અમેરિકાનું હેડલાઇન ઇન્ફ્લેશન સતત બીજે મહિને વધ્યું, પણ કોર ઇન્ફ્લેશન ૨૩ મહિનાના તળિયે ગયું

પ્રતીકાત્મક તસવીર
અમેરિકાનું કોર ઇન્ફ્લેશન ઘટતાં ઇન્ટરેસ્ટ બે મહિના યથાવત્ રહેવાની શક્યતા વધતાં સોનું દિશાવિહીન બનતાં ભાવ સ્ટેડી રહ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૯૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૬૧૯ રૂપિયા ઘટ્યાં હતાં. સોનું સતત ત્રીજે દિવસે ઘટ્યું હતું. સોનું ત્રણ દિવસમાં ૫૦૨ રૂપિયા ઘટ્યું હતું.
વિદેશી પ્રવાહ
અમેરિકાનું કોર ઇન્ફ્લેશન ઑગસ્ટમાં ઘટીને ૨૩ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં ડૉલર ઇન્ડેક્સમાં મૂવમેન્ટ સંકડાઈ ગઈ હતી જેને કારણે સોનું દિશાવિહીન બની ગયું હતું. હવે સોનાની તેજી-મંદી નક્કી કરવા માટે અન્ય ડેટાની રાહ જોવી પડશે. કોર ઇન્ફ્લેશન ઘટતાં ફેડની આગામી બે મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ જળવાયેલા રહેવાના ચાન્સ વધી ગયા હતા. સોનું દિવસ દરમ્યાન ૧૯૦૫થી ૧૯૧૫ની રેન્જમાં રહ્યા બાદ સાંજે ૧૯૧૪થી ૧૯૧૫ ડૉલર હતું. સોનું સ્ટેડી રહેતાં ચાંદી અને પ્લૅટિનમમાં પણ ટૂંકી વધ-ઘટ જોવા મળી હતી, પણ પૅલેડિયમ વધ્યું હતું.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું ઑગસ્ટ મહિનાનું હેડલાઇન કન્ઝ્યુમર ઇન્ફ્લેશન સતત બીજે મહિને વધીને ૩.૭ ટકા રહ્યું હતું જે જુલાઈમાં ૩.૨ ટકા અને જૂનમાં ૩ ટકા હતું. માર્કેટની ધારણા ઇન્ફ્લેશનની ૩.૬ ટકાની હતી. છેલ્લા બે મહિનાથી ક્રૂડ તેલના ભાવ વધી રહ્યા છે તેમ જ એક મહિનાથી નૅચરલ ગૅસના ભાવ વધી રહ્યા છે એની અસરે ઇન્ફ્લેશન વધ્યું હતું. એનર્જી કૉસ્ટ ઑગસ્ટમાં ૩.૬ ટકા વધી હતી જે જુલાઈમાં ૧૨.૫ ટકા ઘટી હતી. ટ્રાન્સપોર્ટેશન કૉસ્ટ ઑગસ્ટમાં ૧૦.૩ ટકા વધી હતી જે જુલાઈમાં નવ ટકા વધી હતી. ઇલેક્ટ્રિસિટી, ફૂડ, સ્લેટર, નવાં વેહિકલ, ગૅસ સર્વિસ, મેડિકલ સર્વિસિસ, યુઝડ્ કાર-ટ્રક અને ઍપેરલના ભાવ ઑગસ્ટમાં ઘટ્યા હતા. કન્ઝયુમર ઇન્ફ્લેશન મન્થ્લી બેઇઝ પર ઑગસ્ટમાં ૦.૬ ટકા વધ્યો હતો.
અમેરિકન કોર ઇન્ફ્લેશન ઑગસ્ટમાં ૪.૩ ટકા ઘટીને ૨૩ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું જે જુલાઈમાં ૪.૭ ટકા રહ્યું હતું. ફ્યુઅલ, ટ્રાન્સપોર્ટેશન અને એનર્જી કૉસ્ટ સિવાયની આઇટમોની પ્રાઇસ ઘટતાં કોર ઇન્ફ્લેશન ઘટ્યું હતું. મન્થ્લી બેઇઝ પર કોર ઇન્ફ્લેશન ૦.૩ ટકા વધ્યું હતું, જેની ધારણા ૦.૨ ટકા વધારાની હતી.
અમેરિકન હેડલાઇન ઇન્ફ્લેશન વધ્યું હતું, પણ કોર ઇન્ફ્લેશન ઘટતાં ડૉલર ઇન્ડેક્સ ૧૦૪.૭ના લેવલે સ્ટેડી રહ્યો હતો. અમેરિકન ફેડને ઇન્ટરેસ્ટ રેટ વિશેનું ડિસિઝન લેવામાં કોર ઇન્ફ્લેશનની ગણતરી લેવામાં આવે છે જે ઘટ્યું હોવાથી ફેડ સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખે એની શક્યતા વધીને ૯૭ ટકાએ પહોંચતાં ડૉલર ઇન્ડેક્સ જળવાયેલો હતો.
