ગયા મહિને રજૂ કરાયેલા બજેટમાં અગાઉના અંદાજ કરતાં સુધારેલા અંદાજમાં ૧૦ ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે ૩૦.૪૩ લાખ કરોડ રૂપિયાના સુધારેલા કરવેરા વસૂલાતનો લક્ષ્યાંક હાંસલ કરી શકશે નહીં. ગયા મહિને રજૂ કરાયેલા બજેટમાં અગાઉના અંદાજ કરતાં સુધારેલા અંદાજમાં ૧૦ ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ચાલુ નાણાકીય વર્ષ માટે સંશોધિત અંદાજ મુજબ કુલ કરની આવક ૩૦.૪૩ લાખ કરોડ નક્કી કરી હતી, જે અગાઉના ૨૭.૫૭ લાખ કરોડ રૂપિયાના બજેટ અંદાજ કરતાં વધુ હતી.
ડાયરેક્ટ ટૅક્સની બાજુએ જોઈએ તો અધિકારીએ જણાવ્યું હતું કે સુધારેલો અંદાજ ખૂબ જ વધારે હતો. અમે અછતની અપેક્ષા રાખીએ છીએ. નેટ કલેક્શન ૧૫થી ૧૫.૫૦ લાખ કરોડની વચ્ચે હોઈ શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ કર (જેમાં આવક અને કૉર્પોરેટ ટૅક્સનો સમાવેશ થાય છે)માંથી આવક ૨૦૨૧-’૨૨ના નાણાકીય વર્ષમાં ૧૪.૨૦ લાખ રૂપિયાની સરખામણીમાં ૧૭ ટકા વધીને ૧૬.૫૦ લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
ચાલુ નાણાકીય વર્ષમાં કૉર્પોરેટ ટૅક્સમાંથી આવક ૮.૩૫ લાખ કરોડ રૂપિયા થવાની ધારણા છે, જે આગામી નાણાકીય વર્ષમાં ૧૦.૪ ટકા વધીને ૯.૨૨ લાખ કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે.
આ નાણાકીય વર્ષમાં વ્યક્તિગત આવકવેરાની વસૂલાત ૮.૧૫ લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે અને આગામી વર્ષે ૧૦.૪ ટકા વધીને ૯ લાખ કરોડથી વધુ થવાનો અંદાજ છે.