Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સરકાર યુદ્ધના ધોરણે હૈયાધારણ આપવા આગળ આવી: ૮૦૦ પૉઇન્ટ ગગડેલો સેન્સેક્સ ૧૧૨ પૉઇન્ટ વધીને બંધ

સરકાર યુદ્ધના ધોરણે હૈયાધારણ આપવા આગળ આવી: ૮૦૦ પૉઇન્ટ ગગડેલો સેન્સેક્સ ૧૧૨ પૉઇન્ટ વધીને બંધ

14 May, 2024 06:50 AM IST | Mumbai
Anil Patel

સોમવારે સેન્સેક્સ ૧૮૮ પૉઇન્ટના ગૅપ ડાઉન ઓપનિંગમાં ૭૨,૪૭૭ ખૂલી ચાર પગે થઈ જતાં નીચામાં ૭૧,૮૬૬ દેખાયો હતો.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ગો ડિજિટનો ઇશ્યુ વિરાટ કોહલી, અનુષ્કા શર્માને અને કંપનીના પ્રમોટર્સને જલસા કરાવશે : બજાર સાર્વત્રિક ખરાબી સાથે ગગડતાં ગૃહપ્રધાન અને વિદેશપ્રધાને મીડિયામાં તેજીની ખાતરી આપી, બજાર નીચલા મથાળેથી ૯૯૭ પૉઇન્ટ ઊંચકાયું : પરિણામ પાછળ સિપ્લા તગડા ઉછાળે નિફ્ટીમાં ટૉપ ગેઇનર, તાતા મોટર્સ બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો : અદાણી એન્ટર અને અદાણી પોર્ટ્‍સ ત્રણ-સવાત્રણ ટકા વધ્યા, રિલાયન્સમાં નબળું માનસ : રિઝલ્ટના પગલે એબીબી ૮૦૨ના ઉછાળે નવા શિખરે, ન્યુલૅન્ડ લૅબમાં ૧૦૭૬ રૂપિયાનો કડાકો : પરિણામની પૂર્વસંધ્યાએ સીમેન્સ ૪૫૮ની તેજીમાં ઑલટાઇમ હાઈ, ઇક્લેરેક્સ ખરડાયો : આજે ત્રણ એસએમઈ લિસ્ટેડ થશે, વિન્સોલ એન્જિનિયર્સ ફૅન્સીમાં મજબૂત

શૅરબજારમાં નવા સપ્તાહનો આરંભ ભારે અફરાતફરીથી થયો છે. વૉલેટિલિટી વધી ગઈ છે. વિક્સ ઇન્ડેક્સ ૨૧.૫ની ઐતિહાસિક ટોચે જઈ સાડાઅગિયાર ટકા ઊંચકાઈ ૨૦.૬૦ બંધ રહ્યો છે. ૬ સપ્તાહના ઇલેક્શન શોના ચોથા ચરણના દિવસે, સોમવારે સેન્સેક્સ ૧૮૮ પૉઇન્ટના ગૅપ ડાઉન ઓપનિંગમાં ૭૨,૪૭૭ ખૂલી ચાર પગે થઈ જતાં નીચામાં ૭૧,૮૬૬ દેખાયો હતો. બજારની તાજેતરની ખરાબી ઇલેક્શનમાં સત્તાધારી એનડીએની હાલત નબળી હોવાની વધી રહેલી હવાનું પરિણામ છે અને ચૂંટણીના મહત્ત્વના તબક્કાનું મતદાન હજી બાકી છે ત્યારે આવી હવા વધુ જોર પકડે એ હિતાવહ નથી, એનો ખ્યાલ આવી જતાં સરકાર ત્વરિત સાબદી બની હતી, જેના ભાગરૂપ ગૃહપ્રધાન અમિત શાહ અને વિદેશપ્રધાન જયશંકરે સબસલામતની ખાતરી આપી છે. બજારની હાલની પરિસ્થિતિ કે નબળાઈને ચૂંટણી સાથે કશી લેવાદેવા નથી અને બજાર ૪ જૂન પછી ધમધમશે એમ ભારપૂર્વક જણાવી દીધું છે. ભાઈલોગની ગૅરન્ટી આવતાં બજાર બેઠું થવા માંડ્યું હતું. સેન્સેક્સ નીચલા મથાળેથી ૯૯૭ પૉઇન્ટ ઊંચકાઈ ૭૨,૮૬૩ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૧૧૨ પૉઇન્ટના સુધારામાં ૭૨,૭૭૬ બંધ રહ્યો છે. નિફ્ટી ૨૧,૮૨૧નો દિવસની નીચલી સપાટીથી ઉપરમાં ૨૨,૧૩૨ બતાવી ૪૯ પૉઇન્ટ વધીને ૨૨,૧૦૪ થયો છે. બજારનું માર્કેટકૅપ ૯૫,૦૦૦ કરોડ રૂપિયા વધીને ૩૯૭.૪૧ લાખ કરોડને વટાવી ગયું છે. પ્રથમ સત્ર દરમ્યાન જ્યાં લગભગ બધું લાલ હતું એના બદલે દિવસના અંતે બન્ને બજારના મોટા ભાગના સેક્ટોરલ વધીને બંધ થયા છે. ઑટો ઇન્ડેક્સ દોઢ ટકા, ઑઇલ-ગૅસ પોણો ટકો, એનર્જી પોણો ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ અડધો ટકો ડાઉન હતો. સામે નિફ્ટી ફાર્મા, રિયલ્ટી, હેલ્થકૅર, નિફ્ટી મેટલ, કૅપિટલ ગુડ્સ જેવા સેક્ટોરલ સવાથી પોણાબે ટકા મજબૂત હતા. બૅન્ક નિફ્ટી પોણા ટકા નજીક તો ફાઇનૅન્સ ઇન્ડેક્સ અડધો ટકો પ્લસ હતો. માર્કેટ બ્રેડ્થ જોકે નેગેટિવ રહી છે. વધેલા ૯૧૫ શૅર સામે એનએસઈમાં ૧૩૭૯ શૅર ઘટ્યા છે. 

