Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > યુદ્ધમાં વિરામના પગલે વૈશ્વિક શૅરબજારો રૉકેટ થયાં, ક્રૂડ તૂટ્યું

યુદ્ધમાં વિરામના પગલે વૈશ્વિક શૅરબજારો રૉકેટ થયાં, ક્રૂડ તૂટ્યું

Published : 09 April, 2026 06:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રેન્ટ ક્રૂડ ૧૫ ટકા જેવું ગગડીને ૯૪ ડૉલર આસપાસ, સોનામાં અઢી ટકા તથા ચાંદીમાં છથી ૮ ટકાની તેજી: જપાન, તાઇવાન, સાઉથ કોરિયા, ઇન્ડોનેશિયા, હૉન્ગકૉન્ગ, બંગલાદેશ, શ્રીલંકા સવાત્રણથી સાડાછ ટકા વધીને બંધ; યુરોપ રનિંગમાં સાડાપાંચ ટકા સુધી ઊંચકાયું...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


બ્રેન્ટ ક્રૂડ ૧૫ ટકા જેવું ગગડીને ૯૪ ડૉલર આસપાસ, સોનામાં અઢી ટકા તથા ચાંદીમાં છથી ૮ ટકાની તેજી: જપાન, તાઇવાન, સાઉથ કોરિયા, ઇન્ડોનેશિયા, હૉન્ગકૉન્ગ, બંગલાદેશ, શ્રીલંકા સવાત્રણથી સાડાછ ટકા વધીને બંધ; યુરોપ રનિંગમાં સાડાપાંચ ટકા સુધી ઊંચકાયું: પાકિસ્તાની શૅરબજારમાં ૯ ટકા કે ૧૩,૮૫૦ પૉઇન્ટનો ઉછાળો : પાંચ બૅન્ક-શૅર બજારને ૧૩૬૨ પૉઇન્ટ ફળ્યા : પરિણામની પૂર્વસંધ્યાએ TCS પોણો ટકો પ્લસ

ટ્રમ્પની ડેડલાઇનની છેવટે હવા નીકળી ગઈ છે. ઈરાનનો ખુરદો બોલાવી દેવાની ધમકી સરવાળે પોકળ સાબિત થઈ છે. ટ્વીટ ઉપર ટ્વીટનો મારો ચલાવીને યુદ્ધે ચડેલા આ માણસે તેની ડેડલાઇનની ૯૦ મિનિટ પહેલાં જ યુદ્ધવિરામ જાહેર કરી દીધો છે. ટ્રમ્પ શરૂઆત તો કરી નાખે છે, પરંતુ પાછળથી તેને ધક્કો રહેતો નથી એ વાત ફરી એક વાર પુરવાર થઈ ગઈ છે. ટેક્નિકલી કહીએ તો આ સીઝફાયર એ ઇન્ટરિમ સીઝફાયર છે. એની મુદત બે અઠવાડિયાંની છે. એનો આધાર ૧૦ મુદ્દાનો કાર્યક્રમ છે. ઈરાન, અમેરિકા તથા ઇઝરાયલ ત્રણેય કામચલાઉ યુદ્ધવિરામ માટે સંમત થયા છે અને આનો યશ પાકિસ્તાનના ફાળે ગયો છે.

જેને ઇસ્લામાબાદ અકૉર્ડ કહે છે એ ૧૦ મુદ્દાની ફૉર્મ્યુલા પ્રમાણે બન્ને પક્ષોએ તાત્કાલિક અમલી બને એ રીતે યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો છે. હોર્મુઝની ખાડી ઈરાન ખુલ્લી મૂકશે, પરંતુ એના ઉપર સંપૂર્ણ આધિપત્ય ઈરાનનું રહેશે. ઈરાનની નિગરાની હેઠળ જળ-વ્યવહાર શરૂ થશે. આ ખાડીનો ઉપયોગ કરનાર પ્રત્યેક વેપારી-જહાજે ૨૦ લાખ ડૉલરની ફી ઈરાનને ચુકવવી પડશે. આ ફીનાં નાણાં ઈરાન તથા ઓમાન વહેંચી લેશે. યુદ્ધમાં થયેલા નુકસાન બદલ ઈરાનને કૉમ્પેન્સેશન મળશે. ઈરાન ઉપરના તમામ અંકુશ હટાવી લેવાશે. ઈરાનનો યુરેનિયમ એ​ન્રિચમેન્ટ પ્રોગ્રામ માન્ય ગણાશે. અમેરિકા તેનાં તમામ લશ્કરી દળો પાછાં ખેંચી લેશે. ૧૦ મુદ્દાની ફૉર્મ્યુલાનો આ ટૂંકસાર છે. આને ધ્યાનમાં રાખીને બન્ને પક્ષો વાટાઘાટ કરીને કાયમી શાંતિ-સમજૂતી કરશે. વાટાઘાટ પાકિસ્તાનમાં થશે. મતલબ કે ટ્રમ્પ હવે ઇસ્લામાબાદના મહેમાન બનશે.

