડ્યુટીમાં આશ્ચર્યજનક રીતે મોટો ઘટાડો કરતાં ભારતનાં તમામ શહેરોમાં સોના-ચાંદીના ભાવ કડડડભૂસ થઈ ચૂક્યા છે. અગાઉનાં દરેક બજેટ પહેલાં આખી ઇન્ડસ્ટ્રીઝે સોના-ચાંદીની ડ્યુટી ઘટાડવા આજીજી કરી હતી, પણ ત્યારે નાણાપ્રધાન ટસના મસ થયાં નહોતાં, પણ આ વખતે જાણે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ પર મહેરબાની વરસાવવામાં કંઈ બાકી રાખ્યું નથી અને એકસાથે ૧૫ ટકાથી ઘટાડીને આયાત ડ્યુટી છ ટકા કરી નાખતાં વર્લ્ડ માર્કેટના ભાવ અને લોકલ ભાવ વચ્ચે જે તફાવત હતો એ નીકળી ગયો બલકે એના કરતાં વધારે ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો વાસ્તવિક ડ્યુટી-ઘટાડો પ્રતિ ૧૦ ગ્રામ ૫૯૦૦ રૂપિયા થયો છે એની સામે જ્વેલરી માર્કેટમાં સોનાના ભાવ છેલ્લા પાંચ દિવસમાં ૫૭૫૨ રૂપિયા ઘટ્યા છે, જ્યારે ચાંદીમાં વાસ્તવિક ડ્યુટી ઘટાડો પ્રતિ કિલો ૭૬૦૦ રૂપિયા થયો છે એની સામે જ્વેલરી માર્કેટમાં છેલ્લા છ દિવસમાં ચાંદીનો ભાવ ૧૦,૫૪૦ રૂપિયા ઘટ્યો છે. આમ સોનામાં હજી ભાવઘટાડો ઓછો છે, પણ ચાંદીમાં વાસ્તવિક ડ્યુટી-ઘટાડા કરતાં ૨૯૪૦ રૂપિયા વધુ ઘટાડો થઈ ચૂક્યો છે. વર્લ્ડ માર્કેટની જિયોપૉલિટિકલ અને ઇકૉનૉમિક ક્રાઇસિસની સ્થિતિ જોતાં તેમ જ ભારતમાં સોના-ચાંદીમાં GST વધારવાના સંકેત જોતાં હાલ સસ્તા ભાવે સોના-ચાંદી ખરીદવાની ઉત્તમ તક છે.
જિયોપૉલિટિકલ ટેન્શન
ADVERTISEMENT
વર્લ્ડના કોઈ પણ ખૂણે યુદ્ધ શરૂ થાય અથવા તો યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય ત્યારે સોના-ચાંદી ખરીદવાની દોડ શરૂ થાય છે, કારણ કે સંકટના સમયમાં આ કીમતી ધાતુ તમે દુનિયાના કોઈ પણ છેડે વેચીને પૈસા મેળવી શકો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ૨૯ મહિનાથી યુદ્ધ ચાલુ છે. એ જ રીતે ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા દસ મહિનાથી યુદ્ધ ચાલુ છે. ઇઝરાયલે લેબૅનન, ઈરાન અને યમન પર પણ હુમલા કરવાના ચાલુ કર્યા છે. આખું મિડલ ઈસ્ટ ભડકે બળે છે એમ કહી શકાય. ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વધુ પડતું લોહિયાળ હોવાથી અમેરિકા, ઇજિપ્ત, કતાર, ચીન, ભારત સહિત અનેક દેશો આ યુદ્ધ પૂરું કરવા છેલ્લા એક મહિનાથી તનતોડ મહેનત કરી રહ્યા હોવા છતાં કોઈ પ્રયાસ હજી સુધી કારગત નીવડ્યા નથી; કારણ કે ઇઝરાયલ હવે હમાસ, હિઝબુલ્લા, હુતી સહિત તમામ ઇસ્લામિક આતંકવાદી સંગઠનોને ખતમ કરવાથી ઓછું કંઈ સ્વીકારવા તૈયાર નથી. ઇઝરાયલના પ્રેસિડન્ટ નેતન્યાહુના યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસો સામે આંતરિક વિરોધ થઈ રહ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં પણ બન્ને પક્ષે કોઈ નમતું જોખવાના મૂડમાં નથી. આ ઉપરાંત ચીન અને રશિયાની નજદીકી સામે અમેરિકાએ લાલ આંખ કરવાનું ચાલુ કરતાં અમેરિકા અને ચીન વચ્ચે સંબંધોમાં તનાવ વધી રહ્યો છે. અમેરિકન પ્રેસિડન્ટ તરીકે ડોનલ્ડ ટ્રમ્પ જો ચૂંટાઈ આવશે તો ચીન અને અમેરિકાના સંબંધમાં તનાવ વધવાના સંજોગો છે, કારણ કે ટ્રમ્પની અગાઉની ટર્મમાં ચીન અને અમેરિકા વચ્ચે જબ્બર ટ્રેડવૉર જોવા મળી હતી.
ચીનની આર્થિક બેહાલી
વિશ્વમાં ‘ધ ડ્રૅગન (સામ્રાજ્ય શક્તિ)’થી ઓળખાતા અને વિશ્વની બીજા ક્રમની ઇકૉનૉમી ધરાવતા ચીનની ઇકૉનૉમિક કન્ડિશન સતત બગડી રહી હોવાથી ક્રાઇસિસની સ્થિતિ ઊભી થઈ છે. જૂનના એક સપ્તાહ દરમ્યાન ચીનની ૪૦ બૅન્કોને તાળાં લાગી ગયાંના સમાચારથી ઇકૉનૉમિક ગલિયારામાં ચિંતાનાં વાદળો ઘેરાવા લાગ્યાં છે. વર્લ્ડના નામાંકિત અખબારે ચોંકાવનારો અહેવાલ આપતાં જણાવ્યું છે કે ચીનની બૅન્કિંગ સિસ્ટમની ૭.૫ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરની ઍસેટ એટલે કે આખી બૅન્કિંગ સિસ્ટમની ૧૩ ટકા ઍસેટ બૅડ લોન બની ચૂકી છે. તાઇવાનના અગ્રણી અખબાર લિબર્ટી ટાઇમ્સે ગયા સપ્તાહે ચીનની બૅન્કિંગ સિસ્ટમની કફોડી સ્થિતિનો વિગતવાર રિપોર્ટ આપ્યો હતો. લિબર્ટી ટાઇમ્સના રિપોર્ટ અનુસાર હાલ ચીનની ૩૦૦૦ બૅન્કો ‘બૅન્કરપ્ટ’ એટલે કે ફડચામાં છે જેમાં મોટા ભાગની બૅન્કો ચીનનાં ગામડાંઓમાં રહેલી છે અને ઍગ્રિકલ્ચર બૅન્કો છે. ચીનની રિયલ એસ્ટેટ કંપની એવરગ્રૅન્ડે, કન્ટ્રી ગાર્ડન, સિનો ઓશિયન ગ્રુપ, સોહો ચાઇના વગેરે કંપનીઓ ઊઠી ગયા બાદ બૅન્કોની નાણાકીય તાકાત સતત ધોવાતી રહી છે. ચીનની સરકારે રિયલ એસ્ટેટની મંદીને ખાળવા અનેક પગલાં લીધાં હતાં જેમાં ડાઉન પેમેન્ટની શરતો ઘટાડી હતી, પણ સરકારનાં કોઈ પગલાં કારગત નીવડ્યાં નથી. ચીનનો ગ્રોથ-રેટ સેકન્ડ ક્વૉર્ટરમાં મોટા પ્રમાણમાં ઘટતાં ગવર્નમેન્ટ ઑથોરિટીએ ગયા સપ્તાહે બે વખત ઇન્ટરેસ્ટ-રેટમાં