બજાર ગઈ કાલે ભલે ઝડપી બાઉન્સબૅક થયું હોય, પરંતુ એના આધારે હવે ખરાબી પૂરી થઈ હોવાનું માની લેવાની ઉતાવળ કે ભોળપણ કરવાની જરૂર નથી. બજારમાંના પ્રત્યેક સુધારા કે ઉછાળાને એક્ઝિટનો અવસર ગણી નફો બુક કરનારા ફાવશે, એવું જાણકારોનું કહેવું છે. હાલનો સમય નવા રોકાણનો નથી, હાથ ઉપર શક્ય હદે વધુ રોકડ રાખવાનો છે. ૪ જૂનની આસપાસ એન્ટ્રી લેવાની તક અવશ્ય મળવાની જ છે. સોમવારે જપાન, સાઉથ કોરિયા તથા ચાઇનાના નજીવાથી સાધારણ ઘટાડાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર પ્લસ હતાં. સુધારો જોકે ધીમો હતો. યુરોપ રનિંગમાં નહીંવત ઘટાડો દર્શાવતું હતું. પાકિસ્તાની શૅરબજાર ૭૪,૧૧૪ની ઑલટાઇમ નવી ટૉપ બનાવી એક ટકો કે ૭૩૭ પૉઇન્ટની આગેકૂચમાં ૭૩,૮૨૩ની નજીક બંધ થયું છે. બ્રેન્ટ ક્રૂડ અડધા ટકાના સુધારામાં ૮૩ ડૉલરની ઉપર ચાલતું હતું. 