ટ્રમ્પ ઇન્ટરિમ સીઝફાયરને અમેરિકાનો ભવ્ય વિજય ગણાવે છે. હોર્મુઝ ખાડી ખોલવા ઈરાન સંમત થયું એ આના મૂળમાં છે, પરંતુ આ ખાડી યુદ્ધ પહેલાં ખુલ્લી જ હતી, ક્યાં કશી રોકટોક હતી? વળી એ વખતે કશી ફી પણ નહોતી. આ વેળા તો દરેક જહાજે આશરે ૨૦ લાખ ડૉલરનો ટોલ-ટૅક્સ ભરવો પડશે. આ બોજનું શું? આમાં અમેરિકાનો વિજય ક્યાં આવ્યો?

યુદ્ધવિરામ થયો એ બહુ સારી વાત છે. પરંતુ બહુ હરખાઈ જવા જેવું નથી. હાલનું સીઝફાયર બે અઠવાડિયાં પૂરતું કે ઇન્ટરિમ સીઝફાયર છે જે ૧૦ મુદ્દાની કાચી ફૉર્મ્યુલા ઉપર આધારિત છે. ગમે ત્યારે ગમે એને વાંકું પડી શકે છે. ખાસ કરીને ટ્રમ્પનો કોઈ વિશ્વાસ નથી. આઇ વૉઝ જોકિંગ કહીને આ માણસ ગમે ત્યારે હાથ અધ્ધર કરી શકે છે. હાલના તબક્કે આ યુદ્ધ એકંદરે ઈરાન, ચાઇના, રશિયા તથા પાકિસ્તાન માટે ફળદાયી પુરવાર થયું લાગે છે.

