૨૦૨૪માં ફેડ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એવી માત્ર ધારણાને આધારે સોનામાં આવેલી તેજીને પછડાટ ઃ મુંબઈમાં સોનામાં ૯૯૪ રૂપિયા અને ચાંદીમાં ૨૦૪૭ રૂપિયાનો કડાકો
કોમોડિટી કરેંટ
પ્રતીકાત્મક તસવીર
સોનામાં બેફામ સટ્ટાકીય તેજીરૂપી ઉછાળા બાદ ઑલ ટાઇમ હાઈ ભાવથી છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦ ડૉલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. મુંબઈમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૯૯૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૦૪૭ રૂપિયા ઘટ્યાં હતાં. ચાંદી પાંચ દિવસમાં ૩૩૮૪ રૂપિયા વધ્યા બાદ મંગળવારે એક જ દિવસમાં ૨૦૪૭ રૂપિયા તૂટી હતી.
વિદેશ પ્રવાહ
૨૦૨૪માં ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં ૧૨૦ પૉઇન્ટનો ઘટાડો કરશે અને માર્ચ મહિનાથી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો ચાલુ થશે એવી ધારણાને પગલે સોમવારે સોનું એક તબક્કે વધીને ઑલ ટાઇમ હાઈ સપાટી ૨૧૩૫.૪૦ ડૉલર થયા બાદ ઘટીને ૨૦૧૯.૩૦ ડૉલર થયું હતું. આમ માત્ર ૨૪ કલાકમાં સોનામાં ૧૧૬.૧૦ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે પણ સોનામાં વધ-ઘટનો દોર ચાલુ હતો. મંગળવારે સોનું વધીને ૨૦૪૦.૨૦ ડૉલર થયા બાદ ઘટીને ૨૦૨૧ ડૉલર થયું હતું. સાંજે સોનું ૨૦૨૩થી ૨૦૨૪ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ મંગળવારે ૦.૧૧ ટકા ઘટીને ૧૦૩.૬૦ પૉઇન્ટે પહોંચ્યો હતો. ૨૦૨૪માં ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સ દિવસે-દિવસે વધી રહ્યા હોવાથી અને ઇકૉનૉમિક ગ્રોથ ડેટામાં સ્લોડાઉનની શક્યતાઓ વધતી જતી હોવાથી ડૉલર ઇન્ડેક્સ ઘટી રહ્યો છે. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ૦.૦૪ ટકા ઘટીને ૪.૨૩ ટકા રહ્યાં હતાં.
ચીનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર નવેમ્બરમાં વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૫૧.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૦.૪ ટકા હતો. સર્વિસ સેક્ટરમાં સતત અગિયારમાં મહિને ગ્રોથ જોવા મળ્યો હતો. ચીનની ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનું વેઇટેજ ૫૨.૮ ટકા હોવાથી સર્વિસ સેક્ટરના ગ્રોથને કારણે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ નવેમ્બરમાં વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૫૧.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૦ પૉઇન્ટ હતો. ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ૪.૩૫ ટકાએ જાળવી રાખ્યા હતા. નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયાના ઇન્ટરેસ્ટ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન થર્ડ ક્વૉર્ટરના અંતે ૫.૪ ટકા રહ્યું હતું જે અગાઉના ક્વૉર્ટરમાં છ ટકા હતું. ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન સતત ત્રીજા ક્વૉર્ટરમાં ઘટ્યું હોવાથી સેન્ટ્રલ બૅન્કના મોટા ભાગના મેમ્બરો આગામી દિવસોમાં ઇન્ફ્લેશન ઘટવાની ધારણા રાખી રહ્યા હતા.જપાનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં ઘટીને ૧૧ મહિનાની નીચી સપાટીએ ૫૦.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૧.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૭ પૉઇન્ટની હતી. જપાનની ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનું વેઇટેજ ૬૯.૪૭ ટકા હોવાથી સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથ ૧૧ મહિના પછી પ્રથમ વખત ઘટીને ૪૯.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી ડેટામાં ૫૦ પૉઇન્ટ હતો. ભારતના સર્વિસ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં ઘટીને એક વર્ષની નીચી સપાટીએ ૫૬.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૮.૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ૫૮ પૉઇન્ટની ધારણા કરતાં નીચો રહ્યો હતો. સર્વિસ સેક્ટરમાં નવા એક્સપોર્ટ ઑર્ડર છેલ્લા પાંચ મહિનાના સૌથી નીચા રહ્યા હતા તેમ જ જૉબ ક્રીએશન પણ સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ભારતનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધતાં બિઝનેસ કૉન્ફિડન્સ ઘટ્યો હતો. ભારતીય ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનું વેઇટેજ ૫૩.૮૯ ટકા અને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનું વેઇટેજ ૨૫.૯૨ ટકા હોવાથી સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ નવેમ્બરમાં ઘટીને એક વર્ષની નીચી સપાટીએ ૫૭.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૮.૪ પૉઇન્ટ હતો. પ્રાઇવેટ સેક્ટરમાં પણ નવા ઑર્ડર ઘટીને એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ફેડ ચૅરમૅન કે અન્ય કોઈ મેમ્બર દ્વારા ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાનો કોઈ સંકેત મળ્યો ન હોવા છતાં શુક્રવારે અને સોમવારે સોનાના ભાવમાં ૫૦ ડૉલરથી વધુનો ઉછાળો આવવા પાછળનું મુખ્ય કારણ સીએમઈ ફેડવૉચનો રિપોર્ટ છે. અમેરિકામાં ઇન્ટરેસ્ટ રેટના ઘટાડા કે વધારા માટે સીએમઈ ફેડ વૉચના રિપોર્ટને બહુ મહત્ત્વ આપવામાં આવે છે. સીએમઈ ફેડ વૉચના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ૨૦૨૪ના પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સ માર્ચમાં ૫૩.૧ ટકા છે, જ્યારે પચીસથી ૧૦૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાના ચાન્સ માર્ચ મીટિંગમાં ૬૦.૨ ટકા, મે મીટિંગમાં ૮૬.૬ ટકા, જૂનની મીટિંગમાં ૯૭.૪ ટકા અને જુલાઈની મીટિંગમાં ૯૯.૯ ટકા છે. આમ ૨૦૨૪માં જુલાઈ સુધીમાં પહેલો અને બીજો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો આવી ચૂક્યો હશે એવો સંકેત સીએમઈ ફેડ વૉચનો રિપોર્ટ આપે છે. આ રિપોર્ટ જ્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાનો સંકેત પૉઝિટિવ આપતું રહેશે અને ફેડના ચૅરમૅન કે કોઈ મેમ્બર ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની શક્યતાને રદિયો નહીં આપે ત્યાં સુધી સોનામાં વધ-ઘટે તેજીની આગેકૂચ ચાલુ રહેવાની છે.