ઘટાડો કર્યો હતો, પણ ઇકૉનૉમિસ્ટોના મતે એનાથી સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ચીન વર્લ્ડનું ઇકૉનૉમિક પાવરહાઉસ હોવાથી જો ચીનની ઇકૉનૉમિક કન્ડિશન વધુ બગડશે તો એની અસરે અનેક દેશોની ઇકૉનૉમિક કન્ડિશન બગડશે. અમેરિકાના પ્રેસિડન્ટની રેસમાં હાલ ડોનલ્ડ ટ્રમ્પ આગળ છે, પણ કમલા હૅરિસની એન્ટ્રી પછી ચિત્ર બદલી પણ શકે છે છતાં અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શન પછી ઇકૉનૉમિક કન્ડિશનમાં મોટા ફેરફાર આવશે. ઉપરાંત ફ્રાન્સ સહિત અનેક યુરોપિયન દેશોમાં પૉલિટિકલ સિચુએશન બગડી રહી છે. ઇકૉનૉમિક અને પૉલિટિકલ ક્રાઇસિસ જ્યારે ઊભરે ત્યારે સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધે છે.
સોના-ચાંદીનો GST વધારવાના સરકારી સંકેતો
બજેટ દરમ્યાન નાણાપ્રધાને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) રેટ-સ્ટ્રક્ચરને સરળ અને વ્યવહારુ બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે સરકારી સૂત્રોએ ડ્યુટી-ઘટાડાને કારણે જે રેવન્યુ-લૉસ ગયો છે એની ભરપાઈ GSTના વધારાથી કરવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. હાલ સોના-ચાંદીમાં પણ ત્રણ ટકા GST લાગુ પડે છે જે વધારીને પાંચથી નવ ટકા કરવાની ચર્ચા ઇકૉનૉમિસ્ટો અને ઍનલિસ્ટો કરી રહ્યા છે. GST કાઉન્સિલની મીટિંગનું કોઈ નિશ્ચિત શેડ્યુલ હોતું નથી. છેલ્લે ૨૨ જૂને GST કાઉન્સિલની મીટિંગ આઠ મહિના પછી યોજાઈ હતી. આથી ટૂંક સમયમાં GST કાઉન્સિલની મીટિંગ મળશે એવી ધારણા છે. હાલ રાજ્યોની ટૅક્સની આવક વિશે ભારે ચિંતા પ્રવર્તે છે અને અનેક રાજ્યો ટૅક્સની આવક વધે એવાં પગલાં લેવા કેન્દ્ર સરકારને વારંવાર વિનંતી કરે છે ત્યારે સરકાર સોના-ચાંદીનો GST વધારીને રાજ્યોની આવક વધારવાનો પ્રયાસ કરશે. સોના-ચાંદીનો GST વધવાથી બન્ને કીમતી ધાતુઓના ભાવમાં બાઉન્સબૅક જોવા મળશે એ નિશ્ચિત છે.
આ ઉપરાંત વર્લ્ડ માર્કેટમાં સોનાના ભાવ ૨૪૮૩ ડૉલર વધીને થયા બાદ ઘટીને ૨૩૫૩ ડૉલર થયા છે. એ જ રીતે ચાંદીના ભાવ વધીને ૩૨ ડૉલર થયા બાદ ઘટીને ૨૭.૫૫ ડૉલર થઈ ચૂક્યા છે.
આથી વર્લ્ડ માર્કેટમાં પણ બાઉન્સબૅક થવાના ચાન્સ વધુ છે. આ તમામ સ્થિતિમાં સોના-ચાંદીમાં નવી ખરીદી કે રોકાણ કરવાનો આ ઉત્તમ સમય આવ્યો છે.