બૅન્કિંગના ૪૧માંથી ૪૧ તથા ફાઇનૅન્સના ૧૯૦માંથી ૧૮૭ શૅર પ્લસ
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૭ તથા નિફ્ટીના ૪૧ શૅર પ્લસ હતા. પરિણામની પૂર્વસંધ્યાએ TCS ઉપરમાં ૨૫૮૪ થઈને પોણો ટકો સુધરી ૨૫૬૦ રહ્યા છે. ઇન્ફી અડધો-પોણો ટકો પ્લસ હતા. ટેક મહિન્દ્ર દોઢ ટકાના ઘટાડે સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની છે. નિફ્ટી ખાતે કોલ ઇન્ડિયા ૩ ટકા બગડી ટૉપ લૂઝર હતી. નેસ્લે પોણો ટકો, વિપ્રો ૦.૬ ટકા, ONGC ૦.૪ ટકા ઘટી છે. HDFC બૅન્ક ૫.૭ ટકાની તેજીમાં ૮૧૬ બંધ આપી બજારને ૫૬૭ પૉઇન્ટ તથા ICICI બૅન્ક પાંચ ટકા વધીને ૩૮૧ પૉઇન્ટ અને ઍક્સિસ બૅન્ક સાડાપાંચ ટકા વધીને ૧૯૮ પૉઇન્ટ ફળી છે. કોટક બૅન્ક ૪.૮ ટકા તથા સ્ટેટ બૅન્ક ૩ ટકા મજબૂત હતી. આ પાંચ બૅન્ક શૅરબજારને કુલ ૧૩૬૨ પૉઇન્ટ લાભદાયી નીવડ્યા છે. બૅન્કિંગના ૪૧માંથી ૪૧ શૅર પ્લસ હતા. ઇક્વિટાસ બૅન્ક, યુનિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, બંધન બૅન્ક, DCB બૅન્ક, એયુ બૅન્ક, કૅપિટલ સ્મૉલ બૅન્ક, સૂર્યોદય બૅન્ક ફિનો પેમેન્ટ બૅન્ક, CSB બૅન્ક, IDFC ફર્સ્ટ બૅન્ક, કરુર વૈશ્ય જેવા શૅર ૭ ટકાથી ૧૧ ટકા ઊછળ્યા છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૯૦માંથી ૧૮૭ શૅરના સથવારે સાડાપાંચ ટકાની તેજીમાં હતો. ચોલા મંડલમ્ ફાઇનૅન્સ સાડાસોળ ટકા, પાઇન લૅબ્સ ૧૧.૪ ટકા, આનંદરાઠી શૅર ઍન્ડ સ્ટૉક બ્રોકર્સ ૧૩ ટકા, ચોલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ ૧૦ ટકા, મોતીલાલ ઓસવાલ ૯ ટકા, આદિત્ય બિરલા કૅપિટલ દસ ટકા, બિરલા મની સવાનવ ટકા ઊછળી છે. શ્રીરામ ફાઇનૅન્સ ઉપરમાં ૧૦૩૫ થઈને દસેક ટકાના જોરમાં ૧૦૨૩ બંધ આપીને નિફ્ટીમાં ટૉપ ગેઇનર હતી. બજાજ ફાઇનૅન્સ ૭ ટકા તથા બજાજ ફિન સર્વ ૫.૯ ટકા વધતાં સેન્સેક્સને ૨૮૨ પૉઇન્ટ મળ્યા છે. રિલાયન્સ સવાયા કામકાજે ૩.૩ ટકા વધીને ૧૩૪૭ તો જિયો ફાઇનૅન્શ્યલ પાંચ ટકા વધીને ૨૪૭ બંધ આવી છે.

અમદાવાદી ઓમ પાવર ટ્રાન્સમિશન આજે મૂડીબજારમાં 
અદાણી ગ્રુપમાં અદાણી એન્ટરપ્રાઇઝ ૮.૬ ટકા કે ૧૬૨ રૂપિયા, અદાણી પોર્ટ્સ ૫.૩ ટકા, અદાણી પાવર સવાત્રણ ટકા, અદાણી એનર્જી પોણાનવ ટકા, અદાણી ગ્રીન ૧૧.૪ ટકા, અદાણી ટોટલ ૭.૪ ટકા, NDTV ૭ ટકા, એસીસી ૫.૨ ટકા, અંબુજા સિમેન્ટ્સ સવાછ ટકા, PSP પ્રોજેક્ટસ સવાપાંચ ટકા, સેમી ઇન્ડિયા સાડાસાત ટકા, ઓરિએન્ટ સિમેન્ટ્સ પાંચ ટકા વધી છે. BSE લિમિટેડ ઉપરમાં ૩૨૦૮ થઈને ૭.૪ ટકા કે ૨૧૭ રૂપિયાની તેજીમાં ૩૧૬૮ રહી છે. MCX સવાબે ટકા પ્લસ હતી.

સેન્સેક્સ નિફ્ટી ખાતે લાર્સન ૭.૮ ટકા કે ૨૯૧ રૂપિયા, મારુતિ સુઝુકી સવાછ ટકા કે ૮૧૦ રૂપિયા, અલ્ટ્રાટેક સવાછ ટકા કે ૬૮૦ રૂપિયા, મહિન્દ્ર સાડાછ ટકા, ટાઇટન ૬ ટકા, એટર્નલ પાંચ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૮.૪ ટકા, ઇ​ન્ડિગો સવાઆઠ ટકા, આઇશર આઠ ટકા કે ૫૨૫ રૂપિયા, ગ્રાસિમ ૫.૨ ટકા ઊંચકાઈ હતી.