ગો ડિજિટનો ઇશ્યુ વિરાટ-અનુષ્કાને જરૂર કમાણી કરાવશે
મહારાષ્ટ્રના પુણે ખાતેની ગો ડિજિટ જનરલ ઇન્શ્યૉરન્સ ૧૦ના શૅરદીઠ ૨૭૨ રૂપિયાની અપર બૅન્ડ સાથે આશરે કુલ ૨૬૧૫ કરોડના ઇશ્યુ સાથે બુધવારે મૂડીબજારમાં આવી રહી છે. ઇશ્યુમાં ૧૪૯૦ કરોડ જેવી રકમ ઑફર ફૉર સેલની હોવાથી કંપનીને તો માત્ર ૧૧૨૫ કરોડ મળવાના છે. કંપનીએ ફુલફ્લેજ્ડ કામકાજનાં પાછલાં ત્રણમાંથી બે વર્ષ ચોખ્ખી ખોટ કરી હોવાથી ભરણામાં QIB પોર્શન ૭૫ ટકા રખાયો છે. રીટેલ પોર્શન ૧૦ ટકા છે. કંપનીમાં આમ તો ખાસ કસ નથી પણ ગ્રે માર્કેટમાં હાલ પ્રીમિયમ ૪૨ જેવું બોલાય છે. સોદાની શરૂઆત ૫૦ રૂપિયેથી થઈ હતી, રેટ ઉપરમાં ૭૦ ગયો હતો. ગો ડિજિટનો ઇશ્યુ ક્યા ભાવે લિસ્ટેડ થશે, રોકાણકારો કેટલું કમાશે એની ખબર નથી, પરંતુ આ ભરણું વિરુષ્કા અર્થાત વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા કોહલીને અવશ્ય ફળવાનું છે. લિસ્ટિંગની સાથે જ ઇશ્યુ ભાવ પ્રમાણે વિરાટ-અનુષ્કાના રોકાણની વૅલ્યુ ૨૬૨ ટકા વધી જવાની છે અને એ પણ લગભગ સવાચાર વર્ષમાં. અત્રે મળતી માહિતી પ્રમાણે જાન્યુ. ૨૦૨૦માં વિરાટ કોહલીએ પ્રાઇવેટ પ્લેસમેન્ટમાં આ કંપનીના ૨,૬૬,૬૬૭ શૅર અને અનુષ્કાએ ૬૬,૬૬૭ શૅર લીધા હતા. પ્રાઇવેટ પ્લેસ્ટમેન્ટ શૅરદીઠ ૭૫ના ભાવે હતું. આ ધોરણે વિરાટ કોહલીએ બે કરોડ રૂપિયા અને અનુષ્કાએ ૫૦ લાખ રૂપિયા ત્યારે રોક્યા હતા. કંપની હવે શૅરદીઠ ૨૭૨ની અપર બૅન્ડથી ઇશ્યુ કરી રહી છે. એ પ્રમાણે બન્નેના રોકાણની બજાર વૅલ્યુ ૯૮૧ લાખ રૂપિયા થવા જાય છે, મતલબ કે આજની તારીખે ૨૬૨ ટકાનું રિટર્ન થયું. એકચ્યુઅલ રિટર્ન લિસ્ટિંગના દિવસે, ૨૩ મેએ ખબર પડશે. જોકે ગો ડિજિટનો ઇશ્યુ સૌથી વધુ તેના પ્રમોટરોને બખ્ખા કરાવવાનો છે. ઑફર ફૉર સેલ મારફત પ્રમોટર્સ ૫૪૭ લાખ વેચી રહ્યા છે જેની સરેરાશ પડતર શૂન્યથી માંડી લગભગ સાડાતેર રૂપિયાની છે. ઑફર ફૉર સેલ પોર્શન જે ૧૪૯૦ કરોડ રૂપિયાનો છે એનો ૯૯.૯૯ ટકા હિસ્સો પ્રમોટર્સ હજમ કરી જવાના છે. કંપનીમાં ફન્ડામેન્ટલ્સ જેવું કાંઈ નથી. ગયા વર્ષે ડિસેમ્બર સુધીના નવ માસમાં કંપનીએ ૧૩૧ કરોડની આવક પર ૧૨૯ કરોડ નફો બતાવી દીધો છે, જ્યારે એ પૂર્વેના ત્રણમાંથી બે વર્ષમાં કુલ મળી ૪૧૯ કરોડ રૂપિયા જેવી નેટ લોસ કરેલી છે. ૨૦૨૨-’૨૩ના વર્ષે ૩૯ કરોડની આવક પર પ્રથમ વાર ૩૫ કરોડનો નફો કર્યો હતો. ડિસેમ્બર ૨૦૨૩ના અંતે પણ એનએવાય તો માઇનસ ૨૮ જેવી રહી છે. સૉલ્વન્સી રેશિયો માંડ દોઢનો છે. છેલ્લાં ત્રણ વર્ષની ઍવરેજ શૅરદીઠ કમાણી માઇનસ સવા રૂપિયાની છે અને ગયા વર્ષના ૯ માસની કામગીરીને એન્યુલાઇઝ્ડ કરી એને ઇશ્યુ પછીની ૯૧૭ કરોડની ઇક્વિટીના સંદર્ભમાં જોઈએ તો શૅરદીઠ ૨૭૨ની ઇશ્યુ પ્રાઇસ ૧૪૫ નજીકનો અતિ ઊંચો અને અવાસ્તવિક પીઈ સૂચવે છે. આવી કંપનીમાં કોણ રોકાણ કરે? વિરુષ્કા ફૅન ક્લબના હાર્ડ કોર સભ્ય હોવ તો વાત જુદી છે. 


