Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > ક્રૂડ તેલમાં તેજી : ચૂંટણી બાદ પેટ્રોલ, ડીઝલનો ભાવવધારો ફરી દઝાડશે?

ક્રૂડ તેલમાં તેજી : ચૂંટણી બાદ પેટ્રોલ, ડીઝલનો ભાવવધારો ફરી દઝાડશે?

01 April, 2024 07:30 AM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ઓપેક દ્વારા સતત લંબાતો ઉત્પાદનકાપ અને અમેરિકામાં ઘટતા સ્ટૉકથી ક્રૂડ તેલમાં લંબાતી તેજી : ચૂંટણી પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવઘટાડાની જાહેરાતની ચર્ચાનો ફિયાસ્કો થયા બાદ હવે ભાવવધારાની ચિંતા

પ્રતીકાત્મક તસવીર

કોમોડિટી વોચ

પ્રતીકાત્મક તસવીર


પેટ્રોલ-ડીઝલ જેમાંથી બને છે એ ક્રૂડ તેલના ભાવ છેલ્લા બે મહિનાથી ધીમી ગતિએ વધી રહ્યા છે. વિશ્વના ક્રૂડ તેલના ભાવ બે દેશમાંથી નક્કી થાય છે. એક, અમેરિકાનો ક્રૂડ તેલ વાયદો અને બીજો, યુરોપિયન દેશોનો બ્રેન્ટ વાયદો આખા વિશ્વના ક્રૂડ તેલના ભાવ નક્કી કરે છે. અમેરિકાનો ક્રૂડ તેલ વાયદો છેલ્લા બે મહિનામાં પ્રતિ બૅરલ ૭૦ ડૉલરથી વધીને ૮૩ ડૉલર થયો છે અને યુરોપિયન દેશોનો બ્રેન્ટ વાયદો ૭૫ ડૉલરથી વધીને ૮૭ ડૉલર થયો છે. આમ, બન્ને વાયદામાં ૧૮થી ૨૦ ટકાની તેજી છેલ્લા બે મહિનામાં જોવા મળી છે. છેલ્લાં બે સપ્તાહમાં ક્રૂડ તેલની તેજી વધુ ઝડપી બની છે. ક્રૂડ તેલનું સૌથી મોટું ઉત્પાદન અમેરિકા, રશિયા અને સાઉદી અરેબિયામાં થાય છે અને સૌથી વધુ વપરાશ અમેરિકા, ચીન અને ભારતમાં થાય છે. ક્રૂડ તેલની નિકાસ કરનારા એક ડઝનથી વધુ દેશોનું  સંગઠન ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) છે જેનું આધિપત્ય સાઉદી અરેબિયા પાસે છે. હવે ઓપેક સાથે રશિયા અને અન્ય દેશો જોડાઈને ઓપેક પ્લસ નામનું સંગઠન તૈયાર કર્યું છે જેના પર સાઉદી અરેબિયા અને રશિયા બન્નેનું સરખું આધિપત્ય છે અને બન્ને દેશો અમેરિકાને ક્રૂડ તેલની માર્કેટમાં માત કરવા માગે છે. ક્રૂડ તેલના ભાવ દરેક કૉમોડિટીની જેમ સપ્લાય અને ડિમાન્ડ પરથી નક્કી થાય છે, પણ ક્રૂડ તેલમાં સપ્લાય અને ડિમાન્ડની સાથે રાજકીય સ્થિતિ અને યુદ્ધની સ્થિતિની સૌથી મોટી અસર પણ થાય છે. હાલ જે દેશો વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે એ તમામ દેશો ક્રૂડ તેલના ઉત્પાદન અને સપ્લાય સાથે સંકળાયેલા હોવાથી ક્રૂડ તેલના ભાવ પર મોટી અસર પડી રહી છે. હાલ ક્રૂડ તેલના ભાવની તેજી પર એક કરતાં વધુ કારણની અસર પડી રહી છે અને દૂર-દૂર સુધી આ કારણોની અસર લંબાતી જવાનું દેખાઈ રહ્યું હોવાથી ક્રૂડ તેલના ભાવ હજી વધશે એવું સ્પષ્ટપણ જણાય છે. 