પ્રાઇમરી માર્કેટમાં આજે અમદાવાદની ઓમ પાવર ટ્રાન્સમિશન ૧૦ના શૅરદીઠ ૧૭૫ની અપરબૅન્ડ સાથે ૧૮ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૫૦ કરોડનો ઇશ્યુ મેઇન બોર્ડમાં કરવાની છે. ૨૦૧૧માં સ્થપાયેલી આ કંપની પાવર ટ્રાન્સમિશન સેક્ટરમાં EPC સેગમેન્ટમાં પ્રવૃત્ત છે. કંપનીએ ૨૨૦૮ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષના ૯ મહિનામાં આવક ૨૭૬ કરોડ થતાં નફો ૨૩૩૭ લાખ દર્શાવ્યો છે. દેવું ૩૮૪૭ લાખ રૂપિયા છે. ઇશ્યુમાંથી પચીસ કરોડ દેવાની પરત ચુકવણીમાં તથા પંચાવન કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર માત્ર ૨૪ પૈસાની છે. ગ્રેમાર્કેટમાં દોઢ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે.

સેન્સેક્સ ૨૯૪૬ પૉઇન્ટ તો માર્કેટકૅપ ૧૬.૨૭ લાખ કરોડ વધ્યું 
ઘરઆંગણે રિઝર્વ બૅન્કે ધારણા મુજબ વ્યાજદરમાં કશો ફેરફાર કર્યો નથી. યુદ્ધને લીધે ફુગાવો વધવાની શક્યતા કબૂલ કરી છે. યુદ્ધવિરામના પગલે વિશ્વબજારોની તેજી સાથે તાલ મિલાવતાં સેન્સેક્સ આગલા બંધથી ૨૬૭૪ પૉઇન્ટના જમ્પમાં ૭૭,૨૯૦ ઉપર ખૂલીને છેવટે ૨૯૪૬ પૉઇન્ટ કે ચારેક ટકા વધીને ૭૭,૫૬૩ તથા નિફ્ટી ૩.૮ ટકા કે ૮૭૪ પૉઇન્ટના ઉછાળે ૨૩,૯૯૭ બંધ થયો છે. આ સળંગ પાંચમા દિવસની આગેકૂચ છે. દિવસ દરમ્યાન શૅરઆંક નીચામાં ૭૭,૦૪૨ તથા ઉપરમાં ૭૭,૬૩૫ થયો હતો. નિફ્ટીમાં ૨૪,૦૨૫ની ઇન્ટ્રા-ડે ટૉપ બની હતી. ટનાટન માર્કેટ બ્રેડથમાં NSE ખાતે વધેલા ૨૯૬૦ શૅર સામે ૩૪૧ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧૬.૨૭ લાખ કરોડ રૂપિયાના વધારામાં હવે ૪૪૫.૪૧ લાખ કરોડ થયું છે.

તમામ સેક્ટોરલ મજબૂત હતા. સેન્સેક્સ અને નિફ્ટીના ચારેક ટકાની સામે રિયલ્ટી ઇન્ડેક્સ પોણાસાત ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૫.૨ ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩.૧ ટકા, ફાઇનૅન્સ બેન્ચમાર્ક સાડાપાંચ ટકા, ઑટો ઇન્ડેક્સ સાડાછ ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૫.૪ ટકા, એનર્જી ઇન્ડેક્સ અઢી ટકા, પાવર ૨.૮ ટકા, યુટિલિટીઝ અઢી ટકા વધ્યા હતા. બૅન્ક નિફ્ટી ૫.૭ ટકા કે ૨૯૭૭ પૉઇન્ટ તથા પીએસયુ બૅન્ક નિફ્ટી સાડાપાંચ ટકા ઊછળ્યો છે. મેટલ ઇન્ડેક્સ, નિફ્ટી મીડિયા ત્રણ ટકા, હેલ્થકૅર એક ટકા, નિફ્ટી ડિફેન્સ ૩.૨ ટકા, FMCG ઇન્ડેક્સ દોઢ ટકા વધ્યો હતો. IT ઇન્ડેક્સ પોણો ટકો કે ૨૩૬ પૉઇન્ટ સુધર્યો છે. Sના ૮૦માંથી ૭૫ શૅર પ્લસ હતા. ડૉલર સામે રૂપિયો ૯૨.૯૯ના આગલા બંધ સામે ઉપરમાં ૯૨.૪૯ બતાવી ૯૨.૫૮ આસપાસ જોવાયો છે.