ઇન્ડિજેનનું લિસ્ટિંગ ધારણાથી ઘણું નબળું નીવડ્યું, ૨૬ ટકા રિટર્ન
ચાલુ સપ્તાહે કુલ ડઝન ભરણાં લિસ્ટેડ થવાનાં છે, જેમાંથી સોમવારે મેઇન બોર્ડમાં બૅન્ગલોરની ઇન્ડિજેન બેના શૅરદીઠ ૪૫૨ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૩૦૭ રૂપિયાના પ્રીમિયમની સામે ૬૬૦ ખૂલી ૫૨૮ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૫૭૧ નજીક બંધ થતાં એમાં ૨૬ ટકા કે શૅરદીઠ ૧૧૯ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મંગળવારે એસએમઈ સેગમેન્ટમાં મુંબઈના અંધેરીની રિફ્રેક્ટરી શેપ્સ, ગુજરાતના જામનગરની વિન્સોલ એન્જિનિયર્સ તથા નવી દિલ્હીની ફાઇન લિસ્ટિંગ્સ ટેક્નૉલૉજી લિસ્ટિંગમાં જવાની છે. વિન્સોલ એન્જિ.ના શૅરદીઠ ૭૫ની ઇશ્યુ પ્રાઇસવાળા ઇશ્યુમાં ગ્રે માર્કેટમાં ફૅન્સી યથાવત છે, પ્રીમિયમ ૧૯૯ જેવું બોલાય છે. રિફ્રેક્ટરીમાં ૨૦ અને ફાઇન લિસ્ટિંગ્સમાં ૨૧ના રેટ ચાલે છે. એસએમઈ સેક્ટરમાં અમદાવાદના સાણંદ ખાતેની એનર્જી મિશન મશીનરીઝનો ૧૦ના શૅરદીઠ ૧૩૮ની અપરબૅન્ડ સાથેનો ૪૧૧૫ લાખ રૂપિયાનો ઇશ્યુ સોમવારે કુલ મળી ૩૨૦ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો છે. ૧૪૦વાલું પ્રીમિયમ ૧૪૦ આસપાસ છે. મંગળવારે ત્રણ એસએમઈ આઇપીઓ પૂરા થશે. શૅરદીઠ ૬૭ની ઇશ્યુ પ્રાઇસવાળી એઝટેક ફ્લુઇડ્સ અત્યાર સુધીમાં કુલ ૨૦.૮ ગણો, ૯૪ની ઇશ્યુ પ્રાઇસવાળી પાયોટેક્સ ઇન્ડસ્ટ્રીઝનો ઇશ્યુ ૩.૯ ગણો તથા શૅરદીઠ ૬૭ની ઇશ્યુ પ્રાઇસવાળી પ્રીમિયર રોડલાઇન્સ કુલ સાત ગણો ભરાઈ ચૂક્યો છે. ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયરમાં ૩૦નું, પાયોટેક્સમાં ૨૫નું અને એઝટેકમાં ૩૦નું હાલ પ્રીમિયમ બોલાય છે. એબીએસ મરીન સર્વિસિસ ૧૫મીએ બંધ થાય છે. ભરણું અત્યાર સુધીમાં પોણાસાત ગણું ભરાયું છે. ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ સામે પ્રીમિયમ ૯૦ના લેવલે ચાલે છે. 

સોમવારે ત્રણ નવા એસએમઈ ભરણાં ખૂલ્યાં છે, જેમાંથી મુંબઈના વર્લી ખાતેની સ્પેશ્યલિટી કેમિકલ્સ કંપની ઇન્ડિયન એમ્યુલસાઇફરનો ૧૦ના શૅરદીઠ ૧૩૨ના ભાવનો ૪૨૩૯ લાખ રૂપિયાનો ઇશ્યુ ગ્રે માર્કેટ ખાતે ડિમાન્ડમાં રહ્યો છે. પ્રીમિયમ જોકે અગાઉ ૨૦૦ હતું એ ઘટી હાલ ૧૮૦ ચાલે છે. ભરણું ગઈ કાલે પ્રથમ દિવસે કુલ સાડાઆઠ ગણું ભરાયું છે. કલકત્તાની વેરિતાસ ઍડ્વર્ટાઇઝિંગનો ૧૦ના શૅરદીઠ ૧૧૪ રૂપિયાની અપર બૅન્ડ સાથેનો ૮૪૮ લાખ રૂપિયાનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૨૩.૩ ગણો તથા ફરિદાબાદની મનદીપ ઑટો ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૬૭ના ભાવનો ૨૫૨૫ લાખ રૂપિયાનો ઇશ્યુ કુલ ૯૦ ટકા ભરાયો છે. વેરિતાસમાં હાલ ૧૦૦ રૂપિયાનું તથા મનદીપમાં ૨૫ રૂપિયાનું પ્રીમિયમ ગ્રે માર્કેટમાં બોલાય છે. 


