શિકાગો ઘઉં વાયદામાં છ ડૉલરની સપાટી તૂટી : વૈશ્વિક ભાવ એક વર્ષમાં ૪૨ ટકા તૂટ્યા, ભારત આ વર્ષે આયાત કરી શકે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઘઉંની બજારમાં મંદીનો દોર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ ઘટીને બે વર્ષના તળિયે પહોંચી ગયા હતા અને વિશ્વ માટે બેન્ચમાર્ક ગણાતો શિકાગો ઘઉં વાયદો છ ડૉલરની અતિ મહત્ત્વની સાઇકોલૉજિકલ સપાટીને પણ તોડીને અંદર ઊતરી ગયો હતો. આ સંજોગોમાં લાંબા ગાળે ભારતમાં પણ ઘઉંની આયાત માટેના રસ્તાઓ ખૂલે એવા સંકેત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
શિકાગો ખાતે બેન્ચમાર્ક ઘઉં વાયદો છ ડૉલરની અંદર ઊતરી ગયો હતો, જે આ પહેલાં ૩૧ માર્ચ ૨૦૨૧ અને ૨૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ આવ્યા હતા, એ પછી પ્રથમ વાર છ ડૉલરની સપાટી તૂટી છે. આમ ઘઉંના ભાવ સરેરાશ બે વર્ષના તળિયે પહોંચી ગયા છે. ઘઉંનો મે મહિનાનો વાયદો છ ડૉલરની ઉપર જરાક જ ઉપર ચાલી રહ્યો છે, જે પણ ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ બાદની સૌથી નીચી સપાટી છે. વૈશ્વિક ઘઉંના ભાવ છેલ્લા એક મહિનામાં ૧૨ ટકા અને એક વર્ષમાં ૪૨ ટકા જેટલા ઘટી ગયા છે. આમ મોટા ઘટાડાને પગલે વૈશ્વિક લેવલે મંદી વકરી ગઈ છે.
ADVERTISEMENT
યુરોપિયન કમિશને જણાવ્યું હતું કે પ્રતિબંધો લાદેલા યુરોપિયન યુનિયનના પાંચ દેશો દ્વારા યુક્રેનિયન અનાજના પરિવહનને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવા માટે સૈદ્ધાંતિક રીતે એક સોદો ઉપર પહોંચી ગયો છે, જેને પગલે યુક્રેનના ઘઉં વિશ્વ બજારમાં વધુ આવશે અને સપ્લાય વધવાને કારણે બજારમાં પ્રેશર આવ્યું છે.
બીજી તરફ અમેરિકામાં પણ ઘઉંના પાકની સ્થિતિ પહેલાંની તુલનાએ સારી હોવાથી સરેરાશ બજારમાં ઘટાડો આવ્યો છે. ઘઉંની સાથે મકાઈમાં પણ મંદી છે. મકાઈના બજારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે બ્રાઝિલનો મોટો પાક અમેરિકાના પુરવઠાની માગમાં આગળ વધી રહ્યો છે. આમ મકાઈની મંદી પણ ઘઉંને આગળ ઉપર નડશે.
વૈશ્વિક બજારમાં નીચા ભાવને કારણે ભારતમાં વર્ષના અંતમાં ઘઉંની આયાત માટેના વેપારો થાય એવા સંજોગો નકારી શકાય એમ નથી. સરકાર પાસે માલ પડ્યો છે, પરંતુ એ ઓછો છે અને જો સ્થાનિક ભાવ બહુ ઘટશે નહીં તો સાઉથની મિલો આયાત કરવા વિશે વિચારણા કરી શકે છે.