એશિયા-યુરોપનાં શૅરબજારોમાં જોરદાર તેજી જોવાઈ 
યુદ્ધવિરામના પગલે બ્રેન્ટક્રૂડ ૧૦૯ ડૉલરના આગલા બંધ સામે ગઈ કાલે ૯૨ ડૉલરની અંદર જઈને ૧૫ ટકાના કડાકામાં ૯૪ ડૉલર આસપાસ દેખાયું છે. હાજર સોનું અઢી ટકા વધીને ૪૮૨૯ ડૉલર, કૉમેક્સ ગોલ્ડ ૨.૬ ટકા વધીને ૪૮૫૪ ડૉલર, હાજર ચાંદી સવાછ ટકા ઊછળીને ૭૭.૫૦ ડૉલર, કૉમેક્સ સિલ્વર પોણાઆઠ ટકા તેજીમાં ૭૭.૬૭ ડૉલર ચાલતી હતી. બિટકૉઇન ૭૨,૦૦૦ ડૉલર નજીક જઈને નહીંવત ઘટાડે ૭૧,૭૬૩ ડૉલર જોવાયો છે. નાયમૅક્સ ખાતે નૅચરલ ગૅસ પોણાપાંચ ટકા, હીટિંગ ઑઇલ સાડાસત્તર ટકા તથા ગૅસ પોણાપાંચ ટકા, હીટિંગ ઑઇલ સાડાસત્તર ટકા તથા ગેસોલિન પોણાઅગિયાર ટકા ડાઉન થયું છે.

તમામ અગ્રણી વૈશ્વિક શૅરબજારો જોશમાં આવ્યાં છે. એશિયા ખાતે સાઉથ કોરિયા સાડાછ ટકા, તાઇવાન સાડાચાર ટકા, ઇન્ડોનેશિયા ૪.૪ ટકા, હૉન્ગકૉન્ગ સવાત્રણ ટકા, જપાન ૫.૩ ટકા કે ૩૦૧૪ પૉઇન્ટ, થાઇલૅન્ડ દોઢ ટકા, ચાઇના અઢી ટકા, ઓસ્ટ્રેલિયા અઢી ટકા, ન્યુ ઝીલૅન્ડ દોઢ ટકા, મલેશિયા સવા ટકો, વિયેટનામ ૨.૭ ટકા, બંગલાદેશ ૩ ટકા, શ્રીલંકા ૪.૪ ટકા, ફિલિપીન્સ સવાબે ટકા વધીને બંધ થયું છે. પાકિસ્તાની શૅરબજાર ૧,૫૧,૬૭૩ના આગલા બંધ સામે ઉપરમાં ૧,૬૫,૫૭૫ બતાવી રનિંગમાં ૯.૧ ટકા કે ૧૩,૮૫૦ પૉઇન્ટની તેજીમાં ૧,૬૫,૫૨૦ હતું. 
યુરોપ પણ રનિંગમાં ખાસ્સું મજબૂત જણાયું છે. લંડન ફુત્સી સવાબે ટકા, ફ્રાન્સ પોણાચાર ટકા, જર્મન ડેક્સ સાડાચાર ટકા, ડેન્માર્ક બે ટકા, ટર્કી સવાચાર ટકા, ગ્રીસનો એથેન્સ ઇન્ડેક્સ સવાપાંચ ટકા, સાઉથ આફ્રિકા સાડાપાંચ ટકા, સ્વિસ માર્કેટ ત્રણેક ટકા, સ્પેન સવાત્રણ ટકા, ઇટલી સાડાત્રણ ટકા, લક્ઝમ્બર્ગ સવાપાંચ ટકા, સ્વીડન પોણાચાર ટકા ઉપર દેખાયું છે. ડાઉ ફ્યુચર સવાબે ટકા કે ૧૦૮૬ પૉઇન્ટ વધીને ૪૭,૮૯૬ બતાવતો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 06:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK