જૅપનીઝ બૅન્કની ઇન્ટરેસ્ટ રેટ વધારવાની મક્કમતાથી ડૉલર વધુ ઘટવાની ધારણા
સોના-ચાંદીની ફાઈલતસવીર
સોનામાં છેલ્લાં આઠ સપ્તાહથી એકધારી આગળ વધતી તેજી બાદ શુક્રવારે ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ આવતાં વર્લ્ડ માર્કેટમાં ઉછાળાની આગેકૂચ અટકી હતી. સોનું ઑલટાઇમ હાઈ સપાટી ૨૯૫૪.૬૯ ડૉલરે પહોંચ્યા બાદ શુક્રવારે ૨૯૧૪ ડૉલર સુધી ઘટ્યું હતું, પણ ચાંદીમાં થોડી પીછેહઠ છતાં સોના જેટલો ઘટાડો નહોતો થયો.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૨૮ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૪૨ રૂપિયા ઘટ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ શુક્રવારે ટૂંકી વધ-ઘટે ૧૦૬.૫૦થી ૧૦૬.૬૫ પૉઇન્ટની રેન્જમાં રહ્યો હતો. ટ્રમ્પની ટૅરિફ વધારાની પૉલિસીથી ઇન્ફ્લેશન વધવાના ફેડના મેમ્બરોના પ્રોજેક્શનથી ઇકૉનૉમિક કન્ડિશનની અનિશ્ચિતતા વધતાં ડૉલરમાં તેજીના ચાન્સ ઘટ્યા હતા જેને કારણે ડૉલર ઇન્ડેક્સ છેલ્લાં ત્રણ સપ્તાહથી સતત ઘટી રહ્યો છે. ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા બાદ ઇકૉનૉમિક કન્ડિશનમાં થયેલા ફેરફારના ડેટાની રાહે ડૉલરમાં હાલમાં ઇન્વેસ્ટરો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. બૅન્ક ઑફ જપાનના ચૅરમૅને બૉન્ડ ખરીદવાની જાહેરાત કરતાં જૅપનીઝ યેનની મજબૂતી વધવાની શક્યતાએ પણ ડૉલર પર પ્રેશર વધ્યું હતું.
યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પ્રિલિમિનરી રિપોર્ટમાં ફેબ્રુઆરીમાં વધીને ૯ મહિનાની ઊંચાઈએ ૪૭.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૪૬.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૭ પૉઇન્ટની હતી. યુરો એરિયાનો સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ફેબ્રુઆરીમાં ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૫૦.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૧.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૫ પૉઇન્ટની હતી. યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધતાં પ્રાઇવેટ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ફેબ્રુઆરીમાં સતત બીજા મહિને વધીને ૫૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્કેટની ૫૦.૫ પૉઇન્ટની ધારણાથી નીચો રહ્યો હતો.
જપાનનું જાન્યુઆરી મહિનાનું હેડલાઇન ઇન્ફ્લેશન વધીને બે વર્ષની ઊંચાઈએ ચાર ટકાએ પહોંચ્યું હતું જે ડિસેમ્બરમાં ૩.૬ ટકા હતું. જપાનમાં ફૂડ પ્રાઇસ પણ વધીને ૧૫ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. કોર ઇન્ફ્લેશન પણ જાન્યુઆરીમાં વધીને ૧૯ મહિનાની ઊંચાઈએ ૩.૨ ટકાએ પહોંચ્યું હતું જે ડિસેમ્બરમાં ત્રણ ટકા હતું અને માર્કેટની ધારણા ૩.૧ ટકાની હતી.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
બૅન્ક ઑફ જપાનની મૉનિટરી ઍક્ટિવિટી સોનાની તેજી માટે સપોર્ટિવ બની રહી છે. જપાનનું ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં વધીને બે વર્ષની ઊંચાઈએ ચાર ટકાએ પહોંચ્યું હતું જે જૅપનીઝ સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં ડબલ હોવા છતાં ગવર્નર કાજુઓ ઉડાએ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની કમેન્ટ કરી હતી. ઉડાના મતે જૅપનીઝ ફાઇનૅન્શ્યલ ઇન્સ્ટિટ્યૂટનો પ્રૉફિટ વધારવા અને ઇકૉનૉમિક કન્ડિશનને બૂસ્ટ આપવા ઇન્ટરેસ્ટ રેટ વધારવો જરૂરી છે. ઉડાની ઇન્ટરેસ્ટ રેટ વધારવાની પૉલિસીને કારણે હાલ જૅપનીઝ યેન ૧૧ મહિનાની ઊંચાઈએ ૧૫૦ ડૉલરની સપાટીએ છે. ડૉલર ઇન્ડેક્સમાં જૅપનીઝ યેનનું વેઇટેજ ૧૩ ટકા હોવાથી બૅન્ક ઑફ જપાન ઇન્ટરેસ્ટ રેટ હજી વધારશે તો જૅપનીઝ યેનની મજબૂતીથી ડૉલર વધુ નબળો પડશે જે સોનાની તેજીના સપોર્ટમાં વધુ એક કારણ ઉમેરશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૬,૦૯૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૫,૭૪૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૭,૧૪૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)


