યુરો એરિયા ઇન્ફ્લેશન વધીને છ મહિનાની ઊંચાઈએ પહોંચતાં હેજિંગ ડિમાન્ડ વધશે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સોનામાં તેજીનાં કારણો ખૂટતાં ન હોવાથી મંગળવારે વર્લ્ડ માર્કેટમાં ૨૦૨૫ના વર્ષમાં અગિયારમી વખત સોનું ઑલટાઇમ સપાટીએ ૨૯૫૬.૧૫ ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ હેવી પ્રૉફિટ-બુકિંગ આવતાં ભાવ ૨૯૩૫ ડૉલર સુધી ઘટ્યા હતા.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૪૭ રૂપિયા વધ્યો હતો જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૩૪૬ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં ચાંદી સતત ત્રીજે દિવસે ઘટી હતી અને છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીનો ભાવ ૨૦૨૦ રૂપિયા ઘટ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનની ઇકૉનૉમીને બૂસ્ટ કરવા પીપલ્સ બૅન્કે મિડિયમ ટર્મ લૅન્ડિંગ ફૅસિલિટી મારફત માર્કેટમાં ૩૦૦ અબજ યુઆન ઠાલવ્યા હતા. અમેરિકી ડૉલર સતત ગગડી રહ્યો હોવાથી યુઆનના મૂલ્યને સ્ટૅબિલાઇઝ કરવા બૅન્ક દ્વારા સતત પગલાં લેવાઈ રહ્યાં છે. ચીનની ગવર્નમેન્ટ ઑથોરિટી દ્વારા ૨૦૨૫ના આરંભથી ઇકૉનૉમિક કન્ડિશનને સુધારવા અનેક પગલાં લેવાઈ રહ્યાં છે. ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના ટેક્નૉલૉજી અને સ્ટ્રૅટેજિક સેક્ટરમાં ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ પર નિયંત્રણ મૂકવા પગલાં લેવાતાં ચીનની ઇકૉનૉમિક કન્ડિશન બગડવાની શક્યતા છે જેના કાઉન્ટર અટૅક માટે ચીને પણ ટેલિકમ્યુનિકેશન અને બાયોટેક્નૉલૉજી સેક્ટરમાં ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ પર રહેલાં નિયંત્રણો દૂર કર્યાં હતાં. આ ઉપરાંત ચીને ઍગ્રિકલ્ચર રિફૉર્મ અને રૂરલ ડેવલપમેન્ટ માટે આખો નવો પ્લાન તૈયાર કરીને એનું અમલીકરણ ચાલુ કરી દીધું છે.
યુરો એરિયાનું ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં વધીને છ મહિનાની ઊંચાઈએ ૨.૪ ટકાએ પહોંચ્યું હતું જે ડિસેમ્બરમાં ૨.૪ ટકા હતું. ગયા સપ્ટેમ્બરમાં યુરો એરિયાનું ઇન્ફ્લેશન ઘટીને ૧.૭ ટકા થતાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પાંચ વખત રેટ-કટ લાવીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટે રેટને ૪.૫ ટકાથી ૨.૭ ટકા સુધી પહોંચાડ્યા હતા. ઇન્ટરેસ્ટ રેટ જે ગતિએ ઘટ્યા એ જ ગતિએ ઇન્ફ્લેશન વધતાં અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટથી સતત ચોથે મહિને ઇન્ફ્લેશન ઊંચું આવતાં રેટ-કટની બ્રેક લગાડવાની ફરજ પડશે. જાન્યુઆરી મહિનામાં યુરોપિયન દેશોમાં એનર્જી કૉસ્ટ ૧.૯ ટકા વધી હતી જે ડિસેમ્બરમાં માત્ર ૦.૧ ટકા વધી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પનું પ્રેશર-ટેક્નિકથી અમેરિકાને ફાયદો પહોંચાડવાનું અભિયાન અવિરત રીતે આગળ વધી રહ્યું છે. કૅનેડા અને મેક્સિકોથી અમેરિકામાં આયાત થતી ચીજો પર પચીસ ટકા ટૅરિફ લગાડ્યા બાદ એને એક મહિનો માટે મુલતવી રખાઈ હતી જેની મુદત આગામી સપ્તાહે પૂરી થતાં ટ્રમ્પે ટૅરિફવધારો અમલી કરવાની જાહેરાત કરી દીધી હતી. ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને રોકવા એની ક્રૂડ તેલની નિકાસ ઝીરો કરવાના અભિયાનના ભાગરૂપે ઈરાનના ક્રૂડ તેલને અન્ય દેશોમાં પહોંચાડનાર બાવીસ કંપનીઓ અને ૧૩ વેસલ્સ બેઝડ્ કંપનીઓ પર ટ્રમ્પે પ્રતિબંધ લાદી દીધો હતો. આ કંપનીઓ ઈરાનના ક્રૂડ તેલને ચીન, ભારત, યુનાઇટેડ આરબ અમીરાતના દેશો અને હૉન્ગકૉન્ગમાં પહોંચાડતી હતી. અમેરિકામાં આયાત થતાં સ્ટીલ, ઍલ્યુમિનિયમ, સેમિકન્ડક્ટર ચિપ્સ, ફાર્માસ્યુટિકલ આઇટમો પર ટૅરિફવધારો તેમ જ ચીનથી આયાત થતી ચીજો પર ૧૦ ટકાનો ટૅરિફવધારો ઑલરેડી અમલી થઈ ચૂક્યો છે. ટ્રમ્પના ટૅરિફવધારવાની હિલચાલથી માત્ર અમેરિકાનું જ નહીં, સમગ્ર વિશ્વના અનેક દેશોનું ઇન્ફ્લેશન રૉકેટગતિએ આગળ વધી રહ્યું છે. અમેરિકાનું આગામી પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૩૦ વર્ષની ઊંચાઈએ અને યુરો એરિયાનું ઇન્ફ્લેશન માત્ર પાંચ મહિનામાં ૧.૭ ટકાથી વધીને ૨.૫ ટકાએ પહોંચ્યું હતું. આમ ઇન્ફ્લેશન જે રીતે વધી રહ્યું છે એ જોતાં સોનામાં હેજિંગ ડિમાન્ડ પણ સતત વધી રહી હોવાથી તેજીની આગેકૂચ સતત ચાલુ રહેવાની ધારણા છે.
ભારતની સોનાની ઇમ્પોર્ટ ફેબ્રુઆરીમાં ૨૦ વર્ષની નીચી સપાટીએ
ભારતની સોનાની ઇમ્પોર્ટ ફેબ્રુઆરીમાં ૮૫ ટકા ઘટીને ૨૦ વર્ષની નીચી સપાટીએ પહોંચી હતી. સોનાના ઑલટાઇમ ઊંચા ભાવને કારણે ડિમાન્ડને મોટી અસર થતાં ફેબ્રુઆરી મહિનામાં માત્ર ૧૫ ટન સોનાની આયાત થઈ હતી જે ગયા વર્ષના ફેબ્રુઆરીમાં ૧૦૩ ટનની થઈ હતી. છેલ્લાં દસ વર્ષની ફેબ્રુઆરી મહિનાની સોનાની ઇમ્પોર્ટની ઍવરેજ ૭૬.૫ ટનની છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૬,૬૪૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૬,૩૦૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૫,૭૬૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)


