સોનામાં ગઈ કાલે ૭૦ રૂપિયાનો વધારો થતાં સોનું ૯૮,૧૭૦ રૂપિયા પ્રતિ તોલાએ પહોંચી ગયું હતું.
પ્રતીકાત્મક તસવીર
સોનામાં ગઈ કાલે ૭૦ રૂપિયાનો વધારો થતાં સોનું ૯૮,૧૭૦ રૂપિયા પ્રતિ તોલાએ પહોંચી ગયું હતું. દિલ્હીમાં ૯૯.૯ ટકાની પ્યૉરિટી ધરાવતા સોનાના ભાવ બુધવારે ૧૦ ગ્રામના ૯૮,૧૦૦ થયા હતા અને એેમાં ગઈ કાલે ૭૦ રૂપિયાનો વધારો થયો હતો. ૯૯.૫ ટકા પ્યૉરિટીનું સોનું પણ ૭૦ રૂપિયાના વધારા સાથે ૯૭,૭૨૦ રૂપિયાએ પહોંચી ગયું હતું. જોકે ચાંદીનો ભાવ ગઈ કાલે ૧૪૦૦ રૂપિયાના ઘટાડા સાથે ૯૮,૦૦૦ પ્રતિ કિલો રહ્યો હતો. બુધવારે ચાંદીનો ભાવ ૯૯,૪૦૦ રૂપિયા હતો.
ઑલ ઇન્ડિયા સરાફા બજારના કહેવા મુજબ હાલમાં ડૉલર નબળો પડી રહ્યો છે, ટ્રેડ-વૉર વધી રહી છે અને અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેર કરેલી ટૅરિફ પૉલિસીને કારણે વિશ્વભરમાં ઇકૉનૉમિક ગ્રોથને લઈને ચિંતા વર્તાઈ રહી છે ત્યારે વિશ્વભરમાં અનિશ્ચિતતાનો માહોલ છે. અમેરિકા-ચાઇનાની ટ્રેડ-વૉરને કારણે સપ્લાય ચેઇનને માઠી અસર પહોંચી છે એને લીધે મોંઘવારી વધશે અને મંદી પણ વધશે એવી અટકળો થઈ રહી છે. જોકે સોનામાં રોકાણ સુરક્ષિત ગણાતું હોવાથી સોનાના ભાવ વધવાની શક્યતા દર્શાવાઈ છે.