લાંબા સમયથી યુદ્ધની સ્થિતિ 
રશિયા-યુક્રેન વચ્ચે ૨૦૨૨ની ૨૪ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું હતું જે હજી ચાલુ છે અને બન્ને દેશો એકબીજાને બરબાદ કરવા હજી પણ પુરા ખુન્નસથી લડી રહ્યા છે. રશિયાને નબળું પાડવા અમેરિકાનું પીઠબળ અને નાણાકીય તાકાત યુક્રેનને સતત મળી રહી છે. રશિયા ક્રૂડ તેલના ઉત્પાદનમાં વિશ્વમાં બીજું સ્થાન ધરાવતું હોવાથી આ યુદ્ધની ક્રૂડ તેલના ભાવ પર મોટી અસર પડી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૨૫ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં તાજેતરમાં યુક્રેને રશિયાની ક્રૂડ તેલ રિફાઇનરી પર ડ્રોનથી હુમલો કરતાં ક્રૂડ તેલના ભાવને વધવા માટે નવું કારણ મળ્યું છે. યુક્રેનના ડ્રોન-હુમલામાં રશિયાની ૧૦ ટકા કૅપિસિટી ધરાવતી ક્રૂડ તેલ રિફાઇનરીઓને નુકસાન થયું છે જેને કારણે રશિયા દ્વારા થતી ક્રૂડ તેલની સપ્લાય પર મોટી અસર પડી છે. રશિયા ભારત ઉપરાંત એશિયા અને યુરોપના અનેક દેશોને ક્રૂડ તેલની સપ્લાય કરી રહ્યું છે. રશિયાની ક્રૂડ તેલ રિફાઇનરીઓ પર યુક્રેનના ડ્રોન હુમલા બાદ ક્રૂડ તેલ વાયદામાં ૭થી ૮ ડૉલરની તેજી જોવા મળી છે. ઇઝરાયલ અને પેલેસ્ટીનના આતંકવાદી ગ્રુપ હમાસ વચ્ચે ૨૦૨૩ની ૮ ઑક્ટોબરથી યુદ્ધ ચાલુ છે જે હજી પણ ચાલુ છે. હમાસ ગ્રુપને અનેક આરબ અને મુસ્લિમ દેશોની સરકાર અને આ દેશોનાં આતંકવાદી જૂથોનું ખુલ્લું સમર્થન છે. યમન, કતાર અને ઈરાન સહિતના અનેક મુસ્લિમ દેશોનું સમર્થન ધરાવતું હુથી આતંકવાદી ગ્રુપ પણ હમાસના સમર્થનમાં ઇઝરાયલનું સમર્થન કરનારા અમેરિકા, બ્રિટન સહિત તમામ દેશો સાથે લાલ સમુદ્ર વિસ્તારમાં લડી રહ્યું છે. યુરોપ અને એશિયાને જોડતી સુએઝ કનૅલ લાલ સમુદ્રમાં આવેલી છે. આ સુએઝ કનૅલમાંથી પસાર થતી તમામ સ્ટીમરો પર હુથી આતંકવાદીઓ દ્વારા છેલ્લા દોઢ મહિનાથી સતત હુમલા થતા હોવાથી વિશ્વની મોટા ભાગની શિપિંગ કંપનીઓએ પોતાના રૂટને અન્ય રૂટ તરફ વાળવા પડ્યા છે જેને કારણે સ્ટીમરનાં ભાડાં ત્રણથી પાંચ ગણાં વધ્યાં છે અને ક્રૂડ તેલની સપ્લાયનો ટાઇમ પણ દોઢથી બે ગણો વધ્યો છે. આમ, ક્રૂડ તેલની અવરજવર મોંઘી અને લંબાણભરી બની હોવાથી ક્રૂડ તેલના ભાવને અસર પહોંચી રહી છે. 