અમેરિકન ગવર્નમેન્ટની બજેટ સરપ્લસ ઑગસ્ટમાં ૮૯ અબજ ડૉલર રહી હતી જે ગયા વર્ષે ઑગસ્ટમાં ૨૧૯.૬ અબજ ડૉલરની ડેફિસિટ હતી અને માર્કેટની ધારણા પણ ૨૪૦ અબજ ડૉલરની ડેફિસિટ રહેવાની હતી. માર્કેટની બજેટમાં ડેફિસિટ રહેવાની ધારણા સામે બજેટમાં સરપ્લસ જોવા મળી હતી. અમેરિકન ગવર્નમેન્ટના બજેટમાં ૧૬ મહિના પછી પ્રથમ વખત સરપ્લસ જોવા મળી હતી અને ઑગસ્ટ મહિનામાં સરપ્લસ જોવા મળી હોવાથી એવી ઘટના ૧૯૫૫ પછી પ્રથમ વખત જોવા મળી હતી. ચાલુ ફાઇનૅન્શિયલ યરના પ્રથમ અગિયાર મહિનાની બજેટ ડેફિસિટ ૧૫૪૩ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલર રહી હતી જે હાઉસની ધારણા પ્રમાણેની હતી.
અમેરિકન ૩૦ વર્ષીય ફિકસ્ડ મૉર્ગેજ રેટ ૮ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૬ બેસિસ પૉઇન્ટ વધીને ૭.૨૭ ટકાએ પહોંચ્યું હતું જે અગાઉના સપ્તાહે ૧૦ બેસિસ પૉઇન્ટ ઘટ્યું હતું. એક વર્ષ અગાઉ ૩૦ વર્ષીય મૉર્ગેજ રેટ ૬.૦૧ ટકા હતા. મૉર્ગેજ રેટ સતત વધી રહ્યા હોવાથી એની અસરે ૮મી સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે મૉર્ગેજ ઍપ્લિકેશનમાં ૦.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે અગાઉના સપ્તાહે ૨.૯ ટકા ઘટી હતી.
જપાનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન જુલાઈમાં ૧.૮ ટકા ઘટ્યું હતું જે જૂનમાં ૨.૪ ટકા વધ્યું હતું, પણ પ્રિલિમિનરી ડેટામાં બે ટકા ઘટ્યું હતું. ૨૦૨૩ના આરંભથી અત્યાર સુધીમાં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન આ ત્રીજી વખત ઘટ્યું હતું. મશીનરી, ઇલેક્ટ્રૉનિક્સ પાર્ટ્સ, ઇલેક્ટ્રૉનિક્સ ડિવાઇસ, ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી ઇક્વિપમેન્ટ વગેરેનું પ્રોડક્શન જુલાઈમાં ઘટ્યું હતું. વાર્ષિક ધોરણે જુલાઈમાં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ૨.૩ ટકા ઘટ્યું હતું જે જૂનમાં યથાવત્ રહ્યું હતું.
ઑસ્ટ્રેલિયન ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન સપ્ટેમ્બરમાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૪.૬ ટકાએ પહોંચ્યું હતું જે ઑગસ્ટમાં ૪.૯ ટકા હતું. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ બાર મહિનામાં ૪૦૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૧૧ વર્ષની ઊંચાઈએ પહોંચાડતાં ઇન્ફ્લેશન સતત ઘટી રહ્યું છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટાએ સોનાની દિશા નક્કી કરવામાં કોઈ સ્પષ્ટ સંકેત આપ્યો નથી, કારણ કે હેડલાઇન ઇન્ફ્લેશન વધ્યું હતું, પણ કોર ઇન્ફ્લેશન ઘટતાં હવે ફેડ સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખશે એવું નિશ્ચિત બન્યું છે. સી. એમ. ઈ. ફેડ વૉચના ડેટા અનુસાર હવે સપ્ટેમ્બરમાં ૯૭ ટકા ચાન્સ ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખવાના બન્યા છે. માત્ર ત્રણ ટકા પચીસ બેસિસ પૉઇન્ટ વધવાના છે. નવેમ્બર ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેવાના ચાન્સ વધીને ૬૩ ટકા થયા છે અને પચીસ બેસિસ પૉઇન્ટ વધવાના ચાન્સ ૩૫.૯ ટકા છે. આમ સપ્ટેમ્બર અને નવેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેશે એની શક્યતાઓ વધતાં સોનામાં હાલ રેન્જ બાઉન્ડ ભાવ રહેશે. ડિસેમ્બર મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટ વધવાના ચાન્સ ૫૫.૯ ટકા છે જે ચાન્સ ઘટશે તો ડૉલર ઘટશે અને સોનામાં નવી તેજી જોવા મળશે.