બેહતરીન પરિણામ અને બુલિશ વ્યુ વચ્ચે તાતા મોટર્સ તૂટ્યો 
આને કહેવાય બૂરાઈ... તાતા મોટર્સે ૭૦૮૪ કરોડની એકંદર અપેક્ષા સામે ૧૭,૪૦૭ કરોડ નેટ પ્રૉફિટ કરી ટનાટન ત્રિમાસિક પરિણામ આપ્યાં છે. એના પગલે જેફરીઝે ૧૨૫૦ અને જેપી મૉર્ગને ૧૧૧૫ની અપવર્ડ ટાર્ગેટ પ્રાઇસથી બાયના કૉલ જારી કર્યા છે અને શૅર ૧૦૪૭ના આગલા બંધ સામે ૧૦૧૦ ખૂલી નીચામાં ૯૪૮ થઈ ૮.૪ ટકા તૂટીને ૯૫૮ સોમવારે બંધ રહ્યો છે. વૉલ્યુમ ૭ ગણું હતું. તાતા મોટર્સની ખુવારી બજારને ૧૩૭ પૉઇન્ટ નડી છે. એનો ડીવીઆર પણ ૮.૬ ટકા લથડીને ૬૪૬ હતો. સામે સિપ્લા માર્જિનમાં સુધારા સાથે ૭૮ ટકાના વધારામાં ૯૩૯ કરોડનો ચોખ્ખો નફો કરવા છતાં શુક્રવારે દોઢેક ટકો ઘટી ૧૩૩૯ બંધ થયો હતો એ બાઉન્સબૅકમાં ૧૪૨૬ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૫.૬ ટકા ઊંચકાઈ ૧૪૧૫ ગઈ કાલે જોવાયો છે. સ્ટેટ બૅન્ક જેણે ૨૪ ટકાના વૃદ્ધિદરથી ૨૦,૬૯૮ કરોડના ત્રિમાસિક નફા સાથે અફલાતૂન રિઝલ્ટ આપી ૧૮,૯૫૧ કરોડના પ્રૉફિટ સાથે અત્યાર સુધી દેશની નંબર-વન નફાકારક કંપની રહેલી રિલાયન્સને બીજા ક્રમે હડસેલી દીધી છે એમાંય પરિણામ પછી કોઈ ઝમક દેખાઈ નથી. ઊલટું શૅર ગઈ કાલે નીચામાં ૭૯૮ બતાવી સવા ટકાની નરમાઈમાં ૮૦૯ રહ્યો છે. 

રિલાયન્સ ૨૮૩૪ની ૧૦૦ દિવસની સિમ્પલ મૂવિંગ ઍવરેજ તૂટી ચૂકી છે એટલે ૨૬૨૦ સુધી જવાની આશંકા શરૂ થઈ છે. શૅર ગઈ કાલે નીચામાં ૨૭૬૮ થઈ ૦.૪ ટકાના ઘટાડે ૨૮૦૫ બંધ આવ્યો છે. ધારણાથી નબળાં પરિણામ આપનારી એશિયન પેઇન્ટ્સ પોણાચાર ટકા કે ૧૦૬ના ઉછાળે ૨૮૭૯ના બંધમાં સેન્સેક્સમાં બેસ્ટ ગેઇનર બની છે. હેવીવેઇટ એચડીએફસી બૅન્ક સવા ટકો તથા આઇસીઆઇસીઆઇ બૅન્ક એક ટકો વધતાં બજારને કુલ મળીને ૧૮૭ પૉઇન્ટનો ફાયદો થયો છે. ટીસીએસનો સવા ટકાનો સુધારો એમાં વધુ ૪૩ પૉઇન્ટના ઉમેરાનું નિમિત્ત બન્યો હતો. અદાણી એન્ટર ત્રણેક ટકા નજીક તો અદાણી પોર્ટ્સ સવાત્રણ ટકા નજીક મજબૂત થઈ છે. અદાણી પાવર, અદાણી ટોટલ તથા અદાણી વિલ્મર નરમ હતી. ગ્રુપના અન્ય શૅર નહીંવતથી એકાદ ટકો પ્લસ હતા. સાંધી ઇન્ડ. બે ટકા વધી છે. 