ક્રૂડ તેલમાં ઉત્પાદનકાપનું અભિયાન 
ઓપેક સંગઠનના દેશો અને રશિયા સાથે જોડાયેલા દેશો દ્વારા છેલ્લા એક વર્ષથી ક્રૂડ તેલની સપ્લાય ઓછી કરવા માટે ઉત્પાદનકાપનું અભિયાન ચાલી રહ્યું છે. ક્રૂડ તેલના ભાવ વધુ પડતા ઘટી જાય તો ક્રૂડ તેલનું મોટું ઉત્પાદન કરતા અને નિકાસ કરતા દેશોના અર્થતંત્રને મોટી અસર પડે એ માટે ઓપેક પ્લસ સંગઠન દ્વારા છેલ્લા દોઢ વર્ષથી દર ત્રણ મહિને ઉત્પાદનકાપ લંબાવવામાં આવી રહ્યો છે. ઓપેકે જૂન ૨૦૨૩માં રોજનો ૨૨ લાખ બૅરલ ઉત્પાદનકાપ મૂક્યો હતો જે દર મહિને લંબાવીને તાજેતરમાં જૂન ૨૦૨૪ સુધી લંબાવવામાં આવ્યો છે. રશિયા અને સાઉદી અરેબિયા દ્વારા આ ઉત્પાદનકાપની આગેવાની લેવાય છે અને આ બન્ને દેશોમાં સૌથી વધુ ઉત્પાદનકાપ મુકાય છે. એક તરફ યુદ્ધને કારણે સપ્લાય અટકી રહી છે અને બીજી તરફ ઉત્પાદનકાપને કારણે સપ્લાય અટકી રહી છે. આમ, ક્રૂડ તેલમાં સપ્લાયની કટોકટી સતત લંબાઈ રહી છે. અધૂરામાં પૂરું, અમેરિકાનો ક્રૂડ તેલ સ્ટૉક સતત વધ-ઘટ વચ્ચે ધીમી ગતિએ ઘટી રહ્યો છે. અમેરિકા ક્રૂડ તેલનું સૌથી મોટું વપરાશકાર હોવાથી ત્યાં ક્રૂડ તેલનો સ્ટૉક ઘટતાં તેજીનું નવું કારણ ઉમેરાઈ રહ્યું છે. 


ક્રૂડ તેલના વપરાશમાં વધારો 
ચીન ક્રૂડ તેલનું સૌથી મોટું આયાતકાર અને વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું વપરાશકાર છે. ચીનની આર્થિક સ્થિતિ કોરોના બાદ સતત બગડી રહી હતી જેમાં હવે થોડી રિકવરી શરૂ થઈ રહી છે. ચીનની સેન્ટ્રલ બૅન્ક અને ગવર્નમેન્ટ દ્વારા ચીનની આર્થિક સ્થિતિ સુધારવા પણ સઘન પ્રયાસ થઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં ચીનની ક્રૂડ તેલની ડિમાન્ડ વધવાની ધારણા છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી આર્થિક વિકાસ સાધતું રાષ્ટ્ર લાંબા સમયથી છે. ભારતનો આર્થિક વિકાસ વધવાની સાથે ક્રૂડ તેલની આયાત પણ કૂદકે ને ભૂસકે વધી રહી છે. ભારત ક્રૂડ તેલની જરૂરિયાતનું ૯૦ ટકા કરતાં વધુ આયાત કરી રહ્યું  છે ત્યારે ભારતની વધતી ડિમાન્ડની  પણ અસર ક્રૂડ તેલના ભાવ પર પડી રહી છે. અમેરિકામાં મે મહિનાથી સમર વેકેશન ચાલુ થતાં ક્રૂડ તેલનો વપરાશ મોટા પાયે વધશે. આમ, ક્રૂડ તેલમાં સપ્લાયના ઘટાડા સામે વપરાશ વધવાનાં કારણો ભળતાં ભાવ એકધારી રીતે વધી રહ્યા છે. ભારતમાં હાલમાં ચૂંટણીઓ સામે હોવાથી પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો જાહેર ન થાય એ સ્વાભાવિક છે. તાજેતરમાં ચૂંટણીઓ પહેલાં મોદી સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડશે એવી ચર્ચા હતી, પણ હવે ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધે એવા સંકેત મળી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2024 07:30 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK