ઇન્ટરેસ્ટ રેટ વધવાની શક્યતા વધતાં ડૉલર દસ મહિનાની અને બૉન્ડ યીલ્ડ ૧૬ વર્ષની ટોચે પહોંચ્યાં
પ્રતીકાત્મક તસવીર
ફેડના મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટને બે ટકા સુધી લાવવા ફેડ પર ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું દબાણ વધારતાં સોનું ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૯૬ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૪૫૮ રૂપિયા ઘટ્યાં હતાં. સોનું અને ચાંદી બન્ને સતત બીજે દિવસે ઘટ્યાં હતાં.
વિદેશ પ્રવાહ
ADVERTISEMENT
મિનિયોપૉલિશના ફેડ પ્રેસિડન્ટ નીલ કાશકરીએ જણાવ્યું હતું કે ઇન્ફ્લેશનને બે ટકાના ટાર્ગેટ સુધી લાવવા ફેડને ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની ફરજ પડશે. આવી જ કમેન્ટ ફેડના અન્ય મેમ્બરોએ કરતાં ફેડ પર ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું દબાણ વધ્યું હતું જેને કારણે ડૉલર ઇન્ડેક્સ વધીને દસ મહિનાની ઊંચાઈએ અને બૉન્ડ યીલ્ડ નવી ૧૬ વર્ષની ઊંચાઈએ પહોંચ્યાં હતાં. ડૉલર અને બૉન્ડ યીલ્ડ વધતાં સોનામાં વેચવાલી વધી હતી અને ભાવ એક સપ્તાહની નીચી સપાટીએ ૧૯૧૨.૭૯ ડૉલર થયા હતા. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વધીને દસ મહિનાની ઊંચાઈએ ૧૦૬.૧ના લેવલે પહોંચ્યો હતો. ફેડના દરેક મેમ્બર હવે ઇન્ટરેસ્ટ વધારીને ઇન્ફ્લેશનના વધારાને રોકવા મક્કમ હોવાથી ડૉલર ઇન્ડેક્સને સપોર્ટ મળ્યો હતો તેમ જ જપાન, યુરો એરિયા, બ્રિટન વગેરે દેશોની કરન્સી નબળી પડી રહી હોવાથી ડૉલરને સપોર્ટ મળી રહ્યો છે. શિકાગો ફેડ પ્રેસિડન્ટ ઑસ્ટિન ગોલ્સબેએ જણાવ્યું હતું કે આમ પબ્લિક હવે ઊંચા ઇન્ટરેસ્ટ રેટથી ટેવાતી જતી હોવાથી અને ઇકૉનૉમિક ગ્રોથ સપોર્ટિવ હોવાથી ઇન્ટરેસ્ટ લાંબા સમય સુધી ઊંચા રહેશે. બ્રિટને ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવી હોવાથી હવે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પણ ઇકૉનૉમિક ગ્રોથને વધુ નબળો પડતો અટકાવવા હવેની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખશે એવી ધારણાએ યુરો ડૉલર સામે છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ૨૦૨૪માં બે વખત ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનો સંકેત આપ્યા છતાં હજી છથી આઠ મહિના ઇન્ટરેસ્ટ રેટ ઊંચા રહેશે એવી ધારણાને પગલે અમેરિકન ટ્રેઝરી બૉન્ડ યીલ્ડ વધીને નવી ૧૬ વર્ષની ઊંચાઈએ ૪.૫ ટકાને લેવલે પહોંચ્યા હતા. અમેરિકાની લેબર માર્કેટ સ્ટ્રૉન્ગ હોવાથી તેમ જ ક્રૂડ તેલના ભાવ સતત વધી રહ્યા હોવાથી અમેરિકન ઇન્ફ્લેશન ઘટવાના ચાન્સ નથી, આવી સ્થિતિમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનું જોખમ લઈ શકે એમ ન હોવાથી ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ વધ્યાં હતાં.
બ્રિટનના રીટેલ સેલ્સમાં સપ્ટેમ્બરમાં ૩૦ પૉઇન્ટનો વધારો થઇને રીટેલ સેલ્સનો ઇન્ડેક્સ માઇનસ ૧૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં બે વર્ષની નીચી સપાટીએ માઇનસ ૪૪ પૉઇન્ટ હતો. રીટેલ સેલ્સમાં મન્થ્લી વધારો થયો હોવા છતાં યર ટુ યર ઘટાડો જોવા મળ્યો હતો.
યુરો એરિયાની સૌથી મોટી ઇકૉનૉમી જર્મનીનો બિઝનેસ મૂડ સપ્ટેમ્બરમાં ઘટીને ૮૫.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૮૫.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૮૫.૨ પૉઇન્ટની હતી એના કરતાં બિઝનેસ-મૂડ વધ્યો હતો. જર્મનીના બિઝનેસ-મૂડમાં સતત પાંચમા મહિને ઘટાડો જોવા મળ્યો હતો. જોકે આમ પબ્લિકને બિઝનેસ-મૂડ સુધરવાની શક્યતા દેખાતી હોવાથી ભાવિ કન્ડિશનનો ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં સુધર્યો હતો.
ચીનની સોનાની નેટ ઇમ્પોર્ટ હૉન્ગકૉન્ગથી ઑગસ્ટમાં ૫૧.૪ ટકા વધીને ૩૯.૦૨૩ ટન નોંધાઈ હતી. જોકે ગયા વર્ષના ઑગસ્ટથી ઓછી છે, ગયા વર્ષે ઑગસ્ટમાં ઇમ્પોર્ટ ૬૮.૨૨૭ ટન થઈ હતી. હૉન્ગકૉન્ગથી થતી સોનાની ઇમ્પોર્ટ ઉપરાંત ઑગસ્ટમાં સ્વિટ્ઝરલૅન્ડથી પણ ઇમ્પોર્ટ વધી હતી. શાંઘાઈ અને બીજિંગની ઇમ્પોર્ટના ડેટા જાહેર થતા નથી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ફેડ ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી ધારણા વચ્ચે ડૉલર અને ટ્રેઝરી યીલ્ડ સતત વધી રહ્યાં છે, પણ વાસ્તવમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે એમ છે કે નહીં? કરન્ટ ઇકૉનૉમિક સિચુએશન અને અનેક દેશો ઇકૉનૉમિક સ્લોડાઉન તરફ ઝડપથી જઈ રહ્યા હોવાથી ફેડ માટે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કે ઘટાડો બન્ને કરવામાં લોઢાના ચણા ચાવવા જેવું કઠિન કામ છે. સી.એમ.ઈ. ફેડ વૉચ અનેક ઇકૉનૉમિસ્ટોના રિસર્ચ બાદ ઇન્ટરેસ્ટ રેટ વધારાનું આકલન કરે છે. સી.એમ.ઈ. ફેડવૉચના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ફેડ નવેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખે એની શક્યતા ૮૧.૫ ટકા છે અને ડિસેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખે એની શક્યતા ૬૦.૯ ટકા છે. આમ ફેડ ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ ફેરફાર નહીં કરે તેની શક્યતા એવરેજ ૭૧.૨ ટકા છે. ફેડ નવેમ્બર મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટેરસ્ટ રેટમાં વધારો કરે એની શક્યતા માત્ર ૧૮.૫ ટકા છે અને ડિસેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો વધારો કરે એની શક્યતા ૩૪.૪ ટકા છે આથી ૨૦૨૩ના એન્ડ પહેલાં ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો વધારો કરે એની શક્યતા માત્ર ૨૬.૫ ટકા છે. ફેડ માર્ચ-૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરે એવી શક્યતા ૧૧.૪ ટકા છે, જ્યારે મે ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાની શક્યતા ૨૮.૪ ટકા છે. જુલાઈ ૨૦૨૪માં એ શક્યતા વધીને ૬૧.૫ ટકાએ પહોંચે છે. ફેડના ઇન્ટરેસ્ટ રેટ વધારાના ડિસિઝન સાથે સોનાની તેજી-મંદી સીધી રીતે સંકળાયેલી રહેશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૮,૯૩૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૮,૬૯૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૧,૫૫૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)