ઝોમાટો અપેક્ષા કરતાં ઓછા નફામાં નવા શિખરથી ગગડ્યો 
ઝોમાટોએ ૧૮૮ કરોડની નેટ લૉસ સામે આ વેળા ૧૭૫ કરોડનો ત્રિમાસિક નફો કર્યો છે. ધારણા ૨૧૮ કરોડના ચોખ્ખા નફાની હતી. આ સતત ચોથા ક્વૉર્ટરનો નેટ પ્રૉફિટ છે. શૅર રિઝલ્ટ પૂર્વે ૨૦૭ના શિખરે ગયો હતો. પરિણામ બાદ ગગડી ૧૮૭ની અંદર જ, પોણા ચાર ટકાની ખરાબીમાં ૧૯૪ નજીક બંધ થયો છે. વૉલ્યુમ ૩ ગણું હતું. એસજીએસ ટેક્નૉ માર્જિનમાં સવાચાર ટકાના ધોવાણ સાથે નફામાં ૧૭ ટકા પ્લસના ઘટાડા પાછળ સાડાસોળ ટકાના કડાકામાં ૩૯૪ થયો છે. ભારત અર્થમૂવર દ્વારા ૬૩ ટકાના વધારામાં ૨૫૭ કરોડના પ્રૉફિટ સાથે તગડો દેખાવ થતાં શૅર ૬ ગણા વૉલ્યુમે સાડાચૌદ ટકા કે ૪૭૦ રૂપિયાની તેજીમાં ૩૬૮૦ નજીક બંધ આવ્યો છે. પ્રૉફિટ માર્જિનમાં સવાપાંચ ટકાના વધારા સાથે ૮૮ ટકાના વૃદ્ધિ દરથી ૪૬૦ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કરનાર એબીબી ઇન્ડિયા ૯ ગણા કામકાજે ૮૦૨૫ની ઑલટાઇમ હાઈ બનાવી સવા અગિયાર ટકા કે ૮૦૨ રૂપિયાની છલાંગમાં ૭૯૮૪ દેખાયો છે. ન્યુલૅન્ડ લૅબના પરિણામ ખરાબ આવ્યા છે. આવક છ ટકા અને નફો ૨૦ ટકા ઘટ્યો છે. શૅર ૧૫ ટકા કે ૧૦૭૬ રૂપિયાના કડાકામાં ૬૦૫૮ રહ્યો છે. હિન્દુસ્તાન ઝિન્ક રિઝલ્ટનો કરન્ટ જાળવી રાખતાં ૫૮૬ની નવી ટૉપ નોંધાવી પોણાદસ ટકાના જમ્પમાં ૫૭૯ હતો. 

સારાં રિઝલ્ટ પછી ઘટાડાનો સિલસિલો ચાલુ રાખતાં BSE લિમિટેડ બે ટકા બગડી ૨૫૯૮ની અંદર ચાલી ગયો છે. ઇસબ ઇન્ડિયા ૧૧.૬ ટકા કે ૫૮૪ના ઉછાળે ૫૬૨૩ હતો. સીમેન્સ તેજીની આગેકૂચમાં સાડાસાત ટકા કે ૪૫૮ની મજબૂતીમાં ૬૬૨૮ના બેસ્ટ લેવલે બંધ રહ્યો છે. પરિણામ આજે, મંગળવારે આવવાનાં છે. તેજસ નેટ સાત ટકાના ઉછાળે ૧૧૯૯ના શિખરે બંધ આવી છે. બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૭ ટકાના વધારામાં ૫૯૩૭ કરોડ નેટપ્રોફિટ કર્યો છે. માર્જિન થોડુંક ઘટ્યું છે એના વસવસામાં શૅર ગઈ કાલે સવાદસ ટકાના ધબડકામાં ૧૨૫ નીચે બંધ રહ્યો છે. યુનિયન બૅન્ક પણ પરિણામ પાછળ ૪ ટકા ઘટી છે. ઇક્લેરેક્સમાં પરિણામ અને બાયબેક માટે બોર્ડ મીટિંગ ૧૬મીએ છે. શૅર ગઈ કાલે ૨૩૩૩ની ઇન્ટ્રા-ડે હાઈથી ૨૧૫૨ થઈ સવા પાંચ ટકા ગગડીને ૨૧૭૬ બંધ થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2024 06:50